બેન્કની હડતાળ અને મદદગાર ‘નાનકડા સાહેબ’ – એક સંસ્મરણ

  1
  234

  હું તમને 1978ની દુનિયામાં લઈ જાઉં છું. કટોકટી ઉઠી અને જાણે દબાઈ રહેલી અનેક સ્પ્રિંગો ઉછળી. એ વખતે હું એક રાષ્ટ્રીયકૃત બેંકમાં ક્લાર્ક તરીકે જોડાયેલો. થોડા જ સમયમાં અન્ય બેંકમાં ડાયરેકટ ઓફિસર થઈ જોડાયો જ્યાં 38 વર્ષ સેવા આપી. આ ઘટનાઓ 1978ની છે. બેંકમાં હડતાળ જાહેર થઈ.

  પ્રતિકાત્મક તસ્વીર
  Photo Courtesy: thewire.in

  હડતાળ એટલે કામ બંધ. વિવિધ કારણોએ ત્યારે અને આજે હડતાળ પડે છે, રાષ્ટ્રીય લેવલે કોઈ માંગ ન સ્વીકારવી, કોઈ સ્તરે મનસ્વી વર્તન, ક્યાંક ‘બહેરા કાને વાત નાખવી’ એની સામે  વિરોધ કરતી હડતાળ પડે છે.

  આપણે ‘નમક હરામ’ કે ‘હાથી મેરે સાથી’ ફિલ્મ માં જોઈએ એવી નહીં. કોઈ જગ્યાએ દેખાવો, નેતાઓ દ્વારા શા માટે હડતાળ છે અને શું પગલાં લેવાઈ રહ્યાં છે તેની સમજ અને હાજર રહીને પણ કામ નહીં.

  કામ બંધ પણ પગાર ત્યારે નહોતો કપાતો. હાજરી પુરી બહાર ક્લાર્ક, સબસ્ટાફ (પટાવાળા કહેવું અપમાન ગણાતું. એ બેંકમાં તેને મેસેન્જર કહેવો પડતો, ક્યાંક બીજું. પણ સબસ્ટાફ એટલે પીયૂન.) બહાર ઉભી ગયા.

  ‘બેંક કા ….  કરેગા…કૌન કરેગા , હમ કરેગા” ઘોંઘાટ વચ્ચે હું સમજ્યો.

  “બેંક કા ભૈયા કામ કરેગા કૌન કરેગા હમ કરેગા” કામ કરવાનું જ હોય. એમાં ઊંચેથી બુમો પાડી ‘હમ કરેગા’ કેમ કહેવાનું? મેં વિચાર્યું. રહેવાયું નહીં એટલે બ્રાન્ચ રિપ્રેઝન્ટેટિવ (BR) ને પૂછયું. સહુ હસ્યા. સૂત્ર આમ હતું અને 40 વર્ષ પછી એક શબ્દના ફેરફાર સિવાય છે –

  “બેંક કા પહિયા થમ કરેગા

  કૌન કરેગા? હમ કરેગા”.

  “મેનેજમેન્ટ હોશ મેં આઓ

  હોશમે આકે બાત કરો.

  બાત તો તુમકો કરની પડેગી

  જવાબ હમકો દેના પડેગા”.

  એ જ સૂત્ર આજે પણ એમ જ લલકારાય છે.

  હડતાળ વખતે કોઈ નજીકની બ્રાન્ચના લીડરની બાજુમાં ઉભી મેં પણ બે વર્ષનું છોકરું કોઈ અવાજ સાંભળી સમજ્યા વિના લલકારે એમ ઘાંટો પાડ્યો. અમારા લીડરને લાગ્યું કે મારો અવાજ નાનો છે કે પછી યોગ્ય નથી કે ગમે તે, મને કહે ઓટલા પરથી ઉતરી બીજા સાથે સામો ઉભીજા.  નીચે ઉભી મેં સિનિયરોનું જોઈ કુદી કૂદીને બુમો.પાડવી શરૂ કરી. એક ડેઇલીવેજ પીયૂન, સોરી, મેસેન્જર આવ્યો. કહે અંદર સાહેબ બોલાવે છે.

  બુમો હાઈ પીચ પર ચાલતી રહી

  “મેનેજમેન્ટ હોશમેં આઓ

  હોશમેં આકે બાત કરો..”

  ‘મેનેજમેન્ટ’ એટલે કોણ? છેક રિઝર્વ બેન્ક અને નાણા મંત્રાલયથી માંડી સહી પાસ કરતો જુનિયર ઓફિસર.

  બ્રાન્ચનું મેનેજમેન્ટ એટલે ઓફિસરો હોશમાં જ હતા. એમણે હડતાળ હોય એટલે એમાં સહકાર આપી કોઈ કામ નહીં કરવાનું પણ અંદર બેસી રહેવાનું.

  અંદર ગયો. એજન્ટ ( એ વખતે મેનેજરને એજન્ટ કહેવાતા) સાહેબે કહ્યું ‘તું હોંશિયાર અને કો ઓપરેટિવ છો એટલે કહું છું. હમણાં જ કન્ફર્મ થયો. લેટર બાકી છે. તારાથી હડતાળ ન કરાય. તું અંદર બેસી રહે.’

  બહાર  પેલો સૂત્રોચ્ચાર થતો રહ્યો. મને કહે “પેન્ડિંગ કામ તને આપીએ. એમ કર, આ લાલ બાઉન્ડ બુક્સ કરંટની ને આ સેવિંગ્સની લોકો આપી ગયા છે, ઘણી એન્ટ્રી બાકી છે એ ભર. આમ તો તને સારું કામ આપીએ”.

  કોઈ કામ નાનું કે મોટું, ઊંચું કે નીચું હું ગણતો નહોતો.. નિવૃત્ત થયો તે દિવસ સુધી. શાખાના મેનેજર થઈને પણ ક્યારેક મશીનમાં પાસબુકો ભરી છે જ્યારે જુનિયરે ‘પાસબુક ભરવાનું મારા KRA માં નથી આવતું’ એવો મને જવાબ આપેલો. હશે.

  તો અહીં મેં ગ્રાહકોની પાસબુકો તો ભરી જ, મેં જોયું કે રોજ કાઉન્ટર પર ગાળાગાળી થતી એનું એક કારણ લોકોની પાસબુકો એક તો તેઓ ખૂબ લાંબા સમયે આપે અને પછી ખૂબ એન્ટ્રીઓ જોઈ ક્લાર્ક એને બાજુએ મૂકી થોડી એન્ટ્રીઓ વાળી પાસબુકો જ પતાવે.

  લાગતું વળગતું: આશ્ચર્ય અથવાતો આનંદ આપતા આપણા મકાન અને તેના નામ

  મેં મને આપેલી એ સીવાયની પણ પાસબુકો કાઢી ભરવા માંડી. ક્યારેક તો એ લેવા કોઈ આવશે જ ને? અહીં પડી છે તો ભરીએ. ત્યાં એક સુંદર ષોડશી કન્યા અંદર આવી. બહારથી જ એને કહેવાયેલું કે બેંકમાં આજે કામ બંધ છે. એણે મને કહ્યું કે એને યુનિવર્સીટીની પરીક્ષા ફી લેટ પેમેન્ટ સાથે ભરવી છે, દૂર રહે છે વગેરે. આજે કેશ તો બંધ જ હોય. લોકલ ડ્રાફ્ટ એટલે કે બેંકર ચેક પણ ન નીકળે. એ રડમસ થઈ ગઈ. એકાઉન્ટન્ટને મળી કરગરી કે કાલે છેલ્લો દિવસ ફી માટે છે. તેમણે પણ કાલે આવવા કહ્યું.

  મને શું સૂઝ્યું, કહ્યું કેશ તો નહીં ખુલે, ‘તમે’ કોઈ ચેક આપો. ( સ્ત્રીઓને બે નામે બોલાવીએ એટલે કે એનાથી શરમાઈએ છીએ). એ એની મમ્મીને લઈને આવી.   મમ્મીએ ચેક આપ્યો. મેં સાહેબને કહ્યું કે હું તે ચેક પર બેંકર ચેક બનાવવા તૈયાર છું. ઉભા થઇ પેટી ખોલી બનાવી આપ્યો. એક ડેબિટ, એક ક્રેડિટ વાઉચરનું કામ આજનું! એની આંખો હસી ઉઠી.એને આભારવશ થઈ ત્રણ વાર થેંક્યુ કહ્યું.

  બહારથી સ્ટાફ અંદર આવ્યો.

  ‘શું એટેન્ડ કરી તારી વેલ્યુડ કસ્ટમરને?’

  ‘યુનિયનને સહકાર નથી આપતા હોં?’

  ‘ લબડીને પાણી પાણી થઈ ગયા કાં!’

  “અંદર ધમાલ મચી ગઇ હશે. તું યે ઉભો થયો ને તારો.. પણ..”

  (ઓ..શીશ..)

  વાકબાણો છુટ્યાં.

  મેં ફાટફાટ થતી કેબિનેટમાંથી કાઢી એક એક પાસબુક ભરી. તે દિવસ તો પૂરો. પણ પાસબુકો ગજની હતી અને બધી ખૂબ અધૂરી ભરેલી.

  બ્રાન્ચની કેબિનેટમાં પડી રહેલી પેન્ડિંગ પાસબુકો ભરવા મેં ઓવરટાઈમ માંગ્યો. પહેલા અર્ધો રેટ, પછીના કલાકનો એક પછી દોઢો. એ રેટ સેટલ થયેલો. એકાઉન્ટન્ટ કહે ‘ગાંડો થયો છો? પાસબુકો ભરવા ઓવરટાઈમ?” મેં સમજાવ્યું કે રોજ બેસનારને ઝગડા થાય છે એ બંધ થશે અને હડતાળ પછી ચડી ગયેલું પૂરું થઈ જાય તે આપણી આબરૂ વધશે.  (કસ્ટમર ડીલાઈટ, પ્રો એકટિવ એક્શન ને એવા ભારે શબ્દો આપણે કોર્પોરેટ કલ્ચર આવ્યા પછી શીખ્યા. પછી પણ રૂપાળા શબ્દો જ વાપરીએ છીએ. કામ તો થવું હોય તો થાય.)

  એક દિવસ સાંજે પાંચ પછી બેસી ગયો પોણા આઠ સુધી અને શનિવારે 3 થી 7. કેબિનેટમાંથી કાઢી કાઢીને પાસબુકો ભરી. એમાં કોઈની અગત્યની નોંધો હતી, એકમાંથી પૈસાની નોટો નીકળી જે મેનેજરે ગ્રાહકને બોલાવી આપી અને કોઈ મિટિંગ વખતે મને શાબાશી આપી. કોઈએ તો ઘેર પત્ની આવક જુએ નહીં એટલે બેંકમાં રાખેલી. ઓવરટાઈમ વસુલ. એક કાકા નહીં જ થયું હોય એમ માની ઝઘડતા આવ્યા એણે પાસબુક તૈયાર જોઈ ખાસ બેંકનો આભાર માન્યો. બીજાઓને પાસબુક લેવા બોલાવી આવ્યા.

  એમાં એક દિવસ ફરી પેલી ષોડશી આવી. એના મમ્મી-પપ્પાના એકાઉન્ટની એન્ટ્રી માટે. બહુ બાકી રહે છે, શું કરીએ, દૂર રહીએ છીએ.. વળી શરૂ.  તે દિવસે હું જ પાસબુક પર બેઠેલો. પાસબુક કાઢીને આપી તો એ ખૂબ ખુશ થઈ. બીજે દિવસે એની મમ્મી સાથે આવી તો મને મમ્મી કહે ‘મેં આને કહી દીધું છે. કાંઈ પણ હોય તો પેલા નાનકડા સાહેબ ને જ મળે’. હું શા માટે ના પાડું!

  હતી તો ફાંકડી. બે’ક વાર કોઈ કામે આવી ત્યારે હું જે પણ કામ કરતો હોઉં, મને મીઠું સ્મિત આપી મળતી. અમે કઈંક નાની ગુસપુસ કરતાં. એ વખતે જ્યાં ને ત્યાં લાઈન કલ્ચર હતું. કોઈ સરકારી કામે હું લાં..બી લાઈનમાં ઉભેલો. કલાકે વારો આવશે એમ લાગ્યું. થોડી વારમાં કોમળ સ્વર બાજુમાંથી અત્યંત ધીમેથી કાને પડયો “સાહે..બ!”

  અર્રે..! આ તો  પેલી ‘વેલ્યુડ કસ્ટમર’.

  “આગળ લાઈનમાં હું ને મમ્મી ઊભાં છીએ. તમે અમારી સાથે આવી જાઓ”.

  માંડ દસ નંબર બારીથી દૂર. એની પાછળ હું ઉભો. એની મમ્મી કહે “મેં જ કહ્યું પેલા નાનકડા સાહેબ પાછળ ઉભા છે એને બોલાવી લે”. એની શેઈપી પીઠ મારા પેટ, છાતીને અડતી હતી. સુંવાળા વાળનો, સુંવાળી ત્વચાનો સ્પર્શ  અને કંઈ નાખ્યું ન હતું પણ કદાચ યૌવનની જ માદક સુગંધ માણતા, ફરી કઈંક ને કઈંક ગટરગુ સાંભળતા દસ પંદર અવિસ્મરણીય મિનિટ માટે આ ‘નાનકડા સાહેબ’ એ નાનકડી, રૂપકડી યૌવના સાથે પોતે હડતાળ દરમ્યાન કરેલી કોઈ નાનકડી સેવાનો પુરસ્કાર મેળવતા ઉભા!

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: સિક્વલ્સ અને રીમેક્સ: ઓરિજિનાલિટીનો મૃત્યુઘંટ વગાડતી દૂઝણી ગાય

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here