ગાંધીજી પાસે ‘દાંડીયાત્રા’ કરવાને બદલે કોઈ બીજો પર્યાય કેમ ન હતો?

  0
  241

  મહાત્મા ગાંધીએ કરેલી દાંડીયાત્રા ઐતિહાસિક રીતે ઘણી મહત્ત્વની છે. પરંતુ આ દાંડીયાત્રા શરુ થયા અગાઉ અસંખ્ય કોંગ્રેસી નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ ગાંધીજી દાંડીયાત્રા કરવાના પોતાના નિર્ણય પર અફર રહ્યા. દાંડીયાત્રા વિષે તો આપણે જાણીએ છીએ પરંતુ તેને શરુ કરવા અગાઉની પરીસ્થિતિ પર આજે નજર કરીએ.

  Photo Courtesy: mkgandhi.org

  વિશ્વમાં અન્યાય ક્યાં નથી? દરેક ઝઘડા-લડાઈ-યુદ્ધનું કારણ અન્યાય છે. પણ અન્યાય સામે લડવાની બે રીત છે – હિંસક અને અહિંસક! હિંસક લડાઈનો માર્ગ સરળ છે. શસ્ત્ર લો અને દુશ્મનને ખતમ કરો. હિંસક માર્ગમાં કદાચ ન્યાય મળી જાય પણ એ બીજી હિંસાનું બીજ પણ રોપે છે. અહિંસક માર્ગ સહેલો નથી. સત્યાગ્રહનો માર્ગ એ અહિંસાનો માર્ગ હતો. ગાંધીજીએ આ માર્ગ પસંદ કર્યો, તેમાં લોકકલ્યાણની ભાવના છૂપાયેલી હતી. ગાંધીજીએ કહેલું: સત્યાગ્રહ એ મારે માટે પોથી માંહેલું રીંગણું નથી. મારું તો એ જીવનદર્શન છે.

  થોમસ વેબર નામના અમેરિકન લેખકે પોતાના પુસ્તક Gandhi as Disciple and Mentor માં દાંડીયાત્રા વિશે વિસ્તારમાં લખેલું છે. જે રસ્તે, જે ગામડાઓમાંથી દાંડીયાત્રા પસાર થયેલી એ યાત્રા કરી, ગાંધીજી જ્યાં રોકાયા હતા ત્યાં રોકાઈ, જેને એ યાત્રા વિશે કંઈ પણ યાદ હોય એ વાતો જાણી, લોકોને પૂછી-જાણી-સમજીને લખ્યું છે.

  ગુજરાતીમાં ‘દાંડીકૂચ’ નામની એક ટચૂકડી પુસ્તિકા ધીરુભાઈ હી. પટેલે લખી છે. તેમાં દરેક દિવસનો કાર્યક્રમ, દાંડીયાત્રા દરમિયાન ગાંધીજીના ભાષણો, યાત્રામાં જોડાયેલા લોકોના નામ સહિત દરેક માહિતી આપી છે. આ જ પુસ્તકમાંથી થોડી માહિતી તમારી સમક્ષ મૂકવી છે:

  12મી માર્ચ 1930ના દિવસે 79 સૈનિકો સાથે દાંડીયાત્રા શરુ થઇ પણ એ પહેલાની ભૂમિકા સમજવી જરૂરી છે. 1929માં કોંગ્રેસના લાહોર અધિવેશનમાં ‘પૂર્ણ સ્વરાજ્ય’ મેળવવાનો ઠરાવ પસાર થયો અને આ લડતની બાગડોર ગાંધીજીને સોંપવામાં આવી. ચાણક્ય જેવી બુદ્ધિ ધરાવતા ગાંધીજીના મગજના આટાપાટા એકમેક સાથે મંથન કરવા માંડ્યા. એવું કયું માધ્યમ હોઈ શકે જેમાં અધિકતમ લોકો જોડાઈ શકે.

  બરાબર એ જ સમયે સરકારે નમકવેરો લાધ્યો. ‘યંગ ઈંડિયા’ના ફેબ્રુઆરી 1930ના અંકમાં લખ્યા પ્રમાણે સરકારી પ્રકાશન મુજબ 1 બંગાળી મણ મીઠાનો ભાવ 10 પાઈનો હતો અને તેના ઉપરનો કર 20 આના (=240 પાઈ) હતો. મતલબ કે મીઠાની વેચાણકિંમત પર 2400% કરવેરો! નમક એવી વસ્તુ છે જે દરેક માનવ (સ્ત્રી-પુરુષ, બાળક-વૃદ્ધ, અમીર-ગરીબ)ની મૂળભૂત જરૂરિયાત છે.

  આ તો પાણીને વહેવું’તું ને ઢાળ મળી ગયો. મોકાનો લાગ જોઈને દેશના તમામ વર્ગના લોકોને સીધી રીતે સ્પર્શે એવો આ મુદ્દો ગાંધીજીએ ઉપાડ્યો અને ‘નમક સત્યાગ્રહ’ કરવાનું એલાન કર્યું.

  અંગ્રેજો વિરોધ કરે એ પહેલાં તો ગાંધીજીની સાથે રહેલા લોકોએ વિરોધ કર્યો. મીઠાના સત્યાગ્રહની વાત તેમના જ આગેવાનો અને નેતાઓને મોળી લાગી.

  લાગતું વળગતું: મહાત્મા ગાંધી ના દાદા ‘ઓતાબાપા’ વિશે આપણે કેટલું જાણીએ છીએ?

  ડૉ. રાજેન્દ્રપ્રસાદે ગાંધીજીને લખ્યું: દરિયાકાંઠે રહેનારા તો ત્યાં જઈને સરકારી હુકમ વિરુદ્ધ મીઠું ભેગું કરીને કે દરિયાનું પાણી ઉકાળીને કાયદો તોડી શકે, પણ હિંદુસ્તાનની મોટા ભાગની વસતિ, જે દરિયાકાંઠે રહેતી નથી એ કઈ રીતે કાયદો તોડશે? બિહારમાં બધા લોકોને ચોકીદાર કર આપવો પડે છે. ગરીબ લોકોને એના પ્રત્યે ઘણો અસંતોષ છે. કરની બાકી રહેલી રકમ માટે એમનાં વાસણકૂસણ જપ્ત કરીને હરાજ કરવામાં આવે છે. માટે બિહારને સારુ ચોકીદાર કર બંધ કરવાની રજા મળવી જોઈએ.

  ગાંધીજીએ આ વાતની રજા ન આપી. તેઓ જાણતા હતા કે એમ કરવાથી તો પ્રાંત પ્રાંતના લોકો તેમને અનુકૂળ એવા માર્ગો લેશે. લડત અહિંસક જ રહેશે તેની કોઈ ખાત્રી નહીં રહે અને લડતનો દોર ગાંધીજીના હાથમાંથી સરકી જશે. આવા કંઈક વિચારથી ગાંધીજીએ નમક કાનૂનભંગ સિવાયના બીજા કોઈ વિકલ્પો સ્વીકાર્યા નહીં.

  આ જ સંદર્ભમાં જવાહરલાલ નહેરુએ લખેલું: અસરકારક નીવડે, સંજોગોને અનુકૂળ હોય અને આમજનતા હરખથી ઉપાડી લે એવો સવિનયભંગ ક્યો હોઈ શકે? એટલામાં ગાંધીજીએ ઈશારો કર્યો કે નમકવેરા ઉપર હુમલો કરવાનો હતો. અમે બધા દિગ્મૂઢ બની ગયા! સામાન્ય નમકનો રાષ્ટ્રીય લડત સાથે મેળ ન બેસાડી શકાય એવું અમને દ્રઢપણે લાગ્યું.

  કુંવરજીભાઈ મહેતાઓ લખેલું: બાપુ! આપ 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારથી હું તમારી તાલીમ લઈ રહ્યો છું. દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડવાથી સ્વરાજ કેવી રીતે આવી જાય, તે ઘણાને સમજાતું નથી. માટે બારડોલીમાં ફરીથી ‘ના-કર’ની લડત ઉપાડીએ.

  ગાંધીજીએ કહ્યું: કુંવરજી! આ વખતની વાત જુદી છે. તમારી ગમે તેટલી ચતુરાઈ છતાં આ વખતે તમે જેલની બહાર રહી શકવાના નથી. જમીનનો ‘ના-કર’નો કાર્યક્રમ સત્યાગ્રહના શસ્ત્રાગારનું છેલ્લું સાધન છે. એને હમણાં મુલતવી રાખવી એ જ ડહાપણભર્યુ છે. માટે હમણાં મીઠાના સત્યાગ્રહને જ વેગ આપો.

  ગાંધીજીની લડવાની રીત અનોખી હતી. છાની છપની લડાઈ લડવાને બદલે તેઓ હંમેશા સામી છાતીએ લડ્યા છે પણ કોઈ પણ પ્રકારનો મોરચો માંડતા પહેલાં સમાધાન માટેના તમામ પ્રયત્નો કરવાનું તેઓ કદી ચૂક્યા નથી. દાંડીયાત્રા કરતાં પહેલાં પણ એમણે સમાધાન કરવાની ઈચ્છાથી વાઈસરોય લોર્ડ અર્વિનને વિગતવાર પત્ર લખેલો, જેમાં નીચે મુજબના મુદ્દાનો સમાવેશ હતો.

  ***

  પ્રિય મિત્ર,

  વિનંતી કે, સવિનયભંગની શરૂઆત કરવામાં રહેલું જે જોખમ ખેડતાં હું આટલાં વર્ષો સુધી અચકાયા કર્યો છું, તેમાં ઊંડો ઊતરું તે પહેલાં જો સમાધાનનો કોઈ માર્ગ મળી જાય તો તે શોધવાની ઉમેદથી હું આ પત્ર આપને લખવાને પ્રેરાઉં છું. અહિંસા વિશે મારી નિષ્ઠા સાવ સાફ છે. જાણી જોઈને કોઈ પણ જીવની હિંસા હું કરી શકું એમ નથી, તો મનુષ્યહિંસાની તો વાત જ શી?

  હિંદુસ્તાનમાં અંગ્રેજ રાજ્યનો અમલ એક બલા છે, એમ હું માનું છું ખરો પણ તેથી અંગ્રેજો માત્ર દુનિયાના બીજા લોકો કરતાં વધારે દુષ્ટ છે, એવું મેં કદી માન્યું નથી. હું અંગ્રેજી રાજ્યને એક બલારૂપ શા માટે માનું છું, એના કારણો આ છેઃ

  • આ રાજ્યે એક એવા પ્રકારનું તંત્ર ગોઠવી દીધું છે કે, એથી દેશ સદૈવ વધતા પ્રમાણમાં ચુસાયા કરે છે. વળી એ તંત્રનો દીવાની અને લશ્કરી ખર્ચ એટલો તો સત્યાનાશ વાળનારો છે કે દેશને એ કદી પોસાય શકે એમ નથી. પરિણામે હિંદુસ્તાનની રાંક પ્રજા ભિખારી થઈ ગઈ છે. રાજકીય દ્રષ્ટિએ આ રાજ્યએ અમને લગભગ ગુલામ બનાવી દીધા છે.
  • રાજ્યની આવકમાં ભારે ફાળો આપનાર જમીનમહેસૂલનો બોજો રૈયતને કચડી નાખનારો છે. સ્વતંત્ર ભારતમાં એમાં ભારે ફેરફાર થવો જોઈએ. રૈયતને જેના વિના ચાલે નહીં એવી રોજની જરૂરિયાતની ચીજ નિમક ઉપર પણ કરનો બોજો એવી રીતે લદાયો છે કે, એનો ભાર મુખ્યત્વે ગરીબ રૈયત ઉપર જ પડે છે.
  • દેખીતી રેતી જગતમાં સૌથી વધારે ખર્ચાળ એવા પરદેશી રાજતંત્રને નિભાવવા માટે આ બધાં પાપો ચાલુ રાખવામાં આવે છે. આપનો જ પગાર લો. એ માસિક 21000થી વધુ છે . એ ઉપરાંત તેમાં ભથ્થાં અને બીજા આડાઅવળા ઉમેરા જુદા. આ સાથે ઈંગ્લેન્ડના મુખ્યપ્રધાનનો પગાર સરખાવો. એને વર્ષે 500 પાઉન્ડ એટલે આજના ભાવે રૂપિયા 5400થી કંઈક વધુ મળે છે. દેશમાં દરેક માણસની સરેરાશ દૈનિક આવક બે આનાથી ઓછી છે, ત્યાં આપને રૂપિયા 700થી વધારેનો રોજ મળે છે! હું આ અજબ વિષમતા ઉપર જરા ધ્યાનપૂર્વક વિચારી જોવા આપને હાથ જોડીને વિનંતી કરું છું.

  સવિનયભંગ દ્વારા સત્યાગ્રહ કરવાની યોજના ઉપર સૂચવ્યા છે તેવા અન્યાયો સામે લડવાની રહેશે. હિંદ સાથેના બ્રિટિશ વેપારમાંથી લોભનું પાપ નીકળી જાય, તો અમારી સ્વતંત્રતા સ્વીકારવામાં મુશ્કેલી નહીં રહે. હું આપને આદરપૂર્વક વિનવું છું કે આ અન્યાયને સ્વીકારો અને તેને તત્કાલ દૂર કરવાનો માર્ગ કાઢો.

  આ અનિષ્ટો દૂર કરવાનો આપ કોઈ ઉપાય શોધો નહીં અને મારા કાગળની આપ ઉપર અસર નહીં થાય, તો આ મહિનાની 12મી તારીખે હું આશ્રમના શક્ય હશે તેટલા સાથીઓ સાથે મીઠાને લગતા કાયદાઓનો અનાદર કરવાનું પગલું ભરીશ. ગરીબ વર્ગના દ્રષ્ટિબિંદુથી આ કાયદો મને સૌથી વધુ અન્યાયી લાગ્યો છે. મને કેદ કરીને મારી યોજના નિષ્ફળ કરવાનું આપના હાથમાં છે, એ હું જાણું છું. હું આશા રાખું છું કે મારી પાછળ લાખો માણસ વ્યવસ્થિત રીતે કામ ઉપાડી લેશે અને જે મીઠાના કાયદા કદી થવા જ જોઈતા ન હતા એનો ભંગ કરી કાયદાની રૂએ થનારી સજાને ભોગવવા તૈયાર થશે.

  જો આપને મારા કાગળમાં કંઈક વજૂદ લાગતું હોય અને મારી સાથે ચર્ચા કરવા જેટલું આપ એને મહત્ત્વ આપતા હો, અને તે કારણસર જો આપ આ કાગળની પ્રસિદ્ધિ અટકાવવા ચાહતા હો, તો આ કાગળ મળતાં જ આપ મને તારથી ખબર આપશો, તો હું ખુશીથી તેમ કરતો અટકીશ. પણ જો મારા કાગળના મુખ્ય મુદ્દાઓને સ્વીકારવાનું આપને અશક્ય લાગતું હોય તો મને મારા માર્ગથી પાછા ફેરવવાનો પ્રયત્ન કરશો નહીં એવી વિનંતી કરું છું.

  આ કાગળ ધમકીરૂપે લખાયેલો નથી, સત્યાગ્રહના સરળ અને પવિત્ર ધર્મના પાલનને અંગે છે. આથી આ પત્ર હું આપને એક અંગ્રેજ યુવક (Reginald Reynolds) દ્વારા પહોંચાડવા ખાસ માર્ગ લઉં છું. એ યુવક હિંદની લડત ન્યાયી છે એમ માને છે. અહિંસામાં એને પૂર્ણ શ્રદ્ધા છે અને જાણે ઈશ્વરે જ ઈને આ પત્ર માટે મારી પાસે મોકલી આપ્યો હોય, તેમ મારી પાસે આવ્યો છે.

  એ જ વિનંતી, આપનો સાચો મિત્ર, મોહનદાસ કરમચંદ ગાંધી

  ***

  આ કાગળની વાઈસરૉય પર કશી જ અસર ન થઈ. આ પત્રને મહત્ત્વ ન આપીને બ્રિટિશ સરકારે જે ભૂલ કરી એનું પરિણામ 1947માં ભોગવ્યું. પણ આ પત્રનો જવાબ આવ્યો ખરાં, જેને ગાંધીજીએ ‘વાસી જવાબ’ કહ્યો છે.

  ***

  ભાઈશ્રી ગાંધી,

  તમારો તારીખ 2જીનો પત્ર નામદાર વાઈસરૉયને મળ્યો છે. તમે એવું કાર્ય ઉપાડવા ધારો છે કે, તેને પરિણામે સુલેહશાંતિનો ભંગ થવાનો તથા કાયદાનો અનાદર થવાનો ભય ચોખ્ખો રહેલો છે, એ જાણીને વાઈસરૉય સાહેબને દિલગીરી ઊપજી છે.

  લિ. સેવક, જી. કનિંગહામ, ખાનગી મંત્રી

  ***

  વાઈસરૉયનો વાસી પત્ર એ વાતનું સૂચક હતો કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ! જો કે પછી રાજેન્દ્રબાબુ, નહેરુ અને કુંવરજીભાઈને પણ ગાંધીજીની વાત પર વિશ્વાસ બેઠો. કેટકેટલાંય આગેવાનોએ લેખિત અને મૌખિક પ્રચાર દ્વારા ભારતની ગરીબાઈ અને નમકવેરાસંબંધી લોકોને માહિતી આપવા માંડી. ગાંધીજીએ કરેલા સત્યાગ્રહમાં ‘મીઠાનો સત્યાગ્રહ’ રસપ્રદ અને વિશેષ છે. મીઠા (નમક) માટે વપરાતો એક શબ્દ ‘લૂણ’ પણ છે. અને ખરેખર મીઠાના સત્યાગ્રહ બાદ બ્રિટિશ હકૂમતને લૂણો લાગ્યો. દાંડીયાત્રા થયાના સત્તર વર્ષ બાદ સ્વતંત્રતા મળી. પણ મળી ખરાં!

  પડઘોઃ

  I want world sympathy in this battle of Right against Might. (M.K. Gandhi, 5/4/1930)

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: ભારતની વિદેશનીતિ – બિનજોડાણવાદથી બહુજોડાણવાદ તરફ!

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here