શું તમને ખબર છે? રવિવાર કરતા તો સોમવાર વધુ સારો છે

    0
    341

    એક અઠવાડિયું અને એમાં સાત વાર. કોઈને પણ પૂછો કે તમને સૌથી વધુ કયો વાર ગમે? તો મોટા ભાગે જવાબ હશે રવિવાર. પણ શું તમને એ ખબર છે કે રવિવાર સૌથી વધુ ચિંતા અપવનાર અને ફ્રોડ વાર છે. થોડું સરખું વિચારો. તમારા છેલ્લા ચાર-પાંચ સન્ડે યાદ કરો. ચાર-પાંચ જ શા માટે તમારી જિંદગીના તમામ રવિવાર યાદ કરો. તમે સ્કુલ જતા એ સન્ડે, કોલેજ જતા એ રવિવાર, જોબ કરતા એ સન્ડે અને રીટાયર્ડ (થયા હોવ તો) એ રવિવાર. તમારા જીવનના શ્રેષ્ઠ રવિવાર ગણાવવાનું થાય તો તમે એવા પાંચ રવિવાર પણ ગણાવી શકો કે જેમાં કઈ જ ખૂટતું ન હોય, કઈ જ અજુગતું ન થયું હોય, બધું જ તમને ગમતું થયું હોય અને છેલ્લે તો પણ તમને થાક ન લાગ્યો હોઈ. અતિઉત્સાહી કે હરખપદુડા લોકો જ આવા પાંચ રવિવાર ગણાવી શકશે.

    Photo Courtesy: behance.net

    બાકીની કેટેગરીમાં આવતા લોકોના સન્ડે કેમ પાસ થાય છે એ બધા જાણે છે. જો ઘરે રહેતા હોય તો ઘરના તમામ લોકોને રવિવાર હોય પણ મમ્મી માટે સન્ડે સૌથી વધુ ખરાબ હોય એટલે મમ્મી રવિવાર સવારથી “આમ-કરો અને આમ ન કરો”ની બુમાબુમ પાડતી હોય, પપ્પા અને આપણા ભાઈ-બહેનો જેમને આપણી જેમ રવિવાર હોય એ “ઈસકી ટોપી ઉસકે સર” વાળી ગેમ રમતા હોય અને એમાં જ બાર (બંને ઘડિયાળના અને આપણા) વગાડી દેતા હોય છે.

    જો ફેમીલી સાથે ક્યાય પણ બહાર પીકનીક પર જવાનો પ્લાન કર્યો હોય તો એ રવિવારની સવાર જેવી એક પણ સવાર સ્ટ્રેસફૂલ હોય જ ન શકે. માંડ-માંડ બધું ભેગું કરીને પીકનીક પ્લેસ પર પહોચીને થોડો ઓક્સીજન મળી શકે છે. બાકી તો કાર્બન ડાયોક્સાઈડની ધરબળાટી બોલતી હોય. અને સાંજે પીકનીક પરથી આવીને એટલા થાકી ગયા હોઈએ કે હવે રવિવારનો થાક ઉતારવા બીજો એક રવિવાર જોઈએ જેની હાલત પણ આપણા જેવી જ દયામણી હોય.

    જો તમે રવિવારે પિક્ચર જવાનો પ્લાન કર્યો હોય (ફ્રેન્ડ અથવા ફેમેલી સાથે) તો એ પ્લાન પહેલા જ થકવાડી દે છે. કોણ આવવાનું અને કોણ નથી આવવાનું એ ગણતરીમાં સાલું આખું અઠવાડિયું જતું રહે અને પાછી એ ફિલ્મ પર પણ આપણે સટ્ટો જ રમવાના હોય. (નસીબ જ એવા હોય તો કોઈ શું કરી શકે?)

    હવે, બીજી પરિસ્થિતિ જો તમે ફેમેલી સાથે નથી તો. એ પરિસ્થિતિમાં સન્ડે સૌથી વધુ ખરાબ છે. ઘણા લોકોની ઓફીસ રવિવારે પણ ચાલુ હોય છે આથી રજા ભેગી કરવાની લ્હાયમાં એ બાપડો એકલો બેઠો/બેઠીને ઓફીસમાં ભૂખ્યા-તરસ્યા ઢસરડા કરતા હોય. અને વચ્ચે વચ્ચે ફેસબુક/ઈન્સ્ટામાં લોકો શું કરી રહ્યા છે તેની અપડેટ મેળવીને દિલને દુભાવી રહ્યા હોય છે.

    લાગતું વળગતું: આયોજન વગરની જિંદગી એટલે અણધાર્યા અવસરોનો સરવાળો

    તમારી ઓફીસ પર રજા છે, આમ છતાં પણ પેલા ફેસબુક/ઈન્સ્ટામાં લોકો જેમ સન્ડે પસાર કરવાના ફોટોસ મૂકી રહ્યા છે તેવો રવિવાર તમારો ક્યારેય સ્પેન્ડ થતો જ નથી ને! અને એનું આશ્ચર્ય તમને પણ છે જ. સન્ડે આવતા જ તમારી પાસે માર્કેટમાંથી લઇ આવવાની વસ્તુઓનું લીસ્ટ છે, તમારું ઘર અને બાથરૂમ ઘસી-ઘસીને સાફ કરવા માટે આજનું જ મૂહર્ત સારું છે, જેથી ઘણા દિવસથી રૂમમાં આવતી બદબૂથી છુટકારો મળી શકે.

    તમારે સુઈ જવું છે પણ એના માટે તમારી પાસે જગ્યા નહી હોય. શું કામ? કેમકે આખા અઠવાડિયા દરમ્યાન મેલા કરેલા કપડા આજે તો ધોવા જ પડશે અને એ કપડાનો ઢગલો તમે સવારે ઉઠીને તમારા જ બેડ પર કરેલો છે. આ સિવાય પણ ઘણું ખરાબ થઇ શકે જેમકે કપડા ધોવા છે અને એ માટે તમે પ્રયાણ કરો પણ છો ત્યારે જ અચાનક પાણી ખતમ થઇ જશે અથવા તો સાબુ/પાવડર લેવા માટે તમારે બજારમાં જવું પડશે. ચાલો, આ સંકટમાંથી બહાર આવીને કપડા ધોવાઈ પણ ગયા પણ હવે શું? તમે જુઓ છો કે તમામ-દોરી પણ હમણાં જ કોઈ કપડા સુકવી ગયું છે. હવે બોલો આથી વધુ સ્ટ્રેસ તમારા જીવનમાં ક્યારેય આવ્યો છે? નો ચાન્સ!

    આ બધાને તમે રજા આપી દીધી. આવું કઈ જ ન કર્યું, રવિવારે. તમે નક્કી કર્યું કે હું આજે મારી તમામ અધુરી વેબ સીરીઝ પૂરી કરીશ, આરામથી બુક વાચીસ અને સુતો રહીશ. અને આવું તમે  કર્યું પણ ખરું. મગર, કિન્તુ, પરંતુ બંધુ…. જયારે સાંજના 7 વાગે છે ત્યારે તમને અચાનકથી જ એટલી બધી ખરાબ ફીલિંગ આવવા માંડશે કે ઓહ નો!! રવિવાર ખતમ થઇ ગયો…….

    જોયું ને, રવિવાર આપણી સાથે કેટ-કેટલું ખરાબ કરે છે. એના કરતા તો મને લાગે છે કે સોમવાર જ બરાબર છે. કોઈ માથાકૂટ વગર આપણે સવારે જેમ તૈયાર થતા હોઈએ એમ જ તૈયાર થઈને ઓફીસ માટે નીકળી જઈએ, ઓફીસ પહોચીને પંચ કરીને, આપના કલીગ્સને મળીએ, ક્રશની સામે સ્માઈલ કરીએ અને બોસની ગાળો સાંભળીયે. જે પણ કદાચ ગુજરેલા સન્ડે કરતા તો મીઠી જ લાગશે.

    તમે પણ તમારા રવિવારના અનુભવો નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં અમારી સાથે શેર કરી શકો છો.

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: શેરબજારના પ્રલોભનો કેવા હોય અને તેનાથી કેવી રીતે બચી શકાય?

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here