મળો તમારા નાનકડા બાળકની તંદુરસ્તી જાળવવા માટેની ખાસ ખોરાક ઈલેવનને!

0
165
parenting.firstcry.com

બાળક જ્યારે નાનું હોય એટલેકે એનો ઉછેર હજી શરુ જ થયું હોય કે પછી હજી તો એ હાલતું ચાલતું થયું હોય અથવાતો તે પાંચ વર્ષ કે તેનાથી નાનું હોય ત્યારેજ તેની જીવનભરની તંદુરસ્તી માટેનો પાયો નંખાઈ જવો જોઈએ. એ શક્ય છે કે માતાપિતા બંને કામ કરતા હોય ત્યારે ભૂખ્યા બાળકના મોઢામાં ચિપ્સ, બજારુ નાસ્તાઓ કે પછી કોઈવાર બહારના પિત્ઝા અને પાસ્તા નાખવાનો પણ તેમની પાસે સમય ન હોવા છતાં તેઓ તેની ભૂખ શાંત કરવા આમ કરતા હોય છે.

parenting.firstcry.com

પરંતુ શું આમ કરવું યોગ્ય છે ખરું? કદાચ ના અને બિઝી માતાપિતાને પણ તેનો ખ્યાલ છે જ. બિઝી કે નોન બિઝી માતાપિતા અહીં આપવામાં આવેલી કેટલીક ટિપ્સનો જો ઉપયોગ કરે અને સમય કાઢીને પોતાના બાળકની તંદુરસ્તી માટે અહીં આપેલા ખોરાકનો ઉપયોગ કરે તો તેમના બાળકનું સંપૂર્ણ બાળપણ અને કિશોરાવસ્થા તંદુરસ્ત જ જાય એવી પુરેપુરી શક્યતાઓ છે.

નાના બાળકની તંદુરસ્તી ઈલેવન

ઈંડા: ઈંડામાં ભરપૂર પ્રોટીન હોય છે અને બહુ ઓછા કુદરતી સ્ત્રોતોમાંથી એક છે જેમાં વિટામીન D આસાનીથી અને ભરપૂર  માત્રામાં મળી જાય છે જે કેલ્શિયમને પચાવવામાં શરીરને મદદ કરે છે. સવારે જ બાળકને ઇંડાનો નાસ્તો કરાવવાથી તેને લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી.

ઓટમીલ: એવા અસંખ્ય સંશોધનો એમ કહે છે કે જે બાળક ઓટમીલ ખાય છે તે શાળામાં બહેતર રીતે અભ્યાસમાં ધ્યાન આપી શકે છે. ઓટમાં ફાયબર પૂરતા પ્રમાણમાં હોય છે અને તે ધીમેધીમે પચે છે જેથી બાળકમાં ઉર્જાનો સંચાર લાંબા સમય સુધી રહેતો હોય છે.

ફળફળાદિ: કોઇપણ પ્રકારનું ફળ તમારા બાળક માટે સારું જ હોય છે કારણકે તેમાં અત્યંત જરૂરી વિટામીન અને  મિનરલ્સ હોય છે. એવા ઘણા ફળ છે જેમાં ફાઈબર પણ છે જે બાળકને સતત તંદુરસ્ત રાખે છે. જો વિવિધ પ્રકારના ફળો દરરોજ બાળકોને ખવડાવવામાં આવે તો તેના લાભની સંખ્યા અતિશય રહેતી હોય છે.

અખરોટ, બદામ વગેરે: અખરોટ બદામમાં હેલ્ધી ફેટ્સ હોય છે જે બાળકને આગળ વધવા અને તેના શારીરિક વિકાસ માટે અત્યંત જરૂરી છે તેમજ તેના હ્રદયની તંદુરસ્તી માટે પણ તે ખાવા સલાહભર્યું છે. સવાર સવારમાં અમુક નંગ અખરોટ, જરદાલુ, બદામ, કાજુ અને કિશમિશ ભેગા કરીને બાળકને જરૂર ખવડાવવા જોઈએ.

દૂધ: ભરપૂર પ્રોટીન અને કેલ્શિયમ ધરાવતું દૂધ બાળકોના મગજ અને શરીર માટે બળતણનું કાર્ય કરે છે, એટલેકે તેમને થાક લાગ્યા વગર પોતાની રોજીંદી પ્રવૃત્તિઓ કરવામાં મદદ કરે છે. પ્રોટીન બ્રેઈન ટીસ્યુ બનાવવામાં મદદ કરે છે જ્યારે કેલ્શિયમ બાળકના હાડકાં અને દાંત મજબૂત કરે છે.

બ્લ્યુબેરીઝ: એવું કહેવાય છે કે બ્લ્યુબેરીઝ એ તમામ ફ્રૂટ્સમાં સહુથી હેલ્ધી ફ્રુટ છે. બાળકોમાં તે ટોક્સિકનું પ્રમાણ ઓછું કરે છે, એટલેકે નાનપણમાં થઇ શકતી ઓબેસિટીને દૂર રાખવામાં આ ફળ અત્યંત મદદરૂપ છે. બ્લુબેરીઝને દૂધમાં નાખીને કે પછી સેલડમાં વપરાશ કરીને અથવાતો ઘેરે જો આઈસ્ક્રીમ બનાવવામાં તમને સરળતા હોય તો એમાં પણ તેને ઉમેરીને બાળકની તંદુરસ્તી જાળવી શકાય છે.

લાગતું વળગતું: તમારા સંતાન સાથે ભેગા બેસીને સંગીત સાંભળો; ફાયદો તમારો જ છે

ટોફુ: એવું કહેવાય છે કે ટોફુમાં એ પ્રકારનું પ્રોટીન છે જે કેન્સરને દૂર રાખવામાં મદદ કરી શકે છે. ખાસકરીને બાળકીઓને ટોફુ જરૂરથી ખવડાવવું જોઈએ કારણકે તે તેમના શરીર અને સમય આવ્યે તેમના સ્તનોના ટીસ્યુના વિકાસમાં અત્યંત અસરકારક છે અને તે બાળકીની યુવાની સુધી તેને મદદરૂપ થાય છે. તમારા બાળક કે પછી બાળકીને સૂપ પીવડાવતા હોવ તો હવેથી તેમાં ટોફુ ઉમેરવું ભૂલતા નહીં.

ટમેટાં: ટમેટાંમાં લાયકોપીન નામનું તત્વ છે જે ઘણા બધા કેન્સરથી બચાવ કરે છે. ટમેટાંને તેલ સાથે રાંધવામાં આવે તો તેની અસર બમણી થઇ જતી હોવાનું સંશોધકો કહે છે. અફકોર્સ પિત્ઝા જે બાળકોને અત્યંત પ્રિય હોય છે તેમાં ટમેટાં અનિવાર્ય હોય છે તેમજ પાસ્તા સોસમાં પણ ટમેટા હોય છે. તો ઘરે પિત્ઝા બનાવી તેમાં ટામેટાંનું પ્રમાણ વધારીને અથવાતો વારંવાર ટોમેટો સૂપ નાસ્તામાં આપીને બાળકોની તંદુરસ્તી ટકાવી શકાય છે.

દહીં: શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ પાચનતંત્ર મજબૂત કરવામાં દહીંમાં રહેલા હેલ્ધી બેક્ટેરિયા ખૂબ મદદ કરે છે. સામાન્ય દહીંમાં અન્ય ખાદ્ય પદાર્થો કરતા ત્રણ ગણું પ્રોટીન અને ઓછી ખાંડ હોય છે. એક વર્ષથી મોટા બાળકને દહીંમાં થોડું મધ નાખીને ખવડાવવામાં આવે તો તેને ભાવશે પણ ખરું અને તેનું પાચન પણ સુધરશે.

કોબીજ: જો તમારું બાળક કાચા સલાડમાં કોબીજ પસંદ ન કરતું હોય તો અત્યંત ઓછા તેલમાં તેને શિમલા મરચા અથવાતો ગાજર સાથે તળીને પણ કોબીજ ખવડાવી શકાય છે. કોબીજ શરીરમાં રહેલા નુકશાનકારક ટોક્સીનને દૂર કરે છે. જો બાળકને નૂડલ્સ પસંદ હોય તો તેમાં પણ કોબીજ ભેળવીને તેની તંદુરસ્તી જાળવી શકાય છે.

કોકા: શું તમને ખબર છે કે કોકામાં ફ્લેવોનોઈડ્સ નામના તત્વની સહુથી વધુ માત્રા હોય છે? આ એક એવું તત્વ છે જે બ્લડપ્રેશર અને હ્રદયની તંદુરસ્તીને સુધારે છે અને મોઢાંની બીમારીઓને દૂર રાખે છે. કોકા બાળકોની નાજુક ત્વચાને સૂર્યથી બચાવવાનું કાર્ય પણ આસાનીથી કરે છે. બસ તમારે એટલું ધ્યાન રાખવું જોઈએ કે તમે જે કોકાનો વપરાશ તમારા બાળકને ખવડાવવામાં કરો તે પ્રોસેસ્ડ ન હોય.

તુલસી (બારમો ખેલાડી): જેમ ઈલેવનની બહાર રહીને પણ બારમો ખેલાડી ટીમની કોઈકવાર મદદ કરી દેતો હોય છે તેવીજ રીતે ભારતમાં લગભગ દરેક ઘરમાં મળતી તુલસી પણ બાળકની તંદુરસ્તીનું ધ્યાન ઘરની બહાર રહીને પણ રાખે છે. તુલસીમાં વિટામીન A, C અને K હોવા ઉપરાંત આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમ હોય છે જે બાળકને ખોરાક પચાવવામાં મદદ કરે છે. આથી વધુ નહીં તો દરરોજ બાળકને પાંચ તુલસી પત્ર ખવડાવીને તેના પાચનનું ધ્યાન રાખી જ શકાય.

તો હવે તમારી પાસે બાળકની તંદુરસ્તી માટે બેટિંગ કરતી એક જબરદસ્ત ઈલેવન ઉપલબ્ધ છે. આશા છે આ ઈલેવનનો યોગ્ય ઉપયોગ કરીને તમે તમારા બાળકના સમગ્ર જીવનની તંદુરસ્તીને અંકે કરી લેશો.

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: રહો સદાય ફીટ! તમારી સતત સાથે રહેતા Smart Bands ની Smart Stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here