સારી નોકરી મેળવવા માટેની લાયકાત કેવી રીતે કેળવી શકાય?

  1
  457

  માત્ર નોકરી મેળવવી એ જ આપણું ધ્યેય ન હોવું જોઈએ, પરંતુ સારી નોકરી મેળવવી એ લક્ષ્ય સાથે આપણે આગળ વધવું જોઈએ. આ માટે આપણે શું તૈયારી કરી શકીએ જેથી આપણે નોકરીદાતાની અપેક્ષા પર સાચા ઉતરી શકીએ.

  Photo Courtesy: apiaviation.com

  શ્રદ્ધાબેન આજકાલ ખૂબ ખુશ દેખાય છે. તેમનો એકનોએક પુત્ર ઉમેદ BComમાં પાસ થઇ ગયો છે. શ્રદ્ધાબેન અને તેમના પતિ વિશ્વાસભાઈએ ઉમેદને ઘણાં પરિશ્રમ અને લાડકોડથી ઉછેર્યો છે. હવે, તેમની અપેક્ષાઓ બસ એટલી છે કે ઉમેદને સારી નોકરી મળે અને કુટુંબ માટે સુખનાં દિવસો આવે. શ્રદ્ધાબેન દરરોજ ઉમેદને પૂછે છે કે શું તેને આજે કોઈ સારી નોકરી મળી? કમનસીબે, ઉમેદ એક જ જવાબનું પુનરાવર્તન કર્યા કરે છે – ના.

  ઘણા લોકો શ્રદ્ધાબેન જેવું જ વિચારતા હોય છે. જેવો કોઈ વ્યક્તિ તેનો અભ્યાસ પૂર્ણ કરે કે તેઓ વિચારે છે કે બસહવે તેણે સારી નોકરી લઇ લેવી જોઇએ અને કમાવાનું શરૂ કરી દેવું જોઈએ. પરંતુ, શું સારી નોકરી મેળવવાનું એટલું સરળ છે? શું સારી નોકરી મેળવવા માટે શિક્ષણ એ જ એકમાત્ર લાયકાત છે? તમે શું વિચારો છો, તમને શું લાગે છે? ચાલો, ચર્ચા કરીએ.

  ચાલો, સૌ પ્રથમ એમ્પ્લોયરના દ્રષ્ટિકોણથી વિચારીએ. કોઈ એમ્પ્લોયર શા માટે એક કર્મચારીની ભરતી કરે છે? તેની સંસ્થાનું કામ પૂર્ણ કરવા માટે, ખરૂં ને? જેમ આપણે જાણીએ છીએ તેમ કોઇપણ કામ પૂર્ણ કરવા માટે, વ્યક્તિને – જ્ઞાન (Knowledge), કુશળતા (Skills), ક્ષમતા (Ability) અને પ્રેરકબળ (Motivation) – એ ચારેયની આવશ્યકતા પડે છે. ઉપરના ઉદાહરણમાં, ચાલો ધારીએ કે ઉમેદ તેની માર્કશીટને રજૂ કરીને તેના પાયારૂપ જ્ઞાનનો પુરાવો પ્રસ્તુત કરી શકે છે. પરંતુ બીજા ત્રણ પરિબળો વિશે શું? આ ચારેચાર પરિબળો તેમનાં જરૂરી સ્તર પ્રમાણે ન હોય ત્યાં સુધી સારી નોકરી મેળવવાની શક્યતા ઓછી રહે છે. અને તેથી કોઈ સારી નોકરી મેળવવા માટે, તમારે આ ચાર પરિબળોમાંથી દરેકને સમજવું જોઈએ તેમજ જરૂરી સ્તર પ્રમાણે વિકસાવવું જોઈએ.

  જ્ઞાન એ કોઈ પણ કાર્યની પાયાની આવશ્યકતા છે. પરંતુ શિક્ષણ સંસ્થાઓમાંથી પ્રાપ્ય જ્ઞાન નોકરીને લગતાં કામો માટે પૂરતું હોતું નથી. અને તેથી ઉમેદવારોએ તે વિશે હજુ વિશેષ જાણવાની જરૂર પડે છે.

  ઉપરના ઉદાહરણમાં જરા કલ્પના કરો કે ઉમેદ કોઈ કંપનીમાં ક્લર્કની નોકરી મેળવવા માંગે છે. આથી, ઉમેદને તેના મૂળ એકાઉન્ટિંગના જ્ઞાન ઉપરાંત એમ પણ જાણવાની જરૂર રહેશે કે જ્યાં તેઓ ઇન્ટરવ્યૂ આપશે તે કંપની કયા પ્રકારનાં એકાઉન્ટ્સ જાળવે છે અને કંપનીમાં ક્લાર્ક તરીકે કામ કરતા વ્યક્તિની પાસેથી શું અપેક્ષિત રહેશે. મોટાભાગની કંપનીઓ વૅકેન્સી અંગેની તેમની જાહેરાતમાં જ જોબ ડિસ્ક્રીપ્શન વિભાગ હેઠળ આવી માહિતી જાહેર કરે છે. પછી નોકરીના અરજદારે તેવા કાર્યો અંગે શું કરવું, ક્યારે કરવું, ક્યાં કરવું વગેરેની માહિતી લેવી જરુરી બને છે. આ અંગે હંમેશા સ્વાનુભવ જ હોય તે જરૂરી નથી. ક્યારેક જે વ્યક્તિ અગાઉથી જ આવા કાર્યો કરતી આવી છે તેની સાથે સઘન ચર્ચા કરીએ, તો એ પણ મદદરૂપ નીવડી શકે. પુસ્તકો અથવા ઇન્ટરનેટ પરથી વાંચવું પણ કામમાં આવી શકે છે.

  જે સંસ્થામાં અરજી કરી છે તે સંસ્થા વિશે પણ ઉમેદવારે જાણવું જ જોઈએ. સંસ્થાઓ વિશે ઘણી બધી માહિતી તેમની વેબસાઈટ પર જ ઉપલબ્ધ હોય છે, જેના દ્વારા ઉમેદવાર જાણી શકે છે કે તે સંસ્થાનું વિઝન અને મિશન તેના પોતાના ધ્યેયોને અનુકૂળ છે કે કેમ. સંસ્થાના વ્યવસાયનો પ્રકાર અને કદ સમજીને ઉમેદવાર અનુમાન કરી શકશે કે નોકરી દરમ્યાન પોતાને કેવા પ્રકારનાં પડકારોનો સામનો કરવો પડી શકે છે, તેમજ પોતે તે અંગે સુયોગ્ય અને સક્ષમ છે કે નહીં. કંપની વિશેનું જ્ઞાન ઇન્ટરવ્યૂ દરમિયાન પણ ઉમેદવારને મદદ કરશે.

  આપણે હમણાં ચર્ચા કરી કે અરજદારે નોકરીના કાર્યો વિશે શું કરવું વગેરે અંગે જાણવાની જરૂર છે, તદુપરાંત તેના સંબંધમાં જો અરજદાર આપેલ કાર્યો કેવી રીતે પાર પાડવાં તે અંગે પણ જાણી શકે તો તે વધુ સારું રહેશે. આ વલણ અરજદારની કુશળતા અને ક્ષમતાનું પ્રતિબિંબ પાડે છે.

  લાગતું વળગતું: શું તમે જોબ ઇન્ટરવ્યુ માટે જાવ છો? તો આ ટિપ્સ ખાસ વાંચીને જજો

  તમારી કુશળતા અને ક્ષમતાઓ સાબિત કરવા, તમે ઇન્ટરવ્યૂ માટે જ્યાં પણ જાઓ ત્યાં તમને મળેલાં પ્રમાણપત્રો તેમજ મહત્વપૂર્ણ સિદ્ધિઓની ક્ષણોના ફોટોગ્રાફ્સ સાથે રાખો. જો તમે એક અનુભવી ઉમેદવાર છો અને હાલ બીજી નોકરી માટે અરજી કરી રહ્યા છો, તો તમારે તમારી કુશળતા અને ક્ષમતાઓને તમારાં પ્રમાણપત્રો અને પુરસ્કારો દ્વારા પ્રદર્શિત કરવાં જોઈએ. તમે તમારા વર્તમાન અને ભૂતકાળની નોકરીઓમાં શું ખાસ કર્યું છે તે અંગેના પૂરાવા તમારા કૅલિબરનું સચોટ વર્ણન કરી શકે છે. અને, જો તમે નવા ઉમેદવાર છો, તો વ્યક્તિગત જીવનમાં મેળવેલી સિદ્ધિઓના પૂરાવા તમારા કૅલિબરનો ઉલ્લેખ કરવા પૂરતાં છે.

  કેટલીક કંપનીઓમાં ઉમેદવારે કુશળતા અને ક્ષમતાઓ સાબિત કરવા ઇન્ટરવ્યૂ પોર્ટફોલિયો રજૂ કરવાની જરૂર પડી શકે છે. એક સારા ઇન્ટરવ્યૂ પોર્ટફોલિયોમાં મહત્વનાં ચાર ભાગો હોય છે: (1) પરિચય, (2) કારકિર્દીનો સારાંશ, (3) કાર્યકાળ દરમ્યાનનાં સ્ટાર (STAR – Situation, Task, Action, Result) ઉદાહરણો, (4) પુરસ્કારો અને ભલામણો. ઇન્ટરવ્યૂ પોર્ટફોલિયો માંગનાર કંપનીનો ધ્યેય એ હોય છે કે ઉમેદવારની કાર્યદક્ષતા ઇન્ટરવ્યૂ પહેલાં જ પ્રમાણિત કરી શકાય અને અયોગ્ય ઉમેદવારોની પાછળ સમય ન બગડે.

  કેટલીક કંપનીઓમાં ઉમેદવારે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા દરમિયાન એસાઇન્મેન્ટ રજૂ કરવાની જરૂર પડી શકે છે, જે રિક્તસ્થાનની ભૂમિકાની સાથે સંબંધિત હોય છે. એસાઇન્મેન્ટ તમારી કુશળતા બતાવવાની શ્રેષ્ઠ તક છે. સાથે સાથે, તમારે આટલું ધ્યાન પણ રાખવું હિતાવહ છે: (1) એસાઇન્મેન્ટ લેતા પહેલાં તેને સ્પષ્ટ રીતે સમજો. જરૂરી લાગે તો સ્પષ્ટ પ્રશ્નો પૂછો, પરંતુ અયોગ્ય અનુમાન કે તુક્કા લગાવશો નહીં., (2) અપાયેલાં નિર્દેશોનુ પાલન કરો. તમારા સંભવિત બોસ નક્કી એવા કોઈની જ ભરતી કરવા માંગતા નહીં હોય જે ફક્ત અડધા જ કામ કરે અથવા સાવ અલગ દિશામાં કામ કરે. નિર્દેશોનુ ચોકસાઇથી પાલન કરીને તમે તેમને જતાવી શકો છો કે તમે આ કામ કરવા માટે ભરોસાપાત્ર વ્યક્તિ છો., (3) એસાઇન્મેન્ટ રજૂ કરતા પહેલાં દરેક શબ્દ સારી રીતે વાંચી જાવ અને પ્રુફરિડીંગ કરો. વ્યાકરણના નિયમોનું પાલન કરાયું છે કે નહીં તે ચકાસી લેવું અત્યંત આવશ્યક છે.

  ઇન્ટરવ્યૂઅરને તમારા જ્ઞાન, કુશળતા અને ક્ષમતા વિશે ખાતરી થઈ જાય પછી, તે જાણવા માંગશે કે તમે તે કંપની અથવા પદ માટે શાને કામ કરવા માંગો છો? ટૂંકમાં, તે તમારાં મોટિવેશનને માપવા પ્રયત્ન કરશે. આમ કરીને ઇન્ટરવ્યૂઅર જાણી શકશે કે ઉમેદવારના લક્ષણો, માન્યતાઓ અને મૂલ્યો એ સંસ્થાના સંસ્કૃતિ, ધોરણો અને મૂલ્યોની સાથે એકરૂપ છે કે નહીં. સુગમ સમતુલા ધરાવતા કર્મચારીઓની સંસ્થાકીય પ્રતિબદ્ધતા પણ સ્વાભાવિક રીતે ઉચ્ચ પ્રકારની જ હશે.

  ઇન્ટરવ્યૂઅર ઉમેદવારનાં મોટિવેશનને બે પ્રકારે વર્ગિકૃત કરે છે: (1) બાહ્ય પ્રેરણા અને (2) આંતરિક પ્રેરણા.

  પદપ્રતિષ્ઠા, ખ્યાતિ, પૈસા વગેરે બાહ્ય પ્રેરણાનાં ઉદાહરણો છે. જે કર્મચારીઓ બાહ્યરૂપે પ્રેરિત હોય છે તેઓને નોકરી કરતા કરતા ક્યારેય સંતોષ થતો નથી. તેમની જીભ પર હંમેશાં કોઇને કોઇ ફરિયાદ સાંભળવા મળશે જ. સમય પસાર થાય તેમ તેમનો અસંતોષ વધતો જ જાય છે. આ ફરિયાદો અને અસંતોષ આખરે તેમના સહકાર્યકરો સાથેનાં સંબંધો અને કામગીરીને અસર કરશે. એટલા માટે જ જે બાહ્યરૂપે પ્રેરિત છે, એવા લોકોને ઇન્ટરવ્યૂઅર્સ પસંદ કરતાં નથી.

  આત્મસંતોષ, કંઇક કરી છૂટવાની ઈચ્છા વગેરે આંતરિક પ્રેરણાનાં ઉદાહરણો છે. જે કર્મચારીઓ આંતરીક રીતે પ્રેરિત છે તેઓ કામ દરમિયાન અવરોધ ઊભો થાય તો પણ નિરાશ થશે નહીં. તેમના લક્ષ્યો પૂર્ણ થાય અને ધ્યેય પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા માટે તે બધું જ કરી છુટશે. તેમનું કાર્ય અને વલણ અન્યોને પણ પ્રેરણા આપશે. છેવટે, આ સઘળું જ સંસ્થાને મદદ કરશે. એટલા માટે જ જે આંતરીક રીતે પ્રેરિત છે એવા લોકોને ઇન્ટરવ્યૂઅર્સ ખૂબ પસંદ કરતાં હોય છે.

  તો ભાઇ, ઉમેદ તો હવે તેનાં જ્ઞાન, કુશળતા, ક્ષમતાઓ અને પ્રેરકબળ મજબૂત બનાવવા તૈયાર છે. તમારા કિસ્સામાં કેમનું છે? અમે આશા રાખીએ છીએ કે, આ ચર્ચા તમને પણ સારા ઉમેદવાર સાબિત થવામાં બનાવવામાં અને તમારી પસંદગીની નોકરી તરફ દોરી જવામાં મદદ કરશે. અમે તમારા પ્રતિસાદ જાણવા આતુર છીએ.

  eછાપું

  તમને ગમશે: અમેરિકાને હિઝબુલ મુજાહીદ્દીનને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવાની કેમ જરૂર પડી? આ રહ્યા કારણો

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here