નમામિ ગંગે પ્રોજેક્ટને લીધે ભારતના 7 શહેરોને ફાયદો થઇ રહ્યો છે

    0
    660

    ગંગાને શુદ્ધ કરવાનું અભિયાન તો છેક 1980ના દાયકાથી કોંગ્રેસી સરકાર દ્વારા શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ, આગલી સરકારોએ ગંગાને શુદ્ધ કરવાની જગ્યાએ પોતપોતાના ખિસ્સાઓ ભરવામાં કદાચ વધુ ધ્યાન આપ્યું હતું જેને લીધે ગંગા શુદ્ધ થવાથી તો દૂર પરંતુ વધુને વધુ અશુદ્ધ થવા લાગી. 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારે તેમણે નમામિ ગંગે પ્રોજેક્ટની ઘોષણા કરી હતી જેનું કુલ મૂલ્ય રૂ. 20,000 કરોડ આંકવામાં આવ્યું હતું.

    Photo Courtesy: YouTube

    જ્યારે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી ત્યારેજ  મોદી વિરોધીઓ તેની સફળતા પર શંકા કરી રહ્યા હતા, પરંતુ આજે એ જાણીને નવાઈ લાગશે કે નમામિ ગંગે પ્રોજેક્ટના મીઠા ફળ મળવાના શરુ થઇ ગયા છે અને ગંગા સ્વચ્છ થવાની શરુ થઇ છે. ગંગા સ્વચ્છ થવાની હજી તો શરૂઆત થઇ છે પરંતુ તેનાથી ભારતના સાત શહેરોને અત્યારથી જ ફાયદો થવાનો શરુ થયો છે.

    આવો જાણીએ કે આ સાત શહેરો કયા છે અને અહીં કેવા જોરશોરથી નમામિ ગંગે પ્રોજેક્ટ હેઠળ ગંગાને શુદ્ધ કરવાના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે..

    કાનપુર

    કાનપુર પોતાની પેપર ઇન્ડસ્ટ્રી માટે જેટલું જાણીતું છે એટલુંજ સીસામાઉ અને જજમાઉ ગટરો માટે પણ જાણીતું છે. આ બંને ગટર માર્ગોમાંથી ટનબંધ ગંદુ અને પ્રદુષિત પાણી ગંગાને અભડાવે છે અને ગંગાના પ્રદુષિત થવા પાછળ આ બંને ગટરો પણ મોટેભાગે જવાબદાર છે. અત્યારસુધી એક પણ સરકારને આ બંને ગટરોને બંધ કરીને તેના પ્રદુષિત પાણીને સ્વચ્છ કરવાની વ્યવસ્થા ગોઠવવાનું સુઝ્યું ન હતું

    નમામિ ગંગે પ્રોજેક્ટ હેઠળ નરેન્દ્ર મોદીની સરકારે રૂ. 2192 કરોડ 10 અલગ અલગ પ્રોજેક્ટ્સ માટે મંજૂર કર્યા હતા જેમાં કાનપુર અને આસપાસના વિસ્તારો પણ સામેલ છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા સરકારે 450 MLDના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 350 કિમીનું સુએઝ નેટવર્ક ઉભું કર્યું. આ પ્રોજેક્ટની મુખ્ય સિદ્ધિ એ રહી કે કાનપુરનું સીસામાઉ નાલાને કાયમ માટે બંધ કરી અને તેનું પ્રદુષિત પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વાળવામાં આવ્યું છે અને કાનપુર પાસેની ગંગાના પાણીમાં સ્વચ્છતા ધીમેધીમે વધી રહી છે.

    વારાણસી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા વિસ્તારમાંથી પણ ગંગાનદી પસાર થાય છે અને અહીં પણ ગંગા પ્રદુષિત થાય છે. અહીં પણ રૂ. 235.53 કરોડના ખર્ચે સુએઝ પ્લાન્ટ શરુ કરવામાં આવ્યા છે. વારાણસી ઉપરાંત વરુણ અને અસ્સી નદી પર તેમજ ચૌકાઘાટ, ફૂલવરીયા અને સરૈયા વિસ્તારોમાં પણ સુએઝ પ્લાન્ટ શરુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકાર વારાણસીમાં હાલમાં ચાલી રહેલા સુએઝ પ્લાન્ટ્સનું પણ પુનનિર્માણ કરી રહી છે. વારાણસીમાં શબોના અંતિમ સંસ્કાર ગંગા નદીમાં કરવામાં આવતા હોવાથી તેના પર પણ રોક લગાવવા અંગે પગલાં લેવામાં આવી રહ્યા છે.

    પ્રયાગરાજ

    થોડા દિવસોમાં પ્રયાગરાજમાં મહાકુંભ આયોજિત થનાર છે અને સરકારે અગાઉ જ નમામિ ગંગે હેઠળ લગભગ રૂ. 2915 કરોડના ખર્ચે 10 પ્રોજેક્ટ્સ શરુ કર્યા છે જેમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ તેમજ 779 કિમીનું સુએઝ નેટવર્ક પણ સામેલ છે. પ્રયાગરાજ ઉપરાંત નૈની, ફ્મ્ફામાઉ અને જુસી ખાતે આ પ્રકારે સુએઝ નેટવર્ક ઉભા કરવામાં આવ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બર સુધીમાં 10માંથી 4 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઇ ગયા છે અને 129 કિમીમાં પથરાયેલું સુએઝ નેટવર્ક 119 MLD જેટલો કચરો સાફ કરે છે.

    આટલુંજ નહીં ગંગાને શરુ થનારા મહાકુંભ દરમ્યાન પણ શુદ્ધ રાખવા માટે 27,500 શૌચાલયો, 20,000 યુરીનલ્સ અને 16,000 કચરાપેટીઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

    લાગતું વળગતું: આપણી કોઇપણ નદી આપણી શ્રધ્ધા પૂરતી મર્યાદિત તો નથીજ

    હૃષિકેશ

    ગંગાના ઉદભવ સ્થાનથી શરુ કરતા જો પહેલું શહેર તેના માર્ગમાં આવતું હોય તો તે છે હૃષિકેશ છે અને નમામિ ગંગે હેઠળ સરકારે અહીં સમગ્ર ઉત્તરાખંડ માટે 31 પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે જેમાંથી 8 તો હૃષિકેશમાં જ છે. અહીં પણ બે સુએઝ પમ્પીંગ સ્ટેશનો શરુ કરવામાં આવ્યા છે. જેમાંથી એક મુની-કી-રેતીમાં ચાલુ છે. આ વિસ્તારમાં આવેલા અસંખ્ય આશ્રમોને લીધે બહારથી આવનારા લોકોની સંખ્યા ઘણી છે.

    હૃષિકેશના જગજીતપુર અને સરાઈ વિસ્તારોમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ શરુ કરવામાં આવ્યા છે. આ પ્લાન્ટ્સમાં 40 ટકા રોકાણ સરકારનું છે અને તેમાં દરેક સ્તરે સમયબદ્ધ લક્ષાંક નક્કી કરી દેવામાં આવ્યા છે જેથી સમયસર આ પ્લાન્ટ્સ તૈયાર થઇ જાય.

    હરદ્વાર

    ગંગા કિનારે આવેલું એક બીજું પવિત્ર યાત્રાધામ છે હરદ્વાર. સરકારી આંકડાઓ અનુસાર અહીં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાંડ જરૂરી માત્રા કરતા વધુ છે અને જે દર્શાવે છે કે હરદ્વાર ખાતે ગંગા નદીમાં પ્રદુષણ ખુબ છે. આ સમસ્યાના ઉકેલ માટે નમામિ ગંગે હેઠળ હરદ્વારમાં આવેલા હાલના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે અને વધારાના 82 MLD કચરાને શુદ્ધ કરવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે.

    પટણા

    બિહારની રાજધાની પટણા દરરોજ 285 MLD જેટલો કચરો ઉત્પાદિત કરે છે જ્યારે તેની પાસે લગભગ 110 MLD કચરો શુદ્ધ કરવાની ક્ષમતા છે. નમામિ ગંગે હેઠળ પટણામાં 11 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે અને 1140 કિમીનું સુએઝ નેટવર્ક પણ ઉભું કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શહેરમાંથી ગંગામાં ખાલી થતી 33 ગટરોને કાયમ માટે બંધ કરવાનું કાર્ય પણ જોરશોરથી ચાલુ કરવામાં આવ્યું છે. આ તમામ પ્રોજેક્ટ્સ પાછળ રૂ. 3,580 કરોડનો ખર્ચ થશે.

    દિલ્હી

    દિલ્હી ગંગા કિનારે નથી આવ્યું પરંતુ દિલ્હીમાંથી પસાર થતી વિશ્વની સહુથી પ્રદુષિત નદીઓમાંથી એક એવી યમુના પ્રયાગરાજ ખાતે ગંગાને જરૂર મળે છે અને સાથે સાથે પોતાનું પ્રદુષણ પણ લેતી આવે છે. આથી જ સરકારે યમુના નદીને પણ શુદ્ધ કરવાનું કાર્ય દેશની રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં શરુ કરાવ્યું છે જે નમામિ ગંગે પ્રોજેક્ટનો જ એક  હિસ્સો છે. સરકારે 340 MLD ની ક્ષમતા ધરાવતા ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ શરુ કર્યા છે. દિલ્હી પાસેના નજફગઢમાં 7 ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરુ કરવામાં આવશે જે દિલ્હીમાં આ પ્રોજેક્ટ હેઠળ શરુ થયેલા 11 ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાંથી એક છે.

    આમ મોદી સરકારે અગાઉની સરકારો કરતા ગંગાને શુદ્ધ કરવાના મજબૂત પ્રયાસો શરુ કરી દીધા છે અને તેના શરુઆતના ફળ ચાખવા પણ મળી રહ્યા છે. જો મોદી સરકાર આવનારા વર્ષમાં આ જ રીતે નમામિ ગંગે પ્રોજેક્ટ આગળ વધારતી રહેશે તો એક દિવસ એવો જરૂર આવશે જ્યારે ગંગા નદી સંપૂર્ણપણે શુદ્ધ થઇ જશે.

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: eછાપું મેક્સિકન ફૂડ ફેસ્ટિવલ – શું આ સ્વાદની તમે અવગણના કરી શકશો?

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here