હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (1) – સિર્ફ નામ હી કાફી હૈ!

  4
  268

  હિંદુહ્રદયસમ્રાટ અને એક સમયે મરાઠી માણુસનું ખોવાયેલું આત્મસન્માન પરત અપાવનાર, શિવસેનાના આધ્યસ્થાપક બાળ કેશવ ઠાકરે એટલેકે બાલાસાહેબ ઠાકરેના જીવન પરની શ્રુંખલાનો પહેલો ભાગ.

  Photo Courtesy: flickr.com

  બાળ કેશવ ઠાકરે.

  23 જાન્યુઆરી 1927નો દિવસ. પુણેમાં કેશવ સીતારામ ઠાકરે અને રમાબાઈ ઠાકરેના ઘરે એક પુત્રનો જન્મ થયો. નામ રાખ્યું ‘બાળ’. એ સમયે કેશવભાઉ ને લોકો ‘પ્રબોધનકાર’ નામથી ઓળખતા હતા. બાળના જન્મ પછી તરત જ માતા-પિતાએ મુંબઈ નજીક ઠાણે જિલ્લામાં ભિવંડી સ્થળાંતર કર્યું. આમ પણ, ઠાકરે કુટુંબને ઠાણે સાથે બહુ જૂનો સંબંધ હતો. બાળ ઠાકરે ના પરદાદા ક્રિષ્ણાજી માધવ (અપ્પાજી)એ પોતાની વકીલાતની પ્રેક્ટિસ અહીં કરી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટની બાજુમાં તેમની બેઠક પણ હતી. (થોડી પૃષ્ઠભૂમિઃ નાશિક નજીક ધોડપે નામક કિલ્લામાં ઠાકરે પરિવારના સૌથી પહેલાં જાણીતા પૂર્વજ એક સૈનિક હતાં. એમની પૂનામાં ભોર રાજાશાહી વખતે વડવાઓની મિલકત હતી. જેના પર અપ્પાજીએ દાવો કરેલો પણ સરકારી ખટપટને કારણે દાવાને લેટ ગો કરીને તેઓએ વિદ્રોહ કર્યો અને ઠાણે આવી ગયા).

  રમાબાઈ પણ અસહિષ્ણુ હતા. જાતિપ્રથા અને વર્ણવ્યવસ્થા પર તેમણે આકરાં પ્રહાર કરીને સમાજસેવા કરેલી. બાળાસાહેબના દાદા સીતારામ ભલે નાની વયે મૃત્યુ પામ્યા પણ એમનું બળવાખોર વલણ વારસાગત રીતે કેશવભાઉમાં આવેલું. મહાત્મા ફૂલેએ શરૂ કરેલા સત્યશોધક સમાજ સાથે તેઓ સંકળાયેલા હતાં. માટે જ ધાર્મિક વિધિઓ અને અંધશ્રદ્ધા સામે વિરોધ કરતાં. જાતિવાદના નિષ્કર્ષ અને બ્રાહ્મણની સર્વોપરિતાને દૂર કરવા પેમ્ફલેટ, નાટકો, ગ્રંથો અને ફિલ્મ સ્ક્રિપ્ટો લખતાં. ઠાકરે કુટુંબ પોતે ‘ચંદ્રસેનીય કાયસ્થ પ્રભુ’ જ્ઞાતિનું હતું. આ જ્ઞાતિ બ્રાહ્મણો પછી બીજી મહત્ત્વની જ્ઞાતિ ગણાતી. પરંતુ કેશવભાઉને આવા સામાજિક ક્રમમાં કોઈ રસ નહોતો. તેમણે ‘પ્રબોધન’ (જેનો અર્થ ‘પુનઃજાગરણ’ એવો થાય) નામના એક સામાયિકનું સંપાદન કરીને પ્રકાશિત કર્યું હતું, અને ટૂંક સમયમાં જ તેઓ ‘પ્રબોધનકાર’ તરીકે ઓળખાવા લાગ્યા.

  “બાળ કેશવ ઠાકરે: અ ફોટોબાયોગ્રાફી” નામના પુસ્તકમાં રાજ ઠાકરે લખે છે કે પ્રબોધનકાર એ બહુવિધ પાસાં ધરાવતાં હતા. તેઓ એક સંપાદક, એક મંચ કલાકાર, એક સ્ક્રીનપ્લે-સંવાદ લેખક, એક ઇતિહાસકાર અને એક સમાજ સુધારક પણ હતા. પરંતુ તેમના સિદ્ધાંતોને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમને ઘણીવાર નોકરીઓ બદલવાની ફરજ પાડવામાં આવતી અને તેઓ દરેક વખતે નવી ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિઓ કરવા પ્રેરાતા.

  પ્રબોધનકારનો બાળાસાહેબ ‘દાદા’ તરીકે ઉલ્લેખ કરતા અને તેમનો બાળાસાહેબના જીવનમાં સૌથી મોટો પ્રભાવ રહ્યો છે. ભિવંડીથી ઠાકરે પરિવાર થોડા સમય માટે ઠાણે પણ રહેવા ગયા, જ્યાં પ્રબોધનકારે ‘ડેકોન સ્પાર્ક’ નામની થિયેટર કંપની ખોલી હતી. બાળ ઠાકરે છેક 1960 ના દાયકાના અંતમાં – શિવસેનાની સ્થાપના થઈ તે પછી – મુંબઈના બાન્દ્રા પૂર્વમાં ‘માતોશ્રી’ બંગલામાં શિફ્ટ થયાં. તે પહેલાં તેઓ 77-A, રાનડે રોડ, દાદરમાં રહેતાં હતાં. આ સરનામું શિવાજી પાર્ક મેદાનની ખૂબ જ નજીક છે.  દાદરના આ ઘરમાં ફક્ત ત્રણ રૂમ હતા: એક ડ્રોઈંગ રૂમ (જ્યાં પ્રબોધનકાર બેસતાં), એક બેડરૂમ અને એક રસોડું. બેકયાર્ડમાં થોડી જગ્યા હતી જ્યાં બાળાસાહેબ કાર્ટૂન દોરતા, પરંતુ થોડા સમય પછી તેણે ત્યાં બેસવાનું બંધ કરીને પોતાના કામ માટે ડ્રોઇંગ રૂમના ફ્લોરનો જ ઉપયોગ કર્યો.

  લાગતું વળગતું: શિવસેના – ભોગવીને ત્યાગો

  પ્રબોધનકાર મોટાભાગે કામ માટે ઘરની બહાર રહેતા છતાં તેમની હાજરી ઘરમાં પ્રભાવિત હતી. બાળાસાહેબના બાળપણના પ્રારંભમાં પ્રબોધનકાર તેમને સંગીતકાર બનવા માટે તાલીમ આપવા માગતા હતા. પણ બાળાસાહેબે વાજિંત્રને બદલે પીંછી લીધી. બાળાસાહેબ પોતે પોતાની એક કાર્ટૂનિસ્ટ તરીકેની શરૂઆત (ઓક્ટોબર 2009માં મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી પહેલાં બાળાસાહેબે દીધેલા એક ઈન્ટરવ્યુમાં) આ રીતે વર્ણવે છેઃ

  જ્યારે અમે ભિવંડીમાં રહેતા હતા ત્યારે દાદાએ મને એક બુલબુલ તરંગ લાવી દીધેલું. (બુલબુલ તરંગ એક બેંજો જેવું વાદ્ય છે. વિકીપીડિયામાં એના વિશે વધુ માહિતી મળશે). પરંતુ મને મારા હાથ સાથે એ વાદ્યનો સુમેળ કરવાનું મુશ્કેલ લાગ્યું; મારો એક હાથ સુમેળ સાધવાની કોશિશ કરે તો બીજો ન કરી શકે. એકવાર, દાદાએ મારા હાથ પર હાથ મૂકીને મને શીખવવાનો પ્રયાસ પણ કર્યો, અને મને આંગળીમાં લાગી ગયું અને મેં રડવું શરૂ કર્યું. પછી, એક દિવસ સાંજે, જ્યારે દાદા ઘરે પાછા આવતા હતા ત્યારે તેમણે સાંભળ્યું કે કોઈ બુલબુલ તરંગ વગાડી રહ્યું છે. તેમણે મારી માતાને પૂછ્યું કે તે કોણ વગાડે છે? તેણીએ કહ્યું, શ્રી! એટલે કે મારો ભાઈ, શ્રીકાંત.

  શ્રીને બોલાવવામાં આવ્યો અને એ ધીમે પગલે ભયભીત રીતે દાદા પાસે આવ્યો. તેણે વિચાર્યું કે બુલબુલ તરંગ બાળની તાલીમ માટે લાવવામાં આવ્યું હતું ને મેં વગાડ્યું એટલે દાદા ગુસ્સે થશે. દાદાએ શ્રીકાંતને પૂછ્યું, “શું તમે બુલબુલ તરંગ વગાડી રહ્યા હતા?” હા, શ્રી એ દોષી હોય એવા દબાયેલા અવાજે કહ્યું. પિતાએ કહ્યું, “અહીં લાવો”. અને પછી તેને બાજુમાં બેસાડીને તેને કેવી રીતે વગાડવાનું એ શીખવ્યું. જ્યારે શ્રીકાંત માટે તે બાબતો ધીમે ધીમે સ્થાયી થઈ, ત્યારે, મેં આ સમયમાં, અમારા ઘરની દિવાલો ચીતરી મૂકી. આ સમય દરમિયાન મેં મારી દોરવાની આદતને વધુ વિકસાવી. દાદરના ઘરની દિવાલો તો એકદમ સ્વચ્છ હતી, તેથી મને એ દિવાલો પર ચિત્રકામ કરવાનું બહુ ગમ્યું. દાદાએ આ જોયું અને નક્કી કર્યું કે શ્રીકાંત મ્યુઝિક કંપોઝર બનશે અને હું કલાકાર બનીશ.

  એવું કહેવાય છે કે લગભગ મુંબઈ-મહારાષ્ટ્રમાં થતાં હુલ્લડ અને હિંસામાં તેમનું સમર્થન જબરદસ્ત રહેતું પણ ઠાકરેએ તેમના પ્રારંભિક વર્ષોથી જ પોતાના બાળકો પર કદી હાથ ઉપાડ્યો નહોતો. અને એક જવાબદાર પિતા તરીકે પોતાના ત્રણેય પુત્રોને પર એવી કોઈ મંજૂરી આપી નહોતી. તેમના ત્રણ પુત્રો હતાઃ સૌથી મોટા, બિંદુમાધવ (એક ફિલ્મ નિર્માતા, બિંદુમાધવ 1996 માં એક રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા), બીજા જયદેવ, અને ત્રીજા ઉદ્ધવ, જેઓ બાળાસાહેબ સાથે માતોશ્રીમાં તેમની સાથે રહેતા. ઠાકરેએ પોતાના એ ત્રણેય બાળકોને હુલામણા નામો પણ આપેલાઃ બિંદા, ડિંગા અને ટિબ્બા. ભત્રીજા રાજ ઠાકરેને તેઓ હંમેશા ‘રાજા’ નામે બોલાવતાં.

  ***

  તો વાચકમિત્રો, યે તો સિર્ફ શુરુઆત હૈ! ‘બાળ ઠાકરે’માંથી ‘હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે’નું બિરુદ મેળવનાર આ અદ્‍ભૂત માણસ વિશેની આ શ્રેણી આજથી શરૂ થાય છે.

  ભારતના અગ્રણી અખબારોમાં કામ કરનાર એક શાંત અને નમ્ર કાર્ટૂનિસ્ટ કેવી રીતે આગ-ઓકતા આક્રમક રાજકીય સંગઠનના ચીફમાં પરિવર્તિત થયો? એ માણસ કઈ રીતે આક્રમક મહારાષ્ટ્રવાદ અને મરાઠીપણાને ચાલાકીથી હિંદુત્વ તરફ વાળીને ભારતીય રાજકારણમાં એક મુખ્ય ખેલાડી બની ગયો? 1960 ના દાયકામાં મરાઠી લોકોના રોજગાર અધિકારની માંગણીને ધ્યાનમાં રાખીને દક્ષિણ ભારતીયો અને સામ્યવાદીઓ પર દરેક શક્ય આક્રમણ કરીને ‘મરાઠી માણૂસ’ની ચળવળે કઈ રીતે મુંબઈને બાનમાં લીધેલી? ભારતની આર્થિક રાજધાની મુંબઈ અને મહારાષ્ટ્ર જેવા ઔદ્યોગિક પાવરહાઉસમાં રહીને કરોડો લોકોના મન જીતવાની અને લાખો હૃદયમાં ડરનો માહોલ ફેલાવવાની તેની ક્ષમતા પાછળ કયો ભેદ હતો? તેમણે અને તેમના સંગઠન શિવસેનાએ કરોડોના ફિલ્મ ઉદ્યોગ પર કેવી રીતે શાસન કર્યું, ભાજપ સાથેની તેમની સૌથી લાંબી સંધિ હોવાને કારણે સમગ્ર ભારતમાં અને પાકિસ્તાનમાં પણ તીવ્ર જિજ્ઞાસાનો વિષય બની ગયું?

  આ શ્રેણી બાળાસાહેબ ઠાકરેની વાર્તા અને શિવસેનાના ઉદય અને વિભાજનની વાત કરશે. ઠાકરેનું રસપ્રદ રાજકીય વ્યક્તિત્વ, એમના પરિવારની વાતો, એમની વક્તૃત્વ શૈલી, તેમના પક્ષની લશ્કરી પદ્ધતિઓ, કામગીરી, તેની મુખ્ય વિવાદોમાં વિવાદાસ્પદ ભૂમિકા, ઠાકરેના ભત્રીજા રાજ અને પુત્ર ઉદ્ધવ વચ્ચેની લડાઇ, નવેમ્બર 2012 પછી મહારાષ્ટ્રના રાજકારણમાં એક યુગનો અંત અને તેમના સિવાયનું શિવસેનાનું ભાવિ – આ દરેક મુદ્દાઓ વિશે અહીં વાત કરવામાં આવશે.

  તો મળતાં રહીએ – દર મંગળવારે

  પડઘોઃ

  18 જુલાઈ 1811 થી 24 ડિસેમ્બર 1863 દરમિયાન થઈ ગયેલા વિલિયમ મેકપેસ ઠાકરે (William Makepeace Thackeray) એક બ્રિટિશ નવલકથાકાર અને લેખક હતા. તેઓ તેમના વ્યંગાત્મક કાર્યો માટે જાણીતા છે, ખાસ કરીને અંગ્રેજી સમાજનું મનોહર ચિત્ર ‘વેનિટી ફેર’ ખૂબ જ પ્રચલિત છે.

  આ ઠાકરે અને બાળાસાહેબ ઠાકરેનો શું સંબંધ હોઈ શકે? સોચો ઠાકુર!

  eછાપું

  તમને ગમશે: આ હકીકતો સ્વિત્ઝરલેન્ડ વિષેની તમારી ધારણાઓને ખોટી સાબિત કરશે

  4 COMMENTS

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here