સ્માર્ટ ફોન વિશેની ગેરમાન્યતાઓ જાણો અને સ્માર્ટ બનો

0
542
Photo Courtesy: Veloxity.us

સ્માર્ટ ફોન્સ આજે આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. આ સ્માર્ટ ફોન્સ (ખાસ તો આઈફોન અને એન્ડ્રોઇડ) છેલ્લા એક દસકામાં જ આપણા જીવનમાં પ્રવેશ્યા છે. આ ટેક્નોલોજીએ છેલ્લા દસ વર્ષમાં ઘણું જોયું છે અને એને લગતી ઘણી માન્યતાઓ આપણી અંદર આવી ગઈ છે. અને એમની અમુક, જેમકે બેટરીના ઉપયોગ, ફોનનું ચાર્જિંગ, કેમેરા વગેરે વિષે જોડાયેલી માન્યતાઓ ગેરમાર્ગે દોરે છે. આવી સ્માર્ટ ફોન વિશેની ખરાબ ગેરમાન્યતાઓ કઈ છે એનું કારણ અને મારણ જાણીશું આપણે આજના આ અંકમાં….

માન્યતા 1: ફોનની બેટરીને રી-ચાર્જ કરતા પહેલા એકવાર સંપૂર્ણ ડિસ્ચાર્જ કરવી જરૂરી છે.

કારણ: શરૂઆતમાં(2008 પહેલા) સ્માર્ટ ફોનમાં નિકલ કેડમિયમ બેટરીઓ આવતી, જેમાં એક મેમરી જેવું રહેતું. જે કેટલીવાર 0% અને કેટલીવાર 100% બેટરી ચાર્જ છે એ “યાદ રાખતી”. અને આવી બેટરીઓની સંપૂર્ણ કાર્યક્ષમતા ત્યારેજ આવતી જયારે એને ચાર્જ કરતા પહેલા સંપૂર્ણ ડિસ્ચાર્જ કરવામાં આવી હોય. અને આવું કરતા રહેવાથી આ બેટરીઓ લાંબા સમય સુધી ચાલતી.

અત્યારની પરિસ્થિતિ: છેલ્લા પાંચ-સાત વર્ષથી ફોનમાં લિથિયમ આયન બેટરીઓ સામાન્ય (અને કૈક અંશે ફરજીયાત) થઇ ગઈ છે. જેમાં આવી મેમરી નથી હોતી. તમે આવી બેટરીને 0% થી 100% રિચાર્જ કરો કે 99% થી 100%, બેટરી માટે બંને પરિસ્થિતિ સરખી જ છે. એટલે આપણે સ્માર્ટ ફોનની બેટરીને આપણી અનુકૂળતાએ બિંદાસ રિચાર્જ કરી શકીએ છીએ.

સાવચેતી: ઘણી લિથિયમ આયન બેટરીઓને વારંવાર ચાર્જ કરવાથી ક્યારેક એવું બને છે કે એનો સાચો પાવર અને એની ક્ષમતાનું રીડિંગ અલગ અલગ આવે. (જેમકે બેટરી 50% દેખાડતી હોય અને ખરેખર હોય 30-40% આસપાસ). આવું ન થવા દેવા માટે પંદર-વિસ દિવસે એકાદવાર (અને વધારે ઉપયોગ ન હોય તો દોઢ મહિને એકાદવાર) સાવ 0% કરીને એને ફૂલ ચાર્જ કરવી હિતાવહ છે, જેથી આ રીડિંગ સાચું આવે.

માન્યતા 2: આખી રાત સ્માર્ટ ફોન ચાર્જિંગ માં ન મુકાય, બેટરી ખરાબ થઇ જાય.

કારણ: લગભગ ઉપર કહ્યું એજ, દસ વર્ષ પહેલાની બેટરીઓ એટલી સ્માર્ટ ન હતી. ઘણીવાર એ 100% ચાર્જ થઇ ગયા પછી પણ ચાર્જ લીધા કરતી. અને એના લીધે બેટરી લાઈફ ઘટવા માંડતી.

અત્યારની પરિસ્થિતિ: પણ એ દસ વર્ષ પહેલાની બેટરીઓ હતી, અને એ બેટરીઓ જે ફોનમાં રહેતી એ સ્માર્ટ ફોન ન હતા. અત્યારની બેટરીઓ ઘણી સ્માર્ટ થઇ ગઈ છે. એને ખબર છે કે ક્યારે એ ફુલ્લી ચાર્જ થઇ ગઈ છે. અને જયારે આવું થાય ત્યારે તેઓ ચાર્જિંગ લેવાનું બંધ કરી દે છે અને આખી ચાર્જિંગ સર્કિટ (ફોન + ચાર્જર) ને સ્ટેન્ડબાય મોડ પર મૂકી દે છે જેમાં સાવ હળવો વીજપ્રવાહ પસાર થાય છે, જે નથી બિલમાં વધારો કરતો, કે નથી ફોન ને કઈ નુકસાન કરતો.

સાવચેતી: ઘણીવાર (ખાસ કરીને સેમસંગ અને શાઓમી જેવા ફોનમાં) ઓવરચાર્જિંગ થવાના, ફોન ગરમ થવાના કે ફોન ફાટવાના સમાચાર આવે છે. આ પ્રોબ્લેમ જે-તે ફોન અને બેટરીને હેન્ડલ કરતા સોફ્ટવેરનો છે. ખાસ કરીને સેમસંગના કેસમાં, જ્યાં એ લોકોએ ફોન પાતળો કરવાની લ્હાયમાં ચાર્જિંગ સર્કિટ બહુ ડેંજરસ જગ્યાએ મૂકી હતી જેના લીધે બ્લાસ્ટ થયેલા. પણ આ બધામાં વાંક જે-તે ફોન અને એના સોફ્ટવેરનો છે, સામાન્ય રીતે બેટરી અને એની ચાર્જિંગ સર્કિટ આમ સાવ નિર્દોષ છે.

માન્યતા 3: જે-તે સ્માર્ટ ફોન ની સાથે એ કંપનીનું જ ચાર્જર વાપરવું જોઈએ.

કારણ: શરૂઆતમાં ફોનના ચાર્જિંગ પોર્ટ અલગ અલગ ડિઝાઇનના હતા, અને એના લીધે દરેક ફોનના ચાર્જર પણ અલગ હતા. જેમકે નોકિયાના ફોનની જાડી પિન હોય, અમુક ચાર્જરની પાતળી પિન હોય, સેમસંગના ફોન ની પિન અલગ હોય અને મોટોરોલાની પિન અલગ હોય. એમાં જયારે એન્ડ્રોઇડ નવા નવા હતા ત્યારે એના ચાર્જરની યુએસબી પિન પણ અલગ હોય. એટલે કંપનીઓએ ચાર્જિંગ ની સમસ્યાના ઉપાય રૂપે ફોનની સાથેજ ચાર્જર આપવાના શરુ કર્યા. અને એ ઓરીજીનલ ચાર્જરમાં એને બિઝનેસ દેખાઈ ગયો. ખાસ કરીને એપ્પલમાં જ્યાં ફોન કરતા ચાર્જર અને કેબલ વધારે બિઝનેસ કરે છે.

અત્યારની પરિસ્થિતિ: અત્યારે બધેજ એન્ડ્રોઇડ કે આઈફોન છે. અને (લગભગ) બધાજ ફોનમાં ચાર્જિંગ પોર્ટ સરખા છે. અમુક ફોનમાં નોર્મલ યુએસબી પોર્ટ આવે છે, અને અમુકમાં ટાઈપ સી યુએસબી પોર્ટ આવે છે. જે ફોનમાં નોર્મલ યુએસબી પોર્ટ હોય એ ફોનમાં નોર્મલ યુએસબી કેબલ વાળું કોઈપણ ચાર્જર ફિટ બેસી શકે અને કોઈ પણ ચાર્જર એ ફોનને ચાર્જ કરી શકે. ચાહે એ ફોન ની સાથે આવેલું હોય, સ્ટાન્ડર્ડ કંપનીએ બનાવેલું હોય કે પછી બજારમાંથી ગમેતે ચાર્જર (અને કેબલ) હોય. જ્યાં સુધી એ ફોનના ચાર્જિંગ સ્પેસિફિકેશન પ્રમાણે ચાલતું હોય ત્યાં સુધી તમે કોઈ પણ ચાર્જર વાપરવા માટે મુક્ત છો.

સાવચેતી: ગમે તે ચાર્જર અને (ફિટ થતો) ગમે તે કેબલ આપણા ફોનને ચાર્જ કરી શકે. પણ ઘણા સ્માર્ટ ફોન માં ફાસ્ટ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગ આવે છે. ફાસ્ટ ચાર્જિંગ માટે ફોન દીઠ અલગ અલગ ચાર્જિંગ ક્ષમતા હોય એટલે યોગ્ય રીતે ફાસ્ટ ચાર્જિંગ કરવા માટે તમે જે-તે કંપનીના જ ચાર્જર થી ચાર્જ કરો એ હિતાવહ છે. વાયરલેસ ચાર્જિંગ ની ટેક્નોલોજી હજુ નવી છે એટલે હજુ માર્કેટમાં થર્ડ પાર્ટી કે આફ્ટરમાર્કેટ વાયરલેસ ચાર્જર મળવા અઘરા છે. જ્યાં સુધી એ મળતા ન થાય ત્યાં સુધી આપણે કંપનીનાં જ ચાર્જર વાપરવા રહ્યા.

લાગતું વળગતું: RedMi ના સ્માર્ટ ફોન્સ અંગે પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ અને તેની હકીકતો

માન્યતા 4: સ્માર્ટ ફોન સારી રીતે વાપરવો હોય તો ફોનની રેમ ફ્રી રહેવી જરૂરી છે.

કારણ: આ ગેરમાન્યતા પાછળનું એકમાત્ર કારણ છે આપણી કમ્પ્યુટર વાપરવાની ટેવ. કમ્પ્યુટરમાં ની ઓપરેટિંગ સિસ્ટમ એવીરીતે ડિઝાઇન થયેલી હોય છે કે સિસ્ટમ જેટલી ઓછી રેમ(RAM) વાપરે એટલી સારી રીતે ચાલે.

સત્ય:  એન્ડ્રોઇડ હોય કે આઈ ફોન, એ ફોન છે, કમ્પ્યુટર નહિ. અને એટલે એની ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટર કરતા અલગ ડિઝાઇન થઇ છે. બંનેની મૂળ ઓપરેટિંગ સિસ્ટમ એવી રીતે ડિઝાઇન થઇ છે કે આખેઆખી રેમ એ સારી રીતે વાપરી શકે. આ ઓપરેટિંગ સિસ્ટમ રેમનો ઉપયોગ સારા મલ્ટીટાસ્કીંગ માટે કરે છે. અને રેમ ફૂલ હોય એનો અર્થ એ થાય કે ઘણી બધી એપ્પ બેકગ્રાઉન્ડમાં પડી છે અને જયારે તમે એ બેકગ્રાઉન્ડ એપ્પને ફરીવાર ઉપયોગ કરવા ધારો ત્યારે એ એપ્પ અને ઓપરેટિંગ સિસ્ટમ તમને એ જગ્યાએ પહોંચાડવા પ્રયત્ન કરશે જ્યાં થી તમે એ એપ્પ છોડીને ગયા હો. અને કદાચ રેમ ફૂલ હોય અને નવી એપ્પ ખોલવાની જરૂર ઉભી થાય ત્યારે સિસ્ટમ તમે સહુથી ઓછી વપરાયેલી એપ્પને કિલ કરીને જગ્યા કરવાનો પ્રયત્ન કરશે. અને આ બધું આપણી ઓપરેટિંગ સિસ્ટમ પોતાની અને આપણી જરૂરિયાત સમજીને કરે છે. એટલે એના કામમાં ટાંગ ન અડાડીએ, અને કોઈ ખોટા ટાસ્ક કિલર્સ કે રેમ ફ્રી કરનારી એપ્પ્સ નો ઉપયોગ ન કરીએ એ જ સારું રહેશે. આજકાલ જે ટાસ્ક કિલર એપ્પ છે એ આપણી ઓપરેટિંગ સિસ્ટમની ફંક્શનાલીટી જેટલું સારું કામ તો નથી આપતી, ઉલટાની એ એપ્પ વધારે રેમ ખાઈ જાય છે.

Courtesy: Android Community.com

માન્યતા 5: એન્ડ્રોઇડ માં આઈફોન કરતા વધારે વાયરસ છે.

કારણ: એન્ડ્રોઇડ ઓપનસોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, એનો અથથી ઇતિ સુધીનો પૂરો કોડ જાહેરમાં છે. અને એટલે એ ઓપરેટિંગ સિસ્ટમની ખામીઓ પણ બધાં જોઈ શકે છે. ઉપરાંત એન્ડ્રોઈડમાં ગમે ત્યાંથી એપ્પ નાખી શકાય છે એટલે એન્ડ્રોઇડ માટે વાયરસ બનાવવો અને ફેલાવવો સહેલો છે. જયારે આઈ ઓએસ ઓપનસોર્સ નથી એટલે વધારે સિક્યોર છે. શરૂઆતના સમયમાં(2012 પહેલા) એન્ડ્રોઈડમાં આવેલા અમુક વાયરસ ના સમાચાર આવતા આ માન્યતા જડ થઇ ગઈ હતી.

સત્ય: એન્ડ્રોઇડમાં પહેલા વાયરસ આવતા. પણ એ કોઈ વાયરસ એટલા વ્યાપક ન હતા. અને એન્ડ્રોઇડ એપ્પ સ્ટોર પહેલા બધા માટે ઓપન હતો એટલે વાયરસ ફેલાવવા આસાન હતા. પણ જ્યારથી ગૂગલ પ્લે આવ્યું છે ત્યારથી એન્ડ્રોઈડમાં સિક્યુરિટી વધી છે. ગૂગલ પ્લે ની એપ્પ સ્કેનિંગ સિસ્ટમ થી લઇ એન્ડ્રોઇડની છેલ્લે આવેલી ઓપરેટિંગ સિસ્ટમમાં આવેલા સિક્યુરિટી ને લગતા ફીચર્સ ના લીધે એન્ડ્રોઈડમાં વાયરસ બનાવવો અને એને ફેલાવવો પહેલા કરતા ઘણો મુશ્કેલ થઇ ગયો છે. એની સામે આઇઓએસમાં વાયરસ બનાવવા મુશ્કેલ છે. પણ આઇઓએસ માટે બનેલા વાયરસને પકડવા અને એને મટાવવા એટલાજ મુશ્કેલ છે. આઇઓએસ માટે પણ વાયરસ બને છે અને ત્રણ ચાર વર્ષ પહેલા બનેલી બે-ત્રણ ઘટના એવી હતી કે જેમાં કોઈ ફિચરનો દુરુપયોગ થયો હોવાનું એપ્પલને ઘણે મોડેથી ધ્યાનમાં આવ્યું હતું. અને એ વાયરસના લીધે થયેલું ડેમેજ એન્ડ્રોઇડ કરતા વધારે હતું.

બંને ઓપરેટિંગ સિસ્ટમાં અમુક ખામીઓ છે. અને બંનેના થોડા સિક્યુરિટીને લગતા ફાયદાઓ પણ છે. આઈફોન ની પકડ એટલી વધારે છે કે વાયરસ રિલીઝ કરવો અઘરો બને, જયારે ગૂગલ પણ દર મહિને સિક્યુરિટી બુલેટિન બહાર પાડે છે, જે સિક્યુરિટી પેચના નામે દર મહિને(કે ત્રણ મહિને) આપણા ફોનમાં અપડેટ સ્વરૂપે આવે છે. અને હા, આપણા ફોન અને આપણા ડેટાની સિક્યુરિટીની જવાબદારી આપણા હાથમાં જ છે, અને એના લગતી એક નાનકડી ગાઈડ આજ કોલમમાં પહેલા આવી ગઈ છે.

Courtesy: Tom’s Guide.com

માન્યતા 6: જેટલા વધારે મેગાપિક્સેલ એટલો સારો કેમેરો

કારણ: પહેલાના જમાનામાં જયારે પોઇન્ટ એન્ડ શૂટ ટાઈપ ના કેમેરાઝ આવતા ત્યારે આ મેગાપિક્સેલ માર્કેટિંગ વોર માટે બહુ અગત્યનું પરિબળ હતા, અને આ માન્યતા ત્યારે બેસી ગઈ હતી. અને એમાં અમુક સત્ય પણ હતું. જેમ કેમેરા નું રિઝોલ્યુશન સારું એમ ફોટા પણ સારા આવતા. અત્યારે પણ DSLR કેમેરા માટે આ વાત થોડી ઘણી લાગુ પડે છે.

સત્ય: સ્માર્ટ ફોન ના શરૂઆતના જમાનામાં પણ વધારે મેગાપિક્સેલ માર્કેટિંગ પરિબળ હતા. 2012-2013માં નોકિયાએ નોકિયા 808 પ્યોર વ્યુ અને લુમિયા 1020 નામના બે મોડેલમાં 41 મેગાપિક્સેલના કેમેરા ફિટ કરેલા. પણ આ પબ્લિશિંગ બિઝનેસ માટે વપરાતા પોઇન્ટ એન્ડ શૂટ કેમેરા ની નથી, આ વાત સ્માર્ટ ફોન કેમેરાની છે. જેમાં અમુક હદ થી વધારે મેગાપિક્સેલ કોઈ કામના નથી. અત્યારે સ્માર્ટફોનમાંથી લેવાયેલો ફોટો આપણી સ્ક્રીનમાં દેખાય એ પહેલા એના ઉપર સોફ્ટવેરની મદદ થી બહુ બધી પ્રોસેસિંગ થાય છે. આપણી સ્કિન પર થી કરચલીઓ કાઢવી, લાઇટિંગ વાતાવરણ પ્રમાણે વધારવી કે ઘટાડવી વગેરે જેવા કામ જે ફોટાને સારો કે ખરાબ બનાવી શકે એમાં મેગાપિક્સેલ કરતા એ ફોટાને સારી અને ઝડપી પ્રોસેસ કરી શકતો સોફ્ટવેર વધારે કામ કરે છે. અને એની એક સચોટ સાબિતી એટલે ગૂગલ પિક્સેલ અને આઈફોન. જે ફોન ને વર્ષોથી બેસ્ટ સ્માર્ટફોન કેમેરા ના એવોર્ડ મળે છે, અને જેની છાપ લોકોમાં પણ સારી છે એવા આઈફોન કે ગૂગલ પિક્સેલ માં માત્ર 12 મેગાપિક્સેલના કેમેરા છે.  અને આપણી પાસે ના 16-20 મેગાપિક્સેલના કેમેરા હોય કે ગૂગલ પિક્સેલ કે આઈફોન ના બેસ્ટ ઇમેજ પ્રોસેસિંગ સોફ્ટવેર, જો એ ફોટા અંતે વ્હોટ્સેપમાં શેર થવાના હોય કે ફેસબુકમાંજ અપલોડ થવાના હોય તો આ બધા મેગાપિક્સેલ અને બધા સોફ્ટવેર સાવ નકામા છે. ફેસબુક અને વ્હોટ્સએપ બેસ્ટ સોફ્ટવેર અને મોટા મેગાપિક્સેલ થી પાડેલા ફોટાઓને ક્વોલિટી અને સાઈઝ 40-80% ઘટાડીને અપલોડ કરે છે. મતલબ ફેસબુક અને વ્હોટ્સએપ પર 20 મેગાપિક્સેલના MI A2 થી પાડેલા ફોટા અને 8 મેગાપિક્સેલના ચાર પાંચ વર્ષ જુના MOTO G થી પડેલા ફોટા સરખા જ છે. 

સ્માર્ટ ફોન અંગેની આ બધી માન્યતાઓ આપણી વર્ષો જૂની તેવો અને આપણા ગેજેટ્સના વપરાશ પર આધારિત છે. જે ઝડપે આપણે ટેક્નોલોજી સાથે એડેપ્ટ થઇ રહ્યા છીએ એના કરતા બમણી ઝડપે ટેક્નોલોજી બદલાઈ રહી છે. અને એટલેજ આપણી ગેજેટ્સ વાપરવાની માન્યતાઓ અને ગેરમાન્યતાઓ વધી રહી છે. આવો આપણે એ ગેરમાન્યતાઓ વિષે સમજીએ અને એને આપણા જીવન માંથી હટાવીને વધારે આનંદથી, વધારે કાર્યક્ષમતાથી અને વધારે સારું જીવી શકીએ. કારણકે……

ધ ફોર્સ ઇઝ ઓલવેઝ વિથ યુ……

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: ટુ એમિલી, વિથ લવ, ફ્રોમ સુભાષ…..લિખે જો ખત તુજે! – ઇતિહાસનું અજાણ્યું પ્રકરણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here