ક્વિક ભૂખનું ક્વિક સોલ્યુશન એટલે હલકો ફૂલકો માઇક્રોવેવ ચેવડો!

    0
    288

    બાળક ભૂખ્યું થાય અને એને જો તરત જ ભૂખ લાગે તો એની ભૂખ શાંત કરવા માટે મમ્મીઓ માટે એક હાજર હથીયાર છે જેનું નામ છે ચેવડો! અને આ ચેવડો જો માઈક્રોવેવમાં ફટાફટ બની જાય તો?

    Photo Courtesy: foodnthought.com

    મમ્મીઓને એક મોટી તકલીફ, છોકરું ક્યારે ભૂખ્યું થઇ જાય એની ખબર જ ન પડે! વળી છોકરું ભૂખ્યું થાય એટલે એને વળી ફટાફટ નાસ્તો પણ જોઈએ? હવે કાયમ તો નાસ્તો ઘરમાં હોય જ એવું જરૂરી નથી? વળી બાળકની નાસ્તાની માંગ પણ બહુ ઉંચી હોય એટલે એ બધા નાસ્તાઓ બનાવવામાં પણ સમય લાગે જે ન તો તમને પોસાય કે ન તો બાળકને. તો આવામાં કરવું શું?

    સિમ્પલ! કોઈ ફટાફટ બની જતી વાનગી હાથવગી હોવી જોઈએ. પરંતુ કાયમ તો આવું ન બને ખરુંને? પણ આજે આપણે એક એવી જ ફટાફટ વાનગી વિષે જાણીશું જે ફટાફટ તો બનશે જ અને એની સાથેસાથે તે પૌષ્ટિક પણ હશે. આ વાનગી છે ચેવડો!! જી હા, ચેવડો. તમને લાગતું હશે કે ચેવડો તો ગુજરાતના ઘરેઘરમાં ઉપલબ્ધ હોય છે તો એમાં નવું શું છે? નવું એ છે કે આજે આપણે ચેવડાની જે રેસિપી સમજવાના છીએ તે ચેવડો માઈક્રોવેવમાં બનશે અને માત્ર બાળકો જ નહીં પરંતુ પોતાના વજનની ચિંતા કરતા મોટાઓ પણ તેને મન ભરીને ખાઈને આનંદ મેળવી શકશે. વળી આ ચેવડા માટે જોઈતી તમામ સામગ્રી ઘરમાં જ ઉપલબ્ધ હોય છે.

    તો ચાલો જાણીએ આપણો માઈક્રોવેવ ચેવડો કેમ બનશે!

    તૈયારીનો સમય: 5 મિનીટ્સ

    કુલ સમય: 15 મિનીટ્સ

    કેલરી: 430

    સામગ્રી (8 લોકો માટે)

    • 4 કપ પૌંઆ
    • 2 ટેબલસ્પૂન બુરું ખાંડ (દળેલી ખાંડ)
    • 4 ટેબલસ્પૂન કાચી શીંગ
    • 1 ટીસ્પૂન હળદર પાઉડર
    • 2 ચપટી હિંગ
    • 2 ટેબલસ્પૂન રીફાઈન્ડ તેલ
    • 2 ટીસ્પૂન રાઈ
    • 2 ટીસ્પૂન જીરું
    • 4 મધ્યમ કાપેલું લીલું મરચું
    • લીમડાના 8 પત્તાં
    • 2 ટીસ્પૂન મીઠું
    લાગતું વળગતું: મળો તમારા નાનકડા બાળકની તંદુરસ્તી જાળવવા માટેની ખાસ ખોરાક ઈલેવનને!

    માઈક્રોવેવ ચેવડો બનાવવાની રીત

    1. લીલા મરચાંને મધ્યમ કદમાં કાપતાં કાપતાં માઈક્રોવેવમાં સેફ બાઉલમાં થોડું તેલ નાખીને તેને 3 મિનીટ માટે હીટ કરવા મૂકી દો.
    2. ત્રણ મિનીટ બાદ બાઉલ બહાર કાઢી તેમાં જીરું, રાઈ અને કાપેલું લીલું મરચું તેમાં નાખી બાઉલને ફરીથી 2 મિનીટ માટે માઈક્રોવેવમાં મૂકી દો.
    3. ફરીથી બાઉલ બહાર કાઢી અંદર રહેલા મિશ્રણમાં કાચી શીંગ ઉમેરો અને ફરીથી એક મિનીટ માટે બાઉલને માઈક્રોવેવમાં મૂકી દો.
    4. હવે બાઉલમાં હિંગ અને હળદરનો પાઉડર ઉમેરી તેને 10 સેકન્ડ્સ માટે માઈક્રોવેવમાં મૂકો.
    5. હવે તમારી પાસે રહેલા પૌંઆને મિશ્રણમાં ઉમેરી તેને 4 મિનીટ માટે માઈક્રોવેવમાં મૂકો અને દર મિનીટ બાદ બાઉલ બહાર કાઢીને મિશ્રણને બરોબર હલાવતા રહો.
    6. 4 મિનીટ્સ બાદ બાઉલ બહાર કાઢીને તૈયાર થયેલા ચેવડા પર મીઠું ભભરાવીને સર્વ કરો!

    તો તમને આ ઈન્સ્ટન્ટ માઈક્રોવેવ ચેવડો બનાવવાની સરળ રીત પસંદ આવી હશે. તમે તમારા મંતવ્યો નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં જરૂર આપી શકો છો.

    eછાપું

    તમને ગમશે: ભારતમાં લોકપાલની નિમણુંક કરવી એટલે ‘બિરબલની ખીચડી’

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here