કોંગ્રેસ અને વિપક્ષો ભારતને ચૂંટણીરૂપી પાષાણ યુગમાં પરત લઇ જવા માંગે છે

    0
    299

    એક કલ્પના કરો! તમે ભારતમાં રહો છો, તમે ભારતના નાગરિક છો, તમે ભારતને સદાય આગળ વધતું જોવા માંગો છો અને તેના માટે તમે કાયમ મતદાન કરો છો. આ જ ભાવના સાથે તમે 2019ની લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે જાવ છો. દસ-પંદર કે વીસ મિનીટ લાઈનમાં ઉભા રહીને જ્યારે તમારો વારો આવે છે ત્યાં જ ગુંડાભાઈઓનું એક ટોળું અચાનક જ ધસી આવે છે અને એમાંના એક વરિષ્ઠ ગુંડાભાઈ કડક સ્વરે તમને અને ત્યાં મતદાન કરવા આવેલા તમામને કહે છે કે, “તમારો મત પડી ગયો છે તમે બધા ઘેર જાવ!”

    Photo Courtesy: hindi.sakshi.com

    ઘરે પહોંચ્યા બાદ તમને ખબર પડે છે કે પેલા ગુંડાભાઈઓએ તમારું મતદાન મથક કબજે કર્યું હતું અને તમારા ઉપરાંત ત્યાં રહેલા તમામ બેલેટ પેપરો પર કોઈ એક પક્ષના ચિન્હ સામે થપ્પાઓ મારી મારીને મતપેટીમાં એને નાખી દઈને, ચૂંટણીના સ્ટાફને ધમકીઓ આપીને ત્યાંથી રવાના થઇ ગયા હતા. જે દિવસે પરિણામ આવે છે ત્યારે તમને આઘાત લાગે છે કે તમે જેને લોકપ્રિય માનતા હતા અને તમે જેને મત આપવા માંગતા હતા એ ઉમેદવાર ભારે તફાવતથી ચૂંટણી હારી ગયા છે!

    કદાચ આજની પેઢી પાસે આવું કશું થાય એની કલ્પના કરવાની પણ ક્ષમતા નથી, પણ તેની આગળની પેઢીઓએ આવું વારંવાર જોયું છે અને એ પણ દરેક ચૂંટણીઓ વખતે. બિહાર અને ઉત્તર પ્રદેશ તેમજ દક્ષિણના નક્સલ પ્રભાવિત પ્રદેશો, પશ્ચિમ બંગાળ અને કેરળમાં આ જ રીતે ચૂંટણીઓ લડાતી અને જીતાતી હતી. અપહરણની જેમજ બુથ કેપ્ચરીંગ પણ એ આ વિસ્તારોમાં ગૃહઉધોગ બની ગયો હતો. પરંતુ ત્યારબાદ ધીમે પગલે EVMs આવ્યા અને આ તમામ પ્રવૃત્તિઓ બંધ થઇ ગઈ કેમ? કારણકે EVM સાથે છેડછાડ કરવાથી એ બંધ પડી જતું હતું. બીજું… મતપત્રકો પર ધડાધડ થપ્પા મારવા સહેલા હતા પરંતુ EVM પર મત આપ્યા પછી બીજો મત આપવા માટે રાહ જોવી પડે છે એટલે ધાર્યા કરતા ઘણા ઓછા મત પડી શકે છે. આવા તો કેટલાય કારણો છે જે ભારતને EVM માટે પૂર્ણપણે લાયક બનાવે છે.

    પરંતુ, પ્રજામાં પોતાનો એજન્ડા શું છે અથવાતો પોતે શું કાર્ય કરી રહ્યા છે અને જો સરકારમાં આવશે તો શું કાર્ય કરશે એ સંદેશ પહોંચાડવાની મગજમારી કેટલાક લોકોને કરવી નથી અને પહેલાની જેમ જ બુથ કેપ્ચરીંગ કરીને જીતવું તેમના માટે સરળ છે એવું તેઓ સતત મળતી હાર, વચ્ચે વચ્ચે મળતી જીત અને આવનારી હારથી ડરી જઈને  ભારતને એ યુગમાં પરત લઇ જવા માટે આજકાલ અત્યંત મહેનત કરી રહ્યા છે. લંડનમાં એક કહેવાતા EVM હેકરની પ્રેસ કોન્ફરન્સ તો આ જ કાવતરાની એક કડી છે, એ કાવતરું જે છેલ્લા સાડાચાર વર્ષથી રચાઈ રહ્યું છે.

    આ એક કાવતરું છે જે ભારતને અને તેના મતદારોને એક ભ્રમની દુનિયામાં લઇ જવા માંગે છે, એક એવો ભ્રમ જે કહે છે કે EVM હેક થઇ શકે છે, તમારો મત કોઈ બીજાને ટ્રાન્સફર થઇ શકે છે અને એટલેજ જૂની બેલેટ પેપરની પદ્ધતિ જ યોગ્ય હતી અને એ જ પરત થવી જોઈએ, કેમ? કારણકે અમે જીતી શકતા નથી! શું તમે એ નોંધ્યું છે કે 2014 પહેલા જેટલા સવાલો EVM પર ઉઠાવવામાં આવતા હતા એનાથી હજારગણા સવાલો 2014 પછી ઉઠાવવામાં આવી રહ્યા છે? આવું કેમ થઇ રહ્યું છે એના પર કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો?

    જો કે સમગ્ર ભારતને ગેરમાર્ગે દોરતી આ વિપક્ષી ચાલ અંગે અગાઉ પણ ઘણી ચર્ચાઓ થઇ ચૂકી છે, પરંતુ અત્યારે ફરીથી આ ચર્ચા કરવાનો હેતુ એક જ છે કે જેમ જેમ લોકસભાની ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ આ મુદ્દો વધુ ગરમ થશે. એ વાત તો નક્કી જ છે કે ચૂંટણી પંચ ઓલરેડી ઈલેક્શન મોડમાં આવી ગયું છે એટલે આ વખતની ચૂંટણીઓ તો EVMથી જ થશે પરંતુ જો મહાગઠબંધન અને કોંગ્રેસ આ ચૂંટણીઓ હારી જશે તો “અમે તો પહેલેથી જ કહેતા હતા” ના ન્યાયે તેઓ આ સમગ્ર હારના દોષનો ટોપલો EVM પર જ ઢોળી શકે એની તૈયારીઓ તેઓ અત્યારથી કરી રહ્યા છે.

    લાગતું વળગતું: EVM વિરોધ – બાત બહુત દૂર તલક જાયેગી

    કહેવાય છે કે અસત્યને જો વારંવાર બોલવામાં આવે તો એક સમયે તે સત્ય લાગવા લાગતું હોય છે, બસ વિપક્ષોની મોડસ ઓપરેન્ડી આ જ છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમદિવસે લોકોમાં EVMs અંગે ભ્રમ એટલી હદે ફેલાવી દેવો કે લોકો જ સામેચાલીને કહે કે અમારે તો બેલેટ પેપર જ જોઈએ! ભારતને પાષાણ યુગમાં લઇ જવાની આ વિપક્ષી ચાલને બરોબર સમજી લેવાની જરૂર છે.

    ગઈકાલે અખિલેશ યાદવે જાપાનનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે ટેક્નોલોજીમાં અન્ય તમામ દેશોથી આગળ એવા જાપાનમાં કેમ EVM નથી વપરાતાં? ભારતમાં જ કેમ? તો અખિલેશને બે સિમ્પલ જવાબ એ જ આપવાના કે એક તો ભારતની વસ્તી જાપાન કરતા વિશાળ છે, બીજું જાપાનમાં ક્યારેય બૂથ કેપ્ચરીંગ નથી થતા. આ ઉપરાંત જાપાનના લોકોને થપ્પો ક્યાં મારવો એની ખબર હોય છે અહીં તો બે ઉમેદવારોના નામ વચ્ચે થપ્પા મારવાના અને થપ્પા માર્યા બાદ થોડી વખત શાહી સુકાવાની રાહ જોયા વગર મતપત્રક વાળી દેવાથી સામે અન્ય ઉમેદવારના નામ પર પણ છાપ પડી જતા ઢગલો મત રદ્દ થયા હોવાના ભૂતકાળમાં દાખલાઓ બની ગયા છે.

    ખરેખર તો EVMનો ઈજાદ કરનાર વ્યક્તિ અને સંસ્થાનો તેમજ તેને ધીમેધીમે બધા જ વિઘ્નો પાર પાડીને સમગ્ર ભારતમાં લાગુ કરનાર ચૂંટણી પંચ ધન્યવાદને પાત્ર છે. કેટલાક વિદ્વાન પત્રકારો ભારતને અને તેની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને શરમજનક પરિસ્થિતિમાં પોતાના મોં-માથા વગરના આરોપો મુક્યા પછી પણ પેલા હેકરનું સમર્થન કરતાં કહે છે કે, “ભલે પેલાનો દાવો યોગ્ય નથી પણ આ બાબતે ફરીથી ચર્ચા થવી જોઈએ અને ઈલેક્શન કમિશને આવનારી ચૂંટણીઓ બેલેટ પેપરથી જ કરાવવી જોઈએ!”

    આ લોકો પાસે એટલી હિંમત નથી એમ કહેવાની કે દેશની ઘણી હાઈકોર્ટ અને છેવટે સુપ્રિમ કોર્ટે પણ EVMની ખરાઈ સ્વીકારી છે. એટલું જ નહીં જ્યારે ચૂંટણી પંચે સામેચાલીને EVM હેક કરવાનો પડકાર ફેંક્યો હતો ત્યારે તો ત્યાં એક પણ રાજકીય પક્ષ ગયો ન હતો? તો હવે જ્યારે ચૂંટણીઓ ઢૂંકડી છે ત્યારે જ આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવે છે અને ત્યારે જ અમુક પત્રકારો તેને કેમ સમર્થન આપી રહ્યા છે?

    હકીકત સ્પષ્ટ છે, ભારત જેવા વિશાળ દેશમાં ચૂંટણી પ્રક્રિયા ફાસ્ટ અને તટસ્થ રાખવા માટે EVM જરૂરી છે. અત્યારે કોંગ્રેસ અને તેના સાથીઓ તો ભૂતકાળમાં ભાજપ પણ પોતાની હારનું કારણ EVM હોવાનું કહી ચૂકી છે પરંતુ, ભારતને જો લોકશાહી માટે વધુ મજબૂત કરવું હશે તો EVM સિવાય અન્ય કોઈજ રસ્તો નથી, પરંતુ EVMનું સ્થાન જે દિવસે બેલેટ પેપર ફરીથી લઇ લેશે તે દિવસે ભારતને ફરીથી પાષણ યુગમાં ધકેલી દેતા કોઈજ નહીં રોકી શકે.

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: ગવર્મેન્ટ સર્વેલન્સ ઓર્ડર : કેટલો લાભકારી? કેટલો ગેરવ્યાજબી?

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here