ભારતમાં લોકપાલની નિમણુંક કરવી એટલે ‘બિરબલની ખીચડી’

  0
  281

  છેલ્લા પાંચ દાયકાથી દેશમાં લોકપાલની નિમણુંક અંગે માત્ર ચર્ચાઓ જ થઇ છે. એક સમયે તો જનલોકપાલની માંગણી એટલી  ઉંચે ગઈ કે સરકારે ઉતાવળમાં લોકપાલ અધિનિયમ પણ પસાર કરી દીધો, પરંતુ છેવટે બધું ઠેરનું ઠેર જ છે. આવું કેમ?

  લોકપાલ લોકપાલ સબ કરે, લાવે ન લોકપાલ કોઈ

  લાવે જો લોકપાલ દેશ મહીં, પર્દાફાશ સબકા હોઈ

  ઉપરનો દોહો જરાક મોડર્ન લાગશે, પણ કબીર આજના જમાનામાં હોત તો આવા જ મતલબનું કંઈક કહેતા હોત એ વાત નક્કી છે.

  વર્ષો પહેલા ભારતમાં જ્યારે નિષ્પક્ષ સરકાર અને પારદર્શી વહીવટની માંગ ઉઠી ત્યારે રાજીવ ગાંધી સરકાર વખતે શ્રી લક્ષ્મીમલ સંઘવીના નેતૃત્વમાં એક સમિતિ બનાવવામાં આવી. આ સમિતિને માથે એવી જવાબદારી સોંપવામાં આવી કે જેવી રીતે સ્કેન્ડેનેવિયન દેશોમાં ‘ઓમ્બડસમેન’ની વ્યવસ્થા છે એવી વ્યવસ્થા ભારતમાં ઉભી કરવામાં આવે અને પ્રજામાં ઉભા થયેલા અસંતોષને શમાવવામાં આવે.

  એટલે સ્વિડન દેશના બંધારણને આદર્શ માનીને આ ‘ઓમ્બડસમેન’ શબ્દનો લક્ષ્મીમલ સંઘવીએ હિન્દી અર્થ કર્યો “લોકપાલ”! એ સમયથી ભારતમાં લોકપાલ નામનો શબ્દ પ્રચલિત થયો છે. વળી, 1966માં પ્રથમ વહીવટી સુધારણા સમિતિના અધ્યક્ષ એવા મોરારજી દેસાઈએ પણ લોકાયુક્ત અને લોકપાલનો કોન્સેપ્ટ અનુક્રમે રાજ્ય અને કેન્દ્રમાં લાગુ કરીને પારદર્શી વહીવટનો પાયો નાખવાની ભલામણ કરી હતી.

  તો આપણને એ જોતા નવાઈ લાગે જ કે છેક 1966ના દાયકાથી હંગામો થવા છતાં લોકપાલની હજી સુધી નિમણુક કેમ નથી થઇ? વેલ, નો એની અધર રીઝન ધેન ધ ચીપ પોલીટીક્સ! આપણા દેશના નેતાઓને લોકપાલથી એટલો ડર પેસી ગયો કે સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ બંને લોકપાલ ન આવે એવા પ્રયત્નો કરવા લાગ્યા! તો તમને પાછું એમેય થાય કે એવી તે શું જોગવાઈઓ હતી લોકપાલ અને લોકાયુક્તની કે જેણે આટલી ધાક જમાવી? તો એ કંઈક આ મુજબ હતી,

  (૧) લોકપાલના તપાસના દાયરામાં વર્તમાન મંત્રીઓ અને પ્રધાનમંત્રી સુધ્ધાનો સમાવેશ કરવામાં આવતો હતો. એટલે લોકપાલ એ એટલી સશક્ત સંસ્થા છે કે જે ભારતના પ્રધાનમંત્રી વિરુદ્ધ પણ તપાસના આદેશો આપી શકે.

  (૨) લોકપાલના વડા એ ભૂતકાળમાં કોઈ ઉચ્ચ ન્યાયિક પદ ધરાવનાર વ્યક્તિ રહેશે નિષ્પક્ષ ચુકાદો આપી શકે.

  (૩) લોકપાલની તપાસ એજન્સી CBI રહેશે.

  (૪) લોકપાલ હાલના તેમજ જુના કેસની તપાસ જનતાની ફરિયાદોના આધારે કરી શકે છે.

  બોલો! આવા નિયમો હોય પછી ભલભલાના હાંજા ગગડી જ જાય ને?! એટલા માટે જ ૨૦૧૩ સુધી લોકપાલ અને લોકાયુક્ત માટે કોઇપણ જાતનો કાયદો ન બનાવવામાં આવ્યો. પરંતુ 2011માં થયેલા અન્ના હજારેના આમરણ ઉપવાસ આંદોલન દ્વારા દેશમાં લોકપાલની માંગે પુનઃ માથું ઉચક્યું. જેના પરિણામે એ વખતની કોંગ્રેસ સરકારે જલ્દી જલ્દીમાં કાનુન બનાવીને 2014ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી “લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013” સંસદમાંથી પારિત કરાવી દીધો.

  આ મુજબ કેન્દ્ર સ્તરે લોકપાલ તેમજ રાજ્ય સ્તરે લોકાયુક્ત જેવી સંસ્થાઓ બનાવવામાં આવનાર હતી. આ કાયદાને બહાલી આપીને મહારાષ્ટ્ર સરકાર એવી પ્રથમ રાજ્ય સરકાર બની જેણે લોકાયુક્ત અધિનિયમ રાજ્યમાં લાગુ કરીને લોકાયુક્તની નિમણુક કરી. આ પછી ક્રમશઃ અન્ય રાજ્યોએ આ અધિનિયમ પોતપોતાની વિધાનસભાઓમાં પારિત કર્યો.

  હજીયે ભારતમાં હિમાચલ, જમ્મુ, પંજાબ, ઉત્તરાખંડ, અરુણાચલ, નાગાલેંડ, મણીપુર, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ઓડીશા, આંધ્રપ્રદેશ, તામીલનાડુમાં લોકાયુક્તની નિમણુક થઇ નથી.

  મજાની વાત તો એ છે કે 2014માં સત્તાપલટો થયા બાદ ભાજપાની સરકારે પણ કેન્દ્રમાં હજી સુધી લોકાયુક્તની નિમણુક કરી નથી. મુખ્ય પોલીટીક્સ આ વાતમાં છે. કેમ? કારણ કે લોકપાલ અધિનિયમ અંતર્ગત લોકપાલની નિમણુક માટે જે સમિતિ બનાવવામાં આવે એ સમિતિમાં વડાપ્રધાન, સંસદમાં વિપક્ષના નેતા, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, એક કાયદાકીય નિષ્ણાત અને બાકીના ચાર સભ્યોમાં એક SC, એક ST, એક મહિલા અને એક લઘુમતી કોમના પ્રતિનિધિ, એમ મળીને કુલ આઠ સભ્યો હોવા જોઈએ.

  અન્ય તો બધું ઠીક છે પણ અહી “વિપક્ષના નેતા” આ શબ્દોની ઢાલ સરકારને લોકપાલ ન નીમવામાં કામ લાગી. કારણ કે હાલમાં ભારતમાં વિપક્ષ કહી શકાય તેવો કોઈ પક્ષ નથી. કારણ કે વિપક્ષમાં બેસવા માટે જરૂરી ન્યુનતમ લોકસભાની સીટ્સ કોઇપણ પાર્ટી પાસે નથી.

  આવા સમયે વિપક્ષના નેતાની ગેરહાજરીમાં લોકપાલ ન નીમી શકાય એ વાતનો સહારો સરકારને છે. તેમ છતાં સરકારે વિપક્ષના પ્રતિનિધિ એવા મલ્લિકાર્જુન ખાડગેને ‘વિશેષ આમંત્રિત અતિથી’ તરીકે બેંચમાં સામેલ થવાનું કહેવામાં આવ્યું પણ આ વાત તેમને મંજુર નહતી.(કેમ? એ નહિ કહું તો ચાલશે ને?!)

  લાગતું વળગતું: સ્વિડન પાસે એ ચૂંટણી મંત્ર છે જે ભારત અપનાવવા માંગે છે

  તો આ તબક્કે લોકપાલ અધિનિયમની ખામીઓ ચકાસવી આપણા માટે જરૂરી બની જાય છે. જે નીચે મુજબ છે.

  પહેલી વાત તો એ જ કે આ અધિનિયમમાં લોકપાલની નિમણુક માટે બેંચ બનાવવાની વાત કરી છે તેમાં જાતિ આધારે સભ્યો હોવા જોઈએ એ જરૂરી નથી. કારણ કે અંતે તો લોકપાલ સમગ્ર દેશના કલ્યાણ માટે જ છે.

  બીજી વાત જોઈએ તો આ અધિનિયમમાં ભ્રષ્ટાચારની જાણકારી આપે એ ફરિયાદી એટલે કે વ્હીસલ બ્લોઅરના રક્ષણ માટે કોઈ જોગવાઈ કરેલી નથી.

  વળી, ત્રીજી બાબત એ છે કે ન્યાયપાલિકાને લોકપાલના દાયરાની બહાર રાખવામાં આવી છે. એ ક્ષેત્રમાં થતા ભ્રષ્ટાચારને ક્યાં પડકારવો એ સવાલ હજીયે એવો ને એવો જ છે.

  અન્ય એક મહત્વની બાબત એ છે કે આટલી શક્તિશાળી સંસ્થા હોવા છતાં તેની પોતાની કોઈ પર્સનલ તપાસ એજન્સી નથી. તપાસ માટે તેને CBI પર જ આધાર રાખવો પડે છે. અને CBIની હાલની પરિસ્થિતિ જોતા એની ક્રેડેબિલીટી પર સવાલ ઉભો થાય છે.

  આ તમામની સાથોસાથ એક વાત એ પણ છે કે ભારતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામગીરી કરવા માટે ઘણી બધી સંસ્થાઓ જેવી કે CBI, CVC અને ED. આવામાં લોકપાલ એ માત્ર એક વધારાની વહીવટી સંસ્થા સિવાય કશું જ નહિ હોય એવી ભીતિ સેવાઈ રહી છે.

  ઉપર્યુક્ત તમામ ખામીઓ નિવારીને લોકપાલને ખરેખર ટુથલેસ ટાઈગરમાંથી રોરિંગ ટાઈગર બનાવવા માટે કયાં પગલાં ભરી શકાય એ દિશામાં વિચારીએ તો,

  લોકપાલની નિમણુક સમિતિમાં “વિપક્ષના નેતા”ની જગ્યાએ “સૌથી મોટા બિનસત્તાધારી પક્ષ” એવો શબ્દ ઉમેરવો જોઈએ.

  વધુમાં લોકપાલની એક પોતાની સ્વયાત્ત તપાસ એજન્સી હોવી જોઈએ અથવા તો CBIને લોકપાલની અંદર સમાવિષ્ટ કરવી જોઈએ જેથી કરીને વહીવટી માળખાની જટિલતા ઓછી કરી શકાય.

  સાથે સાથે ફરિયાદીની સુરક્ષા અંગેની જોગવાઈ પણ દાખલ કરવી જોઈએ જેથી તેમના માનવાધિકારો અને હિતોનું રક્ષણ થાય અને લોકપાલની સાચી વ્યાખ્યા ફળીભૂત થાય.

  આચમન :-  “ગુજરાતમાં લોકાયુક્ત છે અને જેમનું નામ છે ડી.પી. બુચ. તોય કેસ કેમ બહાર નથી આવતા? શું ક્યાંય ભ્રષ્ટાચાર જ નથી? જો તેમ હોય તો આપણે ધન્ય છીએ”  

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: NDTV ભારત પાકિસ્તાન વચ્ચે નોર્વેને જબરદસ્તીથી કેમ મધ્યસ્થી કરાવવા માંગે છે?

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here