2018ના તમારા આરોગ્ય અંગેના મંત્રો અને મંતવ્યો 2019 બદલી જુઓ

  3
  142

  2018 પૂરું થઇ 2019 શરુ થઇ ચુક્યું છે, આરોગ્ય માટે એના દુશ્મનો અને એના શસ્ત્રો વર્ષે વર્ષે બદલાતા જાય છે.છતાં કેટલાક ન બદલાયેલા અને આરોગ્યને અડતા જાણવા-જેવા ટોપિક આજે અહી જોઈશું…

  Photo Courtesy: mintpro.in

  1. કેલેન્ડર બદલવા છતાં ન બદલાતો દુશ્મન- વાયરસ અને કુદરતી આપત્તિઓ…

  વર્ષોવર્ષ પૃથ્વીનું તાપમાન વધે છે, તાપમાન વધવા માટે જવાબદાર પરિબળો સહુ કોઈને એસી ઓફીસમાં બેઠાબેઠા ટેબના ટેરવે હાથવગા છે. અહી એની ચર્ચા નથી પણ જેમજેમ પૃથ્વીનું તાપમાન વધે છે તેમ વાયરસને અનુકુળ હવામાનના વાર્ષિકમાંથી કુલ મહિના વધતા જાય છે. વાયરસના મચ્છર જેવા વાહકોની જિંદગી લંબાતી જાય છે. ઝીકાથી માંડીને ઇબોલા સુધીના વાયરસ માનવજાત પર ઝીંકાય રહ્યા છે. કારણ એકમાત્ર પૃથ્વીનું વધતું જતું તાપમાન પણ છે. ન જોયેલા ન જાણેલા વાયરસ આ તાપમાન વધવાથી વધ્યા છે એ વાત માં બે મત નથી. આપણી કોઈ પ્રવૃત્તિથી પૃથ્વીનું તાપમાન વધતું હોય તો આવા વાયરસથી થતા મૃત્યુઓ માં ક્યાંક આપણે પણ આંશિક રીતે જવાબદાર છીએ…

  જેમ જેમ પૃથ્વીનું તાપમાન વધે છે તેમ તેમ કુદરતી આપત્તિઓ વધે છે, વિકસિત દેશો આ તાપમાન આધારિત આવનારી આપત્તિઓના સંદર્ભમાં કમર કસીને આરોગ્ય સેવાઓ માટે તૈયાર થઇ ગયા છે આપણે કેદારનાથ-2 અને કેરલા-2 ની રાહ માં છીએ.

  2. #MeToo… વર્કિંગ વુમન અને સેકસ્યુઅલ ડ્રોન કેમેરાઓ…

  #MeToo અભિયાનથી માંડીને કામવાળી શાંતાબાઈ સુધી, તમામ વર્કિંગ વુમનને કામ કરવાના સ્થળે કામુક આંખો રૂપી સેકસ્યુઅલ ડ્રોન કેમેરાઓ હમેશાં સામનો કરવો પડતો હોય છે. 2018માં અભિયાનવાળી જાગૃતતા રંગ લાવી પણ આ અંગે આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવામાં કે ચોક્કસ કાયદા કાનુન બનાવવામાં હજુ આપણે ચોક્કસ દિશામાં આગળ વધ્યા નથી. વધતી જતી મોંઘવારીમાં સ્ત્રીનું પગભર થવા નોકરી કરવું જરૂરી બની ગયું છે, વળી ઈકોનોમીના પાયામાં સ્ત્રીઓનો ફાળો હવે ખુબ નોંધપાત્ર થતો જાય છે ત્યાં સામાજિક, આર્થિક બાબતોને વિચારીને વર્કિંગ વુમનની આરોગ્ય સમસ્યાઓ અને એના ઉપાયો પર ધ્યાન દેવું જરૂરીયાત બની ગઈ છે. માતૃત્વ અંગેના આરોગ્યના પાસાઓમાં સંપૂર્ણ સફળતા થી આપણે હજુ ઘણા દુર છીએ.

  3. ગરજ સરી એટલે વૈદ વેરી…

  આ વાંચતી વખતે આપના મોબાઈલમાં ફલાણા ડોક્ટર પર હુમલો, કે ફલાણી હોસ્પિટલમાં તોડફોડની એકાદી કલીપ તો હોવાની. એક મેડીકલની ટોપર સ્ટુડન્ટ ક્લિનિકલના કોઈ પણ સબ્જેક્ટમાં આગળ ભણવા નથી માંગતી એવા હમણાં એક સમાચાર આવેલા, કારણ માત્ર ડોકટરો પર થતા હિંસક બનાવોની અસર.

  વિડીઓ ઉતારીને બદનામ કરવાની ધમકી અને તોડફોડના કિસ્સાઓ વધી રહ્યા છે. દરેક બાબતે ડોક્ટરની જ ભૂલ હોતી નથી અને ડોક્ટર દરેક વખતે દર્દીને બચાવી જ લ્યે એ જરૂરી પણ નથી છતાં આપણે ડોક્ટર-દર્દીના સંબંધોમાં એક ચોક્કસ બર્બરતા લાવ્યા છીએ અને એ બર્બરતા ક્રમશ: ઘટવા ને બદલે વધી રહી છે એ સમાજ માટે અને છેવટે આરોગ્ય વ્યવસ્થા માટે પણ નુકસાન કારક બનશે.

  લાગતું વળગતું: ઝીકા વાયરસ વિષે એ તમામ માહિતી જે તમારે જરૂરથી જાણવી જોઈએ

  4. માનસિક સ્વાસ્થ્ય , પબ્જી જેવી રમતો

  ક્રમશ: સમાજનું માનસિક આરોગ્ય બગડી રહ્યું છે અને તેના પાછળ એક મોટી નવી ખોટી જ ઇન્ડસ્ટ્રી આકાર પામી રહી છે. નાનીનાની વાતમાં ઉશ્કેરાટ, ખૂની હુમલાઓ, બદલાની ભાવનાઓ, બર્બરતાની પરાકાષ્ઠાઓ વધી રહી છે. કારણ વગર લોકો ડીપ્રેશનના શિકાર બની રહ્યા છે, નાનીનાની વાતમાં લોકોને તૂટતા જોયા છે, ન તો સમાજ સત્ય સ્વીકારે છે ન તો ચશ્માં ઉતારી હકીકત સ્વીકાર કરે છે. વિભક્ત કુટુંબના વાયરામાં મનોરોગના ડોકટરો કમાઈ રહ્યા છે, વળી હું તું ને રતનિયોના ફ્લેટીયા ફેમિલીઓમાં પબ્જી જેવી રમતો એ દાટ વાળ્યો છે. સતત સ્વપ્નની દુનિયા તરફ ખેંચી જતી સોશિયલ મીડિયા પર કાપ મૂકી વાસ્તવિક મિત્રો અને ઓટલા ચેટના દિવસો પાછા લાવવાની જરૂર છે. રસ્તે ઢાબામાં જઈ આનંદ માણતા માણતા ખાવાની જરૂર છે નહિ કે પાર્સલ ઘરે મંગાવીને. ડીપ્રેશન દુર કરવાની ગોળીને પણ ડીપ્રેશન આવી જાય એવો ભવ્ય જીનેટિક વારસો આપણને મળ્યો છે ત્યાં આવા માયકાંગલા મગજો લઈ બેસી જવાની હવે જરૂર નથી. વર્ષે એક ગાઢ સંબંધ કેળવી અને નિભાવી જાણો બસ….ટેકનોલોજી અને સોશિયલ મીડિયા પછી આપણા આરોગ્ય પર આ બેધારી તલવારના ગેરફાયદા પણ વધ્યા જ છે…

  5. સ્વસ્થ રહેવાના ગુગલીયા નુસખાઓ અને વોટ્સઅપીયા મેસેજો…

  માનો ન માનો 2018માં કુલ 2018 થી પણ વધુ આવા નકામાં નુસ્ખાઓ અને મેસેજો તમને મળ્યા હશે. જુઠ્ઠાણા ફેલાવતી નકામી તસ્વીરો અને કલીપોનો રાફડો ફાટ્યો છે. ડીગ્રી વગર ના લોકો એનો ભરપુર લાભ લ્યે છે. દરેક બાબતમાં ગુગલ કરીને સહારો લેતા ટેકનોક્રેટ અપંગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સ્વસ્થ આરોગ્ય જાળવવા યોજાતી શિબિરો, તેના ખોરાકરૂપી ડબ્બાઓ, ગોળીઓ અને જુદીજુદી પદ્ધતિઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સાચું કોને કહેવું એ પ્રશ્ન છે કેમકે આખી હેલ્થ ઇન્ડસ્ટ્રી ઠગ ઓફ હિન્દુસ્તાન જેવી બની ગઈ છે. દરેક ફાર્મસીની સ્વસ્થ રાખવા માટેની દવાઓના યુનિટ આવા જ મુર્ખાઓ ના કારણે વધી રહ્યા છે. સામાન્ય દિનચર્યા અને ઋતુચર્યા પર ધ્યાન આપીને આયુર્વેદના સામાન્ય નિયમો પાળીને સ્વસ્થ રહી શકાય છે, નહી કે ગોળીઓ કે ડબ્બાઓ ફાકીને. માત્ર જીમમાં જવાથી કે એરોબિક-યોગા-ઝુમ્બાથી સ્વસ્થ રહેવાતું નથી પણ થોડાક સમયના વોકિંગથી પણ સ્વસ્થ રહી શકાય છે. સમય ભૂખ લાગે અને પાકેલું ફળ ખરી પડે એમ ઝાડો ઉતરે તો સ્વસ્થ આરોગ્ય માટેની વ્યાખ્યા શોધવાની જરૂર નથી.

  આ વરસે બને તેટલા ગુગલીયા દર્દી ન બનીએ અને મુકેશભાઈના મફતિયા નેટ નો સદઉપયોગ કરીએ…

  6. વધુ પડતા હેલ્થ કોન્સીયસ…

  એક નવો વધુ પડતો ઓવર હેલ્થ કોન્સીયસ વર્ગ વિકસી રહ્યો છે. લેબોરેટરીના પેકેજો અને હેલ્થ પેકેજોના મુરઘાઓ સામે ચાલીને કપાવા ચાલ્યા આવે છે. અમુકતમુક ઉંમર પછી આરોગ્ય જાળવવા આટલું તો કરાવવું જ, આટલી દવા તો લેવી જ એવા ભયજનક વાક્યોથી ખુદ આરોગ્ય સાથે ચેડા કરી લોકોના દિમાગ ના ડરને એનકેશ કરાય છે. ડાયાબીટીસ થી માંડીને બીપી સુધીના પેરામીટર્સ રાફેલના ભાવની જેમ બદલાય છે. એક સંપૂર્ણ સામાન્ય વર્ગને બોર્ડર લાઈનના નામે પણ દવાઓ નો આદિ બનાવી દેવાય છે. નવા વરસે થોડા રેઢીયાળ બનો, સ્વસ્થતાની વ્યાખ્યા બદલો, શરીરની ભૂખ-તરસ અને ઝાડો પેશાબની વૃત્તિઓ જોવો જાણો અને એને અનુસરો, માત્ર રીપોર્ટ રીપોર્ટની પોપટવાણીથી હાઈ સોસાયટી ના વ્યક્તિ નથી બનાતું. છાશવારે હેલ્થ ચેકઅપના નામે રેડીયેશનો લેવાના બંધ કરી હકીકતમાં રાચો. ખુદને જોવાની અને તોલવાની નજર બદલો. માત્ર મેડીકલેઇમના પ્રીમીયમ સરભર કરવા માટે જીવવાનું બંધ કરો અને નવા વર્ષે કમ સે કમ શરીર ને પ્રયોગ શાળા ન બનાવો તેવી આશા સહ…

  એક છેલ્લી ટીપ!

  2018ના એક સંશોધન અનુસાર પેટની ચરબી વધવાથી મગજના કોષો સંકોચાય છે, મગજ ઓછું વિકસે છે. પહેલવાનો જાડા અને સાયન્ટીસ્ટો પાતળા કેમ હોય છે વિચારવાલાયક… મગજના કોષો #MeToo કહી જાય એ પહેલા આયુર્વેદની ઉદવર્તન થેરાપીથી પેટની ચરબીને આરામ આપજો…

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: તમને અભિભૂત કરવા માટે આવી ગયા છે ભૂત ભાઈ… સોરી બહેન!

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here