ગોઅન ક્વિઝીન: ભારતના બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશનનું બેસ્ટ ફૂડ

  0
  399

  ગોઆ ફરવા જનારા માટે ત્યાંના સુંદર બીચ અને શરાબ જ એક માત્ર આકર્ષણ હોય છે, પરંતુ આજે આપણે ગોઅન ક્વિઝીન વિષે અને તેની કેટલીક રેસિપીઝ જાણીશું.

  જયારે તમે એક સાચા દિલથી કોઈ જગ્યાને જાણવા એ જગ્યાના પ્રવાસે ગયા હોવ છો, ત્યારે તમે એ સ્થળની નાનામાં નાની વાતને જાણવા માંગો છો. એ જગ્યાની સંસ્કૃતિ, ત્યાંનો ઈતિહાસ બધું જ! ટૂંકા સમયગાળામાં આ બધી વાતો ખૂબ ઊંડાણપૂર્વક જાણવાનો સૌથી સહેલો રસ્તો છે જે તે જગ્યાનું સ્પેશિઅલ ક્વીઝીન ચાખવું, કેમકે કોઈપણ જગ્યાનું ફૂડ એ જગ્યાની સંસ્કૃતિ અને પરંપરાને સાથે લઈને ચાલે છે, હંમેશા!

  તેથી જ, તમે જયારે હિન્દુસ્તાનના સૌથી પ્રખ્યાત બીચ ડેસ્ટીનેશન પર હોવ, અને તમે પણ એક સાચા ‘ફૂડી’ હોવ, તો ગોઆ સાચા અર્થમાં તમારે માટે ધરતી પરનું સ્વર્ગ છે. ગોઅન ક્વીઝીન, ગોઆ જેટલું જ અદ્ભુત છે. અહીના ખાન-પાનમાં તમને હિન્દુ, ખ્રિસ્તી, મુસ્લિમ અને પોર્ટુગીઝ સંસ્કૃતિના સ્વાદો એકસાથે ભેગા થતા જોવા મળે છે.

  ગોઅન વાનગીઓનો સ્વાદ તમારા સ્વાદેન્દ્રિયને ઝણઝણાવી દે તેવો હોય છે. મસાલાનો છૂટથી કરવામાં આવતો ઉપયોગ, અહીની વાનગીઓને એક વિશિષ્ટ સ્વાદ આપે છે. અહીના લોકો ફક્ત ખાવામાં જ નહિ, પરંતુ ખાવાનું બનાવવામાં પણ એટલો જ આનંદ પામે છે. અહી લોકો, નવી તકનીક ઉપલબ્ધ હોવા છતાં પણ, ઘણી વાનગીઓ પારંપરિક રીતે જ, એટલે કે માટીના વાસણમાં, ચૂલા પર જ બનાવે છે. તેઓ માણે છે કે પારંપરિક તકનીકથી સ્વાદમાં વધારો થાય છે. ગોઅન પ્રજા મુખ્યત્વે ચોખા/ભાત, કરી અને ફિશની વાનગીઓ સ્ટેપલ ફૂડ તરીકે લે છે, પરંતુ કોંકણનો ફળદ્રુપ સમુદ્રકિનારો અનેક એવી સામગ્રી પૂરી પાડે છે જે ગોઅન ક્વીઝીન માટે ખૂબ જ મહત્વની છે. ગોઅન ફૂડની સાચી ઓળખ વિવિધ કરી, ફીશ, ચોખા, કોકમ, વિવિધ સુગંધિત મસાલા, જાત-જાતના અથાણા, કોકોનટ મિલ્ક, આમલી, પામ વિનેગર અને ચટણીની વિશાળ શ્રેણી છે.

  ગોઅન ક્વીઝીન શાકાહારીઓ માટે પણ એટલું જ ઉદાર છે, જેટલું તે માંસાહારીઓ માટે છે. કેટલીક જાણીતી શાકાહારી વાનગીઓમાં મશરૂમ તોન્ડક, ઉનેદ, સન્ના, બ્રેડફ્રુટ કરી, સુશેલ અને કરાઠીઆચો કુવલ પ્રખ્યાત છે. આ ઉપરાંત વિન્ડાલૂ અને ઝાકુટીના શાકાહારી વર્ઝન પણ હવે ખૂબ સરળતાથી મળે છે. બિબીન્કા, તવસલી અને ધોનોસ એ મારા જેવા મીઠાઈના શોખીન માટે ગોઆની ભેટ છે.

  મશરૂમ વિન્ડાલૂ

  Photo Courtesy: mydaintykitchen.com

  સામગ્રી:

  વિન્ડાલૂ પેસ્ટ માટે:
  10-11 કાશ્મીરી લાલ મરચાં
  2 ટેબલસ્પૂન આખા ધાણા
  1 ટેબલસ્પૂન જીરું
  4 લવિંગ
  2 ઇંચ આદુનો ટુકડો
  11-12 મધ્યમ કદની લસણની કળી
  1 ટીસ્પૂન હળદર પાવડર
  3 ટેબલસ્પૂન વિનેગર
  વિન્ડાલૂ માટે:
  2 પેકેટ, બટન મશરૂમ્સ  સાફ કરીને સમારેલા
  2 મધ્યમ કદના બટાટા, સમારેલા
  2 મધ્યમ કદની ડુંગળી, સમારેલી
  2 લીલા મરચાં, સમારેલા
  4 એલચી
  4-5 લવિંગ
  10-12 કાળા મરી
  ¾ કપ તેલ
  ½ કપ સમારેલી કોથમીર
  2 થી 3 કપ પાણી (જો તમે પાતળી કરી બનાવવા માંગતા હોય તો વધુ પાણી ઉમેરો)
  મીઠું સ્વાદ મુજબ

  રીત:

  1. વિન્ડાલૂમસાલાની પેસ્ટ માટે જણાવેલી તમામ સામગ્રીને વિનેગર નાખીને વાટી લો.
  2. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બટાકાને તળી લો, વધારાનું તેલ નીતારી બાજુમાં રાખો.
  3. તે જ પેનમાં એલચી, લવિંગ અને આખા મરીને સાંતળો, તે સંતળાવા લાગે એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી તે પારદર્શક થાય ત્યાંસુધી સાંતળો.
  4. હવે તેમાં તૈયાર કરેલી મસાલાની પેસ્ટ ઉમેરો અને તેને ૧૨-૧૫ મિનીટ માટે ધીમા તાપે સાંતળો, પેસ્ટ બળી ના જાય તે માટે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  5. આ પેસ્ટમાં લીલા મરચા અને મશરૂમ ઉમેરી, બરાબર મિક્સ કરો. મશરૂમને ૮-૧૦ મિનીટ માટે હલાવતા રહો.
  6. તેમાં પાણી અને મીઠું ઉમેરી, ગ્રેવીને ૧૦-૧૨ મિનીટ માટે ખદખદવા દો.
  7. હવે તેમાં તળેલા બટાકા ઉમેરી 1 મિનીટ માટે ખદખદવા દો.
  8. સમારેલી કોથમીર વડે સજાવી, ગરમાગરમ સર્વ કરો.
  લાગતું વળગતું: ભગવાનનો દેશ કેરળ અને તેનું ફૂડ સાથે ત્રણ સ્વાદિષ્ટ કેરાલિયન રેસિપીઝ

  પનીર શાકુટી

  Photo Courtesy: Aakanksha Thakore

  સામગ્રી:

  શાકુટી મસાલો બનાવવા માટે

  1.5 ટેબલસ્પૂન તેલ

  ⅓ કપ સમારેલી ડુંગળી

  1 ટીસ્પૂન ખસખસ

  ¼ ટીસ્પૂન કાળા મરી

  4 થી 5 સૂકી કાશ્મીરી લાલ મરચાં

  ⅛ ટીસ્પૂન મેથીના દાણા

  1 ઇંચ તજ

  ¼ ટીસ્પૂન રાઈ

  3 લીલી એલચી

  4 લવિંગ

  1 નાની જાવિત્રી

  1 નાનું ચક્રી ફૂલ (સ્ટાર અનિસ)

  1 ટીસ્પૂન આખા ધાણા

  ½ ટીસ્પૂન જીરું

  ½ ટીસ્પૂન વરીયાળી

  1 કપ ખમણેલું તાજું નારિયેળ

  1 ટીસ્પૂન આમલીનો રસ અથવા ½ થી 1 ટીસ્પૂન લીંબુનો રસ

  ⅛ ચમચી જાયફળ પાવડર

  2 લીલા મરચાં – સમારેલા

  4 થી 5 કળી લસણ – સમારેલું

  1.5 ટીસ્પૂન સમારેલું આદુ

  ⅓ કપ સમારેલી કોથમીર

  ગ્રાઇન્ડીંગ માટે ⅓ થી ½ કપ પાણી

  પનીર શાકુટી માટે અન્ય સામગ્રી

  3 ટેબલસ્પૂન તેલ

  ⅓ કપ સમારેલી ડુંગળી

  ¼ ટીસ્પૂન હળદર પાવડર

  300 ગ્રામ પનીર

  1.5 થી 2 કપ પાણી અથવા જરૂરમુજબ

  જરૂરમુજબ મીઠું

  2 થી 3 ટેબલસ્પૂન સમારેલી કોથમીર

  રીત:

  1. એક પેનમાં 1.5 ટેબલસ્પૂન તેલ ગરમ કરો અને સમારેલી ડુંગળી ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી ધીમીથી મધ્યમ આંચ પર ડુંગળી સાંતળો
  2. પછી જાયફળ સિવાયના તમામ મસાલા અને સૂકા લાલ મરચાં ઉમેરો.
  3. ધીમી આંચ પર, હલાવતા રહીને મસાલાને 1 થી 2 મિનિટ સુધી અથવા તે સુગંધિત થાય ત્યાં સુધી શેકી લો. તેમાં 1 કપ ખમણેલું તાજું કોપરું ઉમેરો અને સરખી રીતે મિક્સ કરી લો. કોપરું હલકું સોનેરી થાય ત્યાંસુધી સાંતળી લો. આંચ બંધ કરીને 1 ટીસ્પૂન આમલીનો રસ અથવા લીંબુનો રસ ઉમેરો. સારી રીતે ભેળવી દો. શેકેલા મસાલામાં ⅛ ટીસ્પૂન જાયફળ પાવડર ઉમેરો. પછી બરાબર ભેળવી દો અને મિશ્રણ સંપૂર્ણપણે ઠંડુ થાય ત્યાંસુધી બાજુ પર રહેવા દો.
  4. હવે એક ગ્રાઇન્ડર જારમાં આ મિશ્રણ લો. તેમાં લસણ, આદુ, લીલા મરચાં અને કોથમીર ઉમેરો.
  5. તેમાં ½ કપ પાણી ઉમેરી તેની સ્મૂધ મસાલા પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને બાજુ પર રહેવા દો.
  6. 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં ⅓ કપ સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી હલકી પારદર્શક થાય ત્યાં સુધી સાંતળો.
  7. આંચને ધીમી કરો અને પછી તેમાં ¼ ટીસ્પૂન હળદર પાવડર ઉમેરો. બરાબર હલાવીને ભેળવી દેવું. પછી તેમાં વાટેલી શાકુટી મસાલાની પેસ્ટ ઉમેરો. બરાબર ભેળવીને એક મિનિટ માટે સાંતળી લો.
  8. હવે તેમાં પનીર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને ભેળવી લો. તેમાં 1.5 થી 2 કપ પાણી ઉમેરો. ફરીથી સારી રીતે ભેળવી લો.
  9. હવે પેનને ઢાંકણ ઢાંકી લો. શાકુટી ગ્રેવીને તેલ છૂટું પડે ત્યાંસુધી ધીમી આંચ પર ખદખદવા દો.
  10. આંચ બંધ કરો અને કોથમીરના પાંદડા ઉમેરી ભેળવી દો.
  11. રોટલી, પરાઠા કે ભાત સાથે પનીર શાકુટી સર્વ કરો.

  તવસલી

  Photo Courtesy: yourhungerstop.com

  સામગ્રી:

  1.5 કપ સોજી
  1.5 કપ ઓર્ગેનિક ગોળનો પાવડર/ભુક્કો
  4-5 લીલી એલચી
  ¾ કપ ખમણેલું તાજા નાળિયેર
  2 કપ ઠાંસોઠાંસ ભરેલી, ખમણેલી કાકડી, – સાદી અથવા ખીરા કાકડી (જો ખીરા કાકડી વાપરો તો તેને બીજ કાઢીને ખમણવી )
  ¼  ટીસ્પૂન જીરું પાવડર
  2 થી 3 ટેબલસ્પૂન કાજુ (વૈકલ્પિક)
  ½ ટીસ્પૂન નાળિયેરનું તેલ, પેન ને ગ્રીસ કરવા માટે.

  રીત:

  1. રવાને સુગંધ આવે ત્યાંસુધી શેકીને બાજુ પર રાખો. એલચીમાંથી દાણા કાઢી તેનો ભૂકો કરો.
  2. હવે એક બાઉલમાં રવો લો, તેમાં ખમણેલી કાકડી (પાણી સાથે), ખમણેલું નારિયેળ, સમારેલા કાજુ અને ગોળનો પાવડર ઉમેરી બરાબર ભેળવી દો.
  3. તેમાં એલચીનો ભૂકો અને જીરા પાવડર ઉમેરી બરાબર ભેળવો, જેથી એમાં કોઈ ગઠ્ઠા ન રહે. મિશ્રણ બહુ જાડું કે બહુ પાતળું ન હોવું જોઈએ, જરૂર લાગે તો તેમાં થોડું દૂધ ઉમેરી પાતળું કરી શકાય.
  4. હવે પ્રેશર કૂકરમાં લગભગ 3 થી 3.5 કપ પાણી ગરમ કરો.
  5. એક પેનને નારિયેળના તેલથી ગ્રીસ કરી તેમાં આ મિશ્રણ રેડો.
  6. પેનને કૂકરમાં મૂકી, બરાબર ઢાંકી લો, કૂકરમાં વિહ્સ્લ લગાવવી નહિ.
  7. મિશ્રણને ૩૦ થી ૪૦ મિનીટ માટે પકવવા દો, જયારે તેમાં છરી નાખતા, છરી એકદમ સાફ બહાર આવે ત્યારે તવસલી તૈયાર છે.
  8. કૂકરમાંથી કાઢી, થોડી અથવા પૂરેપૂરી ઠંડી પડે એટલે તાના ટુકડા કરી સર્વ કરો.

  eછાપું

  તમને ગમશે: શું અમેરિકા અને ચીન વચ્ચે Trade War શરુ થઇ ચુક્યું છે?

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here