ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત મેક્સિકોની સરહદ પરની દીવાલ શું છે?

  0
  116

  પડોશી દેશ મેક્સિકોમાંથી ડ્રગ્સની થતી હેરાફેરી તેમજ અમેરિકામાં ગેરકાયદેસર ઘુસી આવતા લોકોને રોકવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોની સરહદે એક દીવાલ બાંધવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

  આજકાલ અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત એક દીવાલ ખાસ્સી ચર્ચામાં છે. આ ચર્ચા પાછળનું કારણ એવું છે કે અમેરિકા એટલેકે યુનાઇટેડ સ્ટેટ્સની દક્ષિણે આવેલા મેક્સિકોમાંથી દર વર્ષે હજારો અને લાખોની સંખ્યામાં લોકો કાયદેસર અને ગેરકાયદેસર અમેરિકામાં નોકરી લેવા આવતા હોય છે જેમાંથી ગેરકાયદેસર રીતે ઘુસી આવતા લોકોની સંખ્યા વધુ છે.

  Photo Courtesy: kijanawaasi.com

  અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે મેક્સિકોના લોકો અમેરિકાની જમીની સરહદનો ઉપયોગ કરે છે, એવી જ રીતે જે રીતે કાશ્મીરની સરહદેથી પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરતા હોય છે. હવે આ સમસ્યા એટલી બધી વકરી ગઈ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી વાયદામાં જ મેક્સિકોની સરહદે એક દીવાલ બાંધવાનું વચન આપ્યું હતું.

  પરંતુ હવે જ્યારે આ વચન પાળવાનો સમય આવી ગયો છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન કોંગ્રેસ તકલીફ આપી રહી છે. જો કે કોંગ્રેસની વાત પણ સાવ ખોટી નથી કારણકે આ પ્રસ્તાવિત દીવાલ સાવ મફતમાં તો બનવાની નથી? બીજું ડોનાલ્ડ ટ્રમ્પ આ નાણાંકીય વર્ષમાં જ દીવાલ પર થનારો ખર્ચ માંગી રહ્યા છે. ટૂંકમાં અત્યારે મેક્સિકોની સરહદ પર બંધાવાની પ્રસ્તાવિત દીવાલનું કામ ઘોંચમાં પડ્યું છે.

  ચાલો આપણે જાણીએ કે ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકાની સુરક્ષા માટે લેવાયેલો આ નિર્ણય ખરેખર શું છે અને તેની પાછળ કેટલો ખર્ચો છે અને તે નિર્ણય કેવી રીતે પાર પડશે.

  ખરેખર ટ્રમ્પ શું માંગી રહ્યા છે?

  ટ્રમ્પ આવનારા દસ વર્ષ માટે દેશની સરહદની સુરક્ષા માટે 18 થી 20 બિલીયન અમેરિકન ડોલર્સ કોંગ્રેસ પાસે 2019ના નાણાંકીય વર્ષ માટે જ માંગી રહ્યા છે. તો સામે પક્ષે ગયા મહિનાની દસમી તારીખે તેઓ લગભગ 8 લાખ જેટલા યુવા પરંતુ દસ્તાવેજ વગરના ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં પ્રવેશવા દેવા માટે પણ તૈયાર થયા હતા જેથી ડેમોક્રેટ્સ ખુશ થાય અને તેમને દીવાલ બાંધવાની મંજૂરી તેમજ ડોલર્સ આપી દે. પરંતુ તેના બે જ દિવસ બાદ તેઓએ પોતાની ઓફર પાછી ખેંચી લીધી હતી અને તેમની અને કોંગ્રેસ વચ્ચે મડાગાંઠ ઉભી થઇ હતી. હવે તકલીફ એ છે કે આ વિવાદને લીધે અમેરિકા કદાચ બીજા શટડાઉન તરફ આગળ વધશે.

  આ પ્રસ્તાવિત દીવાલ કેવી હશે?

  પહેલાં તો ટ્રમ્પ 2000 માઈલ્સ કરતાં પણ વધુ એટલેકે લગભગ 3200 કિલોમીટર કરતા લાંબી અખંડ દીવાલ બનાવવાની જીદ લઈને બેઠા હતા. પરંતુ હવે તેઓ થોડા નરમ પડ્યા છે અને મેક્સિકો સરહદે 722 માઈલના દીવાલ જેવા જુદાજુદા ટુકડાઓ ઉભા કરવા માટે સહમત થયા છે જેની વચ્ચે વચ્ચે ફેન્સીંગ પણ હશે. જો કે આ પ્રકારનો પ્રસ્તાવ તો છેલ્લા અમુક દાયકાઓથી વિવિધ અમેરિકન રાષ્ટ્રપતિઓ સમક્ષ પડ્યો છે પરંતુ તેના પર કોઈજ અમલ કે વિચાર અત્યારસુધી થયો ન હતો. આ ઉપરાંત સરહદની રક્ષા માટે ડ્રોન્સ પણ કામે લેવામાં આવશે.

  અત્યારસુધી કેટલું કામ થયું છે?

  અત્યારસુધી કેલીફોર્નિયાના સેન ડિયેગોના રણવિસ્તારમાં આઠ પ્રાથમિક દીવાલો ઉભી કરવામાં આવી છે જેમાંથી ચાર પૂર્ણપણે કોન્ક્રીટની દીવાલો છે જ્યારે બાકીની ચાર  માંથી બે મહદઅંશે ધાતુની અને બે કોન્ક્રીટ અને ધાતુના સળિયાના મિશ્રણથી બનાવવામાં આવી છે. આ દીવાલો પર અત્યારે પરીક્ષણ ચાલી રહ્યું છે જેમાં એ તપાસ કરવામાં આવી રહી છે કે શું તેના પરથી ચડીને કે તેમાં બાકોરું પાડીને કે તેની નીચે ટનલ બનાવીને ઘુસણખોરી શક્ય છે કે નહીં. યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન આ પ્રયોગ પર પોતાનો અંતિમ નિર્ણય આપશે.

  લાગતું વળગતું: ઓસામા બિન લાદેન અંગે ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટ વાતથી પાકિસ્તાની વડાપ્રધાન ગિન્નાયા

  અત્યાર સુધી કેટલા વિસ્તારમાં દીવાલ બની છે?

  અમેરિકા અને મેક્સિકોની સરહદ પર 653 માઈલ્સ સુધી અને એ પણ મોટાભાગે પશ્ચિમી વિસ્તારમાં અગાઉથી જ ઉભી કરવામાં આવેલી દીવાલ જોવા મળે છે. દક્ષિણ સીમાએ એટલેકે કેલીફોર્નિયા, એરિઝોના અને ન્યૂ મેક્સિકો રાજ્યમાં બેરીઅર્સ, ફેન્સિંગ અને અન્ય રીતે સરહદ બાંધવામાં આવી છે.

  આ દીવાલ પર કેટલો ખર્ચ થશે?

  એક અંદાજ અનુસાર આ દીવાલ પર ઓછામાં ઓછા 8 બિલીયન અને વધુમાં વધુ 67 બિલીયન અમેરિકી ડોલર્સ જેટલો ખર્ચ થઇ શકે છે. જો કે વિવિધ સંસ્થાઓ, કોંગ્રેસના સભ્યો અને ટ્રમ્પ સરકારના મંત્રીઓ દ્વારા આ ખર્ચ અંગે અલગ અલગ અંદાજ આપવામાં આવ્યા છે અને આ તમામ અંદાજોમાં જમીન હસ્તાંતરણનો ખર્ચ ઉમેરવામાં આવ્યો નથી.

  જમીન હસ્તાંતરણ જરૂરી છે?

  મેક્સિકો અને અમેરિકાની સરહદે અમેરિકાની તરફની બે તૃત્યાંશ જમીન કાં તો ખાનગી અથવાતો જે-તે રાજ્યની માલિકીની છે. હવે ટ્રમ્પ સરકારે જો અહીં દીવાલ બનાવવી જ હોય તો તેણે રસ્તાઓ તેમજ અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉભા કરવા પડે તેમ છે અને આ માટે તેને પેલા ખાનગી માલિકો અથવાતો જે-તે રાજ્યની સરકાર કોર્ટમાં ઘસડી જાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે જેને લીધે અમેરિકન સરકાર પર એક વધારાનો ખર્ચ આવીને ઉભો રહે તેમ છે.

  શું મેક્સિકો આ દીવાલ પર થનારા ખર્ચનો અમુક હિસ્સો ભોગવવા તૈયાર છે?

  મેક્સિકોના હાલના રાષ્ટ્રપતિ એનરીક પેન્યા નીએટોએ સ્પષ્ટપણે આ પ્રસ્તાવિત દીવાલ માટે આર્થિક મદદ કરવાની ના પડી દીધી છે. તો જવાબમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ મેક્સિકો પાસે વ્યાપાર માર્ગે કે અન્ય કોઈ રીતે નાણા વસુલ કરી લેશે. આ ઉપરાંત અમેરિકામાં કાયદેસર રહી રહેલા મેક્સિકોના નાગરિકો પર પેટ્રીઅટ એક્ટ લાગુ કરીને તેઓ જે નાણા પોતાના સગાંઓને મોકલે છે તેના પર કર લગાવીને પણ પૈસા વસુલ કરી શકવાનો આઈડિયા પણ ટ્રમ્પે વહેતો મૂક્યો છે.

  તો પછી સમગ્ર ખર્ચ કોણ ઉપાડશે?

  મેક્સિકો તો ખર્ચ ઉપાડવાની ના પાડી જ ચૂક્યું છે એટલે આ દીવાલરૂપી કન્યાનો ભાર અમેરિકન નાગરિકોની કેડે જ આવશે.

  જો આ દીવાલ બંધાઈ જાય તો આ આઈડિયા સફળ રહેશે?

  મેક્સિકોથી અમેરિકામાં હાલમાં લગભગ 150 બિલીયન અમેરિકી ડોલર્સના મુલ્યના ડ્રગ્સની ગેરકાયદે હેરફેર થાય છે. પરંતુ અમેરિકન નિષ્ણાતો માને છે કે આ દીવાલ બનવાથી આ પ્રવૃત્તિ પર કદાચ જ લગામ લગાવી શકાશે. જો કે વિવિધ જગ્યાઓ પર બેરીઅર્સની સંખ્યા જો વધારવામાં આવે તો કદાચ મદદ મળી શકે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્યામીન નેતનયાહુએ ડોનાલ્ડ ટ્રમ્પના દીવાલ બાંધવાના આઈડિયાની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેમને ઇઝરાયેલ અને ઈજીપ્ત વચ્ચે બાંધેલી દીવાલથી સફળતા મળી છે.

  આમ અત્યારે તો એક દીવાલના મામલે અમેરિકન રાષ્ટ્રપતિ અને કોંગ્રેસ વચ્ચે ‘ઠહેરી’ ગઈ છે અને અમેરિકન પ્રજામાં પણ મતમતાંતર જોવા મળી રહ્યા છે. આમ દેશની સુરક્ષા માટે દીવાલ બનાવવાનો આઈડિયા જ અમેરિકનો વચ્ચે દીવાલ ઉભી કરી રહ્યો છે.

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: દાળ બગડે તો દિવસ બગડે ને? જાણીએ ભારતની સ્વાદિષ્ટ દાળોની 4 રેસિપીઓ

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here