ટૉક, વૉક, લાફ… બીકોજ… ઈંગ્લીશ ઈજ એ વેરી ફન્ની લેંગ્વેજ!

1
371
Photo Courtesy: indianexpress.com

શ્રી શ્રી બચ્ચનબાબાએ 1982માં કહેલું: “ઐસી ઈંગ્લીશ આવે કે આઈ કેન લીવ અંગ્રેજ બિહાઈન્ડ. યુ સી સર, આઈ કેન ટૉક ઈંગ્લીશ, આઈ કેન વૉક ઈંગ્લીશ, આઈ કેન લાફ ઈંગ્લીશ બિકોઝ ઈંગ્લીશ ઈઝ એ વેરી ફન્ની લેંગ્વેજ!” સ્કૂલકાળથી જ મારા જેવા ગુજરાતી મિડીયમવાળા વિદ્યાર્થીઓને અંગ્રેજી શબ્દોના એકવચન-બહુવચનમાં પન્નો ટૂંકો પડે છે. બોક્સ (Box)નું બહુવચન Boxes પણ ઑક્સ (Ox)નું Oxen થાય! એક ઉંદરડો હોય તો માઉસ (Mouse) કહેવાય અને વધુ હોય તો માઈસ (Mice) – એક જીવનસાથીને સ્પાઉસ (Spouse) કહેવાય પણ એક કરતા વધારે હોય તો સ્પાઈસ (Spice) ન કહેવાય!

અંગ્રેજી ભાષાનો પોતાનો એક આગવો વૈભવ છે પણ એમાં કેટલાક ગૂંચવનારા અને રમૂજી ઉદાહરણો પણ છે. આવી રૂડી-રૂપાળી આપણી માસીભાષામાં રોજ લાખો નવા શબ્દો બને છે, કોઈ સચવાય અને વપરાય છે, કોઈ ભૂલાઈ જાય છે. અત્રે પ્રસ્તુત છે આવાં જ અટપટાં દ્રષ્ટાંતોઃ

જેનુ કૌમાર્ય ભંગ ન થયું હોય એને અંગ્રેજીમાં વર્જિન કહેવાય. પણ જુવાનીમાં ખૂન ગરમ હોય, રખે ને ભૂલ થઈ જાય અને એ જાતીય તોડ થઈ જાય તો? તો શું? માણસ માત્ર ભૂલને પાત્ર! તોડ થયા પછી થોડાં દિવસ ગાડું ચાલે અને પછી બંનેનું ફટકે એટલે ફરી વર્જિન થઈ જવા બ્રહ્મચર્ય તરફ પ્રયાણ કરે – આને કહેવાય ‘સેકન્ડરી વર્જિનિટી’. ખાસ કરીને લગ્ન પહેલાંના સંબંધોને ભૂલાવીને કોઈ નવા પાત્ર સાથે લગ્ન કરનાર માટે આ શબ્દ પશ્ચિમના દેશોમાં વધુ વપરાય છે.

એકબીજા સાથે હરવા-ફરવામાં અને ડેઈટ કરવામાં પણ નવા શબ્દો ઊગી નીકળ્યા છે. ધારો કે કોઈ પાત્ર રાજધાની ટ્રેનની જેમ ફટાફટ એક અઠવાડિયામાં પંદરેક જણ સાથે ડેઈટ કરે તો એને માટે શબ્દ છે – હાઈપર ડેટીંગ (Hyperdating)! ઘણાં હુતો-હુતી એવા હોય કે તેઓ સાથે પુસ્તકો વાંચે, સાથે લેક્ચરો અને વ્યાખ્યાનો સાંભળવા જાય, લિટરેચર ફેસ્ટીવલમાં હારોહાર કૂદકા મારે – ટૂંકમાં ઈન્ટેલિજેન્ટ ડેટીંગ કરે એને ઈન્ટેલિડેટીંગ (Intellidating) એવું નામ અપાયું છે.

હવે ધારો કે બળજબરીથી કે કોઈના દબાણ હેઠળ ડેટ પર ગયા હોઈએ (અથવા કોઈ સામાજીક પ્રસંગમાં ગયા હોઈએ), જેમાં જવામાં કોઈ જ રસ ન હોય ત્યારે જવા પહેલાં જ પોતાના મોબાઈલ ફોન પર એ દરમિયાન કોલ આવે એવું કંઈક સેટીંગ કરી શકાય – આવા કોલને રેસ્ક્યુ કોલ (Rescue call) કહેવાય છે.

શ્રીમદ ભગવદ્‍ગીતાના 10મા અધ્યાયમાં એક શ્લોક છેઃ कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा। કીર્તિ, શ્રી, વાક્, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા – આ સાત ફક્ત નામો નથી, સ્ત્રીના વિશેષણો છે. એમાં ધૃતિ એટલે બુદ્ધિ! સ્ત્રીને ઈન્ટેલીજેન્સ પણ ગમે. દાખલા તરીકે આર્થર મિલરની પત્ની મેરિલિન મનરો અને ડૉ. શ્રીરામ નેનેની પત્ની માધુરી દિક્ષીત! આ બંને સ્ત્રીઓનો હોલિવુડ-બોલિવુડમાં ભારે દબદબો હતો. એમને જોઈએ એ હીરો કે ઉદ્યોગપતિ સાથે પરણી શકત પણ એમણે પોતાની પસંદગીનો કળશ બુદ્ધિ પર ઢોળ્યો. કોઈ પુરુષ કે સ્ત્રી ‘ઈન્ટેલિજેન્ટ’ લોકો તરફ કામાંધ બનીને આકર્ષાય એને સેપિઓસેક્સુઅલ (Sapiosexual) કહેવાય છે. સેપિઅંટ એટલે હોશિયાર!

ઘણાં લોકો ટેક્નોલોજીને દિલ-ઓ-જાનથી પ્રેમ કરતાં હોય (નવા ગેજેટ્સ, નવી ટેકનોલોજી), આવા લોકોને ટેક્નોસેક્સ્યુઅલ (Technosexual) કહેવાય. શહેરમાં ઘણાં પુરુષો પોતાની લાઈફસ્ટાઈલ અને દેખાવ પર સમય અને ધન વાપરે, એમને મેટ્રોસેક્સ્યુઅલ (Metrosexual) કે ઉબરસેક્સ્યુઅલ (Ubersexual) કહેવાય. પર્યાવરણ અને વાતાવરણના પ્રેમમાં હોય એને ઈકોસેક્સ્યુઅલ (Ecosexual) કહેવાય. સ્વયં-જ્ઞાન વધારવા અને આત્મ-પ્રસ્તુતિને શણગારવા માટે જે વ્યક્તિ પોતાના જીવન વિશે માહિતી ભેગી કરે છે અને વહેંચે છે એવા લોકોને ડેટાસેક્સ્યુઅલ (Datasexual) કહેવાય. સોશિયલ મીડિયામાં દર કલાકે પોતાના વિશે જ જાણકારી આપ્યા કરે તેને મીફોર્મર (meformer) કહેવાય છે.

જો બે પાત્રો લગ્ન કરે, લગ્ન પછી તન-મેળાપ થાય પણ મન-મેળાપ ન થાય અને બંને પોતાની મરજીથી છૂટાછેડા લે, ના કોઈ તકરાર, ના પ્રોપર્ટીના લફડા – આવા સમયે બંને પક્ષના લોકો મળીને એક પાર્ટીનું આયોજન કરે એને કહેવાય અનવેડીંગ સેરેમની (Unwedding Ceremony). બેયને ભલે સાથે ન જામે પણ માણસ તરીકે બેય સોનાના માણસો છે, એ વાતનું સેલીબ્રેશન! ફિલ્મ ‘લવ આજ કલ’માં જય (સૈફ) અને મીરા (દિપિકા) બંનેને જામતું ન હોવાથી પોતાના સંબંધને આગળ વધારવા નથી માંગતાં અને સંબંધ તોડતી વખતે એક પાર્ટીનું આયોજન કરે છે. સેમ-ટુ-સેમ!

નવા પરણેલાં યુગલને ન્યુલીવેડ્ઝ કહેવાય એ આપણને ખબર છે પણ વિધુર બુઢ્ઢા કાકાને સામે વાળા વિધવા માસી સાથે પ્રેમ થઈ જાય અને બેય લગ્નના મંડાણ કરે એને કહેવાય એલ્ડરવેડ્ઝ (Elderweds)! ‘લગે રહો મુન્નાભાઈ’માં પેલા પારસી કાકા પોતાની બચપનની પ્રેમિકા ટીના સાથે કરે છે ને એવું કાંઈક! કોઈ કપલ લગ્ન કર્યા હોય એ રીતે જ સાથે રહે, સાથે જમે, સાથે સહવાસ માણે તો એને મેરેજ લાઈટ (Marriage light) કહેવાય છે. ઘણી વાર એવું પણ બને કે બે પાત્રો (સ્ત્રી-પુરુષ અથવા પુરુષ-પુરુષ અથવા સ્ત્રી-સ્ત્રી) એકબીજા પ્રત્યે પ્રેમ ન હોય છતાં સાથે રહે એ પણ પોતપોતાના નિજી ફાયદા માટે તો એને કહેવાય ફ્રેન્ડઝ વિથ બેનિફિટ (Friends with benefit).

લાગતું વળગતું: માતૃભાષા મહાન જ છે એટલે બીજી ભાષાઓની લીટી ભૂંસી નાખવાની?

ઘણાં યુગલો એવા હોય જે લગ્નગ્રંથીથી જોડાયેલાં હોય પણ અંદરખાને એકબીજા પ્રત્યે પ્રેમ કે સદ્‍ભાવ ન હોય. ‘લોગ ક્યા કહેંગે’ એવા ડરથી બંને જણ આ ભાર જીવનભર ખેંચી કાઢે, ના તો સાથે ખુશ રહે, ના સાથે મજા કરે પણ એક જ ઘરમાં રહે – આવા કપલને લિવિંગ અપાર્ટ ટુગેધર (Living apart together) એવું કહેવાય છે. ‘ટુ સ્ટેટ્સ’ ફિલ્મમાં હિરોના મા-બાપ રહે છે એમ જ!

છૂટાછેડા થાય પછી વરરાજા પોતાની સાસુને ‘મધર-આઉટ-લો’ કહે અને મહિલાઓ પોતાના પૂર્વપતિને ‘વોઝબન્ડ’ (વોઝ + હસબન્ડ) કહે. કોઈવાર લગ્ન કરનાર વર-વધૂને પૂર્વના લગ્નોથી થયેલાં સંતાનો હોય, અને એ બધાં સાથે સહકુટુંબ હનીમૂન ઉજવવા જાય તો એને ‘ફેમિલીમૂન’ કહેવાય. બીજી તરફ લગ્ન થઈ જાય પણ બંને પોતપોતાની મરજી પ્રમાણે પેલી ‘ક્વીન’ની કંગના નીકળી પડે એમ રજા માણવા નીકળી પડે એને કહેવાય ‘યુનીમૂન’. કોઈ વાર એકાદું કપલ પોતાના હનીમૂન માટે કોઈ હવાખાવાના સ્થળે જાય પણ સાથે જ ત્યાં કોઈ બીજાના લગ્નમાં પણ હાજરી આપી આવે તો એને કહેવાય ‘વેડિંગમૂન’. યુગલને અંગેજીમાં કપલ કહેવાય. પણ કપલમાં કોઈ ત્રીજું આવી જાય તો ‘થ્રપલ’ કહેવાય (થ્રી + કપલ).

વેકેશન શબ્દ આપણને દરેકને ખબર છે પણ વેકેશન પરથી બીજા ઘણાં શબ્દો એવાં બન્યા છે જે આપણે જાણતા નથી. એક શબ્દ છે – ફેકેશન! રજા પર હોઈએ અને કોઈ રીસોર્ટના સ્વિમીંગપૂલમાં નાહીને આરામ કરતાં હોઈએ અને અચાનક બોસનો ફોન આવે. બોસના હુકમથી પછીનો આખો દિવસ ઓફિસના ઈ-મેઈલ વાંચવામાં અને PPT કે એક્સેલ શીટ બનાવવામાં ગુજરી જાય તો એ વેકેશન નથી, ‘ફેકેશન’ છે. ઘણી વાર એવું બને કે પોતાના બૈરા અને છોકરાં-છૈયાંને ઘરે મૂકીને પુરુષો નીકળી પડે વેકેશન માણવા. કોઈ પાબંદી નહી, કોઈ રોકટોક નહી, જે ખાવું હોય તે ખાવ, જે પીવું હોય તે પીવો. આને કહેવાય ‘મેન્કેશન’ (મેન + વેકેશન).

કોઈ વાર એવું પણ થાય કે લાંબા ગાળાની રજા ન મળે પણ સવારના પહોરમાં ઘરેથી નીકળીને આખો દિવસ કોઈ મજાના સ્થળે ગાળો અને સાંજે પાછા ઘરે આવી જાઓ – આવા ટચૂકડા વેકેશનને ઈંગ્લીશ ભાષામાં કહેવાય ‘ડેકેશન’ (ડે + વેકેશન)! શહેરમાં કામ કરતાં લોકોને ગામડાનો ક્રેઝ હોય છે. પોતાના ગામમાં જઈને ખેતરમાં ઝાડવા નીચે ખાટલા પર આરામ કરવાની મજા જ કંઈક અનેરી હોય છે. આવી મજા લેતા લેતા જે વેકેશન મનાવાય એને કહેવાય ‘હેકેશન’ (હે + વેકેશન). હે (Hay) એટલે ઘાસ! કોઈ વાર એવું પણ થાય કે ઓફિસમાંથી રજા લીધી હોય પણ ક્યાંય જઈએ નહીં અને ઘરમાં પડ્યા પડ્યા ટી.વી. જોઈએ, ખાઈએ-પીઈએ અને આળસ મરડ્યા કરીએ – આને કહેવાય ‘સ્ટેકેશન’ (સ્ટે + વેકેશન).

સુપરડુપર હિટ થયેલી નવલકથા ‘ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે’ પર ‘મમ્મી પોર્ન’નું લેબલ ચોંટાડી દેવામાં આવ્યું હતું. આજની મુક્ત નારીઓ ઈન્ટરનેટના દરિયામાં લહેરથી કામસામગ્રીની મહેફિલ માણે છે! જેનાં થકી જ આવા નવા સાહિત્યપ્રકારનો જન્મ થયો છે – મમ્મી પોર્ન! ‘મમ્મી પોર્ન’ યાને કે બચ્ચાં પેદા કરીને ઠરીઠામ થઈ ગયેલી મધ્યમવર્ગની મધ્યવયસ્ક ગૃહિણીઓને દેશી-ઘીમાં બનેલા શીરાની જેમ ગળે ઉતરી જાય એવી ગરમા-ગરમ કથા.

બે સ્ત્રીઓ વચ્ચે સંબંધ હોય તો એને ઈંગ્લીશ ભાષામાં લેસ્બિયન કહેવાય. પણ વીતી ગયેલી જિંદગીમાં લેસ્બિયન રહી ચૂકેલી સ્ત્રીઓ જ્યારે નૈતિક સંબંધ બાંધવા માંડે ત્યારે એવી સ્ત્રીઓને ‘લેસ્બિયન’ નહીં પણ ‘હેસ્બિયન’ કહેવાય છે. હેસ્બિયન એટલે હેસ બીન લેસ્બિયન. ઘણી વખત ઓફિસમાં સાથે કામ કરતાં કરતાં મૈત્રીના ફણગા ફૂટે, સામસામે શુદ્ધ દેશી જોડાણ અનુભવાય તેવા પાત્રને ‘ઓફિસ સ્પાઉસ’ કહેવાય છે. ફોન પર ચેટ કરતી વખતે કે SMS કરતી વખતે સેક્સ વિશે વાતો કરીએ તો એને ‘સેક્સ્ટીંગ’ (Sexting) કહેવાય પણ સિગારેટ પીતી વખતે કોઈને SMS કરીએ તો એને ‘સ્મેક્સ્ટીંગ’ (Smexting) કહેવાય છે.

તો વાચકમિત્રો, આવા શબ્દોનો ઘેઘૂર દરિયો www.wordspy.com પર છે. થોડાં વર્ષો પહેલાં ગગનવાલા મધુરાયે પણ આવા શબ્દોનો રસાસ્વાદ કરાવેલો એવું યાદ આવે છે. આપ પણ નવા શબ્દોને માણશો એવી આશાએ…અસ્તુ!

પડઘોઃ

નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ, હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ

અરવિંદને ઈંગ્લેન્ડનો વીઝા મળી ગયો, ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ

કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો, બિલ્લી બનીઠનીને હવે કૅટ થઈ ગઈ

ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી, ઈંગ્લેન્ડમાં આવી અને  ચૉકલેટ થઈ ગઈ

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ, ગુજલિસ કવિતા જાણે કે  ચિટ્ચૅટ થઈ ગઈ

(આદમ ટંકારવી)

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: રિઝર્વ બેંક vs સરકાર : શું આ વિરોધાભાસ આખા દેશને નડશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here