ગવર્મેન્ટ સર્વેલન્સ ઓર્ડર : કેટલો લાભકારી? કેટલો ગેરવ્યાજબી?

  0
  76

  હાલમાં ભારત સરકારે ‘ગવર્મેન્ટ સર્વેલન્સ ઓર્ડર’ જાહેર કર્યો છે. આ ઓર્ડર મુજબ સરકાર કોઇપણ વ્યક્તિના મોબાઈલ, લેપટોપ કે અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસીસનું નેટવર્ક દ્વારા સર્વેલન્સ કરી શકશે. અગત્યની વાત એ છે કે દેશની 10 સુરક્ષા એજન્સીઓ તો વપરાશકર્તાને કોઈ પણ જાતની જાણ કર્યા વગર તેમનું સર્વેલન્સ કરી શકે છે. વધુમાં તેમના કમ્પ્યુટર કે લેપટોપમાં પાસવર્ડથી એનક્રિપ્ટ કરેલી માહિતીને પણ ડીકોડ કરી શકે છે. આ 10 એજન્સીઓમાં ઈન્ટેલીજન્સ બ્યુરો જેવી સતર્કતાની તકેદારી રાખતી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

  Photo Courtesy: theweek.in

  ટેકનોલોજીનું અદ્યતન થવું એ સમાજ અને દેશ માટે વિકાસ તરફ ભરેલું એક મોટું પગલું ચોક્કસથી ગણી શકાય. આજે ટેકનોલોજીના લીધે દુનિયા આંગળીના ટેરવે છે ત્યારે ડીજીટલ દુનિયામાં થતા ઘણા બધા ઓફેન્સીવ અને ગેરબંધારણીય ગુનાઓનું પ્રમાણ પણ એટલું જ ચિંતાજનક બન્યું છે. કોઇપણ દેશની સરકાર માટે દેશની આંતરિક સુરક્ષા અને સીમા સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત કરવો જરૂરી તો છે જ પરંતુ માત્ર સર્વેલન્સ કરવાથી દેશ સુરક્ષિત થઇ જતો નથી. કારણ કે અસંખ્ય કિલોમીટરના ઓપ્ટીકલ ફાઈબર કેબલ્સ અને વિશાળ નેટવર્ક દ્વારા દેશના નાગરીકો સતત સીમાપારના રાષ્ટ્રો સાથે સતત સંપર્કમાં હોય જ છે. આવા સંજોગોમાં સાયબર સુરક્ષા અને સર્વેલન્સ એ એક વિચારવા માટેનો ટોપ પ્રાયોરીટી ધરાવતો મુદ્દો ગણીએ તો જરાય અતિશયોક્તિ નથી.

  સરકારનો આ આદેશ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ, 2000 અધિનિયમના સેક્શન 69 અંતર્ગત સુધારો કરીને જાહેર કરવામાં આવ્યો છે. સેક્શન 69 એ ભારતીય ટેલીગ્રાફ એક્ટ, 1885નું વિસ્તૃત સ્વરૂપ છે. પરંતુ 1885ના આ અધિનિયમની સત્તાઓ એક હદ સુધી સરકારને બાંધતી હતી. જ્યારે આ અધ્યાદેશ અનુસાર સરકારની સર્વેલન્સ કરવાની સત્તાઓની હદ વિસ્તારવામાં આવી છે.

  ઘણાબધા નાગરિકોએ અને ખાસ તો વિપક્ષે આ અધ્યાદેશને વખોડી કાઢ્યો છે. જે સ્વાભાવિક પણ હતું! કારણ કે થોડા સમય પહેલા જ કે.એસ.પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારતસંઘ કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે ‘રાઈટ ટુ પ્રાઈવસી’ એટલે કે ‘નિજતાના અધિકાર’ને નાગરિકના મૂળભૂત અધિકારનો દરજ્જો આપ્યો. આ ચુકાદાનો મતલબ એવો થયો કે પોતાની નિજતાનો અધિકાર નાગરિકને મૂળભૂત રીતે મળેલો છે જેમાં સરકાર કોઈ પણ રીતે છૂટછાટ લઇ શકે નહિ અથવા તો તેનું ઉલ્લંઘન કરી શકે નહિ.

  આ મુદ્દાનો આધાર લઈને વિરોધના વંટોળ ઉભા થાય એ વાત સ્વાભાવિક જ હતી. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ સિક્કાની બીજી બાજુ જોવાનું વિરોધકર્તાઓ ચુકી ગયા છે. સરકારને સર્વેલન્સ કરવાની જરૂર કેમ પડી? એવા કયા સંજોગો અને કન્સર્ન રહ્યા હશે કે સરકારે પોતાનો જ વિરોધ થાય અધ્યાદેશ જાહેર કરવો પડ્યો હશે? આ વિષે વિચાર્યા વગરનો વિરોધ પાયાવિહોણો છે.

  લાગતું વળગતું: નેટ ન્યુટ્રાલિટી એટલે શું? અને એનો ગ્રાહક તરીકે આપણો ફાયદો શું?

  સરકારના આવા અધ્યાદેશ જાહેર કરવાના કારણો સમજીએ તો,

  1) હાલમાં જ થયેલા એક આંતરરાષ્ટ્રીય સર્વેમાં સાયબર હુમલાઓ પ્રત્યે ભારત વિશ્વનો ત્રીજો સૌથી સંવેદનશીલ દેશ છે. જે ભારતમાં હેકિંગ તેમજ અન્ય નેટવર્કજન્ય એટેક્સ પ્રત્યે સભાનતા કેળવવા માટે પગલા લેવાના રેડ એલર્ટ સમાન વાત છે.

  2) ઝડપથી બદલાતી જતી ટેકનોલોજીસના લીધે સરકારનું શંકાશીલ બાબતો પર ઓનલાઈન સર્વેલન્સ માત્ર એક ઔપચારિકતા જ નહિ, અપિતુ એક જરૂરીયાત બનવા પામ્યું છે.

  3) મહિલાઓ અને બાળકો વિરુદ્ધ વધતા જતા ગુનાઓ તેમજ ચાઈલ્ડ પોર્નોગ્રાફીની વધતી જતી સમસ્યાનું કોઈ નક્કર સોલ્યુશન હાથ પર હાથ ધરીને બેસી રહેવાથી નહિ મળે એ સરકાર જાણે છે અને એટલે જ આવા આદેશો જાહેર કરવા એ દેશહિતના પરિપેક્ષ્યમાં સુસંગત છે.

  4) તમે આતંકવાદ સંગઠનો દ્વારા ઓનલાઈન બ્રેઈન વોશિંગ અને ઓનલાઈન રિક્રુટમેન્ટ જેવા શબ્દો અવારનવાર છાપાઓમાં વાંચ્યા હશે. દેશનું ડેમોગ્રાફિક ડીવીડંડ જ્યારે સાચી દિશામાં વળવાની જગ્યાએ ખરાબ દિશામાં વળતું હોય ત્યારે આવી તકેદારી રાખવી એ સરકારની ફરજ બની જાય છે.

  5) ફિશિંગ, સ્પામીંગ, હેકિંગ તેમજ અન્ય સાયબર હુમલાઓથી દેશના નાગરીકોને બચાવવા હેતુ અને દેશની આંતરિક સુરક્ષાને સાયબર અટેકપ્રૂફ બનાવવા માટે આ અધ્યાદેશ મહત્વનો સાબિત થશે અને ઓછી ફોર્માલીટીઝના લીધે વધુ લંબાણ ન થતા ટૂંકાગાળામાં આરોપીઓને પકડવામાં સફળતા મળશે.

  6) ટેક્સ હેવન દેશોમાંથી થતી પૈસાની ગેરકાયદેસર આપ-લે અને મની લોન્ડરિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓ પર નિયમન હેતુ એક્ટીવ સર્વેલન્સ ઘણું લાભદાયી નીવડે છે.

  સિક્કાની બીજી તરફ, સરકારના આ અધ્યાદેશથી વિપરીત અમુક મુદ્દાઓ પણ રહેલા છે. જેમ કે,

  1) નાગરીકોની વ્યક્તિગત અને ઓનલાઇન માહિતી સરકાર તેમની મંજુરી વગર ‘જરૂર પડે ત્યારે’ લઇ શકે છે. જે તેમની પ્રાઈવસીનું હનન છે.

  2) આપણું રાષ્ટ્ર એક લોકતાંત્રિક રાજ્ય છે અને તેમાં બંધારણમાં આપાયેલા મૂળભૂત અધિકારો એ તેનું હાર્દ છે. આવી પરિસ્થિતિમાં આવા અધ્યાદેશો એ મૂળભૂત અધિકારોને ખલેલ પહોચાડે છે.

  3) વળી, સર્વેલન્સ વખતે નાગરીકોના પ્રાઈવસીના હકોનું ઉલ્લંઘન નહિ જ થાય તેવી ગેરંટી/બાંહેધરી લેનાર સંસ્થાનો અભાવ છે. જેથી તે વધુ શંકાશીલ બને છે.

  જો એક સંતુલિત રસ્તો લઈને ચાલવું હોય તો સરકારે અમુક મુદ્દા ચોક્કસથી ધ્યાને લેવા જોઈએ જેથી ભવિષ્યમાં નાગરીક-સરકાર વચ્ચેના ટકરાવો ઘટાડી શકાય. જેમ કે,

  1) સરકારે છૂટછાટ આપેલી ૧૦ એજન્સીઓ ઉપર એક નિયમનકારી સંસ્થા બનાવવી જોઈએ કે જે એ વાતનું નિષ્પક્ષ ધ્યાન રાખે કે મુખ્ય ડેટાબેઝની કઈ કઈ એજન્સીઓએ કયા કારણોસર મુલાકત લીધી.

  2) કાયદામાં વપરાયેલા શબ્દો “જરૂર પડે ત્યારે રાષ્ટ્રહિતમાં”ની ચોક્કસ સ્થિતિઓની વ્યાખ્યા કરવી જોઈએ. જેથી નાગરીકોને ખ્યાલ આવી શકે કે કેવા સંજોગોમાં તેમનો ઓનલાઈન ડેટાનું સરકાર સર્વેલન્સ કરી શકે.

  3) કોઈ પણ નાગરિક કે જાહેર સંસ્થાના ડેટાની તપાસ કરતા પહેલા, તેમને આવી જાણ કરતો કોઈ ઈમેઈલ કે મેસેજ પાઠવવો જોઈએ જેથી જેતે વ્યક્તિ કે સંસ્થા તેનાથી અવગત થાય.

  4) ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની સજાઓ વધારે કઠોર અને તેના કેસોના ઝડપી નિકાલ માટેની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ જેથી સાયબર ક્રાઈમની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે.

  ઉપર્યુક્ત પર્યાપ્ત મંત્રણા કરતાં એ વાત ચોક્કસ થાય છે કે સરકારનો ઓનલાઈન સર્વેલન્સનો અધ્યાદેશ ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે જાહેર કરવામાં આવ્યો છે. છતાંય આ અધ્યાદેશ અમુક સુધારા વધારા સાથે જો અમલી કરવામાં આવ્યો હોત તો હજી સારો આવકાર પ્રાપ્ત થવાની સંભાવના હતી.

  ખેર! આગે આગે દેખતે હૈ હોતા હૈ ક્યા?

  આચમન :- અક્ષરની સાક્ષરતા સાથે સાથે હવે ડીજીટલ સાક્ષરતા પણ એટલી જ જરૂરી છે. જો તમે સારું લખી વાંચી શકો પરંતુ ડીજીટલ યુગ સાથે તાલ નથી મેળવી શકતા તો તમે લોજીકલી સાક્ષર છો પણ ડીજીટલી સાક્ષર નથી.  

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: શેરબજારમાં કરેક્શન એ સારી સારી કંપનીના શેર ખરીદવાનો સોનેરી મોકો છે

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here