શૈલજાનું શું થશે? – એક ‘સિરિયલ કિલર’ પર એક ગંભીર કટાક્ષ કથા

  0
  191

  ‘શૈલજાનું શું થશે’ આ એક એવી કટાક્ષ કથા છે જે સિરિયલ કિલર જેવા અત્યંત ગંભીર વિષય પર આધારિત છે. તો ચાલો વાંચીએ આ ગંભીર કટાક્ષ કથા.

  Photo Courtesy: YouTube

  “રેખા આંટી, શૈલજાનું સાભળ્યુંને?”

  “હા, જો ને? હું તો રાતે જમી જ ન શકી.”

  “સાચું કીધું રેખા આંટી, ભૂખ તો મારી પણ મરી ગઈ હતી, પણ શું કરીએ આકાશે જીદ કરીને જમવા બેસાડી દીધી એને હું રોજેરોજ શૈલજા વિષે વાત કરું એ ગમતું નથી.”

  “પુરુષો તો એવા જ હોય છે, એમને એક સ્ત્રીની ભાવનાઓની ક્યાં કદર હોય છે.”

  “હા પણ ગૌરીબેન તો એના સાસુ છે ને? એક સ્ત્રી એમણે તો શૈલજાનું શું થશે એ વિચારવું જોઈતું હતું?”

  “પૈસો ચીજ જ એવી છે ઇશાની બેટા, શું સ્ત્રી, શું પુરુષ બધાને પોતાની મોહમાયાની જાળમાં ફસાવી દે છે.”

  “પણ ગૌરીબેનને શું કમી હતી હું એમ પૂછું છું રેખા આંટી! એ તો જનકરાય ખૈર જેવા લબ્ધપ્રતિષ્ઠિત વ્યક્તિના કુટુંબના દીકરી છે, જિંદગીભર કરોડોમાં આળોટ્યા હશે.”

  “પેલો છે છે ને રણજીત? ગૌરીબેનનો જમાઈ, એણે જ શૈલજા વિરુદ્ધ એમના કામ ભંભેર્યા છે એતો પરમદિવસે આપણને ખબર પડી જ ગઈ હતીને?”

  “હા પણ સાગરિકા? ગૌરીબેનની દીકરી? એને તો શૈલજા વિષે બધીજ ખબર હતી? એની બાળપણની ફ્રેન્ડ છે ને? એણે રણજીતને કાબુમાં રાખવો જોઈતો હતો.”

  “બેટા, જ્યારે અમર એટલે ખુદનો ધણી શૈલજાનું ન વિચારી શકતો હોય પછી તો કોણ બેનપણી અને કોણ નણંદ?”

  “સાચું કીધું આંટી, મને તો મંગળવારે જ્યારે અમર શૈલજાનું વાતે વાતે અપમાન કરવા લાગ્યો હતો એ જોયુંને ત્યારેજ મને તો એના ગાલ પર બે-ચાર થપ્પડો મારી દેવાનું મન થતું હતું બોલો.”

  “ના, દીકરા એમ આપણે આપણા સંસ્કાર ન ભૂલવા જોઈએ. ગૌરીબેનના સંસ્કાર ક્યાંક પાછા પડ્યા એમ માનીએ, પણ તું એ જો કે દવેસાહેબના સંસ્કાર શૈલજાએ કેવા જાળવી રાખ્યા હેં?”

  “હા… દવેકાકા ગામડાની પ્રાથમિક શાળાના શિક્ષક, જયાબેનના અવસાન પછી એમણે આટલા ઓછા પગારમાં પણ શૈલજાને ઉછેરી અને એને જરાય ઓછું ન આવે એનું બરોબર ધ્યાન રાખ્યું અને સાથે સાથે સંસ્કાર પણ કેવા સુંદર આપ્યા?”

  “હા શૈલજાનું માન સન્માન ઘવાય છે તેમ છતાં એ કાયમ મૂંગે મોઢે સહન કરે છે. દરેક તહેવારોમાં કાયમ હસતું મોઢું રાખીને જ સાસરાની સેવા કરતી હોય છે. પણ ખબર નહીં કેમ પેલા રણજીતીયાને જ કેમ આંખમાં ખુંચે છે. ઘરજમાઈ છે તો ઘરજમાઈ થઈને રે’ ને ભાઈ?”

  “એમાં મને તો સાગરિકાનો જ દોષ દેખાય છે એણે રણજીતને ઘરજમાઈ રાખવાની જીદ નહોતી કરવા જેવી.”

  “અરે! પણ એ રણજીતે જ તો એને એમ કરવા  માટે સમજાવી દીધી હતી. એનો ડોળો તો પહેલેથી જ રાયચુરા ખાનદાનની દોલત પર હતો, તું સમજી કેમ નહીં.”

  “હમમ… પણ મારાથી શૈલજાનું દુઃખ નથી જોવાતું હો રેખા આંટી… મને તો એમ થાય છે કે હું જઈને એની મદદ કરું.”

  “અરે, એમ જો થતું હોત તો ક્યાં વાંધો જ હતો? હજી તો આ કઇ નથી, થોડા જ દિવસોમાં પેલી બોસ્કી કોઈજ રંગ દેખાડશે જોજે!”

  “બોસ્કી? કોણ અમરની સેક્રેટરી? એ શું કરવાની હતી?”

  “કેમ ગયા શુક્રવારે જ્યારે બોસ્કી ગૌરીબેનને મળવા એમને ઘરે આવી હતી, પેલી એક હજાર કરોડની ડીલની  ફાઈલ લેવા માટે ત્યારે અમર તરફ એની આંખો કેવી લટક મટક થતી હતી? મુઈ કપડાય કેવા પે’રે છે? સોમવારેય દિવાળી મિલનમાં જ્યારે એ અમરના ઘેર આવી ત્યારે એણે કેવું બ્લાઉઝ પહેર્યું હતું જોયું’તું? કોઇપણ પુરુષ લટ્ટુ થઇ જાય એવું અને સાડીએ કેટલી નીચી પહેરી’તી!”

  “ના, ના મને નથી લાગતું કે બોસ્કી કશું આવું કરે, એ વેલ એજ્યુકેટેડ છે. હાવર્ડ યુનિવર્સીટીમાં ભણીને આવી છે. તમેય શું રેખા આંટી? કોઈક દિવસ તમે મને હાર્ટએટેક અપાવશો!”

  “તે તો હજી છ મહિનાથી શરુ કર્યું છે, મારો તો ત્રીસ વરસનો અનુભવ છે સિરીયલો જોવાનો. છેક હમલોગથી મારી બધીજ ભવિષ્યવાણીઓ સાચી પડે છે. તું જોજે પરમદિવસના એપિસોડમાં બોસ્કી જરૂર કોઈ ધડાકો કરશે!”

  “હે ભગવાન, આ વખતે રેખા આંટીની ભવિષ્યવાણી સાચી ન પાડતા, મને બહુ ચિંતા થાય છે…. ખબર નહીં શૈલજાનું શું થશે!!”

  લાગતું વળગતું: એકતા કપૂરની સિરિયલ નાં સમીકરણો ઘર ઘર કી કહાની બની ગયા છે

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: હાલના પેપર લીક અંગે મુખ્યમંત્રી વિ. રૂ. એટલેકે વિજય રૂપાણીનું એમ કહેવું છે કે…

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here