લેડી ડેથ: રશિયા ની સૌથી ખતરનાક સ્ત્રી સ્નાઈપર કોણ હતી?

  1
  126

  બીજુ વિશ્વયુદ્ધ ચરમ પર હતું અને એક વખત ના મિત્રો અત્યારે દુશ્મન બની ચુક્યા હતા અને જર્મનીએ રશિયા પર હુમલો કરી ચુક્યો હતો. બંને બાજુ ની કાંટાળીવાડ ની પાછળ થી એક બીજા પર ગોળીઓ ની વર્ષા થઇ રહી હતી. બંને બાજુ ના સૈનિકો જમીન માં ખાડા ખોદી બેસી ગયા હતા અને બસ અને રશિયા નો શિયાળો હજી ગુલાબી ઠંડી સમાન લાગતો હતો.

  Photo Courtesy: .businessinsider.com

  ત્યારે જર્મની બાજુ થી અચાનક લાઉડસ્પીકર માંથી અવાજ આવ્યો, લ્યુડીમીલા, હજી સમય છે, જર્મનીમાં સામેલ થઇ જા, અમારા ફ્યુહર્ર ખુબ દયાળુ છે અને તને સ્વીકારી લેશે, તને પેહરવા ગરમ કપડા મળશે, ખાવા ચોકલેટ મળશે અને એક સારો હોદ્દો મળશે. હજી પણ સમય છે ઈતિહાસની સાચી બાજુ પર રેહવાનો. થોડીક ક્ષણ પછી કાંટાળી વાડો ની પાછળ થી, સૈનિકોના ખાડાઓની પાછળથી, દુર ક્યાં ઝાડવાની અંદર થી એક ગગનભેદી અવાજ આવ્યો અને એક રશિયા તરફી સૈનિકોના માથાના ફૂરચા નીકળી ગયા. તરત જ લાઉડસ્પીકરમાં બોલ્યા, લ્યુડીમીલા, અમારા મહાન દેશ જર્મનીના નામે, અમે તને નહિ છોડીએ.

  કોણ છે આ લ્યુડીમીલા કે જેને જર્મની પોતાના પક્ષ માં કરવા માંગે છે અને લાલચો આપે છે? કોણ છે આ વ્યક્તિ જેનાથી સારા સારા જર્મન કર્નલો પણ ડરે છે? એ હતી લ્યુડીમીલા પવ્લીચેન્કો જેને જર્મન સૈનિકો “લેડી ડેથ” ના નામ થી પણ ઓળખતા. તે રશિયા તરફથી લળતી એક સ્નાઈપર હતી જેના નામે 309 કન્ફર્મ કીલ હતા. એ 309 પણ સાચો આકડો નહતો કેમકે એણે તેના કરતા વધારે લોકો ને મારેલા.

  યુવાનવયની છોકરીઓને કદાચ નવા નવા કપડા પેહરવાનો શોખ હોય કે ખાવાપીવાનો શોખ હોય પણ લ્યુડીમીલાને નહિ. એ સીધી પહોંચી ગઈ રેડ આર્મીમાં જોડાવાના કેમ્પમાં. ત્યાંના ઓફિસરે એને નર્સ ડ્યુટી આપી તો એણે કીધું નહિ, હું એક સ્નાઈપર છું. બધા તેના પર હસ્યા. એ ઘરે ગઈ અને પોતાના સર્ટિફિકેટ લઇને આવી કે એ શુટિંગની સ્પર્ધા માં પેહલે નંબરે આવી છે. તેનો દેખાવ એક મોડલ જેવો હતો, રૂપાળો ચેહરો, વ્યવસ્થિત કપડા અને પાતળું શરીર, આ બધું જોઈને એ લોકો માની નહિ શક્યા એટલે એમણે એક શરત રાખી.

  એમણે લ્યુડીમીલાને એક રાયફલ આપી અને દુર ઉભેલા 2 વ્યક્તિ દેખાડ્યા જે જર્મની માટે કામ કરતા હતા અને એમને મારવાનું કહ્યું. એણે બે ગોળીમાં બંનેને ઠાર કરી દીધા અને આર્મીમાં જોડાઈ ગઈ. જયારે એને યુદ્ધ મેદાનમાં લડવા મોકલી તો એણે પહેલા 75 દિવસમાં 187 જર્મન સૈનિકોને મારી નાખ્યા.

  લાગતું વળગતું: હિરોશીમા અને નાગાસાકી પરના પરમાણુ હુમલા : કારણો અને તારણો

  યુદ્ધમાં સ્નાઈપરની ડ્યુટી અલગ હોય છે, એને યુદ્ધ સીમા પર નહિ પણ એકલા અટુલા અવાવરુ જગ્યામાં બેસીને લડવા નું હોય છે. દિવસના કલાકોના કલાકો એક જગ્યા પર હલ્યા ચલ્યાં વગર બેસી સાચા મોકાની રાહ જોવી પડે છે. બીજા વિશ્વયુદ્ધમાં જેમ સૈનિકોની લડાઈ થતી એમ સ્નાઈપરોની પણ લડાઈ થતી. કોનું નિશાન સૌથી વધારે અચૂક છે અને કોની ધીરજ વધારે છે એ ત્યારે નક્કી થતું અને એ સૌથી વધારે અઘરું હતું, છતાં એણે 36 સ્નાઈપરો ને મારી નાખેલા.

  લ્યુડીમીલા એ રશિયાની 2000 સ્ત્રી સ્નાઈપરોમાંથી એક હતી જે આખરે 500 જ રહી હતી. એની નામનાને કારણે એને અમેરિકા બોલાવવામાં આવેલી. અમેરિકાના પત્રકારો એ એના કપડાની ટીકા કરી અને મજાક ઉડાડી ત્યારે એણે એક ભાષણમાં કીધું, “મારા કપડા એ મારા દેશનો યુનિફોર્મ છે જે યુદ્ધના લોહીમાં તરબોળ છે, મને અમેરિકા ની સ્ત્રીઓની જેમ ચિંતા નથી કે સિલ્ક પેહરવું કે ક્યાં રંગનો ડ્રેસ પહેરવો, અમેરિકાની સ્ત્રીઓને દેશના યુનિફોર્મની કીમત ખબર નથી.”

  એક ભાષણમાં એમણે  સ્ટેજ પરથી કીધેલું, “હું 25 વર્ષની છું અને મેં હજી સુધીમાં 309 લોકો ને મારેલા છે, જેન્ટલમૅન, તમને નથી લાગતું કે તમે ઘણા લાંબા સમયથી એક સ્ત્રીની પાછળ સંતાઈને જીવી રહ્યા છો?” આ કહેવાની સાથે જ વોશિંગ્ટન ડીસીની એક વિશાળ મેદનીએ એમને તાળીઓ થી વધાવી લીધા હતા.

  એની કીર્તિને કારણે જર્મની એ ખાલી લ્યુડીમીલાને મારવા માટે મોર્ટારનો હુમલો કર્યો અને તેનાથી એ ઘાયલ થઇ ગઈ અને આર્મીમાંથી રીટાયર થવું પડ્યું. 58 વર્ષની ઉમરે એનું રશિયામાં મૃત્યુ થયું અને સરકારે એના ફોટાવાળી ટપાલ ટીકીટો પણ બહાર પાડી. હજી પણ એનું નામ દુનિયાના સૌથી ખતરનાક 5 સ્નાઈપરોમાં લેવાય છે અને આ બધાની  શરૂઆત બસ એટલે થયેલી કે લ્યુડીમીલા જયારે 15 વર્ષની હતી ત્યારે એના પડોશમાં રહેતા છોકરાએ પોતે એક સારો શુટર છે એમ વખાણ કર્યા અને એક છોકરીથી રાયફલ ને ઉપાડી પણ ન શકાય એવી મશ્કરી કરી.

  તો હવે જયારે તમને એવું લાગે કે કોઈ કામ એક સ્ત્રીથી ન થઇ શકે ત્યારે આ લ્યુડીમીલાને યાદ કરવી કે જેને મારવા માટે જર્મન સેનાએ ઇનામની જાહેરાત કરેલી. જેણે એકલે હાથે 309 લોકો નો જીવ લીધો, એવા સમયે કે જયારે રશિયામાં સ્ત્રીઓને માન પણ નહોતું મળતું. એક સ્ત્રીમાં સર્જન કરવાની પણ શક્તિ છે અને યુદ્ધ મા ડરની કંપારી ઉભી કરવાની પણ આવડત છે આ હકીકત લ્યુડીમીલાએ સાબિત કરી આપી હતી.

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: ગઈકાલે ગાંધીનગર સચિવાલય ખાતે ઘુસેલા દીપડાની અત્યંત હ્રદય દાવક આત્મકથા

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here