ફેક ન્યૂઝ આજકાલની હકીકત નથી તેનો લાંબો ઈતિહાસ છે

    0
    339

    સહુ પહેલાતો ઈ છાપુના સર્વે વાચકોને હેપ્પી ન્યુ યર, અને આશા રાખું છું કે 2019નો પહેલો સોમવાર તમારા સહુ માટે સારો રહ્યો હશે. આ વર્ષ આપણા સહુ માટે અને ભારત માટે પ્રગતિમય બની રહે. આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે. જે લોકોએ પોતાનો મત બાંધી લીધો છે એનો મત ફેરવવા અને જે લોકો હજી અવઢવમાં છે એ લોકોને પોતાની તરફ કરવા માટે આગામી ચાર પાંચ મહિના જોરદાર પ્રચાર અને (મોટે ભાગે )દુષ્પ્રચાર થવાનો છે. અને એ માટે લોકોનું મુખ્ય હથિયાર હશે ફેક ન્યૂઝ. ઈ છાપુ પર આ જ કોલમમાં આપણે સોશિયલ નેટવર્કની મદદથી કઈ રીતે ફેક ન્યૂઝ ફેલાય છે એ આપણે જોઈ ચુક્યા છીએ અને સાથે સાથે એ ફેક ન્યૂઝનો કઈ રીતે સામનો કરવો એ પણ જોઈ ચુક્યા છીએ. એટલે એ વાત ફરી કહેવાનો કોઈ અર્થ નથી. આજે આપણે જાણીશું ફેક ન્યૂઝનો ઇતિહાસ, જે પ્રચલિત માન્યતાથી વિરુદ્ધ ઈન્ટરનેટ, અખબાર અને પત્રકારત્વના સમય પહેલાથી ચાલ્યો આવે છે. આવો જાણીએ ઇતિહાસમાં નોંધાયેલા અમુક કુખ્યાત ફેક ન્યૂઝ.

    ઈસા પૂર્વે 1300- ઇજિપ્શિયન સમ્રાટની “મોરલ વિક્ટરી”

    આજથી 3000 વર્ષ પહેલા ઇજિપ્તના રાજા રામસેસ ધ ગ્રેટ નું યુદ્ધ બાજુના હિત્તિતેસ સામ્રાજ્ય વચ્ચે એ સમયના શહેર કે દેશના કંટ્રોલ માટે યુદ્ધ થયું હતું. આ યુદ્ધ ઇજિપ્શિયન ઇતિહાસનું પહેલું એવું રેકોર્ડેડ યુદ્ધ મનાય છે જેમાં યુદ્ધની વ્યૂહરચનાની વિગતવાર માહિતી હોય. રામસેસની ઇજિપ્શિયન સેના એના દુશ્મનોને ભગાડવામાં સફળ રહી, અને ખુદ રાજા રામસેસ ઘણી બહાદુરીથી લડ્યા. આ યુદ્ધમાં પોતાનાથી સબળ દુશ્મનોને ભગાડવામાં ઇજિપ્શિયન સેનાને મળેલી સફળતા અને રાજા રામસેસની બહાદુરીની ગાથા સમગ્ર ઇજિપ્તમાં ફેલાવવામાં આવી.

    પણ સત્ય કૈક અલગજ હતું. આ યુદ્ધ કે દેશ શહેર (જે આજની સીરિયા-લેબેનોન સરહદ આસપાસ આવેલું છે) ના કબ્જા માટે હતું. અને રામસેસ અને એની સેના આ શહેરનો કબ્જો તો દૂર, એ શહેરમાં પ્રવેશવામાં પણ સફળ રહી ન હતી. અને આ યુદ્ધમાં રામસેસ ધ ગ્રેટનો વિજય થયો ન હતો,  ઉલ્ટાનું એને કેદેશ શહેરથી દૂર જવાની ફરજ પડી હતી. આધુનિક ઇતિહાસકારોમાં પ્રચલિત એવી માન્યતા પ્રમાણે આ યુદ્ધ ડ્રો ગયું હતું જેમાં કોઈનો વિજય થયો ન હતો. રામસેસના એ પછીના લગભગ 60 વર્ષના શાસનમાં એણે કદી કેદેશ જીતવાની કદી ઈચ્છા પણ નહોતી કરી. જોકે આ યુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલા અમુક વ્યૂહ રામસેસને આગળના યુદ્ધો જીતવામાં અને ઇજિપ્શિયન સામ્રાજ્ય ફેલાવવામાં વધારે મદદરૂપ થયા, જે રામસેસ માટે મોરલ વિક્ટ્રીથી વિશેષ હતું.

    ઈસા પૂર્વે 100- ફેક ન્યૂઝ જેણે રોમન સામ્રાજ્યનો ઇતિહાસ બદલી દીધો

    રોમન સમ્રાટ જુલિયસ સીઝરની હત્યા પછી સીઝરના મિત્ર માર્ક એન્ટોનીએ રોમન સામ્રાજ્યને સંભાળવાનો પ્રયાસ કર્યો. પણ માર્ક પોતે ક્લિયોપેટ્રાના આંધળા પ્રેમમાં હતો, અને એની સાથે રહેવા રોમ છોડી ઇજિપ્ત જતો રહ્યો હતો. અને એના બદલે સત્તા સાંભળી હતી સીઝરના દત્તક લીધેલા પુત્ર ઓક્ટેવિયને. સીઝરની હત્યા, એના હત્યારાઓનું રોમ છોડી ભાગી જવું, અને માર્ક એન્ટોની (જે જુલિયસ સિઝરનો સારો મિત્ર હતો) નું પણ આવા મુશ્કેલ સમયમાં રોમ છોડીને જતા રહેવું એ બધું સહન ન કરતા ઓક્ટેવિયન માર્ક એન્ટોની પર ભુરાયો થયો હતો. ઓક્ટેવિયનને ગમે તે રીતે માર્ક એન્ટોનીને હરાવવો હતો.  જોકે સીઝરના મૃત્યુ બાદ રોમન સામ્રાજ્યને સંભાળવાના પ્રયાસો અને સીઝર સાથેની દોસ્તીના લીધે રોમન સેનેટ અને રોમન પ્રજામાં એન્ટોનીના ઘણા ચાહકો હતા. જે માર્ક એન્ટોનીની ગેરહાજરીમાં પણ એને સપોર્ટ આપતા. આ બધા સામે ઓક્ટેવિયને એક જોરદાર દાવ કર્યો, ઓક્ટેવીયને એક દસ્તાવેજ જાહેર કર્યો જે માર્ક એન્ટોનીનું વીલ છે એવો દાવો કરવામાં આવ્યો. આ “વીલ” જેમાં માર્ક એન્ટોની એ એવી ઘણી “ઈચ્છાઓ પ્રદર્શિત કરી હતી” જે રોમન રિતીરિવાજોનાં વિરુદ્ધ અને ઇજિપ્શિયન રીતિ રિવાજો પ્રમાણે હતી.

    આ “વીલ” ની એવી અસરો થઇ કે જેના લીધે રોમન પ્રજા અને સેનેટ (જ્યાં માર્ક એન્ટોનીના ઘણા મિત્રો હતા) ને માર્ક એન્ટોની અને ક્લિયોપેટ્રા સામે યુદ્ધ કરવાની મંજૂરી દેવી પડી. એક ફેક દસ્તાવેજના માર્ક એન્ટોની રોમન પ્રજાના મિત્રમાંથી શત્રુ બની ગયો. વાર્તા અહીંયા પુરી નથી થતી. આ યુદ્ધમાં ઓક્ટેવિયનની જીત થઇ અને ક્લિયોપેટ્રાને ભાગી જવાની ફરજ પડી. માર્ક એન્ટોની એ સમયે રોમન સેનાને લડત આપી રહ્યો હતો. એક તરફ લડત એના અંતિમ તબક્કામાં હતી અને ક્લિયોપેટ્રાએ પોતાના મૃત્યુના સમાચાર ફેલાવી દીધા જેથી રોમન સૈનિકો એને શોધવા ન આવે. ક્લિયોપેટ્રાના મૃત્યુના ખોટા સમાચાર સાંભળી માર્ક એન્ટોની વ્યથિત થઇ ગયો અને એણે પોતાની જાતને છરો મારી દીધો. જોકે સત્યનું ભાન થતા એ જેમ-તેમ કરી ક્લિયોપેટ્રા પાસે પહોંચી શક્યો અને ક્લિયોપેટ્રાની પાસે જ મૃત્યુ પામ્યો.

    ક્લિયોપેટ્રાના ખોળામાં પોતાના અંતિમ શ્વાસ લઇ રહેલો માર્ક એન્ટોની (ચિત્રકાર પોમ્પીઓ બેટોની) Courtesy- Pinterest

    અહીંયા એક ફેક ન્યૂઝને લીધે માર્ક એન્ટોનીની ઈજ્જત ગઈ, અને બીજા ફેક ન્યૂઝના લીધે માર્ક એન્ટોનીનો જીવ. અને આ બધાના લીધે રોમન સામ્રાજ્યમાંથી લોકશાહી પણ જતી રહી અને ઓક્ટેવિયન, પહેલો રોમન સમ્રાટ ઓગસ્ટસ તરીકે જાણીતો થયો. ઓગસ્ટ મહિના નું નામ આ ઓક્ટેવિયન અથવા સમ્રાટ ઓગસ્ટસ ના માનમાં છે અને જુલાઈ મહિનાનું નામ ઓગસ્ટસ ના પાલક પિતા જુલિયસ સીઝરના માનમાં છે.

    ઈ.સ. 1475-ફેક ન્યૂઝ જેના લીધે ઘણા નિર્દોષ યહૂદીઓની બલી લેવાઈ ગઈ.

    આ વાત હિટલર અને જર્મનીના વર્ષો પહેલાની છે. ઈટાલીના ટ્રેન્ટ શહેરમાં 15મી સદીમાં એક અઢી વર્ષનો ખ્રિસ્તી બાળક સિમોનીઓ અચાનક ગુમ થઇ ગયો. જે સમયે એ ગુમ થયો એ આસપાસ ત્યાંનો પાદરી જાહેર સમારંભોમાં ત્યાંના યહૂદીઓ સામે ઝેર ઓકતો હતો. આવામાં સિમોનીઓની લાશ ટ્રેન્ટનાં એક યહૂદી કુટુંબ સેમ્યુઅલના ઘરના બેઝમેન્ટમાં “મળી આવી”. અને સ્વાભાવિક રીતે સિમોનીઓની હત્યાનો આરોપ ત્યાંના યહૂદીઓ પર આવ્યો, અને એ આરોપસર શહેરના બધાજ યહૂદી સ્ત્રી અને પુરુષોની ધરપકડ કરવામાં આવી. એ હત્યાના આરોપસર સેમ્યુઅલ સહીત બીજા 15 યહૂદીઓને તરતજ જીવતા સળગાવી દેવામાં આવ્યા. 

    લાગતું વળગતું: વોટ્સ એપનો એક ફેક મેસેજ અને Infibeam ના શેર્સની પથારી ફરી

    ઈ.સ. 17મી સદી- જયારે વ્યવસ્થિત અને સુઆયોજિત પ્રચારના લીધે એક રાણી ઇતિહાસમાં બદનામ થઇ.

    એ લોકોની પાસે ખાવા રોટલા નથી તો એ લોકો કેક ખાય, એમાં શું???

    ઇતિહાસના પુસ્તકોમાં જયારે જયારે આપણે ફ્રેન્ચ ક્રાંતિ વિષે ભણીએ છીએ ત્યારે આ ક્વોટનો ઉલ્લેખ જરૂરથી આવે છે. અને આ ક્વોટ એ સમયની ફ્રેન્ચ રાણી મેરી એન્તોઇને (Marrie Antoinette) નું છે એવું ભણાવાય છે. આ ક્વોટ, મેરીની ઉડાઉ લાઇફસ્ટાઇલ અને એવા બીજા કારણોના લીધે ફ્રેન્ચ ક્રાંતિના વિલનોમાં મેરી એન્તોઇને ને અગ્રીમ સ્થાન મળ્યું હતું. અને જયારે વખત આવ્યો ત્યારે એને જાહેરમાં ગિલોટીન થી ગળું કાપીને “ન્યાય આપવામાં આવ્યો”.

    The Execution Of Marie Antoinette by Gabrielli. Courtesy: The Borgia Bull blog

    શું આ સંપૂર્ણ સત્ય હતું? ના, આ ફ્રેન્ચ ચોપાનિયા દ્વારા મેરી એન્તોઇને સામે પદ્ધતિસર ચલાવવામાં આવેલું અભિયાન હતું. ફ્રેન્ચ ચોપાનિયા જે એ સમયે કાનાર્ડ તરીકે ઓળખાતા, અને એનું કામ આજના ગોસિપ ટેબ્લોઈડસ કરતાંય ખરાબ હતું. આ કાનાર્ડ અને એના “રીપોર્ટર્સ” કોઈ પણ પ્રકારના વેરિફિકેશન વગર ગમે ત્યાંથી સંભળાતી કોઈ પણ ખબર છાપી નાખતા. એ સમયે જયારે ફ્રેન્ચ પ્રજા રાજાશાહી, અને ફ્રેન્ચ ઉચ્ચ વર્ગ (જે પોતાને હાઈ ક્લાસ, ઇલાઇટ અને ઈન્ટેલેક્ચ્યુઅલ ગણાવવામાં ગર્વ અનુભવતો) થી ત્રાસી ગઈ હતી ત્યારે એ પ્રજાનો મૂડ પારખી જતા આ ચોપાનિયા આ રાજપરિવાર અને ઉચ્ચ વર્ગ સામે મનફાવે તેવું છાપતા. એકતરફી, ઉત્તેજક અને અર્ધ સત્યથી ભરેલી હેડલાઈન્સ અને  જગ્યા હોય તોજ ડિટેઈલમાં સમાચાર આપવા એ આજકાલના “તટસ્થ” અખબારોનોજ ઈજારો ન હતો, આ ચોપાનિયા (જે પોતે લગભગ 100 વર્ષ સુધી ગેરકાયદેસર ગણાતા) પણ ખુલ્લેઆમ આવું કરતા. અને ફ્રાન્સમાં ઉચ્ચ સ્થાને બેઠેલી એક ઓસ્ટ્રિયન સ્ત્રી મેરી એન્તોઇને, ઉચ્ચ સ્થાને બેસવાને પોતાનો જન્મસિદ્ધ અધિકાર ગણતા અને રાજાશાહીને ધિક્કારતા ફ્રેન્ચ પુરુષોને ખૂંચતી હતી. અને એ સમયે ફ્રેન્ચ રાજા અને એના કુટુંબ વિષે ગમે તેમ લખવું એ ફેશનમાં ગણાતું. 

    મેરી એન્તોઇને સાથે પણ આવુજ થયું. મેરી પોતે દુધે ધોયેલી નહોતી. એની લાઇફસ્ટાઇલ ગરીબ થઇ ગયેલા ફ્રાન્સ માટે થોડી વધારે ઊંચી હતી. પણ વર્ષો સુધી એની વિરુદ્ધમાં ખબરો છાપવી. ગમે તેવા કાર્ટુનોમાં એનો ચહેરો દેખાડવો. મેરી અને રાજાશાહી વિરુદ્ધમાં સાચી ખોટી ખબરો છાપી જનમાનસને એની વિરુદ્ધ કરવું એવું બધું જ સતત અને સખત રીતે મેરી એન્તોઇને સામે કરવામાં આવ્યું અને એના લીધે ફ્રેન્ચ ઉચ્ચવર્ગ ના 50% પાપોનું એક્સ્ટ્રા બિલ મેરી ઉપર ફાડવામાં આવ્યું અને ઉપર દર્શાવ્યું એમ માત્ર એના શરીરનો જ નહિ, એનો તેજોવધ પણ કરવામાં આવ્યો.

    ઈ.સ. 19મી સદી- જયારે એક “આદર્શ” પત્રકારે એક યુદ્ધ શરુ કરવા માટે અભિયાન ચલાવ્યું.

    આદર્શ પત્રકારત્વ માટે આપવામાં આવતું પુલિત્ઝર પ્રાઈઝ જે માણસના નામથી આપવામાં આવે છે એ જોસેફ પુલિત્ઝર જરા પણ આદર્શ નહોતો. આજકાલ છાપાઓ અને પત્રકારોને જે ગાળો પડે છે અને જે પીળા પત્રકારત્વનો આ લોકો પર આરોપ મુકવામાં આવે છે, એ પીળું પત્રકારત્વ જોસેફ પુલિત્ઝર અને એના હરીફ વિલિયમ રેન્ડોલ્ફ હર્સ્ટ વચ્ચેની હરીફાઈ થી શરુ થયેલું. હર્સ્ટ અને પુલિત્ઝર વચ્ચે પોતાના અખબારને ઉંચુ લાવવા અને મેઈન તો સામેવાળાના અખબારને પછાડવા એક ગંદી હરીફાઈ શરુ થયેલી, જેમાં એકબીજા ના પત્રકારોને ઝુંટવી લેવા અને સેન્સેશનલ હેડલાઈન છાપવી એ આ હરીફાઈનું મુખ્ય અંગ હતું.

    પુલિત્ઝર(ડાબે) વી હર્સ્ટ(જમણે) વચ્ચે પીળા પત્રકારત્વની થતી હરીફાઈ, Courtesy: Wikimedia

    એ સમયે (1890ના દસકામાં) અડધું દક્ષિણ અમેરિકા સ્પેનિશ કોલોની તરીકે હતું અને આઝાદીની લડાઈઓ ત્યાં પુરજોશમાં ચાલતી. આઝાદી ઝંખતા રાષ્ટ્રોમાંનું એક હતું ક્યુબા, જેને સ્પેઇનથી આઝાદી જોઈતી હતી. અમેરિકન પ્રજા આ આઝાદી તરફી હતી, અને સરકાર આ આંદોલનકારીઓને મદદ કરે એવું ઇચ્છતી હતી. પણ અમેરિકન સરકાર આ વાતની વિરુદ્ધ હતી.આઝાદીની ચળવળ ચલાવતા ક્રાંતિકારીઓ અને આઝાદીની ચળવળ વિષે સારી ઇમેજ બાંધવા માટે પુલિત્ઝર અને હર્સ્ટ બંને ગમે તેવા સમાચાર છાપતા. આ વાતની હદ ત્યારે થઇ જયારે ક્યુબાના દરિયા કિનારે અકસ્માતે ડૂબેલી એક શિપને ક્યુબાનું કાવતરું ગણાવવામાં આવ્યું અને એ સમાચારના લીધે અમેરિકાને યુદ્ધમાં ઉતારવાની ફરજ પડી. જે માણસે આ ખોટા સમાચાર છાપ્યા, જે માણસે પીળા પત્રકારત્વને જન્મ આપ્યો એનાજ માનમાં આજે પત્રકારત્વ અને સાહિત્યમાં “એક્સેલન્સ” માટેનો પુલિત્ઝર પ્રાઈઝ આપવામાં આવે છે.

    ઈ.સ. 20મી સદી: ફેક ન્યૂઝ અને વિશ્વયુદ્ધો

    ઉપર જોયું એમ, ન્યૂઝ મીડિયા અને પ્રિન્ટ મીડિયા પોતાનો એજન્ડા આગળ ચલાવવા ગમે તેવા સમાચારો છાપે રાખતા. બેફાટ અને બેરોકટોક ચાલતું મીડિયા કોઈની સાડીબાર રાખતું ન હતું, અને એમાં જયારે સરકારી મશીનરી ભળી ત્યારે આ ફેક ન્યૂઝ અને પ્રોપેગેન્ડા ની રમત ઓર ખતરનાક બની હતી. અને એનું વરવું સ્વરૂપ જોવા મળ્યું મિત્રરાષ્ટ્રોએ જર્મનીની વિરુદ્ધમાં પહેલા વિશ્વયુદ્ધ સમયે (1915 થી) જર્મની વિરુદ્ધ સમાચારની મદદથી અફવાઓ ફેલાવવાનું શરુ કર્યું. જર્મન સરકાર યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના શરીરનો આર્મીના દારૂગોળા, ચરબીનો મીણબત્તી, મિલિટરી વાહનોમાં વપરાતા લ્યુબ્રિકન્ટ અને સાબુ બનાવવા ઉપયોગ કરતી એવા મતલબની અફવાઓ અમેરિકા ઇંગ્લેન્ડ અને બીજા મિત્ર રાષ્ટ્રોના અખબારો અને રેડિયોમાં લગભગ રોજ આવતા. 

    પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા પછી મિત્ર રાષ્ટ્રોએ વર્ષો સુધી ચલાવેલા પ્રોપેગેન્ડા ઉઘાડો પડ્યો ત્યારે આ બધા અખબારોને નીચાજોણું તો થયુંજ સાથે સાથે નાઝી સરકારને આજ પ્રોપેગેન્ડાને મિત્ર રાષ્ટ્ર વિરુદ્ધ વાપરવાનો ઉપાય પણ આપી દીધો. પોતાના ફેક ન્યૂઝ ફેલાવવાના પાપ મિત્ર રાષ્ટ્રોને ત્યાં સુધી નડ્યા કે જયારે યહૂદીઓ પરના અત્યાચારો વિષે મિત્ર રાષ્ટ્રો કંઈપણ બોલે એટલે ગોબેલ્સ એને ફેક ન્યૂઝમાં ખપાવી દેતો અને એવા સમાચારોને મિત્ર રાષ્ટ્રોની “વર્ષો જૂની યુક્તિઓ” તરીકે ગણાવતો, લોકોને ભાન થયું કે આ વખતે મિત્ર રાષ્ટ્રોના ન્યૂઝ  ફેક ન્યૂઝ નહોતા ત્યારે બહુ મોડું થઇ ગયું હતું, અને ઘણા યહૂદીઓ કોન્સન્ટ્રેશન કેમ્પની બલી ચડી ચુક્યા હતા.

    ઈ.સ. 1938: એક રેડિયો નાટક જેણે “આખા અમેરિકામાં પેનિક ફેલાવી દીધું હતું(???)”

    જયારે મીડિયાની આમજનતા ઉપરની અસરોની વાત આવે છે ત્યારે એક વાતનો ખાસ ઉલ્લેખ થાય છે. ફિલ્મકાર ઓર્સન વેલ્સ દ્વારા પ્રસ્તુત વોર ઓફ ધ વર્લ્ડસ નું રેડિયો રૂપાંતરણ. પ્રખ્યાત સાયન્સ ફિક્શન લેખક એચ.જી.વેલ્સ ની પ્રખ્યાત કૃતિ વોર ઓફ ધ વર્લ્ડસમાં મંગળ ગ્રહના જીવો પૃથ્વી ઉપર હુમલો કરે છે. આ કૃતિના ઘણા એડેપ્ટેશન થયા જેમાંથી એક ટોમ ક્રુઝ અભિનીત અને સ્ટીવન સ્પીલબર્ગ દિગ્દર્શિત આજ નામની 2005ની એક ફિલ્મ પણ છે. ઓર્સન વેલ્સે 1938માં આ નાટકનું રેડિયો એડેપ્ટેશન કર્યું અને એને રેડિયો નાટકના બદલે એક સાચી ખબર અને ન્યુઝ રિપોર્ટ તરીકે પ્રદર્શિત કર્યું. આ નાટકમાં આવતી ઘટનાઓને સાચા સમાચાર સમજીને અમેરિકન પ્રજામાં પેનિક ફેલાઈ ગયું હતું અને ભાગદોડ મચી ગઈ હતી. આ વાત છેલ્લા વર્ષોથી આપણને કહેવામાં આવી છે.

    વોર ઓફ ધ વર્લ્ડસ વિશેના રિપોર્ટ્સ. Courtesy: Telegraph

    જોકે સત્ય કૈક અલગ જ હતું, સમાચારમાં લોકોના ડરના માર્યા બિલ્ડિંગમાંથી કુદવાની કે નર્વસ બ્રેકડાઉન થવાની ખબરો આવી હતી. જોકે પોલીસ રિપોર્ટ અને હોસ્પિટલ રેકોર્ડ્સની વાત સાચી માનીએ તો એવા મતલબના કોઈ હોસ્પિટલ રેકોર્ડ્સ કે પોલીસ ફરિયાદ થઈજ ન હતી. અખબારોમાં હજારો અને લખો લોકોએ આ કાર્યક્રમ લાઈવ સાંભળ્યા હોવાના અહેવાલ હતા. પણ એક્ચ્યુઅલ ટેલિફોનિક સર્વે પ્રમાણે માંડ 2-3% લોકો (વધુમાં વધુ 2000 લોકોએ) આ નાટક સાંભળ્યું હતું. આ કેસમાં પણ સમાચાર પત્રો પોતાનો એજન્ડા લઈને આવ્યા હતા. રેડિયોની પોપ્યુલારિટી થી ડરેલા સમાચાર પત્રો માટે રેડિયોના માધ્યમને નીચું દેખાડવાની આ સામે ચાલીને આવેલી તક હતી. એટલે આ સમાચારની મીઠું મરચું અને ધાણાજીરું ભભરાવેલી હેડલાઈન્સ આખા દેશમાં ફેલાવવામાં આવી. પણ સમાચાર પોતે ફેક હતા, એટલે “રાત ગઈ બાત ગઈ” ના ન્યાયે આ હેડલાઇનને બીજા દિવસથીજ ભૂલી જવામાં આવી.

    આખી વાતનો મૂળ સાર એ છે કે આ ફેક ન્યુઝ બહુ જૂની ટેક્નોલોજી છે. જ્યારથી ન્યુઝ ન હતા ત્યારથી ફેક ન્યુઝ હતા. અને આ ફેક ન્યુઝ આ આખું વર્ષ આપણી આસપાસ ઘુમરાતા રહેવાના છે. એટલે સાવચેત રહો અને સતર્ક રહો.

    અને

    મે ધ ફોર્સ બી વિથ યુ……

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: ચૂંટણીમાં સળગતો મુદ્દો, રામ મંદિર વિવાદ : શું? કેમ? ક્યારે? કોણે?

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here