ભારતનું ‘પત્તું’ એટલેકે પોસ્ટકાર્ડ વિષેની મધમીઠી યાદો – લિખે જો ખત તુઝે…

    0
    883

    ગઈકાલે ધૂમકેતુની વાર્તા પોસ્ટઓફિસનું નાટય મંચન જોયું અને સવારે આંધળી માં ના કાગળની કવિતા વિશે.પોસ્ટકાર્ડ યુગની યાદ તાજી થઈ.  રવિન્દ્રનાથ ટાગોર ની વાર્તા ડાકઘર, રાજેશ ખન્ના, હેમાની ફિલ્મ આખરી ખત, “યે મેરા પ્રેમ પત્ર પઢકર..”, “બડે દીનોકે બાદ વતનસે ચિઠ્ઠી આઈ હે..”, “ફૂલ તુમ્હે ભેજા હે ખતમે..”, “કોરા કાગજ થા યે મન મેરા..”, “હમને સનામકો ખત લિખા” જેવાં સુંદર ગીતો યાદ આવી જાય.

    Photo Courtesy: indianexpress.com

    સુરભી શ્રેણીના સવાલ જવાબ માં તાંબા કુંડી વચ્ચે પત્રો થી છલોછલ ભરેલી રાખી રેણુકા શહાણે પોસ્ટકાર્ડ ઉપાડે એટલે લખનારને કેબીસી માં એક કરોડ લાગ્યા જેવો આનંદ થાય.

    રેડીઓ પર ફરમાઈશ પ્રોગ્રામ માં ‘મુળજીભાઈ, નાથાભાઈ, કાન્જી, ગંગા, 70 વર્ષનાં જમકુબા અને બે વર્ષની ગગી’ તરફથી અમુક ગામથી ફરમાઈશ આખી બધા નામ સાથે વંચાતી.

    પોસ્ટકાર્ડને નાના અક્ષરોથી ભરી દઈ જેટલું બને તેટલું સમાવી દેવાનું ચલણ હતું.

    પાછલી સાઈડ કોરી રાખવી અશુભ મનાતું એટલે ઘણાં છેવટે ઓમ લખતા.

    બે સ્મરણ એ વિશે- એક મિત્ર કોઈને નહીને  એની વાગદત્તા ને પોસ્ટકાર્ડ એ પણ આવું ખીચોખીચ નાના અક્ષરે લખતા! લગ્નને વરસ બાકી હતું અને દર ત્રીજે દિવસે લખવાનું એમાં સુંદર કવર ક્યાંથી પોષાય?

    7 વર્ષનો હતો ત્યારે પાડોશી અનિરુદ્ધ બક્ષીને એમના બહાર ભણતા પુત્રે-કૌટીલ્ય ભાઈ કે ઉદયભાઈએ એક પોસ્ટકાર્ડમાં આગળ સામાન્ય પોતાના ખુશખબર લખી પાછળ એ મા બાપનો ફોટાથી પણ લાઈવ પેન્સિલ સ્કેચ દોરેલો!

    દિવાળી પોસ્ટકાર્ડના તો સેલ લાગતા અને પાછળ ડિઝાઇન ની ક્રિએટિવિટી ગણાતી.

    ‘જાણી આનંદ થયો’, ‘મારા વતી પ્રણામ કહેશો’, ‘જેવી હરિ ઈચ્છા’ (કોઈ ઉકલી જાય કે સંતાનની લગ્ન માટે ના પાડવા માટે),  ‘ મારા વતી મને યાદ કરી ખાજો’,, ‘મારા વતી … ને રમાડજો’  જેવા પોસ્ટકાર્ડ પર લખાતાં સ્ટાન્ડર્ડ વાક્યો હતાં.

    કેટલાક પત્રો  અર્ધા તો સહુ વડીલો, કુટુંબીઓ અને અડોશી પાડોશીના નામ યાદ કરીને જ ભરી મુકતા.

    લાગતું વળગતું: વાત કોચમેન અલીડોસાની – કાળજા કે’રો કટકો જ્યારે બાપ થી દૂર જાય…

    એક સમયે સરકારે બહુ બધી ટીવી સ્પર્ધાઓના પોસ્ટકાર્ડ જોઈ સ્પર્ધાના પોસ્ટકાર્ડના 3 રૂ. સામાન્યના 50 પૈસા રાખેલા.

    દૂર રહેતા પુત્રને  તબિયત સાચવજે, ખાવા પીવાનું ધ્યાન રાખજે, ઓઢજે પહેરજે વગેરે અને પરણેલી પુત્રીને મા અમુક વ્રત કરજે, ઘરનાને સાચવજે, તબિયતના ખબર જમાઈ પાસે લખાવતી રહેજે એવી સલાહો લખતા જ. સામે પુત્ર પણ મઝામાં છું, ચિંતા ન કરશો ને એવું લખતો જ. ફોન તો લક્ઝરી હતી. બસ પુત્રના અક્ષરો મળે એટલે મા બાપનો કોઠો ઠરે. વાર લાગે તો મા ટપાલીની વાટ જોયા કરે.

    આપને ત્યાં અમુક કન્યા રત્ન છે… આપના સુપુત્ર … વિશે … એ વાત કરી છે એવા પોસ્ટકાર્ડ એ તો ઘણી જિંદગી બનાવી છે સામે કેટલાક પોસ્ટકાર્ડ એ જિંદગી તોડી પણ છે.

    વેલકમ ટુ સજ્જનપુર ફિલ્મમાં શ્રેયસ તળપદે પોસ્ટઓફિસ બહાર બેસી કાગળ લખવાનું જ કામ કરતો હોય છે ને એમાંથી કોઈની જિંદગી સુધરે છે, પોતે નોવેલીસ્ટ બને છે.

    આપણી સંસ્કૃતિ સાથે પોસ્ટકાર્ડ અને એની ખાસ શૈલી વણાઈ ગયાં હતાં. હવે તો પોસ્ટઓફિસમાં પણ પોસ્ટકાર્ડ મળતાં નથી. વોટ્સએપ અને ઇમેઇલથી ઘડીના છઠઠા મોટું કહેવાય, પાંપણના પલકારા થઈ પણ જલ્દી વિશ્વના બીજા છેડે સમાચાર મળી જાય છે.

    બેંકમાં હૂંડી પાછળ ટ્રાન્સપોર્ટ રસીદ સાથે પોસ્ટકાર્ડ મોકલતા, સ્વીકારાય એટલે ડ્યુડેઈટ લખી પોસ્ટકાર્ડ ડ્રોઅર ને મોકલવાનું.

    સમય સાથે ઘણું બદલાય છે પણ સાહિત્ય એટલું  ફેસબુક ને વોટ્સએપ મેસેજ ની સંસ્કૃતિ પર અસર વિશે નથી વિકસ્યું  જેટલું પોસ્ટકાર્ડના નાના ટુકડે વિકસ્યું હતું. એ કાર્ડનો ટુકડો આપણા અંતરનો અરીસો હતો. હું તો કાગળિયા લખી થાકી એમ ગોપી કહે છે પણ કોઈ હું વોટ્સએપ કરી થાકી એમ નથી કહેતું.

    તે હી નો દિવસા ગતા:…

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – અવગણના છોડીએ અને તેની સાચી ઉજવણી શરુ કરીએ

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here