“દીદીગીરી”ની શું આ જ પરાકાષ્ઠા છે કે બેશર્મીનો હજુ કોઈ નગ્ન નાચ બાકી છે?

  0
  291

  પોતાની દીદીગીરી દેખાડીને શું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાનું ખરું સ્વરૂપ બતાવી દીધું છે કે હજી આપણે તેની પરાકાષ્ઠા જોવાની બાકી છે?

  Photo Courtesy: indianexpress.com

  CBIની તપાસ હેઠળનો પ્રત્યેક મામલો આ દેશના કોઈ એક રાજ્યમાં જ હોવાનો, જો દરેક રાજ્યની સરકાર આવા દરેક મામલે આ જ અભિગમ રાખે તો CBIના અસ્તિત્વનું ઔચિત્ય શું?

  બંધારણનું રક્ષણ? મૂર્ખ કોને બનાવો છો મેડમ, આ આખો દેશ પશ્ચિમ બંગાળ નથી!

  કોલકત્તામાં રવિવારે સાંજે જે કઈ બન્યું અને ત્યાર બાદ જે ઘટનાક્રમ આકાર લેતો ગયો તે માટે નાટ્યાત્મક જેવો શબ્દપ્રયોગ યોગ્ય નથી. તે માટે મોહ માયાનો, બેશર્મિનો નગ્ન નાચ જેવો શબ્દપ્રયોગ વધુ ઉચિત છે. દેશની સર્વોચ્ચ અદાલતના આદેશથી એક મહા કૌભાંડની તપાસ માટે સીબીઆઈ અધિકારીઓ કોલકત્તા ગયા તો તેમાં ખોટું શું કર્યું ? ખરેખર તો તેમને દરેક પ્રકારની સગવડ ઊભી કરી આપવી એ રાજ્યના મુખ્યમંત્રી તરીકે મમતા બેનરજીની મૂળભૂત ફરજ છે, તો પછી આટલી વ્યાકુળતા શાને દીદી?

  દીદીની વ્યાકુળતાનું અને દીદીગીરી પર ઉતરવાનું સાચું કારણ એ છે કે 2013માં અદાલત સમક્ષ આવેલા આ શારદા ચીટ ફંડ અને રોઝવેલી નામના રૂ. 3500 કરોડ ઉપરાંતના કૌભાંડની તપાસ કરનારા કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર સ્વયમ આ કૌભાંડની તપાસમાંયે વળી એક બીજું કૌભાંડ આચરવા બાબતે સ્પષ્ટપણે શંકાના દાયરામાં છે. અને આ મિ. રાજીવ કુમાર મમતાના ખાસ નજદીકી માણસ ગણાય છે. ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના અનેક નેતાઓ આ કૌભાંડમાં ખૂંપેલાં છે. આ મામલે રાજીવ કુમારની પૂછપરછ કરવા દિલ્હીથી કોલકત્તા ગયેલા પાંચ CBI અધિકારીઓને જ મમતાની પોલીસે ધરપકડ કરી લોકઅપમાં પૂરી દીધા! કોઈ હિન્દી ફિલ્મ સર્જકને પણ ન સૂઝે એવો ઘાટ થયો. CBIની તપાસ હેઠળનો પ્રત્યેક મામલો આ દેશના કોઈ એક રાજ્યમાં જ હોવાનો, જો દરેક રાજ્યની સરકાર આવા દરેક મામલે આ જ અભિગમ રાખે તો CBIના અસ્તિત્વનું ઔચિત્ય શું? કોઈ પણ રાજ્યના વડાને CBIની તપાસ પૂર્વગ્રહયુક્ત લાગતી હોય તો પણ સરકારના વડા તેને અટકાવવા કોર્ટમાં જઈ શકે છે. તે માટે મુખ્યપ્રધાન કક્ષાની વ્યક્તિ રાજ્યના પોલીસતંત્રનો ઉપયોગ કરી દીદીગીરી સોરી ગુંડાગીરી કેવી રીતે આચરી શકે ?

  લાગતું વળગતું: મમતાની દીદીગીરી ક્યાંક તેમની રાજકીય આત્મહત્યા સાબિત ન થાય

  1989ની બેચના IPS ઓફિસર રાજીવ કુમાર આમ તો  કોલકાતાના પોલીસ કમિશનર છે પણ, આ મહાશયે રાજ્યની જનતાના અબજો રૂપિયા ઓળવી જઈ તે અધધ નાણાં મોટા ભાગે TMCના નેતાઓને લહાણી કરી દેનાર શારદા ચીટ ફંડ અને રોઝવેલિ નામની કંપનીના માલિકો અને તેના નાણાં ડુબાડી દેનારા રાજકારણીઓને બચાવવામાં ગુન્હાહિત ભૂમિકા ભજવી હતી. 2013ના એપ્રિલમાં આ મામલો બહાર આવ્યા પછી પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે આ રાજીવ કુમારના વડપણ હેઠળ એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની (SIT) રચના કરી હતી. આ રાજીવ કુમાર આ કૌભાંડની તપાસ કરતા કરતા કાશ્મીર પહોંચ્યા હતા અને ત્યાં આ કંપનીના માલિક સુદીપ્ત સેન અને તેની સહયોગી દેવ્યાનીની ધરપકડ કરીને તેમની પાસેથી એક ડાયરી જપ્ત કરી હતી જેમાં આ કંપનીના નાણાં ઓળવી જનાર તમામ TMC નેતાઓની વિગત હતી. રાજીવ કુમાર પર એવો અધિકૃત આક્ષેપ છે કે તેઓએ આ ડાયરી સગેવગે કરી દીધી છે

  આ તમામ બાબતોની સચ્ચાઈ મામલે CBIનો પક્ષ ન લઈએ તો પણ કેન્દ્ર સરકાર સામે વિરોધ દર્શાવવાનું મમતાનું આ પગલું રાષ્ટ્ર સામે બંડ જેવું જ છે. મમતા મૂર્ખ તો નથી જ ત્યારે સવાલ એ છે કે તેને કઈ વાતનો ડર છે? અત્યંત આઘાતજનક વાત તો એ છે કે આ તપાસ મામલે CBIના અધિકારીઓ કોલકાતા પોલીસ કમિશનર સમક્ષ પહોંચ્યા ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન મમતા ખુદ સ્થળ પર પહોંચી તમાશો કરવા લાગ્યા. મોટા ભાગના વિરોધ પક્ષો સ્વાર્થથી પ્રેરાઈને મમતાનો સાથ આપી રહ્યા છે પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ રાષ્ટ્ર અને રાષ્ટ્રની પ્રજા માટે માઠા સમયનો સૂચક છે. ધરણાં પર બેઠેલા અડિયલ મમતાએ દીદીગીરી કરતા અત્યારે રાજકીય સ્ટંટરૂપે એવું એલાન કર્યું છે કે બંગાળ કેન્દ્ર પાસેથી કોઈ જ ભંડોળ નહી લે. પરંતુ સાચી વાત એ છે કે કેન્દ્રના નાણાં ભંડોળ પર રાજ્યની પ્રજાનો સહજ અધિકાર છે, તો કેન્દ્ર અને રાજ્યની પ્રજા વચ્ચે આવનાર મમતા કોણ? સ્પષ્ટ છે કે, મામલાને સળગાવી મમતા & કું 2019ની ચૂંટણીમાં રાજકીય ફાયદો મેળવવા માંગે છે.

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: ટૉક, વૉક, લાફ… બીકોજ… ઈંગ્લીશ ઈજ એ વેરી ફન્ની લેંગ્વેજ!

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here