વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે ‘એમને’ સારી અથવાતો મોંઘી રેસ્તરાંમાં લઇ જઈને ડિનર કરવાની પદ્ધતિ જૂની નથી લાગતી? શું એમના માટે આપણે ઘેરે જ પ્રેમથી થ્રી-કોર્સ ડિનર ન બનાવી શકીએ?
હેપ્પી વેલેન્ટાઈન્સ ડે રીડર્સ! આજે પ્રેમનો દિવસ છે એટલે એનું સેલિબ્રેશન પણ ખાસ હોવું જ જોઈએ (મને ખબર છે તમે એમ કહેશો કે કેમ એક જ દિવસ, પણ વેલ, રસ ના ચટકા હોય, કૂંડા નહિ!) સો તમે આજે સેલીબ્રેટ કરવા માંગો છો અને કઈ રીતે કરવું એ બાબતે બહુ જ સ્ટ્રેસ લઇ લીધો હોય અને હજુ જવાબ ના મળતો હોય, તો રીલેક્સ! આ વખતે ફૂડમૂડ તમને મદદ કરશે તમારું વેલેન્ટાઈન ડીનરનું મેનુ પ્લાન કરવામાં. આપણે થ્રી-કોર્સ મેનુ જોઈશું જેને તમે આજે બનાવીને વેલેન્ટાઈન ડે સેલીબ્રેટ કરી શકો.
વેલેન્ટાઈન્સ ડે પર સ્પેશિયલ થ્રી-કોર્સ ડિનર!
ટોમેટો સૂપ વિથ ગ્રિલ્ડ ચીઝ હાર્ટ્સ

સામગ્રી:
2 ટેબલસ્પૂન ઓલીવ ઓઈલ
4 કળી લસણ, છૂન્દેલું
1 કપ સમારેલી ડુંગળી
10-12 ટામેટા, બાફી, છોલીને પ્યુરી કરેલા
2 ટેબલસ્પૂન બેઝીલના પાન
2 કપ વેજીટેબલ સ્ટોક
1 કપ ફ્રેશ ક્રીમ
3 ટેબલસ્પૂન બટર
ખાંડ જરૂરમુજબ
મીઠું, મરી સ્વાદમુજબ
ગ્રિલ્ડ ચીઝ હાર્ટ્સ માટે:
સેન્ડવીચ બ્રેડ
મોઝોરેલા ચીઝ, જરૂરમુજબ
બટર, જરૂરમુજબ
રીત:
- એક થીક બોટમ પેનમાં ઓલીવ ઓઈલ લઇ તેમાં ડુંગળી અને લસણને સાંતળી લો.
- તેમાં ટામેટાની પ્યુરી, બેઝીલના પાન અને વેજીટેબલ સ્ટોક ઉમેરી બરાબર ભેળવી લો, 15 થી 20 મિનીટ માટે ખદખદવા દો.
- તેમાં ધીરે ધીરે, હલાવતાં જઈ, ફ્રેશ ક્રીમ અને બટર ઉમેરો.
- તૈયાર થયેલા સૂપને બ્લેન્ડરમાં ફેરવી એકરસ કરી લો અને જરૂર પડે તો થોડો વેજીટેબલ સ્ટોક અને ખાંડ ઉમેરો.
- સ્વાદમુજબ મીઠું અને મરી નાખો.
- ગ્રિલ્ડ ચીઝ હર્ટઝ બનાવવા માટે બે સ્લાઈસ બ્રેડ લો, બંનેની એક-એક બાજુ પર બટર લગાવો.
- હવે એક તવા પર બ્રેડની એક સ્લાઈસ, બટરવાળો ભાગ નીચે રહે એ રીતે મૂકો.
- તેના ઉપર જરૂરમુજબ મોઝોરેલા ચીઝ મૂકી, બ્રેડની બીજી સ્લાઈસ બટરવાળો ભાગ ઉપર રહે એ રીતે મૂકો.
- બ્રેડ બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય એ રીતે શેકી લો.
- હવે આ બ્રેડને કૂકી કટર કે ચપ્પુની મદદથી હાર્ટનાં આકારમાં કાપી લો.
- એક બાઉલમાં સૂપ ભરી, ગ્રિલ્ડ ચીઝ હાર્ટને નીચેથી સહેજ કાપી તેને બાઉલની કિનારી ઉપર લગાવી ગરમાગરમ પીરસો.
લાગતું વળગતું: Valentine’s Week Special: પ્રેમના મહિનામાં પ્રેમીઓનું મન રીઝવશે ચોકલેટ |
પાસ્તા વિથ બીટ પેસ્તો

સામગ્રી:
450 ગ્રામ પાસ્તા (પેને, ફ્યુસીલી કે કોઈ પણ ગમતો આકાર)
2 બીટ, બાફેલા અથવા શેકેલા
1/2 કપ અખરોટ
1/2 લીંબુનો રસ
2 કળી લસણ
2 ટેબલસ્પૂન ઓલિવ તેલ
1 ટીસ્પૂન મીઠું
1/3 ટીસ્પૂન મરી
ખમણેલું ચીઝ, જરૂરમુજબ
રીત:
- પાસ્તાને એક મોટા વાસણમાં, ખૂબ મીઠાવાળા પાણી સાથે, પેકેટ પરની સૂચના મુજબ પકવી લો. પાણી નીતારીને પાસ્તાને બાજુમાં રહેવા દો.
- સોસ બનાવવા માટે: ફૂડ પ્રોસેસરમાં અખરોટ, લસણ, ઓલીવ ઓઈલ, લીંબુનો રસ, મીઠું અને મરી લઇ બ્લેન્ડ કરી લો.
- હવે તેમાં બીટના ટુકડા ઉમેરી, સ્મૂધ પેસ્ટ બને એ રીતે બ્લેન્ડ કરી લો.
- આ પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં પાસ્તા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- ચીઝ ભભરાવીને સર્વ કરો.
સ્ટ્રોબેરી ટાર્ટ:

બેઝ માટે:
1 કપ મેંદો + ½ કપ ઘઉંનો લોટ
100 ગ્રામ માખણ + ગ્રીઝીંગ માટે થોડું માખણ
મીઠું ચપટી
3 ટેબલસ્પૂન ખાંડ
1 થી 2 ટેબલસ્પૂન પાણી
ફીલિંગ માટે:
1 પેક ક્રીમ ચીઝ
1 ½ કપ વ્હીપ્ડ ક્રીમ
½ કપ ડોલ્સ દે લેશે (કેરેમલાઈઝ કન્ડેન્સ્ડ મિલ્ક) (જુઓ ટીપ)
સ્ટ્રોબેરી સ્લાઈસ જરૂરમુજબ
રીત:
- બેઝ બનાવવા માટે, એક કથરોટમાં મેંદો અને ઘઉંનો લોટ લઇ તેમાં માખણનું મોણ, 1 ટેબલસ્પૂન ખાંડ અને મીઠું ઉમેરી બરાબર ભેળવી લો, જેથી લોટનું ટેક્સચર, અડકતા, ભીની માટી જેવું લાગે.
- હવે 1 કે 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી તેની સરસ કણક બાંધી લો. માખણના મોણને કારણે કણક સહેજ ઢીલી રહેશે, તેથી કણકને મસ્લીન ક્લોથ કે ક્લિંગ ફિલ્મમાં વિંટાળી લગભગ એકાદ કલાક માટે ફ્રીજ કરી દો.
- કણક સેટ થાય ત્યાં સુધી ફીલિંગ બનાવવા માટે, ઇલેક્ટ્રિક મિક્સરની મદદથી ક્રીમ ચીઝમાં બાકીની ખાંડ ઉમેરી સરખું ફેંટી લો. તેમાં વ્હીપ્ડ ક્રીમ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ફીલિંગ તૈયાર છે.
- 1 કલાક પછી, કણક તૈયાર થઈ જાય એટલે તેને ફ્રિજમાંથી કાઢી, જાડા વેલણની મદદ થી લગભગ ½ ઇંચ જાડાઈ વાળું અને ૯ ઇંચના વ્યાસ વાળી રોટલી વણો.
- હવે તેને સાચવી રહીને ગ્રીઝ કરેલા ટાર્ટ કે પાઈ મોલ્ડ માં ગોઠવી દો, વધારાનો લોટ કાપી લો.
- બેઝને ફરીથી દસ મિનીટ માટે ફ્રીજમાં સેટ થવા દો.
- હવે ઓવનને 100 ડીગ્રી તાપમાને ગરમ કરી, બેઝને પહેલા 10 મિનીટ સુધી બ્લાઈંડ બેક કરો, અને ત્યારબાદ બીજી બે મિનીટ માટે સાદો બેક કરો.
- બેઝ તૈયાર થઇ જાય એટલે તેમાં સૌથી પહેલા નીચે ડોલ્સ દે લેશે પાથરો, તેની ઉપર તૈયાર કરેલું ક્રીમ ચીઝનું ફીલિંગ ભરી, ઉપર સ્ટ્રોબેરી સ્લાઈસ ગોઠવી દો. ફ્રીઝમાં 1-2 કલાક ઠંડું થવા દઈ ટાર્ટને સર્વ કરો.
ટીપ: ડોલ્સ દે લેશે બનાવવા માટે એક પેનમાં પીગળેલું માખણ અને કન્ડેન્સ્ડ મિલ્ક લઇ ઘટ્ટ ના થાય ત્યાંસુધી ધીમા તાપે હલાવતા રહો.
eછાપું
તમને ગમશે: આવો જઈએ રોહિન્ગ્યા મુસ્લિમોની સમસ્યાના મૂળમાં