27 વર્ષ પહેલાં રચાયેલું એક ગીત જે આજના ઇન્ડિયન યુથને પ્રેરણા આપે છે

  0
  261

  કેટલો સક્ષમ ભાવ જોવા મળે છે આ ગીતમાં!! એક સ્ટ્રોંગ મેસેજ. ખાસ કરીને યુવા પેઢી માટે એક inspirational song કહી શકાય તેવું આ 1992 માં રિલીઝ થયેલી ફિલ્મ “જો જીતા વોહી સિકંદર” નું ગીત ઘણું શીખવી જાય છે. મજરૂહ્ સુલતાનપુરીએ લખેલું, જતીન – લલિતનાં મ્યૂઝિકમાં રચાયેલું અને ઉદિત નારાયણ તથા વિજયતા પંડિતએ ગાયેલું આ ગીત અત્યારે પણ એટલું જ કર્ણપ્રિય લાગે છે. તમારે પણ જાણવું છે કે હું કયા ગીત વિષે વાત કરી રહી છું? તો આ રહ્યું એ ગીત…

  Photo Courtesy: YouTube

  જવાં હો યારોં… યે તુમકો હુઆ ક્યા..

  અજી હમકો દેખો ઝરા.. કે માના અભી હૈ ખાલી હાથ..

  ના હોંગે સદા યુંહી દિન – રાત… કભી તો બનેગી અપની બાત…

  મેરે યારોં.. મેરે પ્યારો.. મેરી માનો.. દિલદારોં…

  આજનો આ લેખ આ ગીત ઉપર નથી પણ આ ગીત પાછળ રહેલા મર્મ ઉપર છે. ભલે આ ગીત લગભગ 27 વર્ષ પહેલાં લખાયેલું અને ફિલ્માંકન કરવામાં આવ્યું હોય પણ અત્યારની પેઢી માટે આ એક Motivational Song સાબિત થઈ શકે તેમ છે. હવે વાંચકોને ચોક્કસ એમ થાય કે એવું કેમ લાગ્યું? તો હવે આ ગીત ફરીથી વાંચો અથવા સાંભળજો.

  છેલ્લા એક દાયકાથી આત્મહત્યાનાં, ડિપ્રેશનમાં ધકેલાઈ જવાનાં, ડેમોટીવેટ થવાનાં, વગર વિચાર્યા પગલાં ભરીને પાછળથી પસ્તાવો થવાનાં, અથવા તો અચાનક આવેલી કપરી પરિસ્થિતિ સામે લડત આપવાની આવે ત્યારે હિંમત હારી જવાનાં કિસ્સા આપણે વાંચીએ, સાંભળીએ તથા અનુભવીએ છીએ. આ બધી જ લાગણીઓ પાછળનું મૂળભૂત કારણ છે ભૂતકાળની ભૂલો પરથી ન શીખવામાં આવેલાં પરિણામો, વર્તમાન પરિસ્થિતિ એક્સેપ્ટ ન કરવાની મનોવૃત્તિ અથવા ભવિષ્યના આયોજનમાં બેદરકારી.

  બાળક નાનું હોય ત્યારે જન્મજાત જીવન આયોજન શિખીને આવતું નથી. પેરેંટ્સ તેને પોતાનાં અનુભવો પરથી જીવન જીવતાં શીખવે છે. હવે એ અનુભવોથી શીખ લેવી કે નહીં તે તો બાળક પર આધારિત છે. એ બાળક મોટું થઈને શીખવેલી આદતો અને સાંભળેલી પરિસ્થિતિઓમાંથી કેવું ઘડતર લે છે, તે તો સમય આવે ત્યારે જ ખબર પડે. ક્યારેક પેરેંટ્સનાં over expectations બાળકને માનસિક તનાવ આપે છે. ક્યારેક અતિશય છૂટ બાળકને ભવિષ્યમાં આવનારી નાની મોટી આકરી પરિસ્થિતિઓ સામે લડવામાં નિષ્ફળ બનાવે છે. અને ડિપ્રેશન ત્યાંથી જ ઉદ્ભવે છે.

  આપણી સ્વતંત્ર લાઇફ સ્ટાઇલ પણ અલગ અલગ રીતે આપણને કાયર બનાવે છે. આપણે રૂપિયા કમાવવા માટે મહેનત તો કરીએ છીએ, પણ મહેનતથી બનતા ભવિષ્યની યોજના ઘડવામાં જો કચાશ રહી જાય તો પ્રસિદ્ધિને પચાવવામાં નબળા પડીએ છીએ. આપણી છાકટી જીવનશૈલી જ આપણને નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને, બાળક યુવા બને ત્યારે જો પેરેંટ્સ ધ્યાન ન આપે તો સુસાઇડ જેવી ઘટનાઓ બને છે. બહુ બધા દાખલા છે આપવા માટે પણ અહીંયા આપણે કોણે આત્મહત્યા કરી એનાં કરતાં એવાં બનાવો કેમ રોકી શકાય તે વિચારીએ.

  જેમ કે, રૂપિયા કમાઓ પણ સાથે સાથે સંયમ પણ કમાઓ. સામાન્ય રીતે બધાએ રૂપિયા મહેનતથી જ કમાયા હોય છે. પરિશ્રમ અને નસીબ બંનેનો સાથ હોય તો આપણે સફળતાની સીડી ચડી જઈએ છીએ. આવા સંજોગોમાં, માનસિક રીતે નબળો માણસ રૂપિયા કમાવવાની સાથે રૂપિયા બતાવવામાં પોતાની જાતને સર્વોચ્ચ ગણે છે. રૂટિન લાઇફ સ્ટાઇલથી માંડીને પ્રસંગોમાં પણ તેમની ઊંચી લાઇફ સ્ટાઇલ આંખે ઊડીને વળગે છે. બીજી તરફ, સ્ટાન્ડર્ડ લાઇફ સ્ટાઇલ જીવનારો પણ વર્ગ છે જેને બીજાની લાઇફ સ્ટાઇલ અસર કરતી નથી અને માનસિક રીતે તેઓ ખૂબ સક્ષમ હોય છે. છતાં, એક વર્ગ એવો પણ છે જેને રાતોરાત કમાણી કરવી છે, ફેમ જોઈએ છે, ઓછી મહેનતે સફળતા મેળવવી છે, હજારોને લાખોમાં કન્વર્ટ કરવા માટે સીધો ન મળે એટલે આડો રસ્તો અપનાવવો છે. હવે, આ વર્ગની માનસિક હાલત નબળી ગણી શકાય. રિઆલિટીમાં ન જીવીને, કાલ્પનિક દુનિયામાં રાચતો આ વર્ગ પોતાની રીતે જ વિચારે છે. તેઓને Motivational Quotes પણ અસર કરતાં નથી. રાતોરાત રૂપિયા રળવાનાં સપનાં જોતાં જોતાં, તેઓ તેમના પેરેંટ્સના અથવા લાઇફ પાર્ટનરનાં ભાવિનો ફેંસલો પોતાના હાથમાં લઈ લે છે.

  લાગતું વળગતું: શું રાહુલ ગાંધી ખરેખર યૂથ આઇકોન છે ખરા? – એક ચર્ચા

  ડિપ્રેશનમાં આવવું એ આજકાલ સામાન્ય છે. કોઈ કહેશે, દિપીકા પાદુકોણ જેવી અભિનેત્રીને પણ ડિપ્રેશનનો સામનો કરવો પડ્યો હતો. પણ ડિપ્રેશનમાં જ્યારે તે હતી ત્યારે તેણે કેટલાં સાથે વાત કરી એ અગત્યનું છે. તેમાંથી બહાર આવીને તેણે આખી દુનિયા સામે પોતાની રજૂઆત કરી. લોકોને પ્રેર્યાં માનસિક તાણ વિશે વાત કરવા. પરંતુ આપણે શું કામ કોઈ સેલિબ્રિટીની જરૂર છે આપણી પરિસ્થિતિને સમજવા?

  કહેવાય છે, Education matters the most. અહીંયા education એટલે Social Education. આપણે બાળકોને સફળતા કેમ મેળવવી એ શીખવીએ છીએ પણ નિષ્ફળતા સામે કેમ લડવું જોઈએ તે કહીએ છીએ? નંબર વન બનવાની દોટ કરાવીએ છીએ પણ વચ્ચે કે પાછળ રહી જઈએ ત્યારે કેમ પગલાં માંડવા તે શીખવીએ છીએ? આપણું બાળક ભણવામાં ખૂબ હોંશિયાર હોય તો તેને આપણે schooling શરૂ થતાં જ એંજિનિયર, ડોક્ટર, પ્રોફેસર, IT સ્પેશિયાલિસ્ટ, કે પછી સેલ્ફ – એમ્પ્લોયડ બનાવવા માટે સપના બતાવીએ છીએ અને સાથે સાથે જોઈએ છીએ પણ ક્યાંક જો તે બાળક પાછું પડે કે સપનું પૂરું ન કરી શકે ત્યારે એને કોઈ બીજો વિકલ્પ હસીને આપીએ છીએ? હા, વાતમાં દમ છે કે પૈસા વગર “સારું અને વૈભવી” જીવન શક્ય નથી પણ “જીવન જ શક્ય નથી” એવું ક્યાં લખ્યું છે?

  નાની નાની વાતમાં સફળતા શોધતાં યુવાનોને નાની નાની વાતમાં મળતી નિષ્ફળતા પચાવતાં પણ જો શીખવીએ તો સફળતાનાં પગથિયા ચડતાં ચડતાં બેલેન્સ જાય તો પોતાને જાળવી શકે છે, સંભાળી શકે છે. નાસીપાસ થવાની શક્યતા ઓછી થઈ જાય છે. એનાથી વિશેષ, આપણે આપણાં બાળકોને દરેકે દરેક લાગણીને વ્યક્ત કરતાં શીખવવું જોઈએ. લાગણીને અવાજ મળે તો ભલભલા પ્રોબ્લેમ્સનાં સોલ્યૂશન આવી જાય. સામાન્ય રોકટોક મુકત વાતાવરણ હોય તો સંબંધોમાં સરળતા મળે જ છે.

  ડિપ્રેશન એક રોગ નથી, એક ફેઝ છે; જે દરેકનાં જીવનમાં કોઈને કોઈ પ્રમાણમાં આવે જ છે. એમાંથી નીકળવા માટેનાં ઘણાં ઉપાયો છે. કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવી, પોતે હાર ન માનવી, જીવન ત્યાં પૂર્ણ નથી તેનો અમલ કરવો, સંજોગોનો સ્વીકાર કરવો વિગેરે વિગેરે. અને સૌથી અગત્યની વાત. આપણા એક નિર્ણયથી આપણાંની થનારી દશા, તેનો વિચાર કરવો. કહેવાય છે, સંતોષી વ્યક્તિ સદા સુખી. એટલે પરિસ્થિતિ અપનાવી તેમાંથી પોતાને બહાર કાઢવામાં પોતાની મદદ કરનારા હંમેશા વિજેતા બને છે. અને… હાર કર જીતને વાલે કો.. બાઝીગર કહેતે હૈં… એ ડાયલૉગ કાયમ યાદ રાખવો.

  અને છેલ્લે એક બીજું પ્રેરણાદાયી ગીત…

  રૂક જાના નહીં.. તુ કભી હાર કે…

  કાંટો પે ચલકે મિલેંગે સાયે બહાર કે…

  અસ્તુ!!

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: Midnights With મેનકા વિષે એની ટીમ એમ વિચારે છે કે…

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here