રિઝર્વ બેંક vs સરકાર : શું આ વિરોધાભાસ આખા દેશને નડશે?

0
354

રિઝર્વ બેંકઓફ ઇન્ડિયા એક્ટ, 1934ની જોગવાઈઓ અંતર્ગત, 1 એપ્રિલ ઈ.સ. 1935ના દિવસે ભારત દેશને પોતાની એક કેન્દ્રીય બેંક મળી. “રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા”. જે RBIના ટૂંકા નામે ઓળખાય છે. તે દિવસથી લઈને આજદિન સુધી RBI ભારતની તમામ અનુસુચિત બેંકોની માતૃસંસ્થા તરીકે કામ કરે છે. ઉપરાંત RBIના કાર્યોમાં દેશનું વિદેશી ભંડોળ સાચવવું, મુદ્રા છાપવી, રાજકોષીય ખાધનું નિયમન કરવું વગેરે જેવા મહત્વના કાર્યક્ષેત્રોનો સમાવેશ થાય છે.

Photo Courtesy: indiatoday.in

RBIની સ્થાપના વખતે બનાવાયેલા કાયદા કાનુન અનુસાર રિઝર્વ બેંક સંપૂર્ણપણે કેન્દ્ર સરકારથી સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા રહેશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. RBI દેશની આર્થિક પરિસ્થિતિઓ અનુસાર બેંક દરોમાં વધઘટ કરીને મોંઘવારીને કંટ્રોલમાં રાખવા માટે પોતાની રીતે પ્રયત્નો કરી શકશે એવા ધારાધોરણોનો અહી આ લાંબા કાયદામાં સમાવેશ કરવામાં આવેલો છે.

પરંતુ તમે છેલ્લા અમુક સમયથી નોંધ્યું હશે કે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે તણાવભર્યા સંબંધો સર્જાયા છે. આવું થવાના કારણો વિશ્લેષણ માંગી લે તેવા છે. તમને થશે કે RBI પોતે કેન્દ્ર સરકારથી સ્વતંત્ર સંસ્થા હોય તો પછી તેમની વચ્ચે કેવા સંબંધો? તો એ માટે તમને RBI એક્ટ, 1934ના અનુચ્છેદ 7ની જોગવાઈથી અવગત કરાવું. અનુચ્છેદ 7ની આ જોગવાઈ મુજબ કેન્દ્ર સરકાર RBIને લોકકલ્યાણ માટે પોતાની નીતિઓ અંગે સલાહ આપી શકે છે અને જો તે સલાહ લોકહિત માટે યોગ્ય હોય તો કેન્દ્ર સરકાર RBIને પોતાની નીતિઓ એવી રીતે ઘડવા માટે નિર્દેશન આપી શકે છે. હાલની ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી પહેલી સરકાર છે જેણે આ જોગવાઈનો ઉપયોગ કર્યો છે.

બસ, અનુચ્છેદ 7ની અ જોગવાઈના લીધે છેલ્લા કેટલાક સમયથી RBIના ભૂતપૂર્વ ગવર્નર ઊર્જિત પટેલ અને સરકાર વચ્ચે ટસલ ચાલી રહી હતી. ઊર્જિત પટેલ RBIના ગવર્નર હોવાના હોદ્દાની રુએ મોનેટરી પોલીસી સમિતિના અધ્યક્ષ હતા. મોનેટરી પોલીસી દર બે મહીને બેંક ધિરાણ માટે વ્યાજદરો અપડેટ કરે છે.

જો વ્યાજદરો વધુ હોય તો અનુસુચિત બેંકો પોતાના ગ્રાહકો, એટલે કે જાહેર જનતાને લોન આપવાના દરોમાં ઘટાડો કરી શકતી નથી. જેથી સામાન્ય લોકોને લોન લેવા માટે સમસ્યા સર્જાય છે. સામાન્ય લોકોથી આપણે માત્ર કાર લોન કે હોમ લોનની વાત નથી કરવાની. અહી વાત છે સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો તેમજ ખેડૂતો.

આ વાતને સમજવા માટે બે એન્ગલથી વિચારવું પડે. એક આર્થિક અને બીજો રાજનૈતિક. રાજનૈતિક દ્રષ્ટિકોણથી જોઈએ તો જો લોકોને લોન મેળવવામાં તકલીફ પડે તો તેમની ખરીદશક્તિ ઘટે છે અને સરકાર તરફની તેમની ઉદાસીનતામાં વધારો થાય છે. લઘુ ઉદ્યોગો ન નાખી શકવાના લીધે એક વર્ગના લોકોમાં અસંતોષ જન્મે છે અને એમના મનમાં સત્તાપલટ કરવાના બીજ રોપાય છે. આમ, RBIની મોનેટરી પોલીસી નાગરિકોને અને અંતે સરકારને સીધી અસર કરે છે.

આર્થિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો બાબતનો બીજો પહેલુ જોવા મળશે. હાલમાં IL&FS, એર ઇન્ડિયા જેવી માંધાતા ગણાતી કંપનીઓ ઘાટામાં ચાલી રહી છે. જેનાથી દેશનું શેરમાર્કેટ અણધાર્યા વળાંકો લે છે. વળી, સરકાર દ્વારા વિવિધ રાજ્યોમાં ખેડૂતોની દેવામાફીથી લઈને નાના ઉદ્યોગો માટે અપાતી લોનની સંખ્યા અને રકમમાં વધારો નોંધાયો. આ નાના અને મધ્યમ ઉદ્યોગો ઘણા કિસ્સામાં ઝડપથી બંધ થઇ જતા હોય છે. અર્થાત તેમનો ઓપનીંગ ટુ શટડાઉન રેશિયો ઘણો ઓછો જોવા મળે છે. જેથી લોન લેનાર સમયસર લોન પાછી ભરી શકતો નથી અને બેન્કોના એટલા નાણા અટવાયેલા રહે છે. જેને નોન પરફોર્મિંગ એસેટ્સ (NPA) કહેવામાં આવે છે.

NPA વધવાના લીધે RBIની ચિંતામાં વધારો થાય છે. દેશનું આર્થિક સંતુલન ખોરવાતું અટકાવવા માટે RBI બેંક ધિરાણના દરો વધારે જ રાખે છે. જેના લીધે અનુસુચિત બેંકો દ્વારા અપાતી લોનનું પ્રમાણ ઘટે અને બેંકોના NPAમાં ઘટાડો થાય.

લાગતું વળગતું: શશી થરૂરે રઘુરામ રાજન વિષે Fake News ફેલાવ્યા અને પકડાયા

જોતજોતામાં છેલ્લા અડધા દાયકામાં NPAની સમસ્યાએ RBIના નાકમાં દમ કરી મુક્યો છે. એટલા માટે જ રિઝર્વ બેંક દ્વારા સુનીલ મહેતાના વડપણ હેઠળ એક સમિતિ બનાવી અને NPAમાં ઘટાડા માટે ‘પ્રોજેક્ટ સશક્ત’ પણ લોન્ચ કર્યો. જે NPAના બોજા તળે દબાઈ ગયેલી બેંકોને દિશાનિર્દેશન આપીને તેમની હાલત સુધારવાનો એક પ્રયત્ન છે.

જો રાજનીતિના સદર્ભમાં વિચારીએ તો, સરકારનો મુખ્ય ઉદ્દેશ 2019ની ચૂંટણીઓ છે, જે શોર્ટ ટર્મ ગોલ છે. જ્યારે RBIનો દેશની આર્થિક સ્થિતિને સંતુલિત રાખવાનો ઉદ્દેશ્ય એ લાંબાગાળાનો છે.

વળી, અન્ય એક મુદ્દો રિઝર્વ બેંક પાસે રહેલી વધારાની મૂડીનો પણ છે. સરકારનું કહેવું એમ છે કે, RBI કે પછી સરકાર, બંનેનો અંતિમ લક્ષ્ય તો લોકોના કલ્યાણનો જ છે. તો પછી RBI પાસે રહેલી વધારાની મૂડી RBI, NPAના બોજ તળે દબાઈ ગયેલી બેંકોને ફંડ આપીને આપૂર્તિ કરવી જોઈએ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રિઝર્વ બેંક પહેલા જ પર્યાપ્ત રકમ આવી બેંકોને આપી ચુકી છે છતાય તેમના NPAમાં ન તો કોઈ ઘટાડો નોંધાયો છે કે ન તો તેમની આર્થિક સ્થિતિ સુધરી છે!!

તો આવા વખતે RBI એવી બેંકો પર નિયંત્રણ લાદે નહિ તો બીજું શું કરે? પરંતુ, સરકાર આ વાત સમજવા તૈયાર નથી. કદાચ એ જ “પર્સનલ” કારણ હશે જેના લીધે ઊર્જિત પટેલે રાજીનામું આપ્યું હશે. આ પહેલાના ગવર્નર શ્રી રઘુરામ રાજનને અચાનક હટાવવાનું કારણ પણ ક્યાંક ને ક્યાંક આ જ ભાસે છે.

સરકારે સમજવું જોઈએ કે RBIને સ્વાયતતા આપવાનું મુખ્ય કારણ જ એ છે કે દેશની રાજનીતિ અને આર્થિક બાબતોને એકબીજાથી અલગ રાખી શકાય. દરેક બાબતોમાં જો સરકારનો હસ્તક્ષેપ હશે તો સામ્યવાદી ચીન અને લોકતાંત્રિક ભારત વચ્ચે શું ફરક રહી જશે?

ખેર, નવા ગવર્નર શ્રી શક્તિકાંત દાસ નવું વિઝન લઈને આવે એવી આશા હાલ સેવાઈ રહી છે. ગવર્નર ચાહે ગમે તેટલા બદલી નાખીએ, પણ જ્યાં સુધી સરકાર એમ નહિ સમજે કે, “આર્થિક વિકાસ માટે વિશ્વના દેશો સાથે કદમ મિલાવીને ચાલવા માટે RBIની સ્વાયતતા જરૂરી  છે” ત્યાં સુધી આવો વિરોધાભાસ ચાલ્યા જ કરશે.

આચમન:- “કોણ કહે છે કે રિઝર્વ બેંક એક સ્વાયત સંસ્થા નથી? તે સ્વાયત સંસ્થા છે જ, પરંતુ સરકાર ઈચ્છે ત્યાં સુધી જ!”- વાય.વી.રેડ્ડી

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: આવો જાણીએ એ કઈ કઈ નેટફ્લિક્સ સિરીઝ છે જે જોવાલાયક છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here