પીન્ટુડાના લગન… કોને લઇ જવા કોને નહીં! એક કટાક્ષ કથા

    0
    303

    ઘરમાં લગ્ન સોરી લગન લેવાના હોય અને જો વેવાઈની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને લિમિટેડ સંખ્યામાં લોકોને લાવવાનું કહ્યું હોય તો થનારા વરરાજાના ઘરમાં કેવી પરિસ્થિતિ ઉભી થાય તેના પર એક કટાક્ષ કથા!

    “કહું છું સાંભળો છો?”

    “તે પચીસ વરસથી શું કરું છું?”

    “અરે એમ નહીં… કહું છું, વેવાઈએ પીન્ટુડાની જાનમાં પચાસ જણને જ લઇ જવાનું કહ્યું છે.”

    “મને ખબર છે, હું ત્યાં જ હતો હોં ભ’ઈ?”

    “અરે એમ નહીં… કહું છું, આ ખોટું ના કે’વાય?”

    “આમાં શું ખોટું છે? જેવી જેની હેસિયત.”

    “હા, પણ આમ સાવ પચાસ જણને લઇ જઈએ તો કેવું ખરાબ લાગે?”

    “વેવાઈને શેનું ખરાબ લાગે એમણે જ તો કહ્યું છે કે પચાસ જણને જ લેતા આવજો.”

    “તમે પણ શું સાવ? હું એમ કહું છું કે આપણા કુટુંબમાં અને સમાજમાં કેટલું ખરાબ લાગે?”

    “આપણે ક્યાં આખા સમાજને પીન્ટુડાના લગનમાં લઇ જવાનો છે?”

    “તમે તો ભૈ’સાબ… હું એમ કહેતી હતી કે આપણે બધાને ઘરે લગનમાં જઈ આયા હોઈએ અને પછી આપણે આપણા એકના એક દિકરાના લગનમાં એમને ના બોલાઈયે તો કેવું લાગે?”

    “લગન આપણા પીન્ટુડાના એકલાના નથી.”

    “હેં! એટલે? તમે વેવાઈએ કીધું’તું એ સમૂહ લગનની હા પાડી દીધી?”

    “ના ભ’ઈ ના હવે! એમ નહીં પીન્ટુડા સાથે ખ્યાતિના પણ લગન છે, હવે વેવાઈ થોડા આપણી સાથે બધાના ઘરે લગનમાં જઈ આયા છે? તું પણ શું સાવ…”

    “તમે અડધું સાંભળો છો અને અડધું નથી સાંભળતા, હું ખાલી આપણી વાત કરું છું.”

    “જો, જેમણે આપણને એમના બાળકોના લગનમાં બોલાયા હતા એ પોતે અથવાતો એમના વેવાઈઓ પામતા પોંચતા હશે, આપણા વેવાઈ ખાનગી પેઢીમાં એકાઉન્ટ લખે છે અને મહીને માંડ વીસ-પચીસ હજાર કમાય છે એટલે આપણે એમને નહીં બોલાવી શકીએ. બસ?”

    “અને મમ્મી, રિસેપ્શનમાં તો આપણે સાડા ચારસોનું લિસ્ટ બનાયું જ છે ને?”

    “તું ચૂપ કર પીન્ટુડા, તને તો બસ આખો દિવસ ખ્યાતિ…ખ્યાતિ… અને ખ્યાતિ જ દેખાય છે, મને ખબર છે એણે જ તારા કાન ભર્યા છે.”

    “તું પણ શું હવે અત્યારથી સાસુ બનવા લાગી?”

    “એ બધું છોડો, તે હું કહું છું કે આપણું એક લિસ્ટ તો બનાવો? એટલે ખબર પડે કે કોને લઇ જવા અને કોને નહીં!”

    લાગતું વળગતું: લગ્ન મંડપમાં નવવધુની એન્ટ્રી કરવાની 7 અનોખી સ્ટાઈલ્સ

    “હા હવે તું સાચું બોલી. પણ મેં ઓલરેડી લિસ્ટ બનાઈ જ દીધું છે. જો આપણું કુટુંબ એટલે કે હું, તું, પીન્ટુડો, પૂર્વી, શિખરકુમાર, જાનવી અને રતનકુમાર, પૂર્વીના સાસુ-સસરા, જાનવીના સાસુ-સસરા, મારા ચાર ભાઈ અને એમનું કુટુંબ તારા બે ભાઈ એક બહેન અને એમનું કુટુંબ આ બધું થઈને ચાલીસ જણા થાય છે.”

    “હવે આપણું કુટુંબ થોડું પચાસ જણામાં આવે? એ તો તમારા અને મારા બાપાના છોકરાઓ થાય!”

    “એમણે કુલ પચાસ જણા એમ ચોખ્ખું કહ્યું છે.”

    “હાય…હાય એટલે મારા મામા, કાકા, એમના જમાઈઓ આ બધા નહીં આવે મારા પીન્ટુડાના લગનમાં?”

    “ના.”

    “આપણે આ બધાને ત્યાં પ્રસંગોમાં જઈ આયા છીએ…એ લોકો શું કહેશે?”

    “શું કહેશે?”

    “એમ જ કે રાધુડી તને સંબંધો સાચવતા ના આવડ્યું.”

    “પણ મમ્મી, આપણે બધાને રિસેપ્શનમાં બોલાયા જ છે ને?”

    “ચૂપ કર પીન્ટુડા, તારે તો કશું નથી તું રિસેપ્શન પતાઈને ગોવા જતો રહેવાનો છે તારી ખ્યાતિને લઇને, અહીંયા એક વખત લગન પત્યા પછી મારે કેટલું સાંભળવું પડશે, પિયરનું તો ખરું અને સાસરાનું તો ખાસ, તારા બાપાના ચુનીકાકા જ આવડું મોટું ભાષણ આપશે, એમના આઠ દીકરા અને ચાર દીકરી બધાના લગનમાં આપણે ખઈ આયા છીએ.”

    “તે બાર વખત મુંબઈની આવવા જવાની ટીકીટ, નાસ્તો, ટેક્સી અને લોકલના પૈસા ખર્ચીને, સાવ મફતમાં નહોતા ગયા રાધારાણી!”

    “હા તો એ લોકો પણ બધા ખિસ્સાના ખર્ચીને જ આવશેને? અને ખાલી રિસેપ્શન માટે કોણ આવશે? બધાને લગનમાં આવવાની હોંશ હોય રિસેપ્શનની નહીં? જો જો તમારો ખર્ચો માથે પડશે!”

    “આપણે એટલે જ રિસેપ્શન લગનના બે દિવસ પછી રાખ્યું છે અને બધાને આગલે દિવસે જ બોલાઈ લેવાનો પ્લાન છે. રાધારમણ હોટલ આખી બુક કરાઈ લેવાનો છું. આગલે દિવસે એયને બધા જોડે બેસીને વાતો કરીશું બંને ટાઈમ સાથે જમીશું રાત્રે ગરબા કરીશું ને મજા કરીશું.”

    “હાય… હાય…સાવ આવું તો ના જ હોય. એકના એક દીકરાની જાન જોડેલી હોય અને સાવ ચાલી-પચ્ચા જણ જ હોય તો કેવું લાગે?”

    “તે તારે ચૂંટણીસભા સંબોધવી છે?”

    “તમે મસ્તી છોડો… હું એમ કહું છું કે ચાલો સગાઓ છોડો પીન્ટુડાના ફ્રેન્ડ્સનું શું?”

    “એમને મેં કહી દીધું છે કે રિસેપ્શનમાં બોલાઈશ, પ્રાપ્તિની ફ્રેન્ડ્સ પણ રિસેપ્શનમાં જ આવશે.”

    “ઓહોહોહો… જુઓતો ખરા? પીન્ટુકુમાર!! હજી તો લગન થવાને છ મહિના બાકી છે અને સાવ સાસરાના થઇ ગયા, એમનાં સગાઓને આપણે ત્યાં બોલાવવાની શી જરૂર?”

    “જો, વેવાઈની સ્થિતિ સારી નથી, આપણા ઘરમાં એક સારી છોકરી આવે છે એ મહત્ત્વનું છે. બાકી લગનમાં આવનારા પણ ઘરે જઈને આ બરોબર ન હતું તે બરોબર ન હતું એમ બોલતા હોય છે, કોઈકને તો મુખવાસ બરોબર નહોતો એવું વાકું કાઢવાની પણ ટેવ હોય છે. એટલે જેમને બોલાઈશું એ પણ ટીકા કરવાના છે અને જેમને નથી બોલાવવાના એ તો કરવાના જ છે. બધા ત્રણ દિવસ બોલીને શાંત થઇ જશે. આમ પણ લગન પાછળ ખોટો ખર્ચો કરવો યોગ્ય નથી, આજે આપણે વેવાઈને સાચવી લઈશું તો એમની દીકરી આખી જિંદગી આપણને સાચવી લેશે સમજી?”

    “હુહ…”

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: WhatsAppની નવી updates જાણો અને તમારું ખુદનું WhatsApp સ્ટીકર બનાવતા શીખો

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here