કારકિર્દી – શરૂઆત કેમ કરવી? પરફેક્ટ બાયોડેટા કેમ બનાવવો?

    0
    443

    જો નવાસવા ગ્રેજ્યુએટ થયા હોવ કે પછી તમારી કારકિર્દી મધ્યે હોય તો પણ બાયોડેટા પોતાનું અનેરું મહત્ત્વ ધરાવે છે. પરફેક્ટ બાયોડેટા તમારી ખાસ ઇમ્પ્રેશન ધરાવે છે.

    Photo Courtesy: blog.tyronesystems.com

    શુભન હિરા-ઝવેરાતનાં નામાંકિત વહેપારી ચંદ્રપાળ શાહનો નાનો પુત્ર છે. શુભનના સ્નાતક થયા પછી, પિતા ઇચ્છે છે કે મોટા ભાઈ કાર્તિકની જેમ શુભન પણ પરિવારના ધંધામાં જ જોડાય. પરંતુ, શુભનની યોજના કંઇક અલગ કરવાની છે. તે તો કોઇ મોટી કંપનીમાં તાલીમાર્થી તરીકે જોડાઇને પોતાની કારકિર્દી શરુ કરવા માંગે છે.

    શું તમારું સ્વપ્ન પણ શુભન જેવું જ છે? શું તમે પણ એક સારા કોર્પોરેટમાં કારકિર્દી ઘડવા માંગો છો? શું તમે જાણો છો કે ક્યાંથી શરૂ કરવું? ચાલો સમજીએ.

    સુંદર બનાવવા માટે કારકિર્દીને પણ કોઇ ઘરેણાંની જેમ જ યોગ્ય આયોજન કરી ઘડવાની જરૂર પડે છે. જેમ ઘરેણાંના ઘડતર પહેલાં એવું નક્કી કરી લેવાય છે કે બન્યા પછી તે કેવું લાગશે? બરાબર તે જ પ્રમાણે. તમારે સર્વપ્રથમ તો એ નક્કી કરી લેવું પડશે કે કોઇપણ કારકિર્દી પસંદ કર્યા બાદ તમે તેમાં પોતાને કેવી રીતે જોવાનું પસંદ કરશો એટલે કે તમારી કારકિર્દીના સર્વોચ્ચ શિખર પર તમે કેવા શહેરમાં, કેવી ઈન્ડસ્ટ્રીમાં, કેવા પ્રકારની સંસ્થામાં, કયા પ્રકારના વિભાગમાં, કયા હોદ્દા ઉપર કાર્યરત હશો તેની કલ્પના કરો. આમ ધ્યેય બાંધ્યા પછી જ તમે સફળ કારકિર્દીની શરૂઆત ક્યાંથી કરવી તે સમજી શકશો. તમારા કાર્યક્ષેત્રની પસંદગી કરતી વખતે વિષય-નિષ્ણાતોની સહાય લેવામાં અચકાશો નહીં.

    ક્યાંથી કારકિર્દી પ્રારંભ કરવી એ એકવાર નક્કી થાય, એટલે તમારે પ્રથમચરણની નોકરી માટે અરજી કરવી પડશે. જો તમે તમારી કારકિર્દીની મધ્યમાં છો, તો પણ તમારે વિવિધ કારણોસર નવી નોકરી માટે અરજી કરવી પડી શકે છે. તમારી ઇચ્છિત જોબ પ્રોફાઇલની ખાલી જગ્યાઓ માટે અગ્રણી દૈનિકપત્રો અને જોબ પોર્ટલ વાંચતા રહો. વધુમાં, યોગ્ય જણાય તો તમે નોકરી સલાહકારોને પણ મળી શકો છો. આ સર્વે જગ્યાઓએ, તમારે તમારો બાયોડેટા આપવાની જરૂર પડશે. બાયોડેટાનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્ટરવ્યુ કોલ મેળવવા પૂરતો મર્યાદિત છે. સારી રીતે તૈયાર કરાયેલ બાયોડેટા તમને (1) તમારી ઉમેદવારી વિશેની માહિતી પૂરી પાડવામાં, (2) અન્ય લોકો કરતાં તમારી ઉમેદવારીને અલગ પાડવામાં, અને (3) તમારા સંપર્ક અંગેની વિગત આપવામાં સહાયક બને છે. કેટલીકવાર ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રશ્નો પૂછવા માટે ઇન્ટરવ્યુઅર્સ તમારા બાયોડેટાનો ઉપયોગ કરશે. આવા સંજોગોમાં, અર્થસભર રીતે તૈયાર કરાયેલ બાયોડેટા તમને સારી રીતે મદદ કરી શકે છે. તો હવે પ્રશ્ન એ છે કે, અર્થસભર બાયોડેટા કેવી રીતે બનાવવો? ચાલો આપણે આ સમજીએ. અસરકારક ગણાય તેવો બાયોડેટા છ વિભાગોમાં વહેંચાયેલો હોય છે, જે તમામ વિભાગ મહત્તમ ચાર પૃષ્ઠોમાં સમાઇ જવા જોઇએ.

    લાગતું વળગતું: ભવિષ્યની નોકરી કરવાના સ્થળને ઇન્ટરવ્યુ સમયે જ ઓળખી કાઢો

    બાયોડેટાના છ વિભાગો આ મુજબ હોય છે – (1) તમારુ તત્કાળ ધ્યેય; એટલે કે હાલ તમે શા માટે નોકરી શોધી રહ્યા છો અને તમને કયા પ્રકારની નોકરીની જરૂર છે, તેનો ઉલ્લેખ, (2) તમારી વ્યક્તિગત સૂચિ; દા.ત. નામ, સરનામું, મૉબાઇલ નંબર, ઇમેઇલ એડ્રેસ, જન્મદિવસ/ઉંમર અને લિંગ, (3) તમારી યોગ્યતાનાં દર્શકો; દા.ત. શિક્ષણ, કુશળતા (ખાસ કરીને તે, જે સૂચિત નોકરી સાથે સંબંધિત છે), વિવિધ પુરસ્કારો અને પ્રમાણપત્રની વિગતો અને વિવિધ સંસ્થાઓ સાથેનાં જોડાણો, (4) વ્યવસાયિક વૃતાંત, જે તમારી વર્તમાન/છેલ્લી નોકરીથી શરૂ થવું જોઈએ. તમારી વર્તમાન નોકરી સંદર્ભે કાર્યની સમગ્ર વિગતોનો ઉલ્લેખ કરવો જરૂરી હોય છે. તમે કેટલા કાર્યદક્ષ છો તે દર્શાવતી વિગતો ટાંકવાનુ ભૂલશો નહીં. તદુપરાંત, અગાઉનાં કામ-કારકિર્દીને ઊલટક્રમમાં વર્ણવો.  અગાઉ તમે જેની સાથે કામ કર્યું છે તે બધી કંપનીઓ માટે આટલી માહિતી આપવી – કંપનીનું નામ, કંપનીનું સ્થાન, હોદ્દો, રોજગારની પ્રથમ અને છેલ્લી તારીખ, (5) તમારી વ્યક્તિગત તેમજ વ્યાવસાયિક નોંધપાત્ર સિદ્ધિઓ, અને (6) જે આપના ચાલચલગત અંગે અભિપ્રાય આપી શકે તેવા બે-ત્રણ પ્રતિષ્ઠીત વ્યક્તિઓનાં નામ અને તેમના સંપર્ક અંગેની વિગતો.

    આ ઉપરાંત, બાયોડેટાની શરૂઆતમાં જો તમે સ્કેન કરેલ પાસપોર્ટ કદનો તાજેતરનો ફોટોગ્રાફ પણ મૂકી શકો, તો તે વધુ સારું રહેશે. કેટલીક કંપનીઓ તમારી પાસે આરોગ્યનું પ્રમાણપત્ર માંગી શકે છે. આવા કિસ્સામાં, તમારે આવું પ્રમાણપત્ર કંપનીના નિર્ધારિત ફોર્મેટમાં જ આપવું હિતાવહ રહેશે.  હંમેશા તાજો બાયોડેટા મોકલવાનો જ આગ્રહ રાખો. બાયોડેટામાં ફક્ત અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરીને કરવાનું ચલણ છે. હંમેશાં ટાઇપ કરેલ બાયોડેટાનો જ ઉપયોગ કરો. હસ્તલેખિત બાયોડેટા હવે પ્રચલનમાં નથી. જો તમે ઇમેઇલ દ્વારા બાયોડેટા મોકલવા જઈ રહ્યાં છો, તો બાયોડેટાનું પીડીએફ સંસ્કરણ વાપરો, જેથી ફોન્ટ્સ અને માળખું બદલાય નહીં. જો તમે બાયોડેટાની હાર્ડ કૉપીનો ઉપયોગ કરી રહ્યાં છો, તો ખાત્રી કરી લો કે તમે સફેદ અને સ્વચ્છ કાગળ પર જ બાયોડેટાની પ્રિન્ટઆઉટ્સ લીધી છે.  કેટલીકવાર તમને રોજગારની ઘણી જાહેરાતો એકસાથે જોવા મળશે.

    આવા સમયે જો તમે એકથી વધુ સંસ્થાના રિક્રુટર્સને ઇમેઇલ દ્વારા બાયોડેટા મોકલવાનાં હોવ, તો દરેક સંસ્થાના રિક્રુટરને અલગ-અલગ ઇમેઇલ જ કરવા હિતાવહ રહેશે. એક ઇમેઇલમાં એક સાથે એકથી વધુ સંસ્થાને ટાંકશો નહીં. વળી, બની શકે છે કે જ્યાં તમે તમારો બાયોડેટા મોકલી રહ્યા છો, તે સંસ્થા સાથે આપની કોઇ જાણિતી વ્યક્તિ પણ સંકળાયેલી હોય. અરજી મોકલતી વખતે અલબત્ત, તેમના નામનો ઉલ્લેખ સંદર્ભ તરીકે કરી શકાય, પરંતુ જો તેઓ રિક્રુટર્સ પૈકીના વ્યક્તિ નથી, તો તેમને સહ-ઇમેઇલ કરવાનું ટાળવું. આ પ્રકારની પ્રવૃત્તિને ઘણુંખરું અવ્યાવસાયિક અભિગમ માની લેવામાં આવે છે, જેના પરિણામે તમારી અરજીનો અસ્વીકાર થવાની શક્યતા રહેલી છે. રોજગારની જાહેરાતોને બને તેટલો ઝડપી પ્રતિસાદ આપવો જોઇએ. મોટાભાગની રોજગાર જાહેરાતો એપ્લિકેશન કરવા માટેની છેલ્લી તારીખનો ઉલ્લેખ કરે છે. ગમે તે સંજોગોમાં છેલ્લી તારીખે અરજી મોકલવાનું ટાળો. બનવાજોગ છે કે છેલ્લી ક્ષણોના ધસારામાં તમારો બાયોડેટા ધ્યાનમાં લેવાય જ નહીં.

    બાયોડેટા સાથે હંમેશાં એક કવર લેટર પણ બીડવો જોઇએ. જો ઇમેઇલનો ઉપયોગ કરીને અરજી કરવાના હોવ, તો તમે કવર લેટરનો ઉપયોગ ઇમેઇલ-બૉડી તરીકે કરી શકો છો. કવર લેટરનું સંબોધન કંપનીના સંપર્ક અધિકારીને હોવુ આવશ્યક છે. તમે ખાલી જગ્યા અંગેની જાહેરાતમાં તેમના નામ-હોદ્દો શોધી શકો છો. તમારા કવર લેટરમાં એ જાહેરાતનો ઉલ્લેખ કરવાનું ભૂલશો નહીં. કવર લેટરમાં તમારી ઉમેદવારીનો સારાંશ (30 કે તેથી ઓછા શબ્દોમાં) હોવો જોઈએ. તદુપરાંત, તેમાં બાયોડેટા વાંચવા અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ માટે આમંત્રિત કરવા અંગેની તમારી વિનંતીનો સમાવેશ હોવો જોઇએ. તો ભાઇ, નવી કારકિર્દીને ઊંબરે ઉભેલો શુભન તો હવે એનો બાયોડેટા બનાવવા તૈયાર છે. તમારા કિસ્સામાં કેમનું છે? અમે આશા રાખીએ છીએ કે, આ ચર્ચા તમને પણ સારો બાયોડેટા બનાવવામાં અને તમારી પસંદગીની કારકિર્દી તરફ દોરી જવામાં મદદ કરશે. અમે તમારા પ્રતિસાદ જાણવા આતુર છીએ.

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આજે દિલ ખોલીને બોલી રહ્યા છે…

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here