The Accidental Prime Minister – મજબુરી કા નામ મનમોહન સિંહ?

    0
    319

    આજે બોલિસોફી પર કદાચ પહેલીવાર રાજકારણનો રંગ છંટાવાનો છે, કારણકે આજે જે ફિલ્મ વિષે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ફિલ્મ જ રાજકારણ પર આધારિત છે અને એ પણ આજકાલના જ રાજકારણ પર! જીહા, આજે આપણે વાત કરવાના છીએ ફિલ્મ The Accidental Prime Minister વિષે જે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ પર આધારિત છે જે અત્યંત ચર્ચાસ્પદ રહ્યો હતો.

    Photo Courtesy: indianexpress.com

    મૂળતો ફિલ્મ મનમોહન સિંહના શરુઆતના પાંચ વર્ષમાં તેમના મિડિયા સલાહકાર રહેલા સંજય બારૂના પુસ્તક The Accidental Prime Minister પર આધારિત હોવાનો દાવો કરે છે. દાવો એટલા માટે કહ્યું કારણકે ફિલ્મની શરૂઆતમાં આ વાતને સ્વિકારવા છતાં બાદમાં એક ડિસ્ક્લેમર પણ મુકવામાં આવ્યું છે જેમાં આ ફિલ્મના પાત્રોને ‘કદાચ’ હકીકત સાથે કોઈજ સંબંધ નથી એવું કહેવામાં આવ્યું છે. મજાની વાત એ છે કે હકીકત સાથે કોઇપણ સંબંધ ન હોવા છતાં ફિલ્મના તમામ પાત્રોના નામ સાચા છે અને ઘટનાઓ પણ આજકાલની હોવાથી દર્શકને મોઢે છે.

    ગમે તે હોય પરંતુ The Accidental Prime Minister ફિલ્મ એક વાત ઉપસાવવામાં તો સફળ થઇ છે કે માણસ ભલેને દેશનું રાજ ચલાવતો હોય એટલો શક્તિશાળી હોય પરંતુ તે કોઈ એક ખાસ કારણને લીધે એટલો બધો મજબૂર થઇ જતો હોય છે કે પોતાના સ્વમાનને પણ ગીરવે મૂકી દેતો હોય છે. ફિલ્મમાં બે જગ્યાએ મનમોહન સિંહનું અપમાન કરવામાં આવ્યું હોવાનું સાફ દેખાડવામાં આવ્યું છે પરંતુ તેમ છતાં કોઈને કોઈ કારણસર મનમોહન સિંહે સ્વમાનનો ત્યાગ કરીને પોતાના પદ પર ચીટકી રહેવાનું વધુ પસંદ કર્યું. આશ્ચર્યની વાત તો એ છે કે આ બંને સમયે મનમોહન સિંહ પોતાનું રાજીનામું આપવા સોનિયા ગાંધી પાસે ગયા હતા!

    એવી તે કેવી મજબુરી આપણને બધાને ઘેરી લેતી હોય છે કે જેનાથી આપણે સ્વમાનનો પણ જાણીને કે પછી અજાણતા પણ ભોગ આપવો પડતો હોય છે? સ્વમાન એ મારી અંગત દ્રષ્ટિએ એક માત્ર એવી મૂડી છે જે માણસ પોતાના સમગ્ર જીવન દરમ્યાન ખરેખર કમાતો હોય છે. જ્યાં તમે ખોટા છો તો તમે ટીકા સહન કરો, સલાહ સ્વીકારો પરંતુ અપમાન તો ક્યારેય ન સ્વીકારો કારણકે અપમાન એ સ્વમાન પર સીધેસીધો ઘા છે. The Accidental Prime Minister એટલેકે મનમોહન સિંહે તો મારીમચડીને પોતાના કાર્યકાળમાં અસંખ્ય વખત સ્વમાનને તડકે મુક્યું હોવાનું ફિલ્મમાં જોવા મળે છે.

    નોકરી-ધંધામાં પણ આવું જોવા મળતું હોય છે. નોકરી જતી રહેશે કે કોઈ મોટો ઓર્ડર નહીં મળે તો? એવા ડરથી કમર્ચારી પોતાના બોસના અને નાનો વ્યાપારી ગ્રાહકના અપમાનજનક શબ્દો ગળી જતો હોય છે. કદાચ તેને પોતાના પરિવારના ભવિષ્યની ચિંતા હોય છે કારણકે જો સ્વમાન ટકાવીને તે નોકરી છોડી દે અથવાતો પેલો મોટો ઓર્ડર સામેથી જ રદ્દ કરી દે એને ફરીથી નોકરી મળવામાં કે એટલો જ  મોટો ઓર્ડર મળવામાં તકલીફ પડી શકે તેવું તે વિચારતો હોય છે.

    અંગત જીવનમાં એટલેકે લગ્નજીવનમાં પણ આવું બનતું હોય છે. એવા ઘણા દંપત્તિઓ જોયા છે જેમાં પતિ પત્નીને કે પછી પત્ની પતિને વારેવારે અપમાન કરતા વાક્યો બોલતા હોય છે, પરંતુ તેમ છતાં સંસાર બચાવવા માટે પતિ અથવાતો પત્ની આ શબ્દો ભૂલી જઈને પૂર્વવત જીવન ચાલુ રાખતો કે રાખતી હોય છે. અહીં એ જરૂરથી નોંધવું જોઈએ કે આવા મામલાઓમાં પતિઓ કરતા વધુ સહન પત્નીઓને કરવું પડતું હોય છે.

    ‘બે માણસ વચ્ચે’ જ્યારે કોઈ મોટો ઝઘડો થાય અને વાંક પતિનો જ હોય તો પણ તે પંદર-વીસ વર્ષના લગ્નજીવનમાં પત્નીએ આપેલો ભોગ,પ્રેમ અને સહકાર ભૂલી જઈને પતિ પત્નીની માત્ર ભૂલોનું લાંબુલચક લિસ્ટ જાહેર કરી દેતો હોય છે અને પોતે victim card પ્લે કરવા લાગતો હોય છે. જ્યારે પણ આવું જોવા વાંચવા કે સાંભળવામાં આવે ત્યારે એક વિચાર એવો આવે કે એવી તે શી મજબૂરી હશે જે પતિ અથવા પત્નીને સ્વમાનનો ભોગ આપવો પડતો હોય છે?

    લાગતું વળગતું: ગોલમાલ: નોકરી બચાવવાની સાચી લડાઈ માટે જુઠું શસ્ત્ર વાપરવા મજબૂર મધ્યમવર્ગીય

    The Accidental Prime Minister ના મનમોહન સિંહ જેમને દેશે આપેલા ‘મહાન અર્થશાસ્ત્રીઓ’ માંથી એક ગણવામાં આવે છે, જેઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર જેવા અતિશય પ્રતિષ્ઠિત પદ પર રહ્યા હતા તેમજ દેશના અર્થતંત્રને ખુલ્લું કરી ભારતની સિકલ બદલી નાખનાર વ્યક્તિ તરીકે દરેક રાજકીય પક્ષના સભ્યો  દ્વારા વખાણવામાં આવે છે અને જે વડાપ્રધાન જેવા દેશના સર્વોચ્ચ પદ પર આસીન છે તેમને એવી તે કેવી મજબૂરી હતી કે પોતાની પત્ની અને પુત્રીની સલાહ બાદ પણ અપમાનનો ઘૂંટડો ગળી જઈને વડાપ્રધાન પદ છોડ્યું નહીં?

    નોકરી કરનાર, વ્યાપાર કરનારને તો ચાલો પોતાના ભવિષ્યની ચિંતા હોઈ શકે, કે પતિ અથવા પત્નીને પોતાના બાળકો અને સમાજની ફિકર હોય પરંતુ આટઆટલા માન-સન્માન પામી ચૂકેલા વ્યક્તિ શું પોતાના સ્વમાન પર વારંવાર થનારા ઘા ને અમુક લિમીટ સુધી સહન કર્યા બાદ એક લાત મારીને એ પદ છોડી ન શકે? ફિલ્મના એક દ્રશ્યમાં સોનિયા ગાંધી મનમોહનને એટલે પદ ન છોડવાનું કહે છે કારણકે દેશ જે સ્કેમ્સ અને અન્ય તકલીફોમાંથી એ સમયે પસાર થઇ રહ્યો હતો તેવા સમયમાં રાહુલ ગાંધી દેશ સંભાળવા માટે તૈયાર ન હતા.

    તો સોનિયા ગાંધીની ચિંતા માત્ર મનમોહન સિંહે જ કરવાની હતી? પોતાના સ્વમાન પર થતા સતત ઘા ની તેમણે જરાય પરવા નહીં કરવાની? વિચારો કે એક વખત, માત્ર એક વખત મનમોહન સિંહે હિંમત દેખાડીને રાજીનામું આપી જ દીધું હોત તો શું દેશ સાવ વડાપ્રધાન વગર રહેવાનો હતો? સોનિયા ગાંધીએ શરુઆતમાં ‘કહેવાતો ત્યાગ’ કરીને જેમ મનમોહનને જ પસંદ કર્યા હતા એમ મનમોહનના રાજીનામા બાદ પાંચ-છ દિવસે બીજો કોઈ ‘યોગ્ય’ વ્યક્તિ જરૂર પસંદ કરી લીધો હોત.

    પણ કદાચ વડાપ્રધાન પદ પર ટકી રહેવાની મનમોહન સિંહની મહેચ્છા જ તેમના સ્વમાન કરતા વધુ બળવાન નીકળી હશે એમ એટલીસ્ટ આ ફિલ્મમાં આપેલા સંદેશથી ખબર પડે છે. The Accidental Prime Minister ફિલ્મનો રિવ્યુ માતૃભારતી એપ માટે કરતી વખતે લખ્યું હતું કે ફિલ્મ જોતી વેળા મનમોહન સિંહની દયા આવે છે. પરંતુ હવે ફિલ્મ જોયાના આટલા બધા દિવસ બાદ ફિલ્મ પર મનોમંથન કર્યા પછી મનમોહન સિંહની દયા નથી આવતી બલકે તેમના પર ગુસ્સો આવે છે કે સત્તાનો લોભ એમના પર એટલો બધો હાવી થઇ ગયો કે એમણે પોતાનું ખુદનું સ્વમાન 10 જનપથ ખાતે ગીરવે મૂકી દીધું હતું.

    The Accidental Prime Miniser ની બોલિસોફી એ જ શીખવાડે છે કે સ્વમાનના ભોગે ગમે તેવો મોટો લાભ હોય તેને જતો કરવો. હા થોડો સમય તકલીફ જરૂર પડશે પરંતુ ઉપરવાળો બધું જ જુએ છે કારણકે તમારું સ્વમાન એ એના જ આશિર્વાદ છે!

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: શિયાળો અને રીંગણ- હમ કાલે હૈ તો ક્યા હુવા અચ્છે દિલ વાલે હૈ

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here