બુક રિવ્યુ: છોટા રાજન પર ‘ડોક્યુ નોવેલ’ – ‘રાજ રાજનનું’

0
280
Photo Courtesy: Param Desai

આપણે ગુજરાતી ભાષાના સાહિત્યમાં અમુક લેખનપ્રકારો સાવ નહિવત્ ખેડાય છે. આ ‘ડોક્યુ-નોવેલ (ક્રાઈમ)’ એમાંનો જ એક પ્રકાર છે. શા માટે ? એટલા માટે કે એ કલ્પના નહીં, પણ ખુલ્લી, નરવી વાસ્તવિકતાને આધારે લખાય છે. માટે ખૂબ અઘરો સાહિત્યપ્રકાર છે, છતાં આપણે ત્યાં આશુ પટેલ, પ્રશાંત દયાળ, સંજય ત્રિવેદી જેવા દિગ્ગજ પત્રકારોએ આ પ્રકારના જોનર પર ખેડાણ કરવાની શરૂઆત કરી દીધી છે જે ગુજરાતી ભાષાના આ વણખેડાયેલા વિષયમાં પોતાનું એક આગવું યોગદાન પૂરું પાડવા સક્ષમ છે. આજે ગુજરાતીમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી દસ્તાવેજી (ક્રાઈમ) નવલકથાઓમાં છોટા રાજન પર આધારિત ‘રાજ રાજનનું’ પોતાનું વિશિષ્ટ સ્થાન જમાવે છે.

Photo Courtesy: Param Desai

વિષય ક્રાઈમનો છે એટલે કહેવાતી ‘સભ્ય’ જનતા તો તરત નાકનું ટીચકું ચઢાવે, પણ હકીકતે ક્રાઈમ વિષય વાંચવાની સૌથી વધુ મજા આવતી હોય છે. કાલ્પનિક નવલકથાઓ જેવા જ, બલ્કે તેથી પણ વધુ રસપ્રદ ઉતારચડાવ ડોક્યુ-નોવેલ્સમાં તમને માણવા મળે છે. વાચક તો કથા વાંચીને, સંતોષ માણીને છૂટી જાય, પણ સંપૂર્ણ સત્ય ઘટનાઓની રજેરજ માહિતીની, ડોક્યુમેન્ટ્સની, રેકોર્ડ્સની અને ખાસ તો એ વ્યક્તિવિશેષની અત્યંત નિકટતમ બાબતોની ગૂંથણી કરીને એક આખી નવલકથા તૈયાર કરવી એ ખરેખર લોખંડના ચણા ચાવવા જેવું દુષ્કર કાર્ય છે. નાકનું ટીચકું ચઢાવતા લોકોને આ હકીકત નથી સમજાતી જે ખેદની વાત છે.

‘રાજ રાજનનું’ એક દસ્તાવેજી નવલકથા તરીકે દીપી ઊઠે છે. ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહીમના એક જમાનાના ખાસમખાસ રહી ચૂકેલા છોટા રાજન અને તેના જીવનને સંજય ત્રિવેદીએ કાગળ પર ઉતારવાનો ખૂબ મહેનતકશ પ્રયાસ કર્યો છે જે ખરેખર બિરદાવવા લાયક છે. શરૂથી અંત સુધી એક જ ફ્લોમાં આગળ વધતી આ નવલકથામાં એક વખતની મુંબૈયા અંધારી આલમનો ખૂબ નજીકથી પરિચય થાય છે. મુખ્ય ફોકસ છોટા રાજન પર છે એટલે રાજનના જીવેલાં વર્ષો અહીં આબાદ રીતે રજૂ થયાં છે. એ જમાનાનું મુંબઈ, તેના જુદા-જુદા વિસ્તારો, રાજનનું મુંબઈ પરનું રાજ, અંધારી આલમની કાળી હકીકતો, એકબીજી ગેન્ગ સાથે અવારનવાર થતા ગેન્ગવોર્સ, અંધારી આલમની ઝેરી અને ખૂંખાર દુશ્મનાવટ વગેરે શરીરમાં ગરમાટો પ્રસરાવે એ રીતે રજૂ થયાં છે.

કથાનો સૌથી પ્રબળ પ્લસ પોઈન્ટ તેના રિઆલીસ્ટિક અને દમદાર ડાયલોગ્સ છે. જાણે કે એ વખતે બનેલી ઘટના તમારી નજર સામે જ ભજવાઈ રહી હોય એવું લાગે. એમાંય ખાસ તો દાઉદ અને છોટા રાજન વચ્ચેના હિન્દી ડાયલોગ્સ તો જાનદાર છે. ઉપરાંત ઘણાં બધાં દૃશ્યો જાણે લખનાર પોતે ત્યાં હાજર હોય એવી ડિટેઇલમાં લખાયાં છે જે વધુ કેચી છે.

લાગતું વળગતું: બુક રિવ્યુ – Stay Hungry Stay Foolish – ખભે કોથળો ને દેશ મોકળો

રાજનની આ કથા જાણે કોઈ કલ્પનાથી ભરપૂર ક્રાઈમ નવલકથા જ હોય એવી છે એટલે વાચકને એક પણ જગ્યાએ કંટાળો નથી આવતો. માત્ર મુંબઈ જ નહીં, પણ દુબઈ, પાકિસ્તાન, મલેશિયા જેવા દેશોમાં ઘટેલી ઘટનાઓને પણ બારીકાઈથી દર્શાવવામાં આવી છે. બીજી એક વાત એ રસપ્રદ છે કે દાઉદ સાથે જ્યારે છોટા રાજન જોડાયો; ‘ડી’ કંપનીનો નંબર ટુ હેન્ડલર બન્યો અને એના ઈશારે કંપની ચાલતી ત્યારે એ ક્યારેય એવાં કાર્યોને બહાલી ન આપતો કે જેથી કોઈ નિર્દોષ માણસ હણાય કે દેશને નુકશાન પહોંચે. છતાં, એક વિલન કહી શકાય એવાં કાર્યો કરવાને કુખ્યાત રાજનનો નેગેટિવ રોલ ત્યારે નાટકીય ઢબે પોઝિટીવ રોલમાં પરિવર્તિત થયો કે જ્યારે દાઉદે પાકિસ્તાનની ISIના ઈશારે 1993માં મુંબઈનાં 12 સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા અને લગભગ અઢીસો નિર્દોષ લોકો વિના કારણે હોમાઈ ગયા. આ દેશદ્રોહનો ઝટકો રાજનને એટલો વસમો લાગ્યો કે તે વિલન મટીને હીરો બન્યો. દાઉદથી છૂટા પડીને એણે તેની સામે છડેચોક દુશ્મની જાહેર કરી અને પછી એ બંને વચ્ચે ઉંદર-બિલાડીની રમતો ચાલી. વધુમાં રાજને ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓને દાઉદને પકડવા મદદ પણ કરેલી, પરંતુ દુર્ભાગ્યે એ મિશન અસફળ થયેલું.

ટૂંકમાં છોટા રાજન અને તેનું સમગ્ર જીવન 211 પાનાંમાં એ રીતે લેવાયું છે કે જાણે કોઈ મસાલેદાર અન્ડરવર્લ્ડ ફિલ્મ જોઈ રહ્યા હોવ એવું લાગે. છોટા રાજન જે રીતે જીવ્યો છે એ જ ક્રમમાં ચાલતી નવલકથામાં લગભગ દરેક પ્રકરણે ગોળીઓની બૌછાર, ચેસનાં પ્યાદાઓ જેવી ખૂની ચાલ અને અંધારી આલમની અજાણી વાતો જાણવાની-માણવાની ખરેખર મજા પડે છે.

‘રાજ રાજનનું’ના સર્જન પાછળની કથની સર્જકના જ મોઢે સાંભળવી હોય તો યૂ ટ્યુબ પર Gujarat Literature Festival ના ‘GujLitFest’ પેજ પર ‘રાજન છોટા, પર નામ બડા’ સેશન પર સાંભળશો ત્યારે તમને તેનાં સર્જન પાછળની મુશ્કેલીઓની અને મહેનતની ભાળ મળશે. 2009થી શરૂ થયેલી તેમની સર્જનની સફરનો અને તેમના ખરા પત્રકારત્વનો સુખદ અને કાબિલેદાદ નીચોડ છે ‘રાજ રાજનનું.’

જો તમને ક્રાઈમ ડોક્યુ-નોવેલ વાંચવી ગમતી હોય, છોટા રાજનને સાવ નજીકથી જાણવો હોય, તેની સાથે ગૂંથાયેલા અંધારી આલમનાં જાળાંમાં 211 પાનાં સુધી તરબોળ રહેવું હોય, બૉલિવુડની મસાલેદાર અન્ડરવર્લ્ડ ફિલ્મ જેવી મજા વાંચનમાં લેવી હોય તો ‘રાજ રાજનનું’ તમારા માટે એક સરસ નજરાણું બની રહેશે. ‘રાજ રાજનનું’નો અંતિમ ફકરો એક રસાળ ચમત્કૃતિ સાધે છે. એ શી ચમત્કૃતિ છે એ તો પુસ્તક વાંચ્યે જ ખબર પડશે !

Photo Courtesy: Param Desai

પુસ્તક: રાજ રાજનનું

લેખક: સંજય ત્રિવેદી

પ્રકાર: ડોક્યુ-નોવેલ/દસ્તાવેજી નવલકથા, ક્રાઈમ

પ્રકાશક: અશોક પ્રકાશન/નવભારત સાહિત્ય મંદિર

કિંમત: રૂ. 250.00

મારા તરફથી આ મજેદાર ડોક્યુ-નોવેલને 3.9 Out of 5.

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: CD કેમ વાગી અને કેમ ન વાગી એ અંગે RJ દેવકી કરે છે ખુલાસો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here