હેપ્પી ફર્સ્ટ બર્થડે ‘સંજય દ્રષ્ટિ’….. આજ ખુશ તો બહોત હોંગે તુમ, હાંય?

    0
    352

    eછાપું પર દર અઠવાડિયે પ્રકાશિત થતી કોલમ ‘સંજય દ્રષ્ટિ’ આજે એક વર્ષ પૂર્ણ કરે છે, આ પ્રસંગે આ કોલમના લેખક સંજય પીઠડિયા પોતાનો હર્ષ આપણા બધાની સાથે વહેંચી રહ્યા છે. 

    Photo Courtesy: dainiksachexpress.com

    વાચકમિત્રો, આ લેખ શરૂ કરવાં પહેલાં મારે તમારા બધાનો આભાર માનવો છે કે ‘સંજય દ્રષ્ટિ’ નામની આ કોલમને તમે છેલ્લા એક વર્ષમાં ખૂબ જ લાડ-પ્યારથી વધાવી. Thank you so much! ‘સંજય દ્રષ્ટિ’ શબ્દનો અર્થ શું? સંજય નામનો હસ્તિનાપુર નરેશ ધૃતરાષ્ટ્રનો એક સલાહકાર તથા સારથિ હતો. તેને ઋષિ વેદવ્યાસ દ્વારા દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી જેના વડે તે મહાભારતના યુદ્ધનું વિવરણ ધૃતરાષ્ટ્રને કહી શકતો. તે મુખ્યત્વે કડવું સત્ય સ્પષ્ટ રીતે કહેવા માટે જાણીતો હતો અને યુદ્ધની સ્થિતિ તે નિર્ભય બનીને કહેતો. ભગવદ્ ગીતાની શરુઆત પણ “સંજય ઉવાચ” થી થાય છે.

    આ કોલમ શરૂ કરી ત્યારે મનમાં એક પ્રશ્ન હતો કે કોલમને કયું સ્વરૂપ આપવું. ઈ-છાપુંની ટેગલાઈન છે ‘ન્યુઝનો નિચોડ’ અને એ જ રસ્તે આ કોલમનું સ્વરૂપ નક્કી થયું. તાજા સમાચાર લઈને એ પાછળનો ઈતિહાસ કે સમાચારને બિટવીન-ધ-લાઈન્સ વાંચીને અવનવી માહિતી પીરસવાનો પ્રયાસ કર્યો છે. જો કે, આ જ નામથી મારી કોલમ માતૃભારતીની ‘હું ગુજરાતી’ મેગેઝીનમાં પ્રકાશિત થયેલી પણ eછાપુંની મદદથી જેટલો વ્યાપ વધ્યો છે એટલો તે વખતે ન હતો. એટલે હું આ કોલમનો પુનર્જન્મ જ કહીશ.

    જ્યારે આ કોલમ શરૂ થઈ ત્યારે લેખનક્ષેત્રે મારો બહુ ઓછો અનુભવ હતો (અને હજી પણ શીખવાનું ચાલુ જ છે!). પણ જે રીતે એક પછી એક લેખો પબ્લિશ થતાં ગયા, મારો પણ આત્મવિશ્વાસ વધતો ગયો છે. અત્યાર સુધી આ કોલમમાં 47 લેખો પ્રકાશિત થયાં છે અને આ 48 મો લેખ છે. આ કોલમ પહેલાં દર શનિવારે સાંજે 6 વાગ્યે પ્રકાશિત થતી હતી (હજી પણ એ “સાંજની કોલમ” કેટેગરીમાં જ છે!) પણ પછી લોકોનો પ્રતિભાવ જોઈને દર મંગળવારે સવારે 9 વાગ્યે પ્રકાશિત કરવાનો નિર્ણય લેવાયો.

    17 ફેબ્રુઆરી 2018ના દિવસે ‘સંજય દ્રષ્ટિ’નો પહેલો લેખ પ્રકાશિત થયો જેનું શીર્ષક હતું: ગર્જતા ચાલીસા – ચાલીસ કી ઉમ્ર કે ઉસ મોડ પર!! જિંદગીના ચાલીસમાં વર્ષમાં પ્રવેશ કરીએ ત્યારે, સ્ત્રી હોય કે પુરુષ, એ ચાલીસીની ચક્કીમાં કેવી રીતે પીસાય છે એની વાત કરી હતી. બસ, પછી તો લેખોની વણઝાર લાગી. અહીં પ્રસ્તુત છે એ લેખોનું 6 કેટેગરીમાં વર્ગીકરણઃ

    પહેલો વર્ગ: કરંટ અફેર્સ (વર્તમાન પરિસ્થિતિ) ને લાગતાં-વળગતાં લેખો

    આપણા ભારતીયોની તાસીર ઓળખી લઈએ તો ખબર પડે કે લાંચ, રુશ્વત, કૌભાંડ વગેરે હવે ભારતીયોને આઘાત નથી આપતા ઉલટું થોડા દિવસ આ અંગે શોરબકોર કરીને શાંત થઈને ભૂલી જાય છે. આવા ‘લાંચનું લંચ કે ડિનર ડિપ્લોમસી’ વિશે એક લેખ લખેલો અને પછી અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પને નગ્ન બતાવતી ન્યુયોર્કની એક મેગેઝીનના સમાચારને ધ્યાનમાં રાખી ‘કાર્ટૂનની કન્ટ્રોવર્સી’નો પણ એક લેખ લખેલો. 2018માં પૂતળાઓને તોડી પાડવાના બનાવોએ પણ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરેલું જેના પરથી એક ‘પૂતળા વિનાશનું યુદ્ધ’ નામનો લેખ લખેલો અને પછી યુ.કે.ના બ્રિટિશ રોયલ પરિવારમાં થયેલા ભવ્ય લગ્નસમારંભમાં અમેરિકન મોડેલ હિરોઈન મેગન માર્કલ એકબીજા સાથે લગ્નગ્રંથીમાં જોડાયા ત્યારે સ્ત્રીઓ ધારે તો શું ન કરી શકે એ વિષય પર એક લેખ લખ્યો હતો.

    બીજો વર્ગ: ઈતિહાસમાં ડોકિયું કરીને ધાર્યાં કરતાં અલગ માહિતી આપતા લેખો

    આ કેટેગરીમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડના માસ્ટર-માઈન્ડ વિશે, મોરબીના મચ્છુ ડેમની હોનારતમાં સરકારની બેદરકારીને કારણે આમ-જનતાએ કેવો પ્રકોપ સહન કર્યો એ વિશે, વાજપેયીની ઐતિહાસિક દિલ્હી-લાહોર બસયાત્રા (જેને પાકિસ્તાન હજી યાદ કરે છે) વિશે, મહાત્મા ગાંધીના દાદા ઓતાબાપા વિશે, નેતાજી સુભાષચંદ્ર બોઝ જ્યારે જર્મનીમાં હતા ત્યારે એમિલી શેન્ક સાથે ના પ્રેમસંબંધ વિશે, આખાબોલા અને સ્પષ્ટવક્તા સરદાર પટેલના રમુજી કિસ્સાઓ વિશે, અને છેલ્લે ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રા શરુ કરવા માટે ગાંધીજી પાસે કયા કારણો હતા એ વિશે વિસ્તારથી ચર્ચા કરી. એક લેખમાં આઝાદી મળે સાત સાત દાયકા વીતી ગયા હોવા છતાં આજે પણ આપણે ત્યાં વ્યક્તિના આહાર પર તેની જાતિ નક્કી કરવામાં આવે છે એ હકીકત પર જ્યારે બીજા લેખમાં પ્રતિષ્ઠીત મહાનુભાવો અને બુદ્ધિજીવીઓના લફરાં પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

    ત્રીજો વર્ગ: સામાજિક વિષયોને આવરી લેતાં લેખો

    આ કેટેગરીમાં (અને આ કોલમનો પણ) સૌથી વધુ વંચાયેલો લેખ હતો – ‘ગૃહલક્ષ્મી’ જાહેરમાં સ્તનપાન કરાવે, એમાં પ્રોબ્લેમ શું છે? ગયા વર્ષે કેરળની એક મેગેઝીન ‘ગૃહલક્ષ્મી’એ એક મહિલાને સ્તનપાન કરાવતો ફોટો પોતાના કવરપેજ પર મુક્યો એમાં કેટલાક લોકોના નાકનું ટીચકું ચડી ગયું હતું. જાહેરમાં સ્તનપાન કરવા પર થયેલી કન્ટ્રોવર્સી પરનો આ લેખ વાચકોએ ખૂબ જ પસંદ કરેલો. એ જ પ્રમાણે ચેન્નાઈની એક સ્કૂલે વાલીઓને આપેલું  ‘હોલીડે હોમવર્ક’ પણ એક મહત્ત્વનો વિષય બની રહ્યો. હેલિકોપ્ટર પેરેન્ટિંગ, ઘરેલુ હિંસા અને ગણિકા ગમનના વિષયોએ વાચકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ 2.0 રિલીઝ થયેલી ત્યારે મોબાઈલ ટાવર્સના EMF રેડિએશન પરનો લેખ પણ લખાયેલો. ભારતીય મધ્યમવર્ગની યોગ્ય વ્યાખ્યા કરતો ‘મારો, તમારો, આપણો મિડલ ક્લાસ’ લેખ અને અંધશ્રદ્ધા વિશેની માહિતી આપતો લેખ પણ વાચકોએ વધાવ્યો.

    લાગતું વળગતું: કોલમ સંજય દ્રષ્ટિના તમામ લેખો અહીં વાંચો!

    ચોથો વર્ગ: વ્યક્તિવિશેષ લેખો

    આ વર્ગમાં એવા લેખોનો સમાવેશ કરી શકાય જેમાં કોઈ વિશેષ પ્રચલિત ભારતની અને વિશ્વની વ્યક્તિઓ વિશે વાચકોને માહિતગર કરવામાં આવ્યા. અનોખા ભૌતિકશાસ્ત્રી સ્ટિફન હોકિંગ, ડૉ. હરિવંશરાય બચ્ચન અને તેમની શ્રેષ્ઠ કૃતિ ‘મધુશાલા’, બોલિવુડ સુપરસ્ટાર રિશી કપૂર, અમેરિકન બ્લોન્ડ મેરિલીન મનરો, દિગ્ગજ અને મહાન મરાઠી સાહિત્યકાર પુ.લ. દેશપાંડે અને ટ્રેજેડી ક્વીન મીનાકુમારી ના જીવન પર પ્રકાશ પાડતાં લેખો પણ ‘સંજય દ્રષ્ટિ’માં આવરી લેવાયા.

    પાંચમો વર્ગ: સ્પેશિયલ દિવસો, મહિનાઓ માટેના પ્રાસંગિક લેખોઃ

    માર્ચ એન્ડિંગ હોય કે પવિત્ર રમજાનમાં અધિક માસ, વિશ્વ સંસ્કૃત દિવસ હોય કે જુગાર રમવાનો શ્રાવણ માસ, માતૃદિવસ અને પિતૃદિવસ દરેકની ઉજવણી આપણે ‘સંજય દ્રષ્ટિ’ માં કરી છે. Mother’s Day Specialમાં મોડર્ન મમ્મી વિશેનો લેખ અને Father’s Day Specialમાં કોચમેન અલીડોસા અને ધૂમકેતુની પ્રસિદ્ધ વાર્તા પોસ્ટ ઓફીસ વિશે લખતાં એક અલગ જ ભાવના પ્રગટેલી. વાચકોને પણ આ લેખ ખૂબ જ ગમ્યાં હતાં. ગયા અઠવાડિયે ‘વેલેન્ટાઈન્સ ડે’ના બહાને મરાઠી ફિલ્મ ‘ટાઈમપાસ’ અને પહેલા પ્રેમ વિશે લખેલું.

    છઠ્ઠો વર્ગ: જ્ઞાન-વિજ્ઞાન અને જાણકારી આપતાં લેખો

    આ વર્ગમાં ગુજરાતના ભાતીગળ લોકનૃત્યો, સદાબહાર ગરબા, ગરબા શબ્દની ઉત્પત્તિ, દૂંદાળા દેવ ગણેશ અને તેમના દેશવિદેશમાં પૂજાતા વિવિધ સ્વરૂપો, દિવસના અને રાત્રિનાં ચોઘડિયાંના સંદેશ, કંકોત્રી અને તેના નવા રૂપ, માતૃભાષા અને રાષ્ટ્રભાષા ઉપરાંત ‘માસીભાષા’ ઈંગ્લીશના અવનવા શબ્દો, ઝવેરચંદ મેઘાણીની રસઝરતી કલમે લખાયેલી ઉત્કૃષ્ટ કૃતિ વેવિશાળ, ચીનમાં બોલીવુડની ફિલ્મો, ચીન અને ચીનીઓને ભારતીય સ્વાદનું ઘેલું લગાડતા એન્ટોની મુન્નુસ્વામી, પ્લેસિબો ઈફેક્ટ એટલે ટીકડીઓ વગર સાજા થવાની તરકીબ અને ખુશવંત સિંઘ દ્વારા આપવામાં આવેલા ખુશ થવાના નવ નુસ્ખાઓ લોકો સમક્ષ મૂક્યાં.

    વિધવિધ વિષયો પર આ ‘સંજય દ્રષ્ટિ’ ની કલમ ઝબોળાઈ છે. કેટલાક લેખોના વખાણ પણ થયાં છે અને કેટલાક લેખોને વખોડવામાં પણ આવ્યા છે. પણ એ તો કુદરતનો નિયમ છે. તુલસી ઈસ સંસારમેં ભાંતિ ભાંતિ કે લોગ…એમ એક નવા નિશાળીયા લેખકના દરેક અઠવાડિયે દરેક લેખ સુપર ડુપર હીટ જાય એવી આશા રાખવી એ મૂર્ખતા કહેવાય. પણ અવનવું પીરસવામાં મારા એડિટર શ્રી સિદ્ધાર્થ છાયાએ પૂરેપુરો સાથ આપ્યો છે. જરૂર પડ્યે લેખોને પોતાની આવડત અને અનુભવથી મઠાર્યાં પણ છે. થેંક્યુ સિદભાઈ!

    So what’s next? ‘સંજય દ્રષ્ટિ’ માં ઘણું બધું નવું આ વર્ષે પીરસવામાં આવશે. એકાદ-બે સિરીઝ દ્વારા એવા લોકોનું જીવનવૃત્તાંત વાચકો સમક્ષ લાવવું છે જે મેન્ગો પીપલમાં મનપસંદ અને માનવાચક પર્યાય બની રહેલાં છે.

    તો વાચકમિત્રો, તમારો મનપસંદ લેખ આ એક વર્ષમાં કયો હતો? કમેન્ટ કરીને જણાવો.

    પડઘોઃ

    મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય, એને નવું વર્ષ કહેવાય.

    હું કંઈ પણ ના બોલું તોપણ તરત તને સમજાય, એને નવું વર્ષ કહેવાય.

    ટૂંકમાં, તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઊજવાય, એને નવું વર્ષ કહેવાય.

    (Dr. અંકિત ત્રિવેદી)

    eછાપું 

    તમને ગમશે: 2017ની Republic Day પરેડ કયા કારણોસર ઐતિહાસિક રહી હતી

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here