રફેલની એ ‘ઓફસેટ’ શરત જે અંગે રાહુલ ગાંધી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે

    4
    325

    ગઈકાલે લોકસભામાં રફેલ ફાઈટર જેટ્સની ઓફસેટ શરત મામલે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાનું અજ્ઞાન જે રીતે પ્રદર્શિત કર્યું, ત્યારબાદ આ ઓફસેટ શરત શું છે એ અંગે જાણવાની લોકોની જીજ્ઞાસા વધી ગઈ છે. રાહુલ ગાંધી ભલે ઓફસેટ શરત મામલે બિલકુલ ન જાણતા હોય પરંતુ એક સમજદાર નાગરિક તરીકે આપણી ફરજ બની જાય છે કે ગેરમાર્ગે દોરતા નેતાઓની વાતમાં આપણે ન આવી જતાં આપણે જાતેજ તેનું જ્ઞાન મેળવી લઈએ જેથી સત્ય શું છે તેની ખબર પડે.

    Photo Courtesy: craft.co

    રાહુલ ગાંધીની જ કોંગ્રેસ સરકારે જ્યારે ફ્રાન્સના દેસ્સો એવિએશન (Dessault Aviation) સાથે રફેલ ફાઈટર જેટ્સ અંગે કરાર કર્યા ત્યારેજ તેમાં ઓફસેટની મહત્ત્વપૂર્ણ શરત મૂકી હતી. આ શરત અનુસાર છેવટે પૂરા સોદાની જે કોઇપણ કિંમત નક્કી થાય તેના અમુક ટકા દેસ્સોએ ભારતમાં સંરક્ષણનો સમાન બનાવતી કંપનીઓમાં ફરજીયાત રોકવો જરૂરી બનાવ્યો હતો.

    હવે નરેન્દ્ર મોદી સરકારે જ્યારે આ કરાર પર ફેરવિચારણા કરી અને ફરીથી સોદો કર્યો ત્યારે આ શરતમાં સુધારો કરીને ઓફસેટ કરારની કિંમત 50% ફરજીયાત બનાવી હતી. હવે આ 50 ટકા ક્યાં રોકવા કોની સાથે રોકવા એ નિર્ણય સોદો જેની સાથે કરવામાં આવ્યો છે એ દેસ્સો એવિએશન અને અન્ય  કંપનીઓની મુનસફી પર આધારિત છે.

    અહીં એક બાબત ખાસ નોંધવા જેવી છે કે આ ઓફસેટની શરત પણ ચાર કંપનીઓ વચ્ચે વહેંચી દેવામાં આવી છે. કારણકે દેસ્સો રફેલ એરક્રાફ્ટની ફ્રેમ બનાવવાની છે અને અન્ય કંપનીઓ તેને જે સમાન આપશે તેને એરક્રાફ્ટમાં જોડવાનું કામ કરવાની છે. ત્યારબાદ થાલે (Thales) નામની કંપની જે રેડાર્સ અને એવીઓનીક્સ બનાવશે, સાફ્રાન (Safran) જે એરક્રાફ્ટના એન્જીન અને ઇલેક્ટ્રોનીક્સ બનાવશે અને છેવટે MBDA જે શસ્ત્રોનું ઉત્પાદન કરશે.

    હવે એક અંદાજીત કિંમત અનુસાર રફેલનો આખો સોદો કુલ રૂ. 60,000 કરોડમાં થયો છે અને ઓફસેટ શરત અનુસાર દેસ્સો અને પેલી બીજી ત્રણ કંપનીઓએ ભારતની સંરક્ષણ ઉત્પાદન ઈકોસિસ્ટમમાં કરારના 50% એટલેકે લગભગ રૂ. 30,000 કરોડનું રોકાણ કરવું ફરજીયાત છે. હવે આ ઓફસેટની જવાબદારી તો આગળ જોયું તેમ ચાર કંપનીઓ વચ્ચે વહેંચાઇ ગઈ છે! આથી આ રૂ. 30,000 કરોડમાંથી દેસ્સોની જવાબદારી લગભગ રૂ. 6,500 કરોડ થવા જાય છે.

    લાગતું વળગતું: રફેલ મામલે રાહુલ ગાંધીએ દેશની અને સેનાની માફી માંગવી જોઈએ

    મોદી સરકારે તો દેસ્સો સાથે કરેલા કરારમાં ઓફસેટની ટકાવારી વધારીને ભારતના ઉત્પાદકોને વધુ રોકાણ મળે એવી વ્યવસ્થા કરી આપી છે તે અહીં આપણે ખાસ નોંધવું જોઈએ. હવે એક ખાસ વાત જેની ચર્ચા બહુ ઓછી થાય છે અને ગઈકાલે તેના પર નાણામંત્રી અરુણ જેટલીએ લોકસભામાં ખાસ પ્રકાશ પાડતા કહ્યું છે કે ઓફસેટના પચાસ ટકાનું રોકાણ રફેલના સ્પેરપાર્ટસ બનાવવામાં જ કરવું એ જરૂરી નથી, દેસ્સો અને પેલી બીજી ત્રણ કંપનીઓ ભારતમાં કોઇપણ કંપની સાથે કરાર કરીને એ સ્થાનિક કંપની જે કોઇપણ રક્ષા સામાન બનાવે છે તેના ઉત્પાદન માટે રોકી શકે છે.

    ઉપરની સ્પષ્ટતા એટલે જરૂરી હતી કારણકે કોંગ્રસ અને તેના પ્રમુખ રાહુલ ગાંધીએ એવી હવા ફેલાવી છે કે રફેલ ફાઈટર જેટ્સ અનીલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ બનાવવાની છે અને એના માટે વડાપ્રધાન મોદીએ પોતાના એ ‘પ્રિય મિત્ર’ ને ફાયદો કરાવી આપ્યો છે અને એ પણ રૂ. 30,000 કરોડનો જે ઓફસેટની કિંમત થવા જાય છે.

    હકીકત એ છે કે દેસ્સોએ પોતાની ઓફસેટ જવાબદારીને રિલાયન્સ ઉપરાંત HAL, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી અન્ય ઘણી કંપનીઓ સાથે વહેંચી છે અને પેલા રૂ. 30,000 કરોડમાંથી પોતાની રૂ. 6,500 કરોડની જવાબદારીમાંથી રિલાયન્સમાં દેસ્સો તેના 3% એટલે કે લગભગ રૂ. 845 કરોડના સામાનનું ઉત્પાદન કરવા માટે રોકશે અને આ ઉત્પાદનમાંથી રફેલના સ્પેરપાર્ટસ જ ઉત્પાદન કરવા પડે એ ફરજીયાત બિલકુલ નથી અને લગભગ એમ થવાનું પણ નથી.

    આમ સંરક્ષણ કરારો અંગે સામાન્ય પ્રજામાં માહિતીના રહેતા સ્વાભાવિક અભાવનો રાહુલ ગાંધી અને કોંગ્રેસ ફાયદો ઉઠાવીને ઓફસેટ એટલે શું એ અંગે તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સંસદમાં અરુણ જેટલી જેવા મંજેલા ખેલાડી સામે રાહુલ ગાંધી, તેમનો પક્ષ, તેમનું અજ્ઞાન અને તેમનું કાવતરું ખુલ્લું પડી ગયું છે.

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: નેટફ્લિક્સ ઓરિજિનલ્સ સીઝન 2: વધુ જુઓ અને વધુ માણો

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here