આજના સમયના સૌથી ધરખમ ધંધાઓ કયા? શિક્ષણ,ધર્મ, ફિલ્મો અને રાજકારણ …કઈં ના થઇ શકે તો મઠ ,મંદિર ,આશ્રમ બાંધો અથવા એક રૂપકડી સ્કુલ,. એવી સ્કુલ જ્યાં સાચા શિક્ષણને બાદ કરતાં બધું મળે!

કેવું મજાનું શિક્ષણ છે? સાઈન થીટ્ટા બહારની દુનિયામાં કામ નથી આવતું અને આધારકાર્ડની શું જરૂર અથવા RTI કેવી રીતે કરવી એ અંદર શિખવાડવામાં નથી આવતું. થેવેનીન્ઝ થીયરમ ગોખવામાં આવે છે પણ પપ્પાને પગે લાગવાનું સિફતપૂર્વક ભુલાતું જાય છે .ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી? કોમર્સ કે સાયન્સ ?(આર્ટસ તો ભૂલી જ જાઓ મિત્રો) વગેરેથી શરુ થતી મુંઝવણની દુનિયામાં બાળક અટવાતું જાય છે અને સરવાળે શિક્ષિત કરતાંય વધુ તો કન્ફ્યુજડ માનવી બહાર નીકળે છે. અંદરની પરિક્ષાઓ સફળતાપૂર્વક પુર્ણ કરનારો વિદ્યાર્થી બહારની સાચી પરિક્ષાઓમાં પાણીમાં બેસી જાય છે, કારણ કે આ તો સાવ સિલેબસ બહારથી પુછાયેલું છે! અંતે થાય છે એવું કે બાવાના એટલે કે બચ્ચાના બેય બગડે છે.”સમાજ કો બદલ દુંગા“ ની લાગણીઓ બહાર આવ્યા પછી “ઉલ્લુ બન ગયે” માં પરિવર્તિત થાય છે.
સરવાળે ભાગાકાર !બજારમાં એજ્યુકેટેડ તો હોલસેલમાં મળે છે પણ ઈન્ટેલીજન્ટ ગોતવા પડે છે, ભણેલાઓનો તો જથ્થો છે પણ ગણેલા તો ગણ્યાગાંઠ્યા જ! શિક્ષિતોની કતારો છે પણ શાણા ઢુંઢતે રહે જાઓગે..!
કમાવાના જ હેતુથી શરુ થતા શાળા સંકુલો ભાર વિનાના ભણતરની ફક્ત વાતો જ કરે છે અને અંતે તો ટ્રસ્ટીઓના ખિસ્સાના જ ભાર વધારવા નું કામ કરે છે. ત્યાંથી શરુ થતી આ રૂપાળી લપસણી ગંગામાં પછીથી તો કઈં કેટલાય ભાવિકો રસપૂર્વક ડુબકી લગાવીને પાવન થાય છે. જો સ્કુલ્સમાં કહેવાતું શ્રેષ્ઠ શિક્ષણ અપાતું હોત તો ટ્યુશનોની પેઢીઓ ઉઠી જ જાય પરંતુ …લેકિન…..કિન્તુ આવું થતું નથી અને સમાંતરે ક્લાસીસમાં પણ કીડીયારું ઉભરાય છે. એક્સ્ટ્રા ક્લાસના નામે શાળામાં પણ નાનકડો વધારાનો બોજ બાળક પર આવે છે .રેઢિયાળ શિક્ષણ પધ્ધતિ, માધ્યમોનો ગુંચવાડો, માતાપિતાની અપેક્ષાઓ આ બધાનું “મિક્સ વેજીટેબલ” એવું બન્યું છે કે બાળકની તો ફક્ત દયા જ આવે! સરહદે લડતા સૈનિકોનો એક જ ધ્યેય હોય પણ અહીં તો ડાન્સ પણ શીખવો છે, સ્કેટિંગ તો આવડવું જ જોઈએ અને ફ્રેંચ ભાષાના ક્લાસ પણ જરૂરી છે… થી શરુ થતું લાંબુલચક લીસ્ટ ! અંતે બધો ભાર તો બાળક નામની કન્યાની કેડ પર! જાયે તો જાયે કહાં?
લાગતું વળગતું: શિક્ષકો અને વાલીઓ વચ્ચેની ખેચતાણમાં બગડી રહ્યું છે બાળકોનું ભવિષ્ય |
રોગનું મુળ છે આપણી માન્યતા! માની લેવામાં આવ્યું છે કે અંગ્રેજી મીડીયમ વગર નહી ચાલે, આગળ જતાં તકલીફ પડશે વગેરે. પણ કેટલું આગળ અને ક્યાં આગળ યે કોઈ નહી જાનતા! સંજીવની માટે હનુમાનજી આખો પર્વત ઉપાડી આવ્યા એ ત્યારની પરિસ્થિતિ અને એમની મનોસ્થિતિ મુજબ બરાબર હોઈ શકે અને હતું પણ ખરા પરંતુ હવે તો આપણે ઓળખીએ છીએ કે સંજીવની કઈ છે? સાથોસાથ આપણું બાળક હનુમાનજી નથી કે એટલો બોજ એ વહન કરી શકે. પણ ના હમ તો નહી સુધરેંગે! સરવાળે થાય છે એવું કે સચિન ડ્રોઈંગ પણ શીખે છે, લતા ક્રિકેટ પણ રમે છે, અમિતાભ ગીત પણ ગાય છે. અંતે રમેશની સાથે મહેશ, મહેશની સાથે અબ્દુલ, અબ્દુલ ભેગા ડેવિડ બધાજ હોંશે હોંશે હઈસો હઈસો કરે છે. ઘાણીના બળદ જેવું ચક્કર ચાલ્યા કરે છે.
આ તો ફક્ત દર્દની વાત થઈ, દવા શું? દવા દરેક વાલી પાસે છે પણ વાપરવી નથી કારણ પછી દુનિયા શું કહેશે? “અરે ,શર્માજી આપનું બાળક ગુજરાતી મીડીયમમાં?” “અમારો બંટી તો સરસ ગીતો ગાય છે, તમે પીન્ટુને ના મુક્યો મ્યુઝીકમાં?” બસ, આ એક જ રોગ કે ક્યા કહેંગે લોગ! અને આ ચક્કરમાં કેટલાય ચક્રમ લોકો ચાર પાંદડે થયા કરે છે.
ખૈર ,વો સુબહા કભી તો આયેગી ! આપને શું લાગે છે?
આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.
eછાપું
તમને ગમશે: રફેલ મામલે રાહુલ ગાંધીએ દેશની અને સેનાની માફી માંગવી જોઈએ