નસીરુદ્દીન શાહને તો દુનિયા આખી સાથે બસ પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે!

0
165
Photo Courtesy: amarujala.com

નસીરુદ્દીન શાહ, હિન્દી ફિલ્મોની દુનિયાના ‘મહાન કલાકારો’ માંથી એક, પરંતુ મહાનતા સાથે નમ્રતા જન્મજાત મળતી નથી. અમિતાભ બચ્ચનને પણ મહાનતા સાથે નમ્રતાની કમાણી કરવી પડી છે કારણકે ભૂતકાળમાં એ પણ ખાસા એવા એરોગન્ટ રહી ચૂક્યા છે. બચ્ચનની એરોગન્સી વિષે ફરી ક્યારેક વાત કરીશું પરંતુ આજે વાત કરવી છે નસીરુદ્દીન શાહની.

Photo Courtesy: amarujala.com

ભારતની ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સાથે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ રમી રહ્યું છે અને એવામાં “જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફુઈ!” એ ન્યાયે જનાબ નસીરુદ્દીન શાહ પણ ચર્ચામાં કુદી પડ્યા છે. શાહસાહેબનું એવું કેવું છે કે ભારતીય કપ્તાન વિરાટ કોહલી એ વિશ્વનો સહુથી બદતમીઝ અને ઘમંડી ક્રિકેટર છે! વિરાટ કોહલીના ઓન ગ્રાઉન્ડ બિહેવિયરના આકરા ટીકાકારો ઘણા છે જેમાં પૂર્વ ક્રિકેટરો અને આ લખનાર પણ સામેલ છે.

પરંતુ એ બધામાં અને નસીરુદ્દીન શાહમાં ફરક એ છે કે સમય આવે વિરાટ કોહલીની બેટિંગ અને તેની સાતત્યતાના વખાણ કરતા પણ એ ચૂકતા નથી જ્યારે નસીરુદ્દીન શાહ એમના જાણીતા સ્વભાવ અનુસાર એક સુંદર સવારે વિરાટ કોહલીની ટીકા કર્યા બાદ વર્ષો સુધી ઘરની બહાર દેખાશે નહીં. નસીરભાઈનો ઈતિહાસ માત્ર ટીકા કરવાનો જ રહ્યો છે. એમણે અમિતાભ બચ્ચનને સામાન્ય દેખાવના અભિનેતા કહ્યા છે, એમણે શમ્મી કપૂર અને દારાસિંગ (બે ઘડી વિચારી લેજો દારાસિંગ!) બલરાજ સહાની અને દિલીપ કુમાર કરતા વધુ ગમ્યા હોવાનું કહ્યું છે, જ્યારે રાજેશ ખન્નાને તો એમના અવસાન બાદ એક વખતે નસીરુદ્દીન શાહે સાવ સામાન્ય કક્ષાના અદાકાર કહ્યા છે અને હવે વારો વિરાટ કોહલીનો છે. જાણીતા ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તર તો જાહેરમાં કહી ચૂક્યા છે કે નસીરુદ્દીન શાહને સફળ માણસો ગમતા નથી.

વિરાટ કોહલી બેશક મેદાન પર પોતાના વર્તનને લીધે લાઈન ક્રોસ કરી જતો હોય છે પરંતુ જો એ એમ ન કરે તો આજકાલના બિનએશિયન ખેલાડીઓ એને ખાઈ જાય એવી પરિસ્થિતિ છે. ખાસકરીને જ્યારે તમે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે રમતા હોવ ત્યારે તડ ને ફડ સિવાય બીજું કોઈજ શસ્ત્ર ચાલી શકતું નથી કારણકે ઓસ્ટ્રેલિયા હંમેશા બાર ખેલાડીઓ સાથે રમતું હોય છે જ્યારે તે પોતાના હોમ ગ્રાઉન્ડ પર હોય છે. ઓસ્ટ્રેલિયાના અગિયાર ખેલાડીઓ ઉપરાંત ત્યાંનું મિડિયા પ્રવાસી ટીમની નાની નાની ભૂલોને હાઈલાઈટ કરીને તેની હેડલાઈન બનાવવા માટે જાણીતું છે.

સ્ટિવ વો ભલે એક મહાન કપ્તાન અને ખેલાડી રહ્યો હોય પરંતુ ‘મેન્ટલ ડિસઈન્ટીગ્રેશન’ શબ્દની શોધ અને અમલ એ ઓસ્ટ્રેલિયન સ્ટિવ વો એ જ કરી હતી જેની કદાચ નસીર સા’બને ખબર નહીં હોય. આ શબ્દની વ્યાખ્યા એ હતી કે સામેના ખેલાડી સાથે માનસિક લડાઈ કરો. જરૂર ન હોય અને ખરેખર ક્રિકેટ ફિલ્ડ પર એની જરૂર ન હોય તો પણ ખેલાડીની પત્ની અને બાળકો વિષે પણ એલફેલ બોલો અને એવી રીતે બોલો કે પેલા ખેલાડીના કાનમાં એ જાય અને એ માનસિક રીતે ભાંગી પડે જેની અસર તેના દેખાવ પર થાય. વો ની આ રણનીતિ ઘણી કામમાં આવી અને ઓસ્ટ્રેલિયાને ઘણા વર્ષો સુધી ટેસ્ટ અને વનડે એમ બંને ફોર્મેટમાં વિશ્વવિજેતા રાખવામાં આ મેન્ટલ ડિસઈન્ટીગ્રેશને ઘણી મદદ કરી હતી.

પરંતુ આ પ્રકારના સ્ટિવ વો અને તેની ટીમ સામે પહેલીવાર પડકાર ફેંક્યો આપણા ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ જેણે સદીની શરૂઆતની પ્રથમ ઓસ્ટ્રેલિયાની ટૂરમાં પોતાના ખેલાડીઓને જેવા સાથે તેવાનો મંત્ર આપ્યો અને એ સિરીઝ બરાબરી પર સમાપ્ત કરી જે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવવા બરોબર હતું. ત્યારબાદ આવેલા મહેન્દ્ર સિંગ ધોની અને હવે વિરાટ કોહલી તેને આગળ વધારી રહ્યા છે જે જરૂરી છે.

લાગતું વળગતું: બોલરો પર સર વિવ રિચર્ડ્સ જેવી જ ધાક જમાવી રહ્યો છે વિરાટ કોહલી

હાલની જ ટૂરની વાત કરીએ તો અત્યારની ઓસ્ટ્રેલિયન ટીમ કદાચ સહુથી નબળી ટીમ છે પરંતુ ત્યાંના મિડિયાએ સિરીઝની શરૂઆત પહેલા જ કોહલી અને અન્યો વિષે ગમેતેમ લખવાનું અને  બોલવાનું શરુ કરી દીધું હતું. અત્યારે ચાલી રહેલી પર્થ ટેસ્ટમાં વિરાટ અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને વિકેટકીપર ટિમ પેઈન વચ્ચેની ચર્ચા ન્યૂઝમાં છે. જો યુટ્યુબ પર ઉપલબ્ધ આ બંનેની સ્ટમ્પ માઈક પર પકડાયેલી વાતો અને પેઇનને આપવામાં આવેલી અમ્પાયરની શિખામણ નસીરુદ્દીન શાહ સાંભળે તો કદાચ તેમને વિરાટ કોહલી અંગેના પોતાના વિચારમાં જરૂર ફેરફાર કરવાનું થશે, કારણકે શાંત લાગતો પેઈન પણ સાવ ઓછો નથી!!

એવું નથી કે નસીરુદ્દીન શાહ કે પછી કોઈને પણ પોતાનું મંતવ્ય વ્યક્ત કરવાની છૂટ ન હોવી જોઈએ પરંતુ કોઈનો બિહેવિયર જાહેરમાં કેમ એવો છે એ પાછળનું કારણ તો જાણવું જોઈએ કે નહીં? કે પછી તમારે માત્ર ટીકા જ કરવી છે? આ સિરીઝમાં હવે વિરાટ કોહલી વધુ સારી બેટિંગ કરીને ભારતને સિરીઝ જીતાડી દે તો શું નસીર સાહેબ સિરીઝના અંતે એટલીસ્ટ વિરાટને જાહેરમાં અભિનંદન આપશે ખરા? કદાચ નહીં.

કારણકે અંગત મતે નસીરુદ્દીન શાહ કાયમ ‘વનવે અદાકાર’ રહ્યા છે જે એમના અદાકારી બહારના વિશ્વમાં પણ દેખાઈ આવે છે. દુઃખી, ગુસ્સાવાળા કે પછી કન્ફ્યુઝ્ડ વ્યક્તિ તરીકેના જ રોલ્સ કરી શકતા નસીરુદ્દીન શાહ કોમેડી (જાને ભી દો યારોં), એક્શન (કર્મા) કે પછી નેગેટિવ (મોહરા) રોલ્સમાં સદાય નિરાશ કરે છે. એમને તો ‘અ વેન્સ ડે’ જેવા જ રોલ્સ શોભે છે કારણકે એ પ્રકારના રોલ કરવામાં એ કદાચ વધારે કમ્ફર્ટેબલ છે.

નસીર સાહેબ કરતા હું કદાચ ઓમ પૂરીને જે એમના જ સમયના અને એ જે પ્રકારની ફિલ્મો કરતા એવી જ ફિલ્મો કરતા અદાકાર હતા પરંતુ તેમણે પોતાના રોલમાં વિવિધતા દર્શાવી હતી અને વિલન (નરસિમ્હા) અને કોમેડી (પ્રિયદર્શનની ઓમ પૂરી સાથેની કોઇપણ ફિલ્મ લઇ લો) તરીકે તેઓ જામ્યા હતા. નસીર સાહેબનો પ્રોબ્લેમ કદાચ એ રહ્યો છે કે કહેવાતી મેઈન સ્ટ્રીમ ફિલ્મો તેમની પ્રિયતમા છે પરંતુ કમર્શિયલ ફિલ્મો તેમની કમાઉ પત્ની છે અને આખી કારકિર્દી દરમ્યાન તેઓ આ બંને વચ્ચે એ બેલેન્સ ન જાળવી શક્યા જે ઓમ પૂરી સરળતાથી જાળવી શક્યા હતા પરિણામે તેઓ ઉપર કહેલા મહાન કલાકારો કે સુપરસ્ટાર્સની વણજોઈતી ટીકા કરી બેસે છે.

બેશક નસીરુદ્દીન શાહની અદાકારીની ઉંચાઈ વિષે કોઈજ પ્રશ્ન નથી પ્રશ્ન માત્ર તેની વિવિધતાના અભાવ પર જ છે. અગેઇન આ લખનારનો અંગત મત છે, કેમ નસીર સાહેબ વિરાટ કોહલી માટે અંગત મત રાખી શકે તો આપણે જેમણે એમને પૈસા ખર્ચીને ફિલ્મી પડદે જોયા છે અને સમય આવે વખાણ્યા પણ છે તો તેમના માટે આપણા અંગત મતો ન હોઈ શકે?

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: ફટાકડા પર નિયંત્રણ – માય લોર્ડ મારો ચ્હા પીવાનો સમય નક્કી કરી આપશો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here