પિટરમેરીટ્ઝબર્ગ, ગાંધીજી અને આપણે!

0
307
Photo Courtesy: triumphias.com

ગાંધીજીના જીવનને બદલી નાખવામાં સાઉથ આફ્રિકાના પિટરમેરીટ્ઝબર્ગ સ્ટેશન પર એમની સાથે ઘટેલી ઘટના અતિશય મહત્ત્વ ધરાવે છે. આપણા દરેકના જીવનમાં કદાચ આવી જ એક ‘પિટરમેરીટ્ઝબર્ગ ક્ષણ’ આવતી હોય છે જે આપણી જિંદગી બદલી નાખે છે.

‘પિટરમેરીટ્ઝબર્ગ’: ઘણા ઓછા એવા વ્યક્તિઓ હશે જેમને આ નામ વિષે ખબર હશે. સાઉથ આફ્રિકાનું એક રેલવે સ્ટેશન કે જે આમ તો સામાન્ય રેલવે સ્ટેશન જેવું જ હતું, પરંતુ એક અસામાન્ય ઘટના બની અને ઈતિહાસના પાનાઓ પર આ રેલવે સ્ટેશન અમર બની ગયું. એ ઘટના આપણા રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલી છે.

7 જુન 1893નો એ દિવસ. એ દિવસે ગાંધીજી પિટરમેરીટ્ઝબર્ગ સ્ટેશન ઉપર ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચઢ્યા. પોતાની પાસે ટીકીટ હોવા છતાં ત્યાંના એક ગોરાએ ગાંધીજી અશ્વેત હોવાથી જનરલ ક્લાસમાં જવા કહ્યું. વકીલાતનો ધંધો હોઈ પોતાની પાસે રહેલા સબુત સાથે દલીલ કરવા જતાં ગાંધીજીને એ ગોરાએ ધક્કો મારીને ફર્સ્ટ ક્લાસના ડબ્બા બહાર કાઢી મુક્યા.

આ ઘટના બાદ ગાંધીજીએ એક મોટી અહિંસક લડત ચલાવી જેને ‘રંગભેદની નીતિ સામે ગાંધીજીનો વિરોધ’ના નામે આપણે સૌ ઓળખીએ છીએ. એ પછી ગાંધીજીના જીવનનો ભવ્ય ઈતિહાસ આપણને ખબર છે.

પિટરમેરીટ્ઝબર્ગની ઘટનાને 2018માં 125 વર્ષ પૂર્ણ થયા ત્યારે આ ઘટનાને ઝીણવટભરી નજરે જોવાનું મન થયું. શું એ માત્ર એક ઘટના હતી? ના, કદાપિ નહિ. એ ગાંધીજીના સ્વાભિમાન પર ઘા હતો. જેની આગ અહી ભારત સુધી જ નહિ, વિશ્વના દરેક ખૂણે પ્રસરી અને પોતાના હકો માટે લોકોને લડતા કર્યા.

આપણે કોઈ દિવસ વિચાર્યું છે કે જે કામ આપણે કરી રહ્યા છીએ અથવા જે કામ કરવા માટે આપણે દિવસ રાત એક કરીને પોતાની જાતને સાબિત કરવામાં રચ્યાપચ્યા રહીએ છીએ એની પાછળ કયું કારણ જવાબદાર છે?? મને લાગેછે કે દરેક વ્યક્તિના જીવનમાં પોતાની આગવી આવી એક પિટરમેરીટ્ઝબર્ગની ઘટના હોય જ છે જે એની અંદરની આગને સતત પ્રજ્વલિત રાખે છે. સહેજ પ્રયત્નો ઠંડા પડે ત્યાં યાદ આવી જતી આ ઘટના સ્વાભિમાનની સળગતી લાકડીઓને સંકોરીને અગ્નિને પુનઃસ્થાપિત કરે છે.

વ્યક્તિએ વ્યક્તિએ પિટરમેરીટ્ઝબર્ગ ઘટનાના સ્વરૂપો અલગ અલગ જોવા મળી શકે છે. પરંતુ આ તમામનું પરિણામ તો એક જ હોય છે. સ્વાભિમાન અને પોતાની જાતને સાબિત કરીને બતાવવી! સગા વ્હાલાના મ્હેણાં, કોઈ ઊંચા દરજ્જાના વ્યક્તિના ઘરેથી મળેલો જાકારો, અણીના સમયે મદદ મળવાની આશાઓ પર ફરેલું પાણી, આર્થિક સંકડાશ કે પછી કુદરતી પડકાર, આ તમામ પ્રકારો એ આપણી આજની  પિટરમેરીટ્ઝબર્ગની ઘટનાનું સ્વરૂપ લઈને આવે છે.

જેમ ગાંધીજીએ પોતાના હકો અને પોતાની કેપેબીલીટીઝને ઓળખી પારખીને, તમામ સંકટો અને અમલદારશાહીનો સામનો કરીને પોતાની મંઝીલ હાંસિલ કરી તેમ આપણે પણ આવી નાની નાની ઘટનાઓને આપણા સ્વાભિમાન સાથે જોડીને પોતાની ક્ષમતાઓ શોધીએ છીએ અને પોતાનું યોગ્ય સ્થાન મેળવવા માટે પ્રયત્નશીલ રહીએ છીએ. તો શું એમ ન કહી શકાય કે આપણા તમામમાં એક એક ગાંધીજી વસે છે?!

લાગતું વળગતું: મહાત્મા ગાંધી ના દાદા ‘ઓતાબાપા’ વિશે આપણે કેટલું જાણીએ છીએ?

આમ જોવા જઈએ તો આજના સ્પર્ધાત્મક યુગમાં આ થવું જરૂરી પણ છે. ગળાકાપ સ્પર્ધામાં પોતાનું આગવું સ્થાન મેળવવા માટે એક ચાલકબળની જરૂર સૌને હોય જ છે. ઘણા ઓછાને આ ચાલકબળ આત્મસ્ફુરણા દ્વારા મળે છે,માટે જ તો આજે મોટીવેશનલ સ્પીકર્સનો ધંધો ખુબ તેજીમાં છે! જો બધામાં આવું ચાલકબળ આત્મપ્રેરિત હોત તો તો જોવાનું જ શું હતું?! પરંતુ એવું છે નહિ. એટલા જ માટે દરેકના જીવનમાં પિટરમેરીટ્ઝબર્ગ જેવી ઘટના બનવી જોઈએ એવું હું દ્રઢપણે માનું છું.

હવે આનાથી એક સ્ટેપ આગળ વિચારીએ. એક સવાલ જાતને પૂછો કે શું કોઈ તમને તમારી ભૂલ બતાવે અથવા તમારી ભૂલ ન હોય છતાં તમને એલફેલ બોલી જાય ત્યારે તમે શું કરો છો? તમે કહેશો કે એતો ડીપેન્ડ કરે છે કે કોણ કહી રહ્યું છે, રાઈટ? તો ચાલો એવું વ્યક્તિ કહી રહ્યું છે કે જેની સામે તમે ચાહવા છતાં કોઈ કારણોસર નથી બોલી શકતા, તો તમે શું કરો? નક્કી તમે આમ જ કરશો કે એ વાતની ગાંઠ વાળીને સમય અને સંજોગ ભેગા થશે ત્યારે એનો બદલો લઇ લેશો, ખરું ને? પણ એવું ન કરતાં આ ઘટનાને તમે પોતાના જીવનની પિટરમેરીટ્ઝબર્ગ તરીકે પણ લઇ શકો કે નહિ? આવું ક્યારેય વિચાર્યું છે?

ઘણા એવા મહારથીઓ પડ્યા છે કે જેમણે પોતાના અપમાનોને અલગ નજરથી જોયાં અને અપમાનનો બદલો અપમાનથી લેવા કરતાં પોતાની જ હેસિયત એટલી ઉંચી કરી નાખી કે એ અપમાન કરનારની લીટી આપોઆપ એમના કરતાં નાની થઇ ગઈ. એલોન મસ્ક, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, થોમસ આલ્વા એડીસન અને બીજા અગણિત! એટલે જ યથાર્થ કહેવાયું છે કે, ‘અપમાનનો સૌથી મોટો બદલો સફળતા છે’.

કોઈ ગમે તેવું અપમાન કરે, કંઈક કહી જાય અથવા તો આપણી મજાક ઉડાવે કે આપણને બુલી કરે. આ તમામનો બદલો લેવા કરતાં એ દિશામાં વિચારો કે એ ઘટનાઓ આપણને કેવી રીતે એક પોઝીટીવ સંદેશ આપે છે. એમના થકી મળેલા એ સંકેતને આપણે કેવી રીતે ઉર્જામાં બદલી શકીએ છીએ અને એ ઉર્જાનો ઉપયોગ આપણી સફળતા માટે એવી કરીએ કે અંતે ચારેય ખાનાં ચિત્ત કરી દઈએ! કેટલો સુંદર હશે એ દિવસ જે દિવસે તમને હીન સમજનારા લોકો તમને મળવા માટે પડાપડી કરશે અને તમારો એમની સાથેનો નાતો બતાવવામાં ગર્વ અનુભવશે!

બસ, આ જ તો જોઈતું હતું તમારે! તમારું સ્વાભિમાન! એટલે જ મહાન વ્યક્તિઓના જીવન પ્રસંગોમાં આપણને ક્યારેય એમણે કોઈ વાતનો બદલો લીધો હોય એવું વાંચવા નહિ મળે. જો એમણે આવું કર્યું હોત તો એમની આત્મકથા આપણે વાંચી જ ન રહ્યા હોત. ગાંધીજી પણ એ વખતે એ ગોરાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીને તત્કાલ સજા અપાવી શક્યા હોત. પણ એમણે એવું ના કર્યું. કારણ કે તેઓ એ વ્યક્તિની અશ્વેતો પ્રત્યેની માનસિકતા બદલવા માંગતા હતા. અને એમણે એવું કરી બતાવ્યું.

તો શોધીએ આપણી આગવી ‘પિટરમેરીટ્ઝબર્ગ ઘટના’ અને લાગી પડીએ એ દિશામાં જે સ્વોત્થાનના સૂર્યોદય તરફ દોરી જાય છે!!

આચમન :- “આપણને ગળથૂથીમાં અપમાનના પ્રતિકારમાં માત્ર એક જ વાત શીખવી છે, સમય મળ્યે બદલો લઇ લો. મારું કહેવું એમ છે કે સમય લઈને તમારી સ્થિતિ જ એવી રીતે બદલી નાખો કે બદલો લેવાની જરૂર જ ન પડે”  

eછાપું 

તમને ગમશે: પાકિસ્તાન કાશ્મીર માટેના વીજ પ્રોજેક્ટ વિરુદ્ધ વર્લ્ડ બેન્ક ફરિયાદ કરવા ગયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here