ટાઈમપાસ – સોળમે વર્ષે એન્ટ્રી અને વાગી ગઈ ઘંટી…ટીંગ ટીંગ ટીંગ

    0
    402

    ટીન એજમાં થતો પ્રેમ એટલે એવો પ્રેમ જે ક્યારેય ભૂલાય નહીં. જીવન પૂરું થઇ જાય પણ આ પહેલો પ્રેમ ન ભૂલાય. મરાઠી ફિલ્મ ટાઈમપાસ પણ આ જ પ્રકારની વાત કરે છે.

    Photo Courtesy: dailymotion.com

    ડૉ. મુકુલ ચોક્સીએ થોડા સમય પહેલાં એક કવિતા પોતાના ફેસબુક વોલ પર મૂકેલી. એકદમ સચોટ અને સાચૂકલી લાગે એવી કવિતાના શબ્દો જુઓઃ

    એક યુવાન લવારા કરતો આવ્યો. મેં એને તપાસ્યો.

    હ્રદયની ધોરી નસમાં ગુલાબની તાજી પાંખડીઓ ભેરવાઈ ગઈ હતી

    શ્વાસનળીમાં પારેવડાનો ટહુકો ફસાયો હતો

    આંસુ ગુલાબી થઈ ગયા હતાં

    હોજરીમાં ચાંદનીના ચાંદા પડ્યા હતાં

    સ્વરપેટી પર કોઈના કામણગારા નામના સોજા હતાં

    સગા પૂછે, “સાહેબ એને શું થયું છે?”

    મેં કહ્યું: “કંઈ ખાસ નથી, જરા ઝેરી વેલેન્ટાઈનની અસર જેવું છે.”

    સગા પૂછેઃ “સાહેબ, શું કરીએ?”

    મેં કહ્યું: “એને ઉજાગરા કરવા દો, ખાવાનું અનિયમિત બનાવી દો, દાઢી વધારવા દો, મીકા તથા હની સિંઘ સંભળાવો અને કાનમાં, જોરથી ‘શાકીરા શાકીરા’ બોલો, એટલે સારો થઈ જશે.”

    દેશમાંથી સાઢુભાઈ આવે તેમ વેલેન્ટાઈન્સ ડે આવશે અને જતો રહેશે. કેટલાય નવા જોડા (ચપ્પલ નહીં, કપલ) બનાવતો જશે અને કેટલાય જૂના જોડા તોડતો જશે. જો કે, આજે મારે થોડો ટાઈમપાસ કરવો છે. વર્ષ 2014માં એક મરાઠી ફિલ્મ ખૂબ ગાજેલી. ફિલ્મનું નામ ‘ટાઈમપાસ’ પણ સ્ક્રીનપ્લે ટાઈમપાસ નહોતો. ટાઈમપાસ ફિલ્મની શરૂઆતની અને છેવટની એમ બંને ફ્રેમમાં એક-એક ક્વોટ લખેલા હતા. શરૂનું ક્વોટ હતું – There is no love like the first (પહેલા પ્રેમ જેવો એક પણ પ્રેમ નથી) અને છેવટનું ક્વોટ હતું – The memory of your first love never fades away (પહેલા પ્રેમની યાદ ક્યારેય ક્ષીણ થતી નથી).

    ટાઈમપાસ ફિલ્મની સ્ટોરી એકદમ સિમ્પલ. ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ સમાન બે પાત્રો. છોકરાનું નામ ‘દગડુ પરબ’. જીવનમાં ફક્ત બે ને માને – એક સાઈબાબા અને બીજા એના આઈબાબા (એટલે મા-બાપ). ભણવામાં ઢબૂનો ઢ. સવારે ઘરે-ઘરે છાપા નાખવા જાય, બાકી આખો દિવસ આળાટોળા ને આશિર્વાદ. છોકરી સભ્ય કુટુંબની દીકરી. નામ એનું ‘પ્રાજક્તા લેલે’. દેખાવે સાદી, પંજાબી ડ્રેસ પહેરે, બે ચોટલા વાળે, એક ચોટલા પર ફૂલ લગાડે. હળવેથી બોલે, શાંત રહે, મા-બાપની બધી વાત માને, નાચવાનું મન થાય તોયે ઈચ્છાઓને દબાવીને રાખે – આ બધાનું એક જ કારણ, પ્રાજક્તાના પપ્પા માધવરાવ લેલે. જૂનવાણી, ખડૂસ, સિધ્ધાંતવાદી ફાધર. બોલવાની ભાષા અને પહેરવાની ભૂષા તદ્દ્ન સ્વચ્છ, પણ પ્રેમ નામના શબ્દથી ચીડ.

    પ્રાજક્તાને પહેલી વાર જોઈ અને દગડુના મનમાં ફણગા ફૂટ્યા. પહેલા પહેલા પ્રાજક્તાએ ભાવ ન આપ્યો પણ જેમ છાશવારે બંને મળતા થયા તેમ એકબીજા પ્રત્યે આકર્ષણ જામતું ગયું. પ્રાજક્તા ભણેલી હતી એટલે એનો પ્રેમનો એકરાર કંઈક આવો હતોઃ “કાંઈ સમજાતું નથી. કાંઈક ખોવાયું હોય એવી ફિલીંગ આવે છે, મનના ખૂણેખૂણામાં શોધ્યું પણ એ જડતું નથી. મનમાં વમળો સર્જાયા કરે છે. હ્રદયના ધબકારા વધી ગયા છે. ગીતો ગાતી વખતે સૂર એકદમ પરફેક્ટ લાગે છે અને આંખ બંધ કરું તો બધે તું જ દેખાય છે.”

    દગડુને આમાં કાંઈ સમજાતું નથી. એ ફક્ત પૂછે છે કે “આઈ લવ યુ” છે કે નથી. એમ કરતાં કરતાં તાજા ચોખ્ખા ઘીમાં ઝબોળેલી પૂરણપોળી પ્રાજક્તાને ડેરિંગબાજ દગડુ જેવા બોંબિલ-ફ્રાયનો રંગ ચઢી જાય છે. પછી વધુ મળવાનો, સાથે ફરવા જવાનો, લવ-લેટર લખવાનો સિલસિલો ચાલુ થાય છે અને પછી વિલન પપ્પાને ખબર પડે એટલે બંને છૂટ્ટા પડી જાય છે. (આ ટાઈમપાસ ફિલ્મના ફક્ત પહેલા ભાગની વાર્તા છે. ‘ટાઈમપાસ-2’ નામનો બીજો ભાગ પણ રિલીઝ થયો અને સુપરહીટ ગયો).

    લાગતું વળગતું: Valentine’s Day Special: જ્યારે પ્રેમ રિજેક્ટ થાય ત્યારે પ્રેમનું ઇન્જેક્શન લ્યો

    સામાન્યત: 3 વર્ષે પ્લેહાઉસ, 5 વર્ષે પહેલું ધોરણ એમ ગણો તો 15 વર્ષે એસ.એસ.સી. અને સોળમે વર્ષે કૉલેજ પ્રવેશ થાય. સોળ વર્ષની ઉંમર એવી હોય કે એમાં ફટાકથી પ્રેમ થઈ પણ જાય અને પાછો તરત વરાળની જેમ ઊડી પણ જાય. ટાઈમપાસ જેમ સોળ વર્ષે પહેલો પ્રેમ થાય એ ‘પ્રેમ’ છે કે ‘ક્રશ’ એ જ ક્લિયર ન હોય પણ એ ફિલિંગ અવર્ણનીય હોય છે. શરીરના કોષોમાં પતંગિયા પાંખો ફફડાવવા માંડે, લોહીના એક-એક કણમાં અળસિયા હલનચલન કરવાં માંડે, કૅડબરી સિલ્ક જેવી સુંવાળી સુંવાળી ફિલીંગ્સ આવે, અંધારી રાતમાં મેઘધનુષના સાતેય રંગ દેખાવા માંડે.

    હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ એવું કહેતાં કે:

    સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લ્હેર પણ ઝળકી ઉઠેલી બીન લાગે છે,

    એ કુદરત હોય કે માનવ એક સરખો છે અનુભવ આ, પ્રેમમાં હો ત્યારે બધું રંગીન લાગે છે.

    છોકરાને ખબર પડે કે છોકરી ક્યાં રહે છે, એના ઘરમાં કોણ કોણ છે ત્યાર પછી એના ઘરની આજુબાજુ આંટાફેરા ચાલુ થઈ જાય. ઘરનાંવને ઈમ્પ્રેસ કરવાના બહાના શોધવા માંડે. ‘મુજસે મહોબ્બત કા ઈઝહાર કરતી, કાશ કોઈ લડકી મુઝે પ્યાર કરતી’ જેવા ગીતો ગાઈને પોતે પણ બોર થાય અને બીજાને પણ કરે. સિનેમાના ડાયલૉગ્સ તો હનુમાન ચાલીસા બોલતા હોય એમ બોલી નાખે. જો કદાચ ‘એકસો તેતાલીસ’નો અર્થ ખબર ન હોય તોયે ‘143’ લખીને છોકરી સાથે એના અર્થને અનર્થ કરવા (અંગ્રેજીમાં અનર્થ એટલે શોધી કાઢવું) તૈયાર થઈ જાય. પેલીને મળવા માટે બેચેની વધતી જાય તો ભગવાનને પ્રાર્થના કરે કે, ‘હે ભગવાન, એવું કંઈક કરો કે પેલી એક વાર મારી સામે જુએ’.

    જેમ ટાઈમપાસ ફિલ્મમાં જોયું તેમ અસલ જિંદગીમાં ભગવાન પણ આવા નવા પ્રેમીઓનો સાથ આપે અને ચમત્કાર કરે કે બંને જણ કોઈક કારણસર આમને-સામને આવી જ જાય. એક વાર જો છોકરી છોકરા પર ઇમ્પ્રેસ થઈ ગઈ પછી તો ન પૂછો વાત….પછી તો છોકરો જ્યાં જાય ત્યાં તીર ઘૂસેલા દિલ દોરવા માંડે. પેલીને ગમે એવા ટીશર્ટ અને જૅકેટ પહેરવા લાગે. એને એમ થાય કે સાઈકલ પર ડબલ સીટ બેસાડીને ‘સોનેકી સાઈકલ, ચાંદીકી સીટ, આઓ ચલે ડાર્લિંગ, ચલે ડબલ-સીટ’ જેવા ગીતો ગાઈએ. એના દુપટ્ટાનો સ્પર્શ થાય ત્યાં તો પેલી ટૂથપેસ્ટની જાહેરાતમાં દેખાડે એવી ઝનઝનાટી કરતાંય જોરદાર ઝણઝણાટી આખા શરીરમાં થવા માંડે. એને એમ પણ થવા માંડે કે આ ફૂલ, કળી, નદી, આકાશ, બાગ-બગીચા બધાને કહી દો કે મને પ્રેમનું ગાંડપણ લાગ્યું છે. સ્વપ્નમાં લગ્ન થઈ જાય, પછી તો ‘હું, તું અને બીજું કોઈ નહીં’ એવી મોટી મોટી વાતો થાય. એકબીજા પર મરી-મિટવાની કસમો ખાઈ બેસે. બગીચામાં ફૂલ ગમે એ વાત તો સમજ્યા પણ રસ્તામાં પડેલી ફૂલની પાંખડીઓ પણ ગમવા માંડે.

    આવી અદ્‍ભૂત ભાવનાઓમાં કદાચ કંઈક અણબનાવ બને અથવા તો ઘરનાંવને ખબર પડી જાય અને આ નવા-સવા પ્રેમી-પંખીડાઓને સંબંધ કાપી નાખવો પડે ત્યારે જોવા જેવી થાય છે. દુઃખની વીજળી એવી પડે કે એમના દિલમાં બનાવેલા મહેલો પણ બળીને રાખ થઈ જાય. એમના સપનાના વાવેતરનું તહેસ-નહેસ થઈ જાય.

    ખરી રીતે તો આવી મુગ્ધ ઉંમરે દિલનું કંટ્રોલ હોર્મોન્સ દ્વારા થાય છે. એટલે બિચારા પ્રેમીઓ પણ શું કરે? ઉંમરના આ રેશમી વળાંકો પર ડ્રીમી ડ્રીમી થવું સ્વાભાવિક છે. માટે આવી ટીનએજમાં ભણતી વખતે કોઈ ઈમોશનલ અપેક્ષા વિના ફક્ત એન્જોય કરવા માટે રીલેશન્સ રાખીએ તો ઓછા હેરાન થવું પડશે! સમય જતાં સંબધ મજબૂત બને તો સારું અને ન બને તો વીતાવેલી ક્ષણોને લાઈફટાઈમ મેમરીમાં રાખીને આગળ વધવું હિતકારી છે. કદાચ ટાઈમપાસ ફિલ્મમાં પણ આમ જ દેખાડવામાં આવ્યું છે.

    પડઘોઃ

    મનુષ્યોનો વેલેન્ટાઈન્સ ડે તો ઉજવાય છે પણ જો પ્રાણીઓનો પણ વેલેન્ટાઈન્સ ડે ઉજવાય તો? USAમાં રહેતા યુવા લેખક અને ફેસબુક મિત્ર સાક્ષર ઠક્કરની એક હાસ્યકવિતાની મજા લઈએ:

    ડાઘીયો કુતરો અરીસાના ટુકડામાં જોઈ ખાતરી કરે છે કે પાંથી ફાઈન છે;

    કાશીમાની પાછળ શરમાઈને બેસેલી કુતરી ડાઘીયાની વેલેન્ટાઇન છે.

    ડેટ પર પહેલા કાગડો કાગડીને થોડી સતાવશે,

    પછી કુંજામાંથી પાણી પીધાની પોતાની ટ્રીક બતાવશે.

    એક બાજુ કાગડો બીજી બાજુ કાગડી ને કુંજામાં રેડ વાઈન છે.

    ઉંટના અઢારેય વળાંકો પર આજે ઉંટડી પુરેપુરી ફિદા છે,

    એકલુ ફરવા જતું’તું રીંછ આજે એના હાલ પણ જુદા છે;

    મધપુડાના વન સુધી આંટો મારવા માટે રીંછણોની લાઈન છે.

    પાસે ચરતી હતી એ ગાય પર બળદ મોહી બેઠો;

    સાડી પહેરેલી બિલાડી જોઈને મગર દિલ ખોઈ બેઠો,

    કોઈ શિકાર નથી થયો આજે, સિંહની ગુફાની બહાર ‘ડુ નૉટ ડિસ્ટર્બ’ની સાઈન છે.

    eછાપું 

    તમને ગમશે: ઈરાનનું ચાબહાર પોર્ટ ભારત માટે કેમ મહત્ત્વનું છે એ સમજવાના સાત કારણો

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here