તારીખ પે તારીખ – કોઈને પૈસા ઉધાર આપ્યા છે? તો આ જરૂર વાંચજો

1
374
Photo Courtesy: moneycontrol.com

જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે કે પછી તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા છે તો આ કટાક્ષિકા તમારે જરૂર વાંચવી જોઈએ.

“રાકેશ?”

“હા રાકેશ બોલું છું, તમે કોણ?”

“અલ્યા જગતકાકા બોલું.”

“તમારી પાસે આ નંબર કેવી રીતે આયો કાકા?”

“અલ્યા, તું મારો ફોન ઉપાડે નહીં તો મારે ક્યાંકથી તો તારો નંબર શોધવો કે નહીં?”

“મેં તમારા બે મિસ કોલ જોયા…”

“બે નહીં વીસ હશે, સવારનો કરું છું.”

“હા એ તો ઊંઘમાં હતો એટલે પાછળનો ઝીરો જોયો નહીં. બોલો શું કામ હતું?”

“આજે દેવદિવાળી હતી.”

“ઓહો, એટલા માટે તમે છેક રાત્રે સાડાનવ વાગ્યે કોલ કર્યો? વાહ, હેપ્પી દેવદિવાળી કાકા.”

“અલ્યા દેવદિવાળી ગઈ તેલ લેવા, તે આજનો વાયદો કર્યો હતો.”

“કાકા એમાં એવું છે ને કે…”

“જો તે ફરીથી શરુ કર્યું. આજકાલ કરતા આઠ મહિના ઉપર થયા.”

“પણ મેં તમને એમ પણ કહ્યુંને કે એક વખત વ્યવસ્થા થઇ જાય એટલે આલી દઈશ, વ્યવસ્થા તો થવા દો?”

“જો, તે ગયા ડિસેમ્બરમાં એકત્રીસ તારીખે સવારે મારી પાસેથી પાંચ હજાર રોકડા લીધા હતા બરોબર?”

“હા બરોબર. એ તો થર્ટી ફર્સ્ટ…”

“શું? થર્ટી ફર્સ્ટ? પણ તે તો કોમલના પપ્પા બીમાર છે અને હોસ્પિટલમાં કદાચ દાખલ કરવા પડશે એટલે અરજન્ટ જોઈએ છે એવું કહ્યું હતું.”

“એ..એ.. જવા દો ને કાકા, આગળ બોલો.”

“હા, તો તે ગયા ડિસેમ્બરમાં એકત્રીસ તારીખે તારા સસરા બીમાર છે એમ કહીને મારી પાસેથી પાંચ હજાર એમ કહીને રોકડા લીધા હતા કે ઉતરાણને દિવસે આલી દઈશ.”

“બરોબર.”

“તો ઉતરાણને દિવસે તો તું મળ્યો જ નહીં. વાસી ઉતરાણ કરવા અમે તારા ઘરે આયા તો તું તારે સાસરે ભાગી ગયો હતો.”

“કાકા, ભાગી નહોતો ગયો, મારા સસરા માંડ માંડ સાજા થયા હતા એટલે એમની ઈચ્છા હતી કે બધા ભેગા મળીને ઉતરાણ અને વાસી ઉતરાણ એમને ઘરે ઉજવે એટલે ગયો હતો. શું તમે બી યાર.”

“એ બધું તો ઠીક છે પણ તે દિવસે તે મને મારા પાંચ હજાર તો પાછા ન જ આપ્યાને? ઉપરથી ઢગલો કોલ કર્યા પછી પાછી એક અઠવાડિયાની મુદત લઇ લીધી.”

“હા બરોબર છે કાકા, પછી મને એમ કે સેલેરી આવશે એટલે કાકાને આપી દઈશ.”

“તો પછી વળી તે હોળીની મુદત કેમ લીધી?”

“એ તો કાકા છોકરાઓની ફી અમે ત્રણ મહિનાની સાથે ભરી દઈએ છીએ ને એટલે પછી કોમલે મને ફેબ્રુઆરીમાં યાદ દેવડાવ્યું કે આ મહીને તો ફી ભરવાનો વારો છે, એટલે પછી મેં વિચાર્યું કે જગતકાકા તો ઘરના જ કહેવાય એટલે પછી મેં તમને સામેથી કોલ કરીને હોળી પછી આલીશ એમ વાયદો કર્યો.”

“પણ હોળી ગઈ, ધૂળેટી ગઈ પણ તે પૈસા પાછા ન આપ્યા તે ન જ આપ્યા.”

“પણ મેં તમને સામેથી કોલ કર્યો હતોને?”

“અરે, પણ એનો શો મતલબ યાર? પછી તે રામનવમીની મુદત લીધી અને કહ્યું કે તું ત્રણ મહિનાના વ્યાજ સાથે મને રામ ભગવાનના જન્મદિવસના પવિત્ર દિવસે મને મારા પૈસા આપી દઈશ.”

“હા, તો રામનવમીએ તમારે ઘરે આયો તો તો ખરો જમવા.”

“જમવા માટે કારણકે મેં મારા આખા મિત્રમંડળના ફેમિલીને ફરાળ કરવા બોલાયું હતું. પણ તું તો મારી સામે પણ ના આયો. મેં જેટલીવાર તને બુમ પાડી કે છોકરાઓ પાસે મને મળવાનો મેસેજ મોકલાવ્યો તો તું કર્ટસી ખાતર પણ મળવા નાં આયો.”

“અરે પણ લંચ માટે ખાસ એક ક્લાકની રજા લઈને આયેલો કાકા. તમને ખબર નથી મારો બોસ કેટલો ખતરનાક છે. એક તો રજા માંડ આપે અને પછી જો એક મિનીટ પણ મોડા પડ્યાને…”

“પછી ખબર નહીં કેમ પણ તે એપ્રિલ મહિનામાં આંબેડકર જયંતિએ આલી દઈશ એવી મુદત માંગી. એય મારા એક હજાર મિસ કોલ જોયા પછી.”

“એ તો કાકા એવું છે ને કે આંબેડકર જયંતિએ અમે બધા ઘરમાં નવરા જ હોઈએ, આઈ મીન આમ રજા હોય પણ બેન્કો ને બધું બંધ હોય એટલે ઘરમાં એયને જલસા. સવારે ટીવી જોવાનું, જમવાનું, બપોરે ઊંઘી જવાનું અને પછી સાંજે ફેમીલી સાથે પિક્ચર જોવા જઈ, ડિનર કરીને પાછા.”

“પણ એ બધામાં તે મારા પાંચ હજાર આપવા માટે સમય ન કાઢ્યો!”

“તમને કાકા યાર આખું લિસ્ટ તો ગણાવી દીધું? હવે આમાં તમે જ કહો મને ટાઈમ મળે? ના ના તમે જ કહો.”

“પછી તે મને કહ્યું કે સ્વતંત્રતા દિવસે તમને તમારી ચિંતામાંથી આઝાદ કરી દઈશ, પણ…”

લાગતું વળગતું: હું તો ગ્યો’તો પુસ્તક મેળે…. પુસ્તક મેળાની મુલાકાતે ગયેલા કપલની વાર્તા!

“કાકા સપ્ટેમ્બર એન્ડીંગ…આઈ મીન ઓફિસમાં ઓડીટ હતું એટલે બોસે હુકમ કર્યો હતો કે સ્વતંત્રતા દિવસ બીજા માટે આપણે તો કામ કરવાનું, બોલો હવે તો માનશોને કે મારો બોસ કેટલો ખતરનાક છે? અંગ્રેજો જેવોજ!”

“પણ પછી બીજે દિવસે તો માણસ આપી દે ને? સપ્ટેમ્બર એન્ડીંગને તો દોઢ મહિનો બાકી હતો”

“પછી તો કાકા રેગ્યુલર ઓફીસ નહીં?”

“તો પછી રક્ષાબંધનના દિવસે ટીંકી પાસે રાખડી બંધાવવા આઇશ ત્યારે એને પાંચસો એક પસલી આપીશ અને તમને તમારા પાંચ હજાર વ્યાજ સાથે આપી દઈશ એમ કેમ કહ્યું?”

“લો રક્ષાબંધન હોય તો હું મારી બેન પાસે રાખડી પણ ના બંધાવું? ભલે ટીંકી મારી સગી બેન ન હોય પણ પપ્પા અને તમે જીગરજાન મિત્રો એટલે મારી બેન જ કે’વાયને? અને નાનપણથી એની પાસે રાખડી બંધાવું છું.”

“પણ તું તો આયો જ નહીં રાખડી બંધાવવા?”

“એ તો મારો સાળો…કોમલનો ભાઈ…એનું આખું ફેમીલી આપણે ત્યાં જમવા આયુ, અચાનક જ એટલે પછી ના આયો.”

“એના પછી ગણેશ ચતુર્થી અને વિસર્જનની તારીખો માંગી.”

“હા, પણ મારા બોસ મિસ્ટર ભાલેરાવ પુણેકર મરાઠી છે, એટલે એ ગણેશ ઉત્સવ માટે પુણે ગયા હતા અને આખી ઓફિસની જવાબદારી મારે માથે. મને ખાસ કહીને ગયા હતા કે રાકલા કોઈને તકલીફ ન પડવી જોઈએ. એટલે દસ દિવસ સુધી ઓફિસમાંથી ટાઇમ જ ન મળ્યો.”

“પછી જન્માષ્ટમી…”

“એ તો આપી જ દે’ત પણ તમારા પાંચ હજાર માટે હું સાતમ, આઠમ અને નોમ એમ ત્રણ દિવસ આખી રાત રમ્યો, પણ ઉલટું દસ હજાર હારીને ઘરે પાછો આવી ગયો.”

“દશેરાએ ફાફડા જલેબી તારી તરફથી અને પાંચ હજારનું પેકેટ તમને ખાનગીમાં આલી દઈશ એવો વાયદો કર્યો પણ તું આવ્યો જ નહીં અને અમારી દશેરા ફાફડા-જલેબી ખાધા વગરની ગઈ, તારી રાહ જોઈ જોઇને.”

“એ તો કાકા કોમલની કઝીન યુકેથી આવેલી નવરાત્રીમાં, એને વડોદરાના ગરબા બહુ ગમે એટલે અમે એને છેલ્લા ત્રણ નોરતા બરોડા લઇ ગયેલા હવે નોમની રાત્રે આખી રાત ગરબે રમ્યા તે દશેરા એ છેક બપોરે એક વાગ્યે ઉઠ્યા, પછી ત્યાં જ ફાફડા જલેબી ખાઈ લીધા અને નાસ્તો મોડો કર્યો એટલે પછી જમવાનું મોડું થયું અને છેક રાત્રે અગિયાર વાગ્યે અમદાવાદ આયા, હવે રાત્રે એવે ટાઈમે તમને ડીસ્ટર્બ કરાય?”

“પછી નવા વર્ષે જ્યારે તમને પગે લાગવા આવીશ ત્યારે તમને સાઈડમાં લઇ જઈને પૈસા આલી દઈશ એમ કીધું.”

“હા, પણ અચાનક જ અમારા ત્રણ મિત્રોનો આબુ જવાનો પ્રોગ્રામ થઇ ગયો અને કોમલીની પણ બહુ ઈચ્છા હતી મને કે કે રાકેસ્સ…ત્રણ મહિનાથી આપણે કશે ફરવા જ નથી ગયા. અને કાકા તમને તો ખબર છે કે કોમલની ઈચ્છા એટલે મારા માટે ભગવાનનો હુકમ.”

“એટલે પછી તે મને દેવદિવાળીનો વાયદો આપ્યો અને આજે મેં પચાસ વખત તારા  નંબરે કોલ કર્યા તો તે ઉપાડ્યો જ નહીં અને છેક સાંજે મેં કોમલ પાસેથી તારો આ બીજો નંબર લીધો ત્યારે અજાણ્યો નંબર જોઇને તે ઉપાડ્યો નકર…”

“કાકા પણ હવે હું આ ફોનમાં તમારો આ નંબર સેવ કરી લઈશ.”

“એટલે? હવે તું આ નંબર પરથી પણ મારો કોલ નહીં ઉપાડે? રાકેશ? તને બિપીન, મારો બાળપણનો મિત્ર અને બેન્કમાં મારો સાથીદાર છતાં નાના ભ’ઈ જેવો હતો એનો ચહેરો નજર સામે રાખીને પૈસા આપ્યા હતા. આજે વરસ થવા આવ્યું, આવતે મહીને ફરીથી થર્ટી ફર્સ્ટ આવશે. તને આટ આટલા કોલ કરવામાં જ મારા પાંચ હજાર ખર્ચ થઇ ગયા હશે. ઉપર બિચારો બિપીન પણ મારી હાલત પર રડતો હશે”

“તો કાકા મુકાકાકાનું કનેક્શન લઇ લો ને? આઉટ ગોઈગ સાવ મફતમાં થાય એમાંથી.”

“જો મને મફતની પડી નથી, તું મને એમ કે, લાસ્ટ અને ફાઈનલ. મને મારા પાંચ હજાર આપીશ કે નહીં? અને આપીશ તો ક્યારે હવે એક ફાઈનલ ડેટ આપી દે.”

“કાકા, એક્ચ્યુલી હું તમને આજકાલમાં કોલ કરવાનો જ હતો.”

“તારા બહાના બહુ થઇ ગયા રાકેશ, મને એક ફાઈનલ ડેટ જોઈએ અને જો એ દિવસે તું મને મારા પૈસા પાછા નહીં આલે તો હું ક્યારેય તને કોલ નહીં કરું.”

“એવું છે? તો એમ કરો કાકા, આ વખતે થર્ટી ફર્સ્ટની પાર્ટી મારે ઘરે છે…”

“જો મારે હવે તારા કોઈ ગાળિયામાં નથી આવવું, હું તારે ઘરે પાર્ટીમાં આવું અને તું કોમલના સાસરે જતો રહે.”

“ના ના, કાકા તમને નથી બોલાવતો, એ તો અમારા જેવા યંગસ્ટર્સ  માટે પાર્ટી છે આતો..”

“તો પછી આપણી વાતમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી ક્યાંથી આવી?”

“આ તો એમ કે આ વખતે એ પાર્ટી મારે ઘરે છે તો જરાક દસેક હજારની વ્યવસ્થા થશે? અમે એમાં હાઉસી ને તીન પત્તી રમવાના છીએ, બસ હું એમાં પચ્ચીસ ત્રીસ હજાર જીતી જાઉં એટલે ઉતરાણ સુધીમાં તમારા પંદર હજાર દૂધે ધોઈને આપી દઈશ.”

“…………”

“કાકા…કાકા….જગતકાકા…હલ્લો…હલ્લો… આર યુ ધેર?…”

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: મધ્ય પ્રદેશની ચૂંટણીઓમાં કમલનાથનું મહત્ત્વ કેમ છે જણાવે છે દિગ્વિજય સિંહ

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here