પિતા પુત્રના અનોખા પ્રેમની સત્ય ઘટના – મારી એક સંક્રાંતિ!!

  0
  77

  ઉત્સવો માણવાનો અમારો ઉમંગ, ઉત્સાહ અનેરો છે કોઈ પણ ઉત્સવ બને તેટલા સાથે મનાવવા પ્રયત્ન કરીએ.હા, સંતાનને પાંખ આવી, માળો છોડી દૂર તો જાય, એમાં જ ગર્વ અનુભવીએ.જ્યારે તહેવાર આવે ત્યારે સાથે થઈ, ઉત્સવના રંગમાં રંગાઈ બીજાને પણ એના છાંટણા ઉડાવીએ.આવી પહોંચી સંક્રાન્તિ. એ પણ અમદાવાદ એમાં પણ અમારા નારણપુરા વિસ્તારની. 2700 કીમી દૂર રહેતો પુત્ર પણ અમારી સાથે સંક્રાંતિ ઉજવવા આવી પહોંચ્યો. એને માંડ 3 દિવસ રહેવું હોઈ સામાનમાં બેગપેક સિવાય કશું ન હતું. મેં ફોન કર્યો “શું લઇ આવ્યો છો?”

  જવાબ “ પોપટની વાર્તામાં તમે કહેતા તેમ એક પાંખ ઉઘાડું કે બે પૂછો એટલું”. પછી કહે “ તમારી સાથે વહેંચવા બેગ પેક ભરી આનંદ. કાંઈ ખાસ વજન નથી. તમે નિરાંતે ઉઠો, પતંગ ચડાવવા ધાબે રહો. હું આ આવ્યો.” પણ આ તો બાપનું હ્દય. એમ લાગ્યું જાણે ઉડીને એને લાઇ આવું.

  હું સામાન નથી એ જાણ્યા પછી એકટીવા જ લઇ એરપોર્ટ ગયો. બહાર નીકળતાં જ કેટલી કિનનાઓ બાંધી, કેટલી બાકી, પવનની રૂખ સારી છે એવી વાતો થવા લાગી. પતંગ જેમ થોડા ઠુમકા મારી પવનવેગે ઉડે એમ અમે અમારું એકટીવા પહેલાં ધીમે, પછી પવનવેગે ઉડાવ્યું. કેમ નહીં, સંક્રાંતિ એટલેકે 14મી જાન્યુ. ની સવાર પડી ચુકેલી. 13મીની રાત સુધી કામ કરી પુત્ર 14મીની વહેલી સવારે આવતા પ્લેનમાં આવી પહોંચેલો ખાસ સંક્રાંતિ વધાવવા. અમે દૂર રહેલા એ મહિના બે મહિનાનું વૃતાંત કહી ગયેલા સમય પર ટેપ લગાવી સાંધતા હતા.

  પુત્રએ મારી તબિયત તાજેતર એટલેકે થોડા મહીનપર થયેલ મારા બાયપાસ ઓપરેશન ને લઇ કેમ રહે છે એની વાતો પુછી. એકટીવા એરપોર્ટ હું લઇ ગયેલો પરંતુ હવે ઝડપી પહોંચવા પુત્રએ મને બેકસીટ આપી પોતે ડ્રાઈવ કરવાનું પસંદ કરેલું. હું વાતો કરતો, ઉપર ઉડવા લાગેલા પતંગો જોતો હતો. મનોમન થોડી ક્ષણોમાં હું ફીરકી પકડી હાકોટા કરતો હોઈશ, પુત્ર ચગાવતો હશે ને એની મમ્મી તલ શીંગના લાડુઓ ભરેલી તાસક લઇ પતંગો સાચવતી અમને પાનો ચડાવતી ઉભી હશે એ કલ્પનામાં રાચી રહ્યો હતો.બસ એક વળાંક, એક બીજો નાનો ટર્ન અને અમે સીધા બેગપેક ફેંકતાને ધાબે!

  ઓચિંતો કાંઈ પણ ખ્યાલ આવે એ પહેલાં એકટીવા એક સાઈડ ઝૂકી પડતું રહી ગયું. ઘુરઘુરાટી બોલાવતું આડું પડી જાણે કણસવા લાગ્યું. હું બે પગ વચ્ચે આડું પડેલું પાછલું વ્હીલ જોતો બેગપેક હાથમાં સંભાળી ઉભેલો. પુત્ર નીચે પડી ગયેલો, બે હાથ ફેલાયેલા, બે પગ પહોળા, ચશ્માં ક્યાંય દૂર. એને કોઈ કપાઈને જતા પતંગની દોરી ગળામાં ફસાયેલી, એ જ દોરી એક્ટિવાની આડે આવી બેલેન્સ ગયેલું. દોરી સ્ટિયરિંગ અને વ્હીલમાં પણ વીંટળાઈ ચુકેલી. સદભાગ્યે ઘર નજીક હોઈ ગતિ ખૂબ ધીમી હતી.

  લાગતું વળગતું: હાસ્ય લઘુકથા – કૂતરાં, કાર, કવર

  મેં એકટીવા આગળથી પકડી ઉભું કર્યું. પુત્ર કહે “ઠીક છે.ચાલો ઘર સુધી તમે લઈ લો. મમ્મીને ફરિયાદ ન રહે કે છોકરાને ઉતરતાં વેંત ચલાવવા આપ્યું.”  મેં એકટીવા ધીમેથી લઈ ઘર પાસે ઉભું રાખ્યું.પુત્ર ચા પણ ઉભાઉભ પી ઉપર આવ્યો. કહે “પપ્પા, લો શુકન તો તમે જ કરો, મમ્મીને સેલ ખવરાવો. ફીરકી મમ્મી પહેલાં પકડશે.” મેં અને એની મમ્મીએ એને કેવુંક વાગ્યુંછે એ પૂછ્યું. એણૅ ‘ખાસ કંઈ નહીં’ કહી એક પતંગ ઊંચકી સહેજ ઠુમકો મારી મને આપી દીધો. અમે અન્ય પાડોશીઓ સાથે ખૂબ ચગાવ્યા, કાપ્યા, કપાવા દીધા, હાકોટા પડકારા કરી ધાબુ ગજવ્યું. બપોર પડી. ધીમેથી નીચે આવવા સૂચન થયું. “ઊંધિયું રાહ જોતું હશે દુકાનમાં” કહી હું ઊંધિયું લેવા ગયો.

  પાછો ફરતાં આવી જોઉં છું તો પુત્રના ‘હાથ પીળા કરેલા!’ પુત્રને હાથે હળદર, ટેબલપર બ્રુફેન ની ટેબ્લેટની સ્ટ્રીપ અને પુત્ર આડો પડેલો. એની મમ્મી કહે એને ભયંકર પીડા થાય છે.ઓર્થોપેડિક ડોક્ટર પરમદિવસે જ મળશે. હું ચોંક્યો. શુ થયું? બંને કહે એકટીવા પડતું હતું ત્યારે તમને બચાવવા પુત્રએ પોતાના હાથ પર એક્ટિવાનું સંપૂર્ણ વજન ઝીલી લઈ, બેય બ્રેક મારી તમને પડતા અટકાવેલા.

  પુત્રએ કહ્યું “તમને હમણાં જ છાતી ચીરી ઓપરેશન કરેલું. ભલે બે ત્રણ મહિના થયા હોય. તમે મોં ભર પડો તેમ હતા. મેં એકટીવા પડતાં પડતાં મારા હાથપર ઝીલી રાખ્યું જેથી તમે પડો નહીં.”

  સાંજે તેણે તુકકલ પણ ચડાવી, મારી પાસે ઉડાવરાવી.

  પુત્રને હાથે ત્રણેક મહીનાસુધી શેક કરવા પડેલા. મને પણ સરખું છોલાયેલું કોણી તથા ઘૂંટણે. પુત્રને તો જમણે હાથે જ ફ્રેકચર.

  “પણ તું બોલ્યો કેમ નહીં?”

  “ઉત્સવો માણવાનો આપણો ઉત્સાહ અનેરો”.. તમારું જ તકીઆ કલામ. ઉત્સવ તો ઉજવી લઈએ. પછી બધું થઈ રહે. એ વખતે હું કાંઈ પણ કહેત તો તમે અપસેટ થઈ જાત, રંગમાં ભંગ તો જવાદો, રંગનો પહેલો પીછો જ ન ફર્યો હોત.”

  એણે માત્ર પીડા સહન કરી એટલું જ નહીં, પોતે પતંગ ચગાવ્યા, માંડ વળી શકતા કાંડે, લબકારા મારતી પીડા સાથે. એણે ઇજા પોતે વહોરી લીધી, મને થતી મોટી ઇજા બચાવવા. એણે હું મૂડ ન બગાડું એટલા ખાતર પોતાનો મૂડ ખુશીનો છે એમ દેખાવ કર્યે રાખ્યો.

  પોતાનાની ખુશી ને માટે પોતે પીડા વહોરવી, એ પણ મૌન રહી . એ વણ કહ્યો સંદેશ પુત્રએ મને તાજો કરાવ્યો . આમ તો શીખવ્યો પણ મારામાં રહેલો પિતા એમ જલ્દી સ્વીકારે ખરો?

  એ વખતે એક્ટિવા પર સળિયો નહોતો નખાવ્યો. એ થોડા રૃપિયાએ પુત્રને મોટા મેડિકલ બિલ અને 3 મહિનાની પીડાથી બચાવ્યો હોત.

  ચાર વર્ષ પહેલાંની એ સંક્રાંતિ કાયમ યાદ રહેશે.

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: ખુશવંત સિંઘ દ્વારા આપવામાં આવેલા ખુશ થવાના નવ નુસ્ખાઓ

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here