“લંચબોક્સ સ્ટોરી” સીરીઝમાં આપણે વિવિધ આઈડીયાઝ જોયા લંચબોક્સને મજેદાર બનાવવાના. આજે એ જ સીરીઝમાં આપણે એક નવો કન્સેપ્ટ જોઈશું, જે આજકાલ ટ્રેન્ડી પણ છે. આ કન્સેપ્ટ છે “બાઉલ મીલ” નો.
2018માં આ કન્સેપ્ટ દુનિયામાં, ભારતમાં ખૂબ જ પ્રચલિત થયો હતો. અમદાવાદમાં પણ આ ટ્રેન્ડ ધીરે ધીરે પોપ્યુલર થઇ રહ્યો છે. “બાઉલ મીલ” પાછળનો કન્સેપ્ટ ખૂબ જ સરળ છે. તમે જુદી જુદી 4 વસ્તુઓ, કે જેને અંતે તો તમે મિક્સ કરીને જ ખાવાના છે એને એક જ બાઉલમાં સર્વ કરવી, જેથી ખાનારને સહેલું પણ પડે અને વાસણ પણ ન બગડે. આપણે દાળ-ભાત, રાજમા-ચાવલ વગેરે માટે આ બહુ જ સરસ રસ્તો છે. બાઉલ મીલમાં સૌથી ફેમસ બાઉલ મીલ હોય તો એ “બરીતો બાઉલ” છે, એ ઉપરાંત બુદ્ધા બાઉલ, બીબીમ્બાપ બાઉલ અને ફલાફલ બાઉલ પણ એટલા જ ફેમસ છે.
બાઉલ મીલ લંચબોક્સ તરીકે એટલા માટે સારો આઈડીયા છે કારણકે 1) એ બનાવવા પાછળ બહુ સમય જતો નથી કેમકે સવારે તેની કટોકટી હોય છે, અથવા અગાઉથી બનાવીને રાખી શકાય છે,. અને 2) આવી રીતના મીલમાં સામન્ય રીતે રોજિંદી જરૂરિયાતના બધા જ પોષકતત્વો સમાન રીતે મોજૂદ હોવાથી તે એક પૌષ્ટિક આહાર છે.
હવે તમને થશે કે બાઉલમાં બધું પેક કરીને લઇ જવું કેવી રીતે ફાવે? તો તેનું સિમ્પલ સોલ્યુશન છે કે ટીફીનને બદલે એક ગોળ, વ્યવસ્થિત લોક વાળો, ડબ્બો આમાં ખૂબ જ ઉપયોગી થશે. આજે આપણે આવા જ થોડા બાઉલ મીલ્સ જોઈશું.
મેક એન્ડ ચીઝ બાઉલ

સામગ્રી:
2 કપ મેક્રોની પાસ્તા
2 ટેબલસ્પૂન મેંદો
2 ટેબલસ્પૂન બટર
3 કપ દૂધ
મીઠું, મરી સ્વાદમુજબ
2 ટેબલસ્પૂન છીણેલું ચીઝ
રીત:
- પાસ્તાને એક મોટા વાસણમાં, ખૂબ મીઠાવાળા પાણી સાથે, પેકેટ પરની સૂચના મુજબ પકવી લો. પાણી નીતારીને પાસ્તાને બાજુમાં રહેવા દો.
- એક પેનમાં બટર લો. બટર પીગળે એટલે એમાં મેંદો ઉમેરી બરાબર મિક્સ કરી લો અને લોટ બરાબર શેકી લો.
- હવે તેમાં ધીરે ધીરે દૂધ ઉમેરતા જાઓ અને બરાબર હલાવતા જાઓ જેથી મેંદાના ગઠ્ઠા ન રહે અને મેંદો બરાબર ભળી જાય.
- દૂધ ઘટ્ટ થવા લાગે એટલે એમાં મીઠું અને મરી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- હવે ડબ્બામાં એક બાજુ પાસ્તાને વ્યવસ્થિત ગોઠવી લો, અને બીજી બાજુ તૈયાર કરેલ સોસને ભરો. તમને ગમે તો ઉપરથી બટરમાં સાંતળેલા શાકભાજી પણ ઉમેરી શકો છો.
- ડબ્બો બરાબર સીલ કરી દો. લંચ ટાઈમમાં પાસ્તા અને સોસને મિક્સ કરીને ખાઓ!
નોંધ: આ રીતે મેક્રોનીની જગ્યા એ બીજા કોઈ પણ પાસ્તા અને ચીઝ સોસની જગ્યા એ બીજો કોઈ પણ સોસ લઇ અલગ અલગ પાસ્તા બાઉલ બનાવી શકાય છે.
લાગતું વળગતું: આજે લંચ બોક્સ માં શું આપું? હવે આ ટેન્શનને કાયમ માટે રજા આપી દો |
મેક્સિકન બાઉલ:

સામગ્રી:
રાઈસ માટે:
1 કપ બાસમતી ચોખા, પકવેલા
½ કપ મકાઈના દાણા, બાફેલા
1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
1 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ
1 ટેબલસ્પૂન બટર
મીઠું સ્વાદ મુજબ
પિકા દે ગેલો માટે:
4 પાકા ટામેટા, બીયા કાઢી, ઝીણા સમારેલા
1 નાનો સફેદ કાંદો, ઝીણો સમારેલો
1/2 કપ સમારેલી કોથમીર
2 થી 3 હલાપીનીઓ મરચા, બિયા કાઢી, ઝીણા સમારેલા (અથવા બી કાઢેલા ભોલર મરચા)
1 ટેબલસ્પૂન લીંબુ નો રસ
મીઠું, સ્વાદ મુજબ
અન્ય સામગ્રી
4 ટેબલસ્પૂન રીફ્રાઈડ બીન્સ
4 ટેબલસ્પૂન સાર ક્રીમ
4 ટેબલસ્પૂન ખમણેલું ચીઝ
નાચોઝ ચિપ્સ, જરૂર મુજબ
રીત:
- રાઈસ બનાવા માટે એક પેનમાં બટર લો. બટર ઓગળે એટલે એમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરીને લગભગ 1 મિનીટ માટે સાંતળો.
- હવે તેમાં મકાઈ અને થોડું મીઠું ઉમેરી બરાબર ભેળવી દો.
- હવે તેમાં ધીરે ધીરે બાસમતી ચોખા ઉમેરતા જાઓ અને સાચવીને મિક્સ કરતા જાઓ.
- ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો, બાજુમાં રહેવા દો.
- પીકા દે ગેલો માટેની બધી જ સામગ્રી એક બાઉલમાં ભેગી કરી બરાબર મિક્સ કરો અને ફ્રીજમાં રાખો.
- હવે લંચબોક પેક કરતી વખતે, ડબ્બામાં નીચે તૈયાર કરેલો રાઈસ પાથરો, તેની ઉપર થોડાક ભાગમાં પીકા દે ગેલો, થોડા ભાગમાં રીફ્રાઈડ બીન્સ, થોડા ભાગમાં સાર ક્રીમ પાથરો.
- ઉપરથી ચીઝ અને નાચોઝ ચિપ્સ મૂકો અને ડબ્બો બરાબર પેક કરી લો.
- લંચ ટાઈમે બધું જ સરખી રીતે મિક્સ કરીને મજા માણો.
આવી જ રીતે રાજમા બાઉલ કે પછી દાલ મખની બાઉલ બનાવી, સાથે ડુંગળીની કચુમ્બર ઉમેરીને હેવી લંચ માણી શકાય છે તો જીરા રાઈસની સાથે મખની ગ્રેવીવાળું પનીરનું કે મિક્સ વેજીટેબલ શાક લઇ મખની બાઉલ્સ પણ બનાવી શકાય છે.
તો આવી રીતે નવા નવા ટ્રેન્ડી બાઉલ્સ બનાવો, બાઉલ મીલ માણો અને હા… હેવ અ હેપ્પી લંચબોક્સ ટાઇમ!
આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.
eછાપું
તમને ગમશે: લગ્નની તૈયારીઓ એટલે ખર્ચાળ લગ્ન પહેલા જ ખર્ચાઓની હારમાળા