ગણિકા ગમન – ઈન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈ…

1
135
Photo Courtesy: thestar.com

આવતા શનિવારથી મોરારીબાપુની નવદિવસીય રામકથા ‘માનસ ગણિકા’ અયોધ્યામાં શરૂ થવા જઈ રહી છે અને એ કથાના આમંત્રણ માટે બાપુ મુંબઈના કમાઠીપુરા નામના રેડ લાઈટ એરિયામાં આવ્યા. આ વાતની લોકોએ ઘણી સરાહના કરી છે અને ‘ગણિકા’ શબ્દ પ્રત્યે લોકોનો અભિગમ બદલાવા લાગ્યો હોય એવું લાગે છે.

Photo Courtesy: thestar.com

વેશિયાવૃત્તિ કે ગણિકાવૃત્તિ એ દુનિયાનો જૂનામાં જૂનો વ્યવસાય મનાય છે. જૂન 2005માં અર્થશાસ્ત્રી કીથ ચેન (Keith Chen) અને મનોચિકિસ્તક લૉરી સેન્ટોસ (Laurie Santos) આ બે નિષ્ણાતોએ વાંદરાઓના મોટા મોટા ગ્રુપને દિવસોની તાલીમ આપ્યા બાદ પૈસા વાપરતા શીખડાવ્યા. પૈસા વાપરવાનું શીખી ગયા બાદ એ વાંદરાઓએ શું ધંધો ચાલુ કર્યો, ખબર છે? વેશ્યાવૃત્તિનો.

અવિશ્વસનીય! વેશ્યાગમન માણસોનો પ્રાચીનતમ વ્યાપાર ગણાય છે એ સાબિત કરવા બીજા કોઈ પુરાવાની જરૂર લાગતી નથી.

ગણિકાવૃત્તિ એ પ્રાચીન સમયથી ભારતના સમાજનો એક ભાગ રહ્યો છે. રાજાઓ હોય કે યોદ્ધાઓ, સામ્રાજ્યવાદી અને સમૃદ્ધ વેપારીઓ હોય – દરેક કોઈ ને કોઈ વખતે વેશ્યાવૃત્તિમાં જોડાયા હોય એવા ઉદાહરણો છે. નબળી સામાજિક પૃષ્ઠભૂમિમાં જન્મેલી કે ઉછરેલી મહિલાઓ પોતાના માલિકને ખુશ કરવા અથવા તેમના બંધનમાંથી મુક્તિ મેળવવા માટે ગણિકા બનતી. કેટલીક મહિલાઓ પોતાના સંજોગોને કારણે અને કેટલીક મુક્ત મહિલાઓ (જે સમાજના પ્રતિબંધોથી બંધાયેલી ન હોય) પોતાના મનથી ગણિકાવૃત્તિમાં પોતાને હોમી દેતી.

કેટલીક સ્ત્રીઓ નૃત્ય કરીને, તો કેટલીક રક્ષકો અને દરબારીઓ તરીકે રાજાઓની અદાલતોમાં સેવા આપતી. આવી સ્ત્રીઓ ઘણીવાર રાજાઓની સુરક્ષા કરવા અથવા તેને મનોરંજન આપવા માટે યુદ્ધભૂમિ પર પણ જતી હતી. મનોરંજન અને સંવેદનાના આ ગણિકા વ્યવસાયમાં જોડાયેલા મહિલાઓને લોકો તુચ્છ પણ ગણતા અને વખાણતા પણ હતા. તિરસ્કાર માટેનું એક કારણ હતું કે તેઓ પુરુષોને આકર્ષિત કરીને તેમની સંપત્તિ ખાલી કરતી. પણ પુરુષોને મોહિત કરવા માટે તેમની સુંદરતા, કલાત્મકતા અને તેમની વ્યવસાયિક કુશળતા માટે પ્રશંસા પણ કરવામાં આવતી.

‘સેક્રીડ પ્રોસ્ટીટ્યુશન’ એ એક ખૂબ જ જાણીતું ઈતિહાસનું પ્રકરણ છે. દક્ષિણ અને પૂર્વીય ભારતના ભાગોમાં, દેવદાસી (દેવની સ્ત્રી સેવક – દૈવી) અથવા યોગિની શબ્દ એવી યુવા સ્ત્રી માટે વપરાતો હતો જેણે પોતાનું જીવન દેવની પૂજા અને સેવામાં સમર્પિત કર્યું હતું. દીક્ષા અથવા ‘પોટ્ટકુત્સુ’ સમારંભ હિન્દુ લગ્નની જેમ મોટો પ્રસંગ હતો. આ પ્રસંગમાં દેવદાસીએ તે સમયગાળાના હિન્દુ પત્ની દ્વારા કરવામાં આવતી પરંપરાગત ફરજો લેવાની અપેક્ષા રાખવામાં આવી હતી.

મંદિરની કાળજી લેવા અને ધાર્મિક વિધિઓ કરવા ઉપરાંત, આ મહિલાઓએ ભારતનાટ્યમ અને ઓડિસી નૃત્યો જેવી શાસ્ત્રીય ભારતીય કલાત્મક પરંપરાઓ પણ શીખતાં. તેમની પાસે ઉચ્ચ સામાજિક દરજ્જો હતો કારણ કે નૃત્ય અને સંગીત મંદિરની પૂજાના આવશ્યક ભાગ હતા. એ જ રીતે નગરવધૂને ખુબ માન-સમ્માન મળતા. અમુક ઈતિહાસકારોના મત મુજબ દેશવિદેશની ઘણી સંસ્કૃતિમાં નગરવધૂઓ આખાય નગરમાં સર્વોચ્ચ સ્થાને ગણાતી અને અમુક સમયગાળામાં તો તેમને દૈવી સ્વરૂપ માનવામાં આવતું.

મેસોપોટેમિયા, ગ્રીસ અને ઇજિપ્તના વખતમાં કોઈ વેશ્યાગૃહો ન હતા. તેના બદલે મંદિરો પર પવિત્ર સંસ્કારી માદા પૂજારીઓ દ્વારા કબજા કરવામાં આવતાં. જાતીય કાર્યની પવિત્રતાને સમજવા માટે, તે એવા સમાજના સંદર્ભમાં જોવી જોઈએ જે પ્રકૃતિ સાથે ગાઢ સંવાદિતા સાધે છે. આવી ગણિકાઓમાં શક્તિ, ડહાપણ, શુદ્ધતા અને તેના સંપૂર્ણ શરીર અને આત્માને પ્રેમ કરવાની ઇચ્છા રહેતી.

19મી સદીના જાણીતા ભારતીય ચિત્રકાર, રાજા રવિ વર્મા દેવીઓના અને મહાકાવ્યોના પાત્રોના ચિત્રો બનાવતાં. ચિત્રો બનાવવા માટે તેમની પ્રેરણા (અને મોડેલ તરીકે સેવા આપનાર) સ્ત્રી મુંબઈની એક વેશ્યા હતી. તે એક વેશ્યા હોવા છતાં વર્માએ દોરેલી અને છબી બનેલી દેવીઓની લોકો પૂજા કરે છે. રાજા રવિ વર્માને તેમના કાર્ય માટે રૂઢિચુસ્ત હિન્દુઓ તરફથી સંખ્યાબંધ આરોપોનો સામનો કરવો પડ્યો હતો અને પોતાના કામના બચાવ માટે અદાલતમાં પણ જવું પડ્યું હતું. તેમના જીવનચરિત્ર અનુસાર, એ ગણિકાએ આખરે આત્મહત્યા કરી જેથી ચિત્રકારને ખૂબ જ દુઃખ પહોંચ્યું હતું.

આમ્રપાલી એ અજાતશત્રુના રાજ્યની એક પ્રસિદ્ધ ગણિકા હતી. તેણી એક ભવ્ય જીવન જીવતી. બુદ્ધ અને તેના અનુયાયીઓને તેણીએ એક વિશ્રામી સ્થળ પણ દાન તરીકે આપેલું. પ્રાચીન ભારતમાં વેશ્યાઓએ સારો દરજ્જો મેળવ્યો હતો અને ઘણીવાર રાજાઓ અને આધ્યાત્મિક ગુનેગારો સાથે આત્મસમર્પણ કર્યું હતું. કર્ણાટકમાં હમ્પીમાં રાજાના મહેલ પાસે જ એક લાંબી કતારમાં વેશ્યાઓના ઘરો છે જેમાં વેશ્યાઓ ગ્રાહકોને મનોરંજન આપે છે. શક્ય છે કે તેઓએ રાજાને મહેલના નજીક રહેવા માટે કર પણ ચૂકવવા પડતા હોય.

લાગતું વળગતું: ટ્રેજેડી ક્વીન મીનાકુમારી – અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરુ કહાં ખતમ….

બક્ષીબાબુના ‘સંસ્કાર અને સાહિત્ય’ પુસ્તકમાં એવું લખેલું છે કે સંત (કે સાધુ) અને ગણિકા (કે વારાંગના) પ્રાચીન ખ્રિસ્તી ધર્મકથાઓમાં લગભગ નિયમિત આવતાં રહેતાં પાત્રો છે. નર્તકી સલોમીએ રાજા હેરોડ સમક્ષ મેઘધનુષી નગ્ન નૃત્ય કર્યું હતું, અને રાજાને ખુશ કરીને સંત જ્હોન ધ બેપ્ટિસ્ટનું માથું તશ્તરીમાં માગ્યું હતું.

આપણે ત્યાં પણ કથાનકરૂપે સૌથી પ્રસિદ્ધ વાર્તા છે વિશ્વામિત્ર અને મેનકાની. વસિષ્ઠની હોમધેનુ ગાય વિશ્વામિત્રે માગી જે વસિષ્ઠે આપી નહીં, યુદ્ધ થયું, બ્રાહ્મણ બનવા માટે વિશ્વામિત્રે કઠોર તપસ્યા શરૂ કરી દીધી. ઈન્દ્રે મેનકાને મોકલી, વિશ્વામિત્ર તપભંગ થયા. રામાયણમાં લખ્યું છે કે વિશ્વામિત્ર પુષ્કરમાં મેનકા સાથે 12 વર્ષ રહ્યા. એમની પુત્રી શકુંતલા સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે. પછી વિશ્વામિત્ર કૌશિદી નદી પર તપસ્યા કરવા ચાલ્યા ગયા, ફરીથી રંભા નામની અપ્સરા એમને ચલિત કરવા માટે મોકલવામાં આવી જેને વિશ્વામિત્રે શાપ આપીને પત્થર બનાવી દીધી.

ગોસ્પેલમાં એક વેશ્યાની વાર્તા છે (કેટલાક લોકો મેરી મગડેલીન હોવાનું માને છે) જેણે ઈસુ દ્વારા છુટકારો મેળવ્યો હતો. ગૌડિયા વૈષ્ણવ સાહિત્યમાં ચૈતન્ય ચરિત્રમૃતામાં સંત હરિદાસ ઠાકુરની વાર્તા આવે છે, જેમણે એક વેશ્યાનું ભરણપોષણ કરેલું.

વૈષ્ણવ પરંપરામાં, મધ્યયુગીન સંત બિલાવમંગલા ઠાકુરના જીવનમાં પણ આવી જ વાર્તા છે. સાધુ બન્યા પૂર્વ સંતૃપ્ત જીવનમાં, તેઓ ચિંતામણી નામની વેશ્યા સાથે જોડાયેલા હતા. (જે લગભગ તેમની રખાત બની ચૂકી હતી). એક ઘેરી રાત્રે તેઓ તીવ્ર તોફાન અને નદીનું પૂર પાર કરીને ચિંતામણીના ઘરે પહોંચેલા ત્યારે તેણીએ કહ્યું કે અહીં પહોંચવા માટે જેટલી મુશ્કેલી વેઠી એટલી જો તમે ભગવાન સુધી પહોંચવા કરી હોત તો આજે સંત બની ગયા હોત. આ વાતની બિલાવમંગલાના જીવન પર તીવ્ર અસર થઈ અને પછી વૈષ્ણવ પરંપરામાં પ્રખ્યાત સંત કવિઓમાંથી એક બન્યા.

આપણે ત્યાં ફિલ્મો, નાટકો અને બીજા સાહિત્યના પ્રકારોમાં ગણિકાઓનો સંદર્ભ મળતો રહ્યો છે. મોરારીબાપુને શુભેચ્છા કે ગણિકાઓ વિશે સામાન્ય જનતાને વિચારતાં તો કર્યા!

પડઘોઃ

ઓપેરા હાઉસ બ્રીજ નીચેનો બદનામ વિસ્તાર હતો. તવાયફોના અડ્ડા હતા સારંગી, તબલા અને ઘૂંઘરુંના સૂરો રણકી ઊઠતા મોડી રાતે હું મારી રૂમ પર જવા નીકળતો ત્યારે રાહદારીઓ મને શકની નજરે જોતા હશે અને વિચારતા હશે કે કેશવ ક્યાં રમી આવ્યા? બીક પણ લાગતી કે કોને કહું કે “બાઝાર સે નિકલા હૂં, ખરીદાર નહિ હૂં” ઘનશ્યામે મારો આ ભય દૂર કર્યો મારી સાથે એણે સઆદત હસન મન્ટોની કેટલીક વાર્તાઓ વાંચી. સાર્ત્ર જેવા સર્જક રચિત “રિસ્પેકટેબલ પ્રોસ્ટીટ્યુટ” વાંચ્યું. મારો અભિગમ સદંતર બદલાઈ ગયો એ દિવસોમાં મેં એક ગીત લખ્યું હતું: “મેં તો તુલસીનું પાંદડું બિયરમાં નાખીને પીધું, મેં તો વેશ્યાના હાથને સીતાનું છૂંદણું દીધું.” આ ગીતની ધરપકડ ઘનશ્યામે “સમર્પણ” માટે કરી લીધી.

આ વાતને વર્ષો વીતી ગયા પછી હું મહાપાલિકામાં લેન્ગ્વેજ ઓફિસર હતો ત્યારે મારે રેડલાઈટ એરિયાની નિશાળોમાં જવું પડતું હતું. કમાટીપુરા અને ફોરાસ રોડની નિશાળોમાં વેશ્યાઓના છોકરાઓ ભણતા હતા પણ મેં જોયું કે વેશ્યાઓની દીકરીઓ નિશાળે આવે જ નહિ. ડ્રોપ-આઉટ થઇ જાય નિશાળના રજીસ્ટરમાં બાપનું નામ હોય જ નહિ, માતાનું નામ હોય એ માતાઓને સમજાવવા હું અડ્ડાઓ પર ગયો. સાંજનો સમય હતો. ચમેલીબાઈના અડ્ડા પર ગયો ત્યારે એ માતા કપાસના કાલામાંથી તાજું રૂ કાઢીને દીવાની વાટો વણતી હતી મને જોઇને કહે : “દેખો સાહબ, યહ મેરી ગદ્દી ઔર તકિયામેં રૂઈ ભરા હૈ ઇસકી કોઈ ઈજ્જત નહિ હૈ, બહોત લોગ સો ચૂકે હૈ, દેવ કે પાસ દિયા જલાના હૈ તો ખેતોસે આયા કંવારા ઈજ્જતદાર રૂ ચાહિયે બોલો, કહાં બૈઠના હૈ?”

હું સાવ ચૂપ થઇ ગયો. મેં માત્ર એટલું જ પૂછ્યું : “આપ અપની બેટી કો સ્કૂલમેં કયો નહિ ભેજતી?” ચમેલીબાઈએ તરત જવાબ આપ્યો: “દેખો સાહબ, મેરી બેટીકો મેં તબલા સારંગી ઔર હાર્મોનિયમસે બચાના ચાહતી હૂં આપ સ્કૂલો મેં ગાના બજાના બંધ કરેંગે તબ મેરી બેટી સ્કૂલ જાયેગી.” અહીં મારી જીભ સિવાઈ ગઈ.

– નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનીય વરિષ્ઠ કવિશ્રી અનિલ જોશીની ફેસબુક વોલ પરથી સાભાર

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: બધાઈ હો – છેવટે તો પરિવાર જ પરિવારના કામે આવતું હોય છે

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here