લગ્નની તૈયારીઓ એટલે ખર્ચાળ લગ્ન પહેલા જ ખર્ચાઓની હારમાળા

0
886
Photo Courtesy: YouTube

“બહારોં ફૂલ બરસાઓ… મેરા મહેબૂબ આયા હૈ..”, “આજ મેરે યાર કી શાદી હૈ…” જેવાં જુના ને જાણીતા ગીતો અને એમાં વળી ઓલી “ડૉન” ની થીમ લગ્નની જાનમાં ન વાગે ત્યાં સુધી ગુજરાતી લગ્નની મજા નથી. ઠેર ઠેર લગ્ન અને તેની આસપાસના પ્રસંગો ધૂમ મચાવી રહ્યાં છે. આજથી ઓછામાં ઓછા 10 વર્ષ પહેલાંના લગ્નની વાત કરીએ તો” center of attraction” એવાં વર – કન્યા વચ્ચે જરાક સરખો “શરમ” નો પડદો હતો. પણ હવે? કાઉન્ટ ડાઉનનો જમાનો, ફોટોશુટની મોસમ, લગ્નની મેચીંગ ખરીદીઓ, સંગીત સંધ્યાના ડાંસ નંબર્સ, અને લગ્નને દિવસે દેખાતો ઉમળકો…

આજથી દસકા પહેલાં ઘરમાં લગ્ન લેવાય એટલે સૌથી પહેલાં તો મહેમાનોની ગણતરી થતી. વધી જાય તો ઘરમાં હોબાળો થાય. ડીશના ભાવ પ્રમાણે આમંત્રણ આપવામાં આવતું હતું. મોટેભાગે કેટરીંગ હૉલના ભાડામાં સમાઈ જાય તેમ નક્કી થતું. એક ચોક્કસ બજેટને ઘ્યાનમાં રાખીને લગ્નને લગતી તમામ વ્યવસ્થા થતી. બીજી તરફ, કન્યાને પસંદગીનું ઓપ્શન આપવામાં આવતું નહી. સાસરેથી જે કાંઈ આપે તે ચલાવી લેવાનું.

પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રથામાં ફેરફાર આવ્યો છે. લગ્ન લગ્ન ન રહેતાં, જાણે એક તહેવાર હોય તેમ ઉજવવામાં આવે છે. સગાઈ કે સગપણ થઈ જાય એટલે ઉત્સાહ બમણો થાય. લગ્ન નજીક આવે તે પહેલાં જ વહુ સાસરાના આંટા મારવા લાગે. મનપસંદ પોષાકની ખરીદીથી લઈને ઘરેણાંમાં, થનારી વહુ પોતાના અભિપ્રાય આપી શકે તેવું વાતાવરણ જોવા મળે છે. એકંદરે સારું પણ છે કે થનારી વહુને પહેલેથી જ આવકાર મળી જાય છે.

લગ્નની તારીખ નજીક આવતાં જ ફોટોશૂટ માટે જગ્યાઓની શોધ ચાલે. કોઈ ચોક્કસ પસંદગીની જગ્યા મળતાં જ કોઈ મૂવીની સિક્વંસની જેમ ફોટા પાડવામાં આવે. નવાં નવાં કપડાં બદલવામાં આવે, એમાં પણ હવે તો મોર્ડન કપડાંનો ટ્રેન્ડ જોવા મળે છે. જાતજાતના ગીતો સિલેક્ટ કરી બેકગ્રાઉન્ડમાં વગાડવામાં આવે અને જાણે હીરો હીરોઇન હોય તેમ ફિલ્મી ઢબે શૂટિંગ થાય. અને આ બધી પ્રોસેસનો ઉપયોગ લગ્નનાં કાઉન્ટ ડાઉન માટે, invitation card માટે, સોશિયલ મીડિયામાં અપડેટ માટે ઉપયોગ કરવામાં આવે.

લાગતું વળગતું: ગ્રીન વેડિંગ નહીં તો લગ્નનું રજીસ્ટ્રેશન પણ નહીં – કોયલાડુ ગ્રામપંચાયત

આ બધું પતે એટલે લગ્ન નજીક આવતાં જ ડાંસ રિહર્સલ શરૂ થાય, ડ્રેસ કોડ નક્કી થાય અને અન્ય જરૂરી, બિનજરૂરી ખર્ચાઓની હારમાળા સર્જાય. અને જ્યારે લગ્ન થાય ત્યારે જાણે જંગ જીત્યા જેટલી ખુશી સાથે આતશબાજી થાય.

શું લગ્નનું celebration માત્ર ખર્ચાઓ, વ્યવહારો અને દેખાડા પૂરતું સીમિત છે? કોને કેટલો હરખ છે તે લાગણીને બદલે રૂપિયાની રમઝટથી ખબર પડે. આ બધું પણ જરૂરી છે, પણ ક્યારે? જ્યારે લગ્નનાં જલસાની સાથે સાથે લગ્નનાં બંધનને સમજાવવામાં આવે ત્યારે. જ્યારે લગ્ન પાછળ કરેલાં આ બધાં જ ખર્ચાઓ જીવનભર સાથે રહીને સમજાય ત્યારે. જ્યારે ફોટોશૂટ દરમિયાન કેમેરા સામે દર્શાવેલા ભાવ જીવનમાં ખરેખર ઉતારવામાં આવે ત્યારે. કપડાંમાં કરેલાં મેચીંગની સમજ વ્યવહારમાં અને વર્તનમાં વપરાય ત્યારે.

લગ્ન એક એવી સંસ્થા છે જ્યાં વિશ્વાસ, લાગણી, જીવનભરનો સાથ જ કામ લાગશે. અને ત્યારે “હર ગમ ફિસલ જાએ… અગર તુમ સાથ હો” ની વ્યાખ્યા ચરિતાર્થ થાય.

અસ્તુ!!

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ, સસ્તું સારું અને ટકાઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here