ચીન અને ચીનીઓને ભારતીય સ્વાદનું ઘેલું લગાડતા એન્ટોની મુન્નુસ્વામી!

    1
    305

    જ્યાં એકબીજાની ભાષા સમજવાની પણ ઘોર તકલીફ હોય ત્યાં જઈને  ભારતીય ખાણું પીરસવું  અને તેને લોકપ્રિય પણ બનાવવું એ ખાંડાના ખેલ નથી. ચીન જેવા દેશમાં ભારતીય ફૂડને લોકપ્રિય કરનાર એન્ટોની મુન્નુસ્વામીની કથા વાંચીએ.

    ગયા અઠવાડિયે મારા ચીન પ્રવાસ દરમિયાન એક ભારતીય રેસ્ટોરેન્ટમાં જવાનું થયું. ‘ઈન્ડીયન કિચન’ નામના એ રેસ્ટોરેન્ટમાં જોઈએ એવું, મનભાવતું ભારતીય ભોજન પીરસાતું હતું. રેસ્ટોરેન્ટના પ્રવેશદ્વાર પર ‘Estd. In 1992’ લખેલું અને અંદર પ્રવેશતાં જ એક મોટા બૅનર પર એક ભારતીયનું નામ લખેલું – એન્ટોની મુન્નુસ્વામી! એવું કહેવાય છે કે એન્ટોનીભાઈ ચીનમાં ભારતીય ભોજનાલય ખોલનારા સૌથી પહેલાં ભારતીય છે. રેસ્ટોરેન્ટમાં જમીને આવ્યા બાદ ખાંખાખોળા કરવાના શરૂ કર્યાં અને એન્ટોનીઅણ્ણાની આખી સ્ટોરી શોધી કાઢી. તો આવો જાણીયે આ માણસે કઈ રીતે ચીન જેવા દેશમાં ઈન્ડીયન કિચન બ્રાન્ડની સ્થાપના કરીને ચીની દાઢમાં ભારતીય ચસ્કો ફેલાવ્યો.

    Photo Courtesy: indiankitchen.com.cn

    સન 1962માં ચીન અને ભારતના યુદ્ધ પછી ચીન સાથેનો આપણો વ્યવહાર લગભગ બંધ થઈ ગયેલો. હિન્દુસ્તાનીઓના મનમાં ચીની લોકો માટે એક કડવાશ ઊભી થયેલી અને સરહદની પેલી પાર શું થાય છે એ જાણવામાં પણ આપણને રસ નહોતો. એ વખતે 25 વર્ષના એક દક્ષિણ ભારતીય યુવાન ‘મુન્નુસ્વામી જ્ઞાનવેલુ’એ એક નાનકડા વેપારથી શરૂઆત કરી અને આજે રેસ્ટોરેન્ટ, મસાલા વેપાર અને બાંધકામના રસાયણોમાં રસ ધરાવતા 90 મિલિયન ડોલરના ભારતીય કિચન જૂથના માલિક છે.

    1952ની સાલમાં મદ્રાસમાં એક મસાલાના જથ્થાબંધ વેપારી પરિવારમાં મુન્નુસ્વામીનો જન્મ થયો. પરિવાર સાથે અણબનાવ બન્યો પછી 25 વર્ષની ઉંમરે તેઓ ફક્ત 50 હોંગકોંગ ડોલર લઈને મકાઉ પહોંચ્યાં. મકાઉ તે સમયે પોર્ટુગલ કોલોની હતું. મુન્નુસ્વામીએ જીવનનિર્વાહ માટે અંગ્રેજીના ટ્યુશન લીધા, સ્વેટર ગૂંથ્યા અને એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાળી મજૂરી કરી. પછી એ જ સાઈટ પર કોન્ટ્રેક્ટર બનીને વોટર પ્રૂફિંગમાં માસ્ટરી મેળવી. છેક 1984માં રીટા કેમ (Rita Kam) નામની એક ચીની યુવતી સાથે ઘર વસાવ્યું. વારંવાર બિઝનેસમાં ઠોકર ખાધા પછી નેવુંના દાયકામાં ભારતીય ફૂડને ચીની લોકો સુધી પહોંચાડવાની ઈચ્છાએ મુન્નુસ્વામીને ‘એન્ટોની’ બનાવી દીધા.

    એન્ટોની ચેટ્ટીનાડ વંશમાં જન્મ્યા છે, જેઓ ખાવાના શોખ માટે બહુ પ્રસિદ્ધ છે. જ્યારે તેઓ કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રેક્ટર બન્યા ત્યારે પોતાના ગ્રાહકોને ચાઈનીઝ કે પોર્ટુગીઝ રેસ્ટોરેન્ટમાં લઈ જતાં. એ વખતે (1977 થી 1990ના ગાળામાં) મકાઉમાં કોઈ એવું રેસ્ટોરેન્ટ ન હતું જે ભારતીય ફૂડ સર્વ કરે. આપણા ગરમ મસાલા અને તીખાં મરચાંની સુગંધવાળું ભોજન તેમને હંમેશા યાદ આવતું. બસ, આ જ યાદથી તેઓ અધીરા થયા અને 1990માં મકાઉમાં પહેલું-વહેલું ભારતીય રેસ્ટોરેન્ટ શરૂ કર્યું. રેસ્ટોરેન્ટ શરૂ થવાના બે અઠવાડિયામાં જ ગ્રાહકોની લાઈન લાગવા માંડી. પછી તો લોકો ટેબલનું ઍડવાન્સ બુકીંગ કરવા લાગ્યા. જોતજોતામાં એ જ વર્ષે એન્ટોનીભાઈએ એક માંથી બે રેસ્ટોરેન્ટ ખોલી. પણ બે માંથી એક રેસ્ટોરેન્ટને એક પોર્ટુગીઝ દ્વારા સંચાલિત રેસ્ટોરેન્ટની હરિફાઈનો સામનો કરવો પડ્યો અને બંધ કરવી પડી.

    બે વર્ષમાં જ એન્ટોનીભાઈ રાજકીય પ્રવાહ ઓળખી ગયા અને ખબર પડી ગઈ કે પોર્ટુગીઝોએ મકાઉ ચીનને સોંપી દેવું પડશે. આ જ વાતના સમર્થનમાં તેઓ મુખ્ય પ્રવાહમાં જોડાવા ચીનના ગુઆંગડાંગ પ્રાંતના ઝુહાઈ શહેરમાં પહેલું ઈન્ડિયન રેસ્ટોરેન્ટ ખોલ્યું. પછી ઝાંગશાનમાં બીજું રેસ્ટોરેન્ટ ખોલ્યું. પછી તો એન્ટોનીભાઈને એવી ફાવટ આવી ગઈ કે 1995માં એક ફ્રેન્ચાઈઝી મોડલ હેઠળ ચીન અને મકાઉમાં ‘ઈન્ડિયન કિચન મેનેજમેન્ટ’ નામક કંપનીની સ્થાપના કરી.

    આજે ચીનમાં વેપાર કરી રહેલા બધા જ ભારતીય વ્યવસાયી કરતાં આ ભાઈ ધનવાન છે. મુન્નુસ્વામી કહે છે કે “ચીની નકશામાં જ્યાં તમારી આંગળી મૂકો ત્યાં મારા ઉત્પાદનો અથવા મારા સાથીઓ હશે.” ફ્રેન્ચાઈઝીમાં ફક્ત ભારતીય ફૂડ જ સર્વ થાય એવા કડક નિયમો તેમણે બનાવ્યા. રેસ્ટોરેન્ટ ખોલનારને થોડી મદદ થાય એ માટે તેઓ ભારતીય મેનેજર અને ચાર ભારતીય રસોઈયા પણ પૂરા પાડે છે. બાકીના સ્ટાફને ટ્રેઈનિંગ આપવામાં આવે. એક એવો પણ કાયદો બનાવ્યો કે નફો થાય કે નુકસાન, દરેક રેસ્ટોરેન્ટના માલિકે ટર્નઓવરના પાંચ ટકા હિસ્સો એન્ટોનીભાઈની મુખ્ય કંપનીને રોયાલ્ટી તરીકે ચૂકવવો.

    લાગતું વળગતું: ડ્રેગનને ભારતીય બનાવી દેતું દેસી ચાઇનીઝ ફૂડ અને બે રેસિપીઝ

    ઉદ્યોગસાહસિકો માટે, નિયમપાલન અને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો એ ચીની મુસાફરીનો એક ભાગ છે જ. પણ એથીયે મોટી સમસ્યા ભાષાની છે. જો તમે ચીનમાં ગંભીર વ્યવસાય કરવા માંગો છો, તો તમારે મેન્ડેરીન (ચીની ભાષા) બોલવી જ પડશે. ત્યાંની કંપનીઓના વરિષ્ઠ મેનેજમેન્ટ અને સરકારી અધિકારીઓ પણ અંગ્રેજીમાં નથી બોલતાં. અને ચાઈનીઝ ભાષા શીખવી તે ખૂબ જ પડકારરૂપ બની શકે છે, તેમાં 10,000 થી વધુ અક્ષરો છે. ભારતીયોની જેમ, ચીની પ્રજા પણ ખૂબ સાંસ્કૃતિક વલણ ધરાવે છે. જે રીતે તેઓ વ્યવસાય કરે છે તેનાથી આપણે પ્રભાવિત થવું જ રહ્યું. ઉદાહરણ તરીકે, તેઓ માઉથ પબ્લિસિટીમાં વધુ માને છે. કોઈના મોઢે નીકળેલી વાહવાહી ચીનમાં ખૂબ શક્તિશાળી માધ્યમ છે. મુન્નુસ્વામી કહે છે કે, તેમની ચીની પત્ની રીતા કામએ ચીનના સાંસ્કૃતિક લખાણો વાંચવા અને બોલવા માટે તેમને મદદ કરી હતી.

    આ જ બેનર હેઠળ એન્ટોની અણ્ણાએ ઝુહાઈમાં એક મસાલા ફેક્ટરી પણ સ્થાપી જેમાં દોઢ લાખ સ્ક્વેરફૂટમાં 300 માણસોને રોજગારી મળે છે. તેમની કન્સ્ટ્રક્શન કંપની ભારતીય બિલ્ડર્સ અને સિમેન્ટ-માટીના જથ્થાબંધ વેપારીઓ પાસેથી ચીનમાં ખરીદી પણ કરે છે. છેલ્લા છ વર્ષમાં ચીનમાં ભારતીયોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે, અને ઉદ્યોગસાહસિકોની સંખ્યા પણ વધી રહી છે.

    મુન્નુસ્વામી કહે છે કે ચીનમાં સારું કામ કરનારા ઘણાં ભારતીયો છે અને એ દરજ્જાને વધુ ને વધુ ઊંચો વધારવાનો મારો સંકલ્પ છે. શા માટે ચીનની વૈશ્વિક બેઠકમાં ભારતીય સાહસિકો જઈ શકતા નથી, એવા આશ્ચર્યથી એન્ટોનીદાદા કહે છે – હું ચીનમાં એક નવું મોડેલ બનાવી રહ્યો છું અને પછી, હું તેને વૈશ્વિક લઈશ. હાલમાં, તેમની રેસ્ટોરેન્ટ ચેઇન ‘ઇન્ડિયન કિચન’ના ફ્રેન્ચાઇઝી મોડેલ દ્વારા એવરેસ્ટ મસાલા, કિંગફિશર બિઅર, કોહિનૂર બાસમતી ચોખા, અને પિલ્સબરી આટાની સાથે અન્ય ભારતીય બ્રાન્ડ્સને ચીનના દરેક ખૂણે લઈ જવામાં વ્યસ્ત છે.

    ઈન્ડિયન કિચન મેનેજમેન્ટના બેનર હેઠળ ચાલતી 23 રેસ્ટોરેન્ટમાં 2000 જેટલા લોકો કામ કરે છે, જેમને સરેરાશ 40 થી 50 હજાર પગાર ઉપરાંત શેરિંગમાં રહેવાની સગવડ પણ મળે છે. આ રહી એમની વેબસાઈટ: http://www.indiankitchen.com.cn/?_l=en

    પડઘોઃ

    બીજા દેશોમાં મેં જોયેલા ભારતીય રેસ્ટોરેન્ટના નામ આવા હોય છેઃ ઉડીપી કેફે, મુંબઈ મસાલા, મદ્રાસ પેવિલિયન, વેજવાના, મસાલા વોક, ડેલ્હી દરબાર….

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: કોંગ્રેસ અને વિપક્ષો ભારતને ચૂંટણીરૂપી પાષાણ યુગમાં પરત લઇ જવા માંગે છે

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here