શિયાળામાં વહેલી સવારે મીઠી ઊંઘ છોડી કસરત કરવાના એકદમ સરળ ઉપાયો

1
186
Photo Courtesy: india.com

શિયાળાની શરૂઆત સાથે જ વાતાવરણમાં જેવી ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગે કે પછી ભલે છાપાઓ અને પૂર્તિઓ સહિત બધે જ તંદુરસ્તી જાળવવા કસરત કરવાની વાતો થતી હોય પણ હકીકતમાં વહેલી સવારની ઠંડીમાં આવતી મીઠી ઊંઘને ભગાડી ઉભા થવું એ દુનિયાનું સૌથી મુશ્કેલ કામ બની જાય છે.

Photo Courtesy: india.com

આમ, તો એવું કહેવાય છે કે જો શિયાળાના માત્ર ત્રણ મહિના પણ કસરત કરવામાં આવે તો આખા વર્ષના સ્વાસ્થ્યનું ભાથું બાંધી શકાય છે. પણ ભલા, આ મીઠી ઊંઘને ભગાડવી કઈ રીતે?

તો ચાલો, તમારી તંદુરસ્તીને ધ્યાનમાં રાખી ગુલાબી ઠંડીમાં વધુ આવતી આ ઘોર નિંદ્રાનો ત્યાગ કરવાના એટલે કે વહેલું ઉઠી શકવાના કેટલાક ઉપાયો બતાવીએ.

સૌથી પહેલા તો મન મક્કમ કરી લો, કે તમે કસરત કરશો જ પછી ભલે આભ તૂટી પડે કે પ્રલય આવી જાય. યસ, વહેલી સવારે ઉઠવું એ આભ તૂટી પડવા જેટલું જ અઘરું લાગશે એ યાદ રાખજો.

ભલે, આગલા દિવસે મન મક્કમ કર્યું હોય પણ બીજા દિવસ સવારથી જ બહાના એક્સપર્ટ મન બહાનાઓ કાઢવામાં લાગી જાય છે.

આજે નહિ કાલથી એકદમ પાક્કું, મોડું થઈ ગયું યાર, કાલે વહેલી કે વહેલો ઉઠીશ. કિન્તુ, પરંતુ ખાસ યાદ રાખો કે કાલ ક્યારેય આવતી નથી. પણ આ બધી વાતો સવારે યાદ કોને આવે? તો શું કરવું?

સૌથી પહેલા તો પહેલા જ દિવસે જોશમાં અને જોશમાં ભારે ભરખમ કસરત કરવાનું ટાળો, બલ્કે બિલકુલ ન કરો. નહિ તો પહેલો જ દિવસ છેલ્લો દિવસ બની જવાનો એ પાક્કું.

નક્કી કરો કે પહેલા દિવસે માત્ર 10 કે 15 મિનિટ જ કસરત કરવી છે. હા, માત્ર 10 કે 15 મિનિટ. આશ્ચર્ય થયું ને? કે આટલી મિનિટમાં તે કંઈ ફિટ બની જવાતું હશે? વૈજ્ઞાનિક તારણો સાથે સાબિત થયેલી વાત એ છે કે ફિટ એક દિવસમાં ગમે તેટલી કસરતો કરવાથી પણ બની શકાતું નથી. ફિટનેસ માટે એક દિવસમાં કે થોડા દિવસો માટે ભારે ભરખમ કસરતોથી નહિ પણ સતત થોડી કસરતની ટેવથી બની શકાય છે.

શરીર માટે રોજિંદા ખોરાકની જેટલી જરૂર છે, એટલી જ જરૂર મન માટે ધ્યાન અને શરીરના અંગો માટે કસરતની છે. એટલે રોજ કસરત કરવાની એક ટેવ પડી જવી અનિવાર્ય છે.

બીજી અનિવાર્ય વાત એ છે કે, ત્યાં સુધી મનના તમામ બહાનાઓ માટે બહેરા બની જાઓ જ્યાં સુધી તે બહાનાઓ કાઢવાનું બંધ ન કરી દે, જ્યાં સુધી તમને ટેવ ન પડી જાય કે કસરત વગરનો દિવસ તમને ખાલી ન લાગવા લાગે.

લાગતું વળગતું: તમારી ચાલવાની સ્ટાઈલ એટલે તમારી તબિયતની હાલતીચાલતી જાહેરાત

હવે સવાલ છે કઈ કસરત કરશો?

માત્ર દોડવાની અને તે પણ માત્ર 10 કે 15 મિનિટ જ. ભલે, જરાય થાક ન લાગે તેનાથી એકપણ મિનિટ વધારે નહીં જ અને ભલે મરી જવાય પણ નક્કી કર્યાથી એકપણ મિનિટ ઓછી નહિ જ. ચાલવાનું નથી, દોડવાનું છે.

ચાલવાથી માત્ર શરીરના સાંધાઓ છુટા પડે છે. હા, વજન ખૂબ વધારે હોય અને દોડી શકાય એમ જ ન હોય તો ચાલી શકાય પણ બને તેટલું ઝડપથી. શ્વાસ ચઢી જાય એટલી ઝડપી ચાલ ચાલવાની છે. અને દોડવાનો પ્રયત્ન કરવાનો છે, ભલે માત્ર એક મિનિટ દોડી શકાય. આવું કરવાથી એક જ અઠવાડિયામાં તમે દોડવા માટે કેપેબલ બની જશો.

દોડવું અને તે પણ મેક્સિમમ સ્પીડથી દોડવું ખૂબ જરૂરી છે. એક વખત નક્કી કરેલી મિનિટો માટે રોજ ન દોડી શકાય એવું લાગે તેટલી સ્પીડમાં દોડવાનું છે.

દોડવાના અનેક ફાયદા છે એ ચાલવાથી નથી મળતા. દોડવાથી શરીરની વધારાની ચરબી ખૂબ ઝડપથી બળે છે. પાચનશક્તિ જાગે છે અને ગમે તે પચાવવા સક્ષમ બનવા લાગે છે. ખૂબ પરસેવો વળે છે, જેના કારણે શરીરમાં રહેલો ઝેરી કચરો બહાર નીકળે છે અને છેલ્લે પાચનશક્તિ સુધરવાથી આજકાલ સૌથી જટિલ રોગ એટલે કે કબજિયાતમાં કોઈ જ દવા વગર ફર્ક પડવા લાગે છે. આ સાથે જ લાંબા ગાળે એટલે કે સતત 4 મહિના રોજ દોડવાથી સ્કિનના રોગમાં ફર્ક પડવા લાગે છે. ચહેરા પર ખીલ ઓછા થવાથી લઈને ચહેરા પર તાજગી અને ચમક તમે પોતે પણ જોઈ શકશો.

તો શું કરવાનું છે? મન બહાના નહિ કાઢે જો તમે તેને ગમતો સમય એટલે કે માત્ર 10 કે 15 મિનિટ માટે કોઈ જ બીજી કસરત નહિ ફક્ત રસ્તા પર કે બગીચામાં દોડવાનું કેહશો. આવું માત્ર 21 દિવસ કરવાનું છે. આ 21 દિવસ કોઈ જ બહાના કોઈ કાળે નહિ સાંભળવાના અને 22માં દિવસે તમે કસરત નહિ કરો તો બસ તમને ચેન નહિ પડે એટલે કે આદત પડી જશે.

હા, તમે મિનિટો વધારી શકો છો. પણ ધીરે ધીરે અને તે પણ એટલી જ કે મન ફરી બહાના શરૂ ન કરી દે. જેમ કે 15 દિવસ પછી 10માંથી 12 મિનિટ. માત્ર 2 જ મિનિટ વધારે. આમ, તમે આવતા શિયાળે તંદુરસ્ત પણ બની ગયા હશો અને તમને સવારે ઉઠવાનું વહાલું લાગવા માંડશે.

સો ઓલ ધ બેસ્ટ ફોર યોર ફિટનેસ.

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: જરા વિચારો તો ખરા કે PUBG વગરની દુનિયા કેવી હશે??

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here