આ વખતે વર્લ્ડ કપમાં જો ભારત પાકિસ્તાન સામે ન રમે તો?

    1
    264

    દર વખતની જેમ આ વખતના વર્લ્ડ કપમાં પણ ભારત અને પાકિસ્તાન આમનેસામને થવાના છે, પરંતુ શું પુલવામા ઘટના બાદ આપણે પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં પણ રમવું જોઈએ ખરું? જો ભારત પાકિસ્તાન સામે ન રમે તો શું થાય?

    Photo Courtesy: YouTube

    પુલવામા ઘટના બાદ ભારતીયોમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે. નવજોતસિંહ સિદ્ધુ જેવા લોકો પણ દેશમાં છે જેમને હજીપણ આ જઘન્ય ઘટના માટે પાકિસ્તાનનો દોષ નથી દેખાતો. પરંતુ એક પણ પાકિસ્તાની કલાકાર કે ક્રિકેટરે સામે આવીને એમ કહ્યું કે પુલવામાની ઘટનાની તે નિંદા કરે છે? ના અને આથી જ માત્ર પાકિસ્તાની સરકાર કે પછી ISI કે તેનું લશ્કર જ નહીં સમગ્ર પાકિસ્તાન પુલવામા હત્યાકાંડને સમર્થન આપે છે એ સાબિત થઇ ગયું છે.

    આવા સંજોગોમાં પાકિસ્તાન સાથે સંસ્કૃતિક આદાનપ્રદાન થઇ શકે ખરું? નહીં બિલકુલ નહીં. તો શું આ આદાનપ્રદાન બંધ થાય એમાં ક્રિકેટ પણ સામેલ થાય ખરું? જરૂર થાય! તો શું ભારતે આવનારી 16 જૂને ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં આવેલા ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર પાકિસ્તાન સામે પોતાની વર્લ્ડ કપની મેચ રમવી જોઈએ? ….

    અગાઉના તમામ સવાલોમાં જોરથી હોંકારો ભણનાર આ સવાલ પર આવીને અટકી જાય છે. પરંતુ એક કટ્ટર ક્રિકેટ પ્રેમી હોવા છતાં આ વખતે મને પણ લાગે છે કે બસ! હવે બહુ થયું. હવે તો પાકિસ્તાન સાથે કોઇપણ પ્રકારના સંબંધો ન જ રાખવા જોઈએ જ્યાંસુધી તે સુધરે નહીં. ગઈકાલે રાત્રે  કેટલીક ન્યૂઝ વેબસાઈટ્સ પર એક સમાચાર ફરતા થયા હતા કે BCCIએ ICCને આવનારા વર્લ્ડ કપમાં પાકિસ્તાનની હાજરી અંગે વાંધો ઉઠાવ્યો છે કારણકે એ દેશની સરકાર આતંકવાદને સમર્થન આપે છે.

    જો કે અત્યારે એટલેકે આજે સવારે જ્યારે હું આ લખી રહ્યો છું ત્યાંસુધીમાં આ સમાચાર ખરેખર સાચા છે કે કેમ એની પુષ્ટિ થઇ નથી. હજી પણ અમુક ન્યૂઝ સંસ્થાઓ એમ કહી રહી છે કે BCCI આ પ્રકારનો પત્ર ICCને લખવા માટે વિચારી રહ્યું છે. તો અત્યારની પરિસ્થિતિમાં આવનારા વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધની મેચ રમવી કે નહીં એ અંગે BCCI પાસે, ICC પાસે, ભારત સરકાર પાસે અને આપણી પાસે કેવા પ્રકારના વિકલ્પો છે એ જાણીએ.

    પહેલા વાત કરીએ BCCIની. તો આજની તારીખમાં ટેમ્પરરી ક્રિકેટ ફેન્સ ભારતીય ક્રિકેટ ટીમને ટીમ ઇન્ડિયાને બદલે ટીમ BCCI કહેવાનું વધુ પસંદ કરે છે, ખાસકરીને જ્યારે ટીમ ખરાબ રીતે અને સતત હારે અથવાતો એકાદા છૂટાછવાયા મેચ ફિક્સિંગના આરોપો લાગે ત્યારે. જો કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડનું ક્રિકેટ બોર્ડ પણ BCCIની તર્જ પર જ કામ કરે છે પરંતુ એ દેશના ક્રિકેટ ફેન્સે ક્યારેય એમની ટીમ એમના બોર્ડની ટીમ છે કે કેમ એ જાણવાની તસ્દી લીધી નથી. એ માત્ર પોતાના દેશની જર્સી પહેરેલો ખેલાડી પોતાના જ દેશ માટે રમે છે એમ માનીને એનું સંપૂર્ણ સમર્થન કરે છે.

    તમને લાગશે કે વાત આડે પાટે ચડી ગઈ લાગે છે. પણ ખરેખર એવું નથી, ઉપરોક્ત મુદ્દો ચર્ચામાં લાવવો એટલે જરૂરી હતો કારણકે આજે BCCI પાસે એ તમામ મહેણાં ભાંગવાનો સુંદર મોકો હાથમાં આવ્યો છે. એક તરફ જ્યારે દેશના વ્યાપારીઓ મોટી આર્થિક ખોટ ખાઈને પણ પાકિસ્તાન નિકાસ થતા પોતાના માલની નિકાસ નથી કરી રહ્યા ત્યારે BCCI દેશના લોકોની ભાવનાઓને સમજીને જાતેજ એવો નિર્ણય લઇ લે કે તે આવનારા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચનો બોયકોટ કરશે.

    જો BCCIએ અતિશય કઠોર વલણ અપનાવવું હોય તો તે ICCને એમ પણ કહી શકે છે કે, “જો પાકિસ્તાન આ વર્લ્ડ કપમાં રમશે તો આપણે નથી રમતા!” કારણકે અત્યારે ભારત સરકાર સમગ્ર પાકિસ્તાનને વિશ્વમાં એકલું પાડી દેવાની કોશિશ કરી રહી છે આથી BCCI પણ આવું કઠોર વલણ અપનાવી શકે છે જેનાથી ભારત સરકારના પ્રયાસોને બળ મળે.

    લાગતું વળગતું: પ્રિય ICC આપ કોમન સેન્સનો ઉપયોગ ક્યારથી શરુ કરવાના છો? જરા જણાવશો

    આપણને બધાને ખબર છે કે BCCIએ ICCની એકમાત્ર દૂઝણી ગાય છે અને છેલ્લા દોઢ દાયકાથી ICCમાં BCCIનું ‘ચાલે છે’. આવામાં ICCનું નાક દબાવીને જો પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી દૂર કરવામાં આવે કે પછી એટલીસ્ટ પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવામાં આવે તો દેશનો એક એક નાગરિક BCCIના અધિકારીને પોતાના ખભે બેસાડીને BCCI હેડક્વાર્ટરની પ્રદક્ષિણા કરવા આગળ આવશે.

    ICCની હાલત અત્યારે કદાચ સહુથી પાતળી છે. ઉપરોક્ત બંને સંજોગોમાં ખો તો ICCનો જ નીકળવાનો છે. જો ભારત પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરે તો ICCને નાની-મોટી આર્થિક ખોટ જશે. વર્લ્ડ કપના બ્રોડકાસ્ટર્સ ICC પર કેસ ઠોકી શકે છે. વર્લ્ડ કપની મુખ્ય મેચ જ ન રમાય તો બાકીનો વર્લ્ડ કપ બેસ્વાદ બની જશે. BCCI જો મેચ ન રમે તો પછી તેના પર પગલાં લેવા જેવું અણગમતું પગલું ICCએ લેવું પડશે અને જો નિયમો અનુસાર BCCI પર અમુક મહિના કે વર્ષનો પ્રતિબંધ મુકાય તો વળી મોટો આર્થિક ફટકો તો ICCને જ જશે.

    જો BCCIના દબાણ હેઠળ પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવે તો PCB ખાર ખાઈ જશે અને ICCને કોર્ટમાં ઢસડી જશે. આમ થવાથી આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ પરિવારમાં પણ ICCની છબી ઝાંખી થશે. પાકિસ્તાન પર પ્રતિબંધ મુકવાથી સમગ્ર વર્લ્ડ કપનો કાર્યક્રમ ફરીથી બનાવવો પડશે અને પાકિસ્તાન જે મેચો રમવાનું હતું એ ન રમાય તો એનો આર્થિક ફટકો અને બ્રોડકાસ્ટર્સનો રોષ નફામાં વહોરવો પડશે.

    ભારત સરકારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે રમે કે કેમ એ અંગે પોતાની ઈચ્છા બને તેટલી ઝડપથી વ્યક્ત કરવી જરૂરી છે કારણકે વર્લ્ડ કપ એકદમ નજીક છે. અત્યારસુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી દ્વિપક્ષીય મેચો બંધ છે પરંતુ તેઓ ICC ઈવેન્ટ્સમાં આમને સામને આવતા અને એ માટે અત્યારસુધીની તમામ ભારત સરકારોએ મંજૂરી પણ આપી હતી. પરંતુ પુલવામા ઘટના અલગ છે તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ગઈકાલે કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે રમવું જોઈએ કે નહીં એ માટે જે ગોળગોળ ભાષા વાપરી એ હવે નહીં ચાલે. સરકારે સ્પષ્ટપણે પોતાની ઈચ્છા બને તેટલી વહેલી BCCIને જણાવી દેવાની જરૂર છે જ.

    છેલ્લે ફેન્સ એટલેકે આપણી વાત કરીએ. અત્યારે આપણા બધાની ઈચ્છા છે કે આવનારા વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન સામે ન રમે પણ જો આવું થાય તો શું થાય એની જાણ પણ આપણને હોવી જોઈએ. જો 26 જૂને ભારતની ટીમ ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ પર જ ન જાય અને પોતાની હોટલમાં બેસી રહે તો નિયમ અનુસાર અમ્પાયરો અને મેચ રેફરી અમુક મિનિટો રાહ જોઇને મેચ પાકિસ્તાનને એનાયત કરી દેશે. આ સંજોગોમાં પાકિસ્તાનને 2 પોઈન્ટ્સ મળી જાય. અગાઉ 1996ના વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ શ્રીલંકાની તમિલ સમસ્યાને લીધે વર્લ્ડ કપની પોતાની મેચો રમવા કોલંબો નહોતા ગયા ત્યારે આમ જ થયું હતું.

    બે પોઈન્ટ્સ ગુમાવ્યા હોવા છતાં વેસ્ટ ઇન્ડિઝ એ વર્લ્ડ કપની સેમીફાઈનલ સુધી અને ઓસ્ટ્રેલિયા તો છેક ફાઈનલ સુધી પહોંચ્યું હતું. આ વખતનું વર્લ્ડ કપ ફોરમેટ જરા 1996 સહીત અગાઉના વર્લ્ડકપ ફોરમેટ કરતા અલગ છે. અગાઉ બે પુલમાં ટીમોને વહેંચી દેવામાં આવતી હતી અને પછી બંને ગ્રુપની ટોચની ચાર ટીમો ક્વાર્ટર ફાઈનલમાં પછી જીતેલી ચાર ટીમો સેમીફાઈનલમાં જતી. આ વખતે તમામ ટીમોએ એકબીજા સામે એક વખત રમવાનું છે અને પછી ટોચની ચાર ટીમોને સેમીફાઈનલમાં પ્રવેશ આપવાનો છે.

    નવા ફોરમેટ અનુસાર ભારત પાકિસ્તાન સામે ગુમાવેલા 2 પોઈન્ટ્સને અન્ય ટીમો સામે મેચો જીતીને સરભર કરી શકે છે કારણકે ગ્રુપ મેચો રમવાની સંખ્યા આ વખતે વધારે છે. પરંતુ તકલીફ ત્યારે  ઉભી થશે જ્યારે ભારત વર્લ્ડ કપની સેમીફાઈનલમાં અથવાતો ફાઈનલમાં પાકિસ્તાન સામે ઉભું રહેશે. જો આવું થશે તો શું આપણે બધા ફેન્સ આટલી દૂર સુધી આપણી ટીમ પહોચ્યા બાદ વર્લ્ડ કપને આવજો કરી દેવાની હિંમત દેખાડી શકીશું ખરા?

    ક્રિકેટર કરતા ટીમ, ટીમ કરતા ક્રિકેટ અને ક્રિકેટ કરતા દેશ હંમેશા મહાન હોય છે એવું હું અંગત રીતે માનતો આવ્યો છું. હું તો જો ભારત અને પાકિસ્તાન આવનારા વર્લ્ડ કપમાં જો સેમીફાઈનલમાં કે ફાઈનલમાં આમનેસામને આવશે તો સસ્મિત વર્લ્ડ કપને આવજો, ટાટા, બાય બાય કરવા તૈયાર છું… શું તમે પણ તૈયાર છો ખરા?

    eછાપું

    તમને ગમશે: પૃથ્વીના વિનાશનો સમય વધુ નજીક લાવતી Doomsday Clock

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here