Home અર્થતંત્ર 2019માં તો મોદી જ આવશે: શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા

2019માં તો મોદી જ આવશે: શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા

0
150
Photo Courtesy: cnbctv18.com

ત્રણ રાજ્યોની ચૂંટણીના પરિણામો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ભલભલા સમર્થકોને 2019માં આવનારી લોકસભાની ચૂંટણીમાં તેમના પ્રિય નેતા અને પક્ષના ભવિષ્ય અંગે ચિંતા થવા લાગી છે. પરંતુ શેરબજારના ‘બિગ બુલ’ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલા એ બાબતે નિશ્ચિંત છે. તેઓએ હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં ઠંડા કલેજે જણાવ્યું છે કે ગમે તે હોય પણ 2019ની લોકસભા ચૂંટણીઓ બાદ નરેન્દ્ર મોદી જ દેશની શાસનધૂરા ફરીથી સંભાળશે.

Photo Courtesy: cnbctv18.com

જ્યારે રાકેશ ઝુનઝુનવાલા જેવો રોકાણકાર જેને ભારતના વોરન બફે પણ કહેવાય છે તે આવો આત્મવિશ્વાસ મોદી સરકારના પુનરાગમન વિષે ધરાવતા હોય ત્યારે તેની પાછળ તેમની પાસે નક્કર કારણો પણ હોવાના જ અને રાકેશ ઝુનઝુનવાલા પાસે એ નક્કર કારણો છે પણ ખરા.

રાકેશ ઝુનઝુનવાલા સ્પષ્ટપણે માને છે કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર વિરુદ્ધ અનુક્રમે પાંચ અને પંદર વર્ષની એન્ટી ઇન્કમબન્સી હોવા છતાં તેમના મતોની ટકાવારીમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી તે અતિશય મહત્ત્વનું કારણ છે. ખરેખર તો આ વાત ભારતના ‘કહેવાતા રાજકીય પંડિતો’ એ બૂમો પાડી પાડીને કહેવી જોઈએ જે આજકાલ કોંગ્રેસના કમબેક અને રાહુલ ગાંધીની સફળતાના ગુણગાન ગાઈ રહ્યા છે.

ઝુનઝુનવાલાને ભારતીય લોકશાહીની મેચ્યોરીટી પર પણ વિશ્વાસ છે. તેમનું માનવું છે કે ભારતના લોકો એટલા તો મેચ્યોર છે જ કે તેઓ તેમના માટે શું સારું છે કે શું ખરાબ તે નક્કી કરી શકે. રાકેશ ઝુનઝુનવાલા ભારપૂર્વક કહે છે કે આમતો શેરબજાર અને કંપનીઓ રાજકારણ અને રાજકીય પક્ષો કરતા પર હોય છે પરંતુ પોતે ભાજપ અને નરેન્દ્ર મોદી સમર્થક છે અને તેમને નથી લાગતું કે ભાજપને એક અઘરી લડાઈ લડ્યા બાદ 2019માં પુનરાગમન કરવામાં કોઈ મોટો વાંધો આવે.

લાગતું વળગતું: નરેન્દ્ર મોદીના દરેક ભારતીયને પંદર લાખ આપવાના વાયદા પાછળનું સત્ય

રાકેશભાઈએ ગત ચાર-સાડાચાર વર્ષનું એનાલિસીસ પણ કર્યું છે. તેમના મતે અત્યારે ભારતના વિકાસનો માર્ગ અત્યંત ઉંચો જઈ રહ્યો છે. હાલમાં બજારની સ્થિતિ અત્યંત સારી છે અને ઐતિહાસિક સ્તરે સારી છે અને તે આવનારા મહિનાઓમાં બજારને હજી પણ ઉંચે લઇ જશે.

આર્થિક મોરચે રાકેશ ઝુનઝુનવાલાનું માનવું છે કે ભારતમાં ઉત્પાદનનું અને સ્થાનિક બજાર માંગનું ચિત્ર સુધર્યું છે. બેન્કિંગ ક્ષેત્રમાં IL&FSની તકલીફ જરૂરથી છે પરંતુ બેન્કોની ફડચામાં ગયેલી લોન પર ઘણાખરા અંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. રાકેશ ઝુનઝુનવાલા તો એટલી હદ સુધી કહે છે કે હાલમાં બેન્કો પાસે અગાઉ ક્યારેય ન હોય એટલું ભંડોળ છે અને તેને ક્યાં વાપરવું તેનો મીઠો સવાલ આપણી બેન્કોને સતાવી રહ્યો છે.

GST વિષે રાકેશભાઈ કહે છે કે GST એ અર્થતંત્ર માટે ઘણી સારી કરવ્યવસ્થા છે પરંતુ આપણા લોકો તેની તકલીફો વિષે વધુ ચર્ચા કરે છે નહીં કે તેનાથી થતા ફાયદાઓ અંગે. રાકેશ ઝુનઝુનવાલા એવું માને છે કે શેરબજારમાં સ્થાનિક રોકાણ રાહ જોઈ રહ્યું છે અને ગમે ત્યારે તે શેરબજારમાં આવી પહોંચશે. આ ઉપરાંત તેમને SIPનું ભાવિ પણ ઉજ્જવળ લાગે છે. રાકેશ ઝુનઝુનવાલા કહે છે કે અન્ય બચત યોજનાઓ કરતા જ્યારે SIP 15% જેટલું વળતર આપતું હોય ત્યારે ભારતીય બચતકર્તા તેના પ્રત્યે આકર્ષાય એ સ્વાભાવિક છે.

આમ આર્થિક મામલે જેમની વાત માનવી જ પડે એવા રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની તાજી મુલાકાતમાં એમની કેટલીક રાજકીય સમજદારી પણ દેખાડી દીધી છે. આટલું જ નહીં પરંતુ તટસ્થ થવાનો કે કોઇપણ પ્રકારનો પક્ષ ન લેવાનો દંભ ન કરતા એમણે સ્પષ્ટપણે પોતે કયા રાજકીય પક્ષની વિચારસરણી પસંદ કરે છે એ કહી દઈને ઘણા કહેવાતા તટસ્થોને શરમજનક પરિસ્થિતિમાં મૂકી દીધા છે.

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: RBIની સોવરેન ગોલ્ડ બોન્ડ્સ (SGB) સ્કીમ 2018-19 વિષે સંપૂર્ણ માહિતી

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!