ગિક જ્ઞાનનું વાર્ષિક સરવૈયું – 2019નો પહેલો વિશેષાંક અને 2018નો રસાસ્વાદ

  0
  292

  કોઇપણ નવા વર્ષની શરૂઆતમાં વાર્ષિક સરવૈયું કરવાનો રીવાજ ગિક જ્ઞાન પણ નિભાવી રહ્યું છે અને 2018ના વર્ષમાં આપણે આ કોલમમાં કયા પ્રકારના રસાસ્વાદ માણ્યા તેનું વાર્ષિક સરવૈયું અહીં કરવામાં આવી રહ્યું છે.

  કેમ છો મિત્રો, વર્ષ 2019 નો પહેલો મહિનો પૂરો થવા પર છે અને એ સાથે થોડા સમયમાં આ કોલમને પણ એક વર્ષ પૂરું થઇ જશે એટલે વાર્ષિક સરવૈયું કરવાનો આ ઉત્તમ સમય છે. અહીંયા ફેબ્રુઆરી 2018 થી શરુ કરી આજ સુધી આપણે ઘણા બધા મુદ્દાઓ છેડ્યા છે. ફિલ્મો, પુસ્તકો, રાજકારણ, સંગીત સહીત માર્વેલ સ્ટુડિઓઝ અને ફૂટબોલ જેવા પર્સનલ ફેવરિટ વિષયો પર અહીં ઘણી ચર્ચાઓ થઇ છે. અને આગળ આ સહીત બીજા ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની પણ છે. પણ એ પહેલા આપણે જાણીએ છેલ્લા એક વર્ષમાં આપણે જે ટોપિક્સ પર ચર્ચા કરેલી એ ટોપીક્સમાં કેવા બદલાવ આવ્યા છે. અને એ બદલાવ સારા છે કે ખરાબ, એ વિષે ચર્ચા કરીએ આજના આ લેખમાં જેનું નામ છે, ગિક જ્ઞાન નું વાર્ષિક સરવૈયું-2019 વિશેષાંક.

  શરૂઆત કરીએ પહેલા લેખ થી, જેમાં આપણે ઓસ્કાર નોમિનેશન્સ વિષે ચર્ચાઓ છેડી હતી.

  ઓસ્કાર્સ અને નોમિનેશન્સ

  ગયા વર્ષે ઓસ્કાર્સ નોમિનેશનમાં મડબાઉન્ડ અને લોગાન નો સમાવેશ થવો એ એક અનેરી ઘટના હતી. એક એવા ફોર્મેટમાં રજુ થયેલી ફિલ્મ જે પરંપરાગત હોલીવુડ માટે ખતરાજનક હતું, અને એક કોમિકબુક ફિલ્મ જેને હમણાં સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી ધાર્યું સન્માન મળ્યું ન હતું, એવામાં આ બંને ફિલ્મોને પરંપરાગત સન્માનજનક કેટેગરીમાં નોમિનેશન મળવું એ એક મોટી વાત હતી. એ વાત અલગ છે કે લોગાન કે મડબાઉન્ડને એકેય એવોર્ડ મળ્યા ન હતા, અને નેટફ્લિક્સ તરફથી રશિયન ખેલાડીઓના ડોપિંગ પર ચર્ચા કરતી ડોક્યુમેન્ટરી ઈકારસ બેસ્ટ ડોક્યુમેન્ટરી નો ઓસ્કાર લઇ ગઈ.

  આ વર્ષે એકેડમીએ હરણફાળ ભરી છે. બેસ્ટ પિક્ચર ના નોમિનેશનમાં બ્લેક પેન્થર અને રોમા ને સિલેક્ટ કરી ઓસ્કાર એવોર્ડ્સે સુપરહીરો જોનર અને VOD પ્લેટફોર્મ બંનેને ખુલ્લે હાથે આવકાર આપ્યો છે. બ્લેક પેન્થર ગયા વર્ષની સહુથી સફળ ફિલ્મોમાની એક હતી અને માર્વેલ સિનેમેટિક યુનિવર્સ ની એક ટ્રેન્ડ સેટર ફિલ્મ હતી. અને આ તરફ રોમા જે નેટફ્લિક્સની ફિલ્મ છે એ 10 નોમિનેશન લઈને ધ ફેવરિટ ની સાથે ઓસ્કાર્સમાં આગળ છે. અને એમાં બેસ્ટ ફિલ્મ સહીત બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, બેસ્ટ ઓરીજીનલ સ્ક્રીનપ્લે, બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ જેવા સન્માનજનક નોમિનેશન્સ સામેલ છે. આ તરફ બ્લેક પેન્થર ને પણ બેસ્ટ ફિલ્મ સહીત બેસ્ટ સાઉન્ડ, બેસ્ટ ઓરીજીનલ સોન્ગ, બેસ્ટ મેકઅપ જેવી કેટેગરીના થઈને કુલ સાત નોમિનેશન મળ્યા છે.

  ડાબે થી જમણે: ધ ફેવરિટ, રોમા(બ્લેક એન્ડ વ્હાઇટ) અને બ્લેક પેન્થર ના સીન. Courtesy: Star2.com

  માર્વેલ સ્ટુડિઓઝ

  માર્વેલ સ્ટુડિઓઝ માટે વાર્ષિક સરવૈયું કરીએ તો તેના માટે ગયું વર્ષ ખુબ અગત્યનું હતું. પહેલી બ્લેક સુપરહીરો ફિલ્મ, દસ વર્ષથી ચાલી આવતી વાર્તાઓનો એક યોગ્ય (અને અડધો) અંત અને એ અંત પછી ની શરૂઆત, આ બધા ઉપર માર્વેલ ના ભવિષ્યનો ફાળો હતો. ઉપરાંત માર્વેલ ની પેરન્ટ કંપની ડિઝની અને માર્વેલના અમુક હીરોઝ અને વિલન્સ (જેમકે ડેડપૂલ, એક્સ-મેન, ફેન્ટાસ્ટિક ફોર વગેરે) જેની પાસે છે એ ફોક્સ નું મર્જર પણ માર્વેલ માટે એક મોટી તક સમાન હતો. ગયા વર્ષે રિસ્ક વધારે હતું, અને માર્વેલને એનું રિટર્ન રિસ્ક જેવું જ મળ્યું.

  ઉપર જોયું એમ, બ્લેક પેન્થર એવી પહેલી સુપરહીરો ફિલ્મ બની જેને બેસ્ટ ફિલ્મનું ઓસ્કાર નોમિનેશન મળ્યું. એવેંજર્સ ઇન્ફિનિટી વોર જેમાં આપણે ઘણા ફેવરિટ સુપરહીરોને થાનોસની એક ચપટી માત્ર થી ધૂળમાં પરિવર્તિત થતા જોયા. આ ચપટી-જેનું કાયદેસર નામ ધ ડેસિમેશન છે-એમાંથી માત્ર ઓરીજીનલ એવેંજર્સ, એન્ટ મેન અને બીજા અમુક સુપરહીરોઝ જ બાકી રહ્યા છે અને આ સુપરહિરોઝ થાનોસને કઈ રીતે હરાવે છે એ કથા કહેતી ઇન્ફિનિટી વોર્સ ની સિક્વલ એવેંજર્સ એન્ડગેમ, જે આજની તારીખે ફેન થિયરીઝ નું ઘર છે અને એના પર ગિક જ્ઞાન માં પણ અમુક ફેન થિયરીઝ ની ચર્ચા થઇ છે, ને આ વર્ષના એપ્રિલમાં રજુ થવાની છે.

   

  એવેંજર્સ એન્ડગેમ નું પોસ્ટર Courtesy: IMDB

  એ સિવાય પણ સ્પાઇડરમેન હોમકમીંગ ની સિક્વલ, સ્પાઇડરમેન ફાર ફ્રોમ હોમ નું પણ ટ્રેલર હમણાં થોડા અઠવાડિયા પહેલા આવ્યું છે. અને એમાં મારા પર્સનલ ફેવરિટ વિલન મિસ્ટીરીઓ ને લઇ આવ્યા છે. (વાર્ષિક સરવૈયું આ વાત વગર પણ લખાઈ જાત, મિસ્ટીરીઓ ને મોટા પડદે જોવાનું ઉત્સાહ પ્રદર્શન રોકી શકાતું નથી 😉 ).

  ફૂટબોલ

  દર વર્ષની જેમ આ વર્ષ પણ ફૂટબોલ અને એની વાર્તાઓથી ભરપૂર રહ્યું. અને એની શરૂઆત કરીએ આપણા ઘર થી. ભારત ને એશિયન ફૂટબોલની સહુથી મોટી ટુર્નામેન્ટ એવી AFC એશિયન કપમાં આ વર્ષે ક્વોલિફાય થઇ ગ્રુપ સ્ટેજમાં રમવાનો મોકો મળ્યો. થાઈલેન્ડ (જેણે એક સમયે ભારત સામે લોઅર રેન્કિંગનું બહાનું કરી ફ્રેન્ડલી રમવાની ના પાડી હતી) સામે 4-1 થી જીતીને આપણી ટીમે બહુ આશાઓ ઉભી કરી હતી. એ પછીની મેચમાં યજમાન યુ એ ઈ સામે 2-0 થી હાર્યા હતા. આપણું પ્રદર્શન એકંદરે એ મેચમાં પણ ખુબ સારું રહ્યું હતું. ઇન્ટરનેશનલ સ્ટેજમાં પહેલી વાર ગ્રુપ સ્ટેજથી આગળ વધવા માટે આપણે આપણા ગ્રુપની અંતિમ મેચ જીતવાની અથવા ડ્રો ખેંચવાની હતી, અને આપણું ફોર્મ અને હરીફ ટિમ બેહરીન ની સ્થિતિ જોતા આ કામ આપણા માટે સરળ લાગતું હતું. મેચની 90મી મિનિટ સુધી આપણે ક્લાસિક ડિફેન્સ કરીને આપણી આશાઓ જીવંત રાખી હતી, પણ બહેરીને આપણા મેચ કેપ્ટન પ્રોનોય હલ્દર ની એક ભૂલનો ફાયદો ઉઠાવી લીડ લઇ લીધી જે આપણે ક્યારેય રિકવર ન કરી શક્યાં, અને 0-1 થી હારીને ગ્રુપ સ્ટેજ થીજ ફેંકાઈ ગયા.

  ભારતીય ફૂટબોલ ટિમ Courtesy: Sportskeeda

  આવા નબળા પ્રદર્શન છતાં આપણા ઘણા ખેલાડીઓએ રંગ રાખ્યો હતો. કેપ્ટન સુનિલ છેત્રીનું પરફોર્મન્સ સારું હતુજ, સાથે સાથે  ઉદંતા સિંહ, પ્રોનોય હલ્દર ડિફેન્ડર સંદેશ ઝીંગાન, ગોલકીપર ગુરપ્રીતસિંહ સંધુ, અનિરૂધ્ધસિંહ થાપા જેવા 23-25 વર્ષના નાની ઉંમરના ખેલાડીઓએ પણ સાબિત કર્યું હતું કે ભારતીય ફૂટબોલનું એક સરસ ભવિષ્ય છે.

  એ સિવાય ગિક જ્ઞાન માટે ફૂટબોલનું વાર્ષિક સરવૈયું

  લાગતું વળગતું: ગિક જ્ઞાનના બધા જ આર્ટિકલ્સ અહીં વાંચો

  ટેક્નોલોજી

  ટેક્નોલોજી ને લગતી વાતોની શરૂઆત આપણે લોકપ્રિય એપ્પ સ્નેપચેટ જે એ સમયે પ્રોબ્લેમ્સમાં ફસાયું હતું એને લગતા લેખ થી કરી હતી. એ સમયે સ્નેપચેટનો વિવાદાસ્પદ નવો ઇન્ટરફેસ, એ પ્લેટફોર્મ છોડી રહેલા યુઝર્સ અને સ્નેપચેટ ના આર્થિક પ્રોબ્લેમ બહુ ચર્ચામાં હતા. 2018માં સ્નેપચેટનો આ નવો ઇન્ટરફેસ નેગેટિવ કારણોથી ચર્ચામાં રહેલો. આ ઇન્ટરફેસના લીધે સ્નેપચેટનો એક મોટો પ્રોબ્લેમ ઓછો થયો. અત્યારે સ્નેપચેટમાં બહુ ઓછા પ્રોબ્લેમ્સ છે અને જે છે એ પણ ધીરે ધીરે ઓછા થઇ રહ્યા છે, અને એના લીધે સ્નેપચેટને નવા યુઝર્સ પણ મળી રહ્યા છે. અત્યારે સ્નેપચેટ પાસે આર્થિક સમસ્યાઓ સિવાય કોઈ સમસ્યા લગતી નથી.

  ગયા વર્ષે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એના નોકરીઓ પર ખતરા વિષે આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી. ગયા વર્ષનું વાર્ષિક સરવૈયું કરતા ખ્યાલ આવી રહ્યો છે કે આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સમાંણ નાના પાયે પ્રગતિ થઇ રહી છે. ડોક્ટરોને નિદાનમાં મદદ કરવાથી લઈને  દોઢ બે ઇંચ બરફ ના થર ની નીચે દબાયેલા રસ્તાઓ શોધી ડ્રાયવરને મદદ કરવા અને એક  ભાષાના વાક્યોને બીજી ભાષામાં ઝડપથી અને સચોટ ભાષાંતર કરવા સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પહોંચી રહ્યું છે. પણ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેના વિકાસ માટે ઢગલાબંધ ડેટા જોઈએ અને એ ડેટા મેળવવા ઉપર કાયદાકીય રોક લાગી રહી છે.

  અને એ રોક લગાડવા માટે સહુથી મોટું વિલન છે ફેસબુક. ફેસબુક અને કેમ્બ્રિજ એનાલિટિકા નું કૌભાંડ બહાર આવ્યું અને જ્યારથી એ સાબિત થયું કે ફેસબુક લોકશાહી માટે સહુથી મોટો ખતરો છે, ત્યારથી ફેસબુકને એની વર્ષો જૂની એરોગન્સનો બહુ વધારે પડતો સ્વાદ ચખાડવામાં આવી રહ્યો છે. મે મહિનામાં આ કૌભાંડ બહાર આવ્યું ત્યારથી લગભગ દર મહિને ફેસબુકના કઈ ને કઈ જુના પાપ ખુલી રહ્યા છે. દર મહિને ફેસબુકના પ્લેટફોર્મની સિક્યુરિટી પર સવાલ ઉઠે છે. અને દર દોઢ બે મહિને ફેસબુકના સ્ટાફ માંથીજ એવા લીક આવે છે જેમાં ફેસબુકની વર મરે, વરની માં મારે પણ ગોરનું તરભાણું ભરે વાળી બે-રોકટોક નીતિઓ  સામે આવે છે. અને એમાં ફેસબુકની એડ્સ પરની નિર્ભરતા અને ઝકરબર્ગનો એડ્સ પરનો વધારે પડતો પ્રેમ ફેસબુકને નડી રહ્યો છે. ફેસબુકે ખરીદેલી અને કૈક અંશે ફેસબુક કરતાંય લોકપ્રિય એપ્પ્સ એવી ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ, બંનેના સ્થાપકો જે આ એપ્પનાં શરૂઆતના દિવસોથી પોતપોતાની એપ્પ સાથે હતા એ ફેસબુક અને ઝકરબર્ગ સાથે એડ્સ બાબતોના મતભેદના લીધે ફેસબુક છોડીને જતા રહ્યા છે. અને હવે ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ્પ અને એમાં રહેલા આપણા પર્સનલ ડેટાનો અમર્યાદિત કંટ્રોલ ફેસબુક પાસે આવી જવાનો છે. અને એની સાબિતી સ્વરૂપે લગભગ દોઢેક વર્ષ સુધી વ્હોટ્સએપ્પનાં કો ફાઉન્ડર્સ એ રોકી રાખેલું એક એવું ફીચર જેમાં વ્હોટ્સએપ્પ સ્ટેટસ માં પણ એડ્સ દેખાડવી એ આગામી બે-ત્રણ મહિનામાં આવી રહ્યું છે.

  પણ સરકારના મજબૂત ઈરાદાઓ હોય તો ફેસબુક, ગૂગલ અને એપ્પલ જેવી મોટી કંપનીઓને પણ કંટ્રોલમાં રાખી શકાય છે એ આપણે ગૂગલ વિરુદ્ધ યુરોપિયન યુનિયન અને એપ્પલ વિરુદ્ધ ટ્રાઈ ના કેસમાં જોયું. ગૂગલને ભરવો પડેલો દંડ આગામી એકાદ બે વર્ષમાં એન્ડ્રોઇડના નવા ફોનના ભાવવધારામાં દેખાવાનો જ છે. સાથે સાથે એપ્પલ વિરુદ્ધ ટ્રાઈ જેમાં ટ્રાઇએ ડુ નોટ ડિસ્ટર્બ માં એપ્પલ નો સહકાર ન મળતા આઈફોન ને મળતી સિમ સર્વિસ બંધ કરવાની ચેતવણી આપી હતી, એ મુદ્દો અત્યારે સોલ્વ થઇ ગયો છે. એપ્પલે આઈ ઓએસ 12માં પોતાના ડુ નોટ ડિસ્ટર્બની ફંક્શનાલીટીમાં અમુક યોગ્ય ફેરફારો કરીને ટ્રાઈની બધી માંગણીઓને સંતોષી હતી.

  આ સિવાય અન્ય મુદ્દાઓ।

  • રેડી પ્લેયર વન ફિલ્મ રજુ થઇ હતી અને એને સો-સો રિસ્પોન્સ મળ્યો હતો.
  • લેખક યુઆલ નોઆહ હરારી-જેની સેપિયન્સ-ધ બ્રીફ હિસ્ટ્રી ઓફ હ્યુમનકાઈન્ડ પર આપણે બે પોસ્ટ્સ જોઈ હતી– એની નવી બુક 21 Lessons for the 21st Century ગયા વર્ષે ઓગસ્ટમાં આવી હતી. આ પુસ્તક વિષે વાંચકોમાં ઠીકઠાક ચર્ચાઓ થઇ રહી છે.
  • આ પુસ્તક વાંચી રહેલા એક સેલિબ્રિટી લેખક અમીષ ત્રિપાઠી, જેની રામચંદ્ર સિરીઝની આગામી નવલકથા રાવણ ધ ઓર્ફન ઓફ આર્યવર્ત જે 2018ની દિવાળી આસપાસ આવવાની હતી એ અને એની આગામી ઐતિહાસિક નવલકથા સુહેલદેવ એન્ડ ધ બેટલ ઓફ બહરાઇચ જેના જૂનમાં પ્રિઓર્ડર શરુ થઇ ગયા હતા એ બંને ને રિશિડ્યુલ કરીને 2019માં રિલીઝ કરવાની યોજના છે.
  • ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ:  આવતા વર્ષે ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ માટેનો એક નવો વિકલ્પ દુનિયા સમક્ષ આવવાનો છે. અને એના લીધે આપણા અત્યારના એન્ટરટેન્મેન્ટમાં પણ થોડી અસર પડી શકે છે. ડિઝની પોતાનું સ્ટ્રીમિંગ નેટવર્ક ડિઝની+ લઈને આ વર્ષે આવી રહી છે. જેના લીધે નેટફ્લિક્સ પરની ડિફેન્ડર્સ સિરીઝના ત્રણ મુખ્ય પાત્રો ડેરડેવિલ, લ્યુક કેજ અને આયર્ન ફીસ્ટ ની નવી વાર્તાઓ(જો આગળ વધશે તો) નેટફ્લિક્સને બદલે ડિઝની+ પર આવવાની છે. આ ઉપરાંત વિઝન અને સ્કારલેટ વિચ, લોકી, સ્ટાર વોર્સ મેન્ડેલોરિયન, સ્ટાર વોર્સ- ક્લોન વોર્સ જેવી નવી અને ઓરીજીનલ સિરીઝ નું પણ ડિઝની+ માટે ડેવલપમેન્ટ શરુ છે.

  તો આ હતું આપણું 2018ના ગિક જ્ઞાનના ટોપીક્સનું વાર્ષિક સરવૈયું. આ વર્ષમાં હજુ નવા કન્ટેન્ટ અને નવી વાતો સાથે મળતાં રહીશું.

  ત્યાં સુધી

  મે ધ ફોર્સ બી વિથ યુ…..

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: તમારા બાળકને થ્રી એસ – સેવિંગ્સ, સ્પેન્ડીન્ગ્સ એન્ડ શેરીંગના પાઠ ભણાવો

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here