પ્રિયંકા વાડ્રાની રાજકારણમાં એન્ટ્રી અને તેની બે મહત્ત્વની સાઈડ ઇફેક્ટ્સ!

    2
    258

    ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા વાડ્રાની ગ્રાન્ડ એન્ટ્રીથી કોંગ્રેસી કાર્યકર્તાઓ ભલે ખુશ થઇ ગયા હોય પરંતુ આ ઘટનાની બે ખાસ આડઅસરો ભવિષ્યમાં કોંગ્રેસને જ નુકશાન કરી શકે તેમ છે.

    Photo Courtesy: financialexpress.com

    બે દિવસ અગાઉ કોંગ્રેસ પાર્ટીના નવા મહાસચિવ પ્રિયંકા વાડ્રાની એન્ટ્રી વિધિવતરીતે રાજકારણમાં થઇ ગઈ છે. લખનૌના અમૌસી એરપોર્ટથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી પ્રિયંકા વાડ્રા અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનો ભવ્ય રોડ શો આયોજીત થયો હતો. આ રોડ શોને ટીવી પર લાઈવ નિહાળનાર કોઇપણ વ્યક્તિને એ બાબતે જરા જેટલી પણ શંકા ન હોવી જોઈએ કે પ્રિયંકા વાડ્રાની રાજકારણમાં થયેલી એન્ટ્રીથી ઉત્તર પ્રદેશના કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને તેમના ચહેરા પર સ્મિત પરત આવ્યું છે.

    પરંતુ જેમ કોઇપણ ઘટનાની કેટલીક સાઈડ ઇફેક્ટ્સ તો રહેવાની જ એમ પ્રિયંકા વાડ્રાની રાજકારણમાં થયેલી એન્ટ્રીની બે મહત્ત્વની સાઈડ ઇફેક્ટ્સ પર પણ આપણે નજર જરૂર નાખવી જોઈએ. કમનસીબે આ બંને સાઈડ ઇફેક્ટ્સ કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ માટે સારા સંકેત લઈને નથી આવી. પ્રિયંકાના રોડ શોમાં બેશક જબરદસ્ત ભીડ આવી હતી અને કોંગ્રેસી કાર્યકતાઓ આ ભીડને જોઇને ઉત્સાહિત થઇ ગયા હતા પરંતુ જો આ રોડ શોની આસપાસ નજર નાખીએ તો માહોલ ફક્ત પ્રિયંકા, પ્રિયંકા અને પ્રિયંકાનો જ હતો ત્યાં રાહુલ ગાંધીની શારીરિક ઉપસ્થિતિ હોવા છતાં તે લગભગ નહીંવત હતી.

    આ સમગ્ર રોડ શો દરમ્યાન કોંગ્રેસી કાર્યકર્તાઓ બે નારાઓ લગાવી રહ્યા હતા. “માન ભી દેંગે સન્માન ભી દેંગે, ઝરૂરત પડી તો જાન ભી દેંગે” અને “દેશ કે સન્માન મેં પ્રિયંકાજી મૈદાન મેં” આ બંને નારા પ્રિયંકા વાડ્રા માટે જ હતા અને રાહુલ ગાંધીના નામે લગભગ કોઈજ નારા બોલવામાં આવ્યા ન હતા.

    હવે નીચે આપેલા કેટલાક પોસ્ટર્સ પર નજર નાખીએ. પહેલી તસ્વીરમાં પ્રિયંકા વાડ્રાની જ છબી ઠેરઠેર દેખાય છે જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ હોવા છતાં તેમને ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું છે. બીજી તસવીરમાં પ્રિયંકા વાડ્રાને બરોબર વચ્ચે સ્થાન આપવામાં આવ્યું છે જે તેમનું મહત્ત્વ વધારે છે, જ્યારે રાહુલ ગાંધીનું સ્થાન તેમની બાજુમાં છે. તો ત્રીજી તસ્વીર જે રથ પર પ્રિયંકા ગાંધી ઉભા રહ્યા છે અને રાહુલ ગાંધી પણ તેમની સાથે હતા તેમાંથી તો રાહુલ ગાંધી પૂરી રીતે ગાયબ જ થઇ ગયા છે!! આનાથી વિરુદ્ધ આ રોડ શોના સમગ્ર માર્ગમાં એવું એક પણ પોસ્ટર ન હતું જેમાં પ્રિયંકા વાડ્રાની કોઈ તસ્વીર ન હોય!

    Photo Courtesy: hindi.opindia.com

     

    Photo Courtesy: hindi.opindia.com

     

    Photo Courtesy: hindi.opindia.com

    કોંગ્રેસના સમર્થકો કદાચ આ માટે એવું બહાનું બનાવી શકે છે કે પ્રિયંકા વાડ્રાની રાજકારણમાં શાનદાર એન્ટ્રી કરવા માટે આ રોડ શો કરવામાં આવ્યો હોવાથી એમને મહત્ત્વ અપાય એ સ્વાભાવિક છે. પરંતુ મુદ્દો અહીં એ છે કે રાહુલ ગાંધી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવા છતાં એક મહાસચિવની એન્ટ્રી થવાથી હાંસિયા પર કેમ ધકેલાઈ ગયા? શું લોકસભાની ચૂંટણીના ત્રણ મહિના પહેલા જ રાજકારણમાં પ્રિયંકાની એન્ટ્રી કરાવવાનો રાહુલ ગાંધીનો કહેવાતો માસ્ટરસ્ટ્રોક બેકફાયર થઇ ગયો છે?

    પ્રિયંકા વાડ્રાની રાજકારણમાં થયેલી એન્ટ્રીની બીજી સાઈડ ઈફેક્ટ એ પડી શકે છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને લોકસભાની ચૂંટણી પછી પોતાને શું કરવું એની કદાચ ખબર ન પડે. એવું જાણવા મળી રહ્યું છે કે જ્યોતિરાદિત્યને મધ્ય પ્રદેશથી દૂર રાખવા અને ભવિષ્યમાં તેઓ રાહુલ ગાંધીની (કે પછી પ્રિયંકાની પણ?) બિનહરીફ નેતાગીરી સામે કોઈ પડકાર ન ફેંકી શકે તે માટે જ તેમને પશ્ચિમ ઉત્તર પ્રદેશનો કાર્યભાર આપવામાં આવ્યો છે, એ જાણતા હોવા છતાં કે જ્યોતિરાદિત્ય ખુદ ગ્વાલિયરથી લોકસભાની ચૂંટણી લડવાના છે!

    લાગતું વળગતું: કોંગ્રેસમાં માત્ર ગાંધી પરિવાર જ સર્વસ્વ એ ફરી એકવાર સાબિત થયું

    એક રીતે જોવા જઈએ તો પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જ્યોતિરાદિત્યનો જનાધાર લગભગ શૂન્ય છે તો રાહુલ ગાંધીએ શું વિચારીને તેમને એ વિસ્તારનો ચાર્જ સોંપ્યો હશે? ભારતીય રાજકારણને નજીકથી ઓળખતો કોઇપણ વ્યક્તિ સમજી શકે તેમ છે કે જો આવનારી લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ અને ખાસકરીને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો રકાસ થાય, જેની ભરપૂર સંભાવનાઓ છે, તો જ્યોતિરાદિત્ય સિંધિયા પર હારની જવાબદારી ઢોળી દઈ તેમને તેમના કદ પ્રમાણે વેતરી દઈને આવનારા અમુક વર્ષ તેમના રાહુલ ગાંધી સામેના પડકારને શાંત કરી શકાય. અમસ્તુંય સિંધિયા ગ્વાલિયર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ એમ બે ઘોડાઓ પર સવારી કરવાના છે જે અત્યંત કઠીન રહેવાનું છે.

    ટૂંકમાં કહીએ તો આ બંને સાઈડ ઇફેક્ટ્સ જે પ્રિયંકા વાડ્રાની રાજકારણની એન્ટ્રી બાદ ઉભી થઇ છે તે સરવાળે તો કોંગ્રેસ માટે જ ખતરાની ઘંટી બનીને ઉદભવી છે. સમય જતાં રાષ્ટ્રીય પ્રમુખ હોવા છતાં રાહુલ ગાંધીને જો આ જ રીતે ઓછું મહત્ત્વ આપવામાં આવશે તો પણ કોંગ્રેસને તકલીફ પડવાની છે અને જ્યોતિરાદિત્ય સિંધિયાને જો હાંસિયા પર મોકલી દેવામાં આવશે તો આ યુવા કોંગ્રેસી નેતાનો અસંતોષ ક્યારે ભડકે બળે તે નક્કી ન કહી શકાય અને જો એમ ત હશે તો એ અસંતોષની આગ છેવટે તો કોંગ્રેસને જ દઝાડશે.

    eછાપું

    તમને ગમશે: બહુચર્ચિત સ્પેન – કેટાલોનીયા વિવાદની ભીતરમાં એક ડોકિયું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here