ક્યાં ગયું પેલું મહાગઠબંધન? તમને દેખાય તો જરા કહેજો!

0
271
Photo Courtesy: opindia.com

ગયા વર્ષના અંતમાં અચાનક જ વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ ‘મહાગઠબંધન’ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી તેના નેતાઓ ભેગા પણ નથી થયા. તો શું આ મહાગઠબંધન હજી પણ અસ્તિત્વ ધરાવે છે ખરું?

Photo Courtesy: opindia.com

નરેન્દ્ર મોદી જાણેકે દેશ પર આવી પડેલી અત્યારસુધીની સહુથી મોટી આફત હોય એવી હવા ઉભી કરીને પોતપોતાની અંગત એષણાઓ સિદ્ધ કરવા મહાગઠબંધન નામનો એક કારસો રચવાની કોશિશ થઇ હતી. ગયે વર્ષે જ્યારે એકબીજાના લોહી તરસ્યા એવા જનતા દલ સેક્યુલર અને કોંગ્રેસે ભેગા મળીને કર્ણાટકમાં સહુથી મોટી પાર્ટી ભાજપને ફક્ત સત્તાથી દૂર રાખવા સરકાર બનાવી ત્યારે એચ ડી કુમારસ્વામીના શપથવિધિ સમારોહમાં મોટે ઉપાડે ‘વિપક્ષી એકતા’ નો દેખાડો કરવામાં આવ્યો હતો.

જો કે આ મંચ પર હાલના વિપક્ષના કેટલાક મોટા માથાં જેવા કે માયાવતી, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવથી માંડીને નાના અને નગણ્ય માથાં જેવા કે અજીત સિંગ અને અરવિંદ કેજરીવાલ પણ એકબીજાના હાથના અંકોડા ભરાવીને હાથ ઊંચા કરીને ફોટા પડાવતા જોયા હતા. ભારતીય રાજકારણને ગંભીરતાથી ફોલો કરનારને તો ત્યારેજ ખબર પડી ગઈ હતી કે આ ‘સંઘ’ કાશીએ સોરી દિલ્હીએ ક્યારેય નહીં પહોંચે. કારણ? આ બધાને જો મોકો મળે તો આવનારી લોકસભાની ચૂંટણીઓ બાદ વડાપ્રધાન થઇ જ જવું હતું.

જો આ કારણ ન હોત તો મમતા બેનરજીએ શા માટે પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે કોલકાતામાં એક રેલી આયોજિત કરીને આ તમામ નેતાઓને બોલાવ્યા? કારણકે જો મમતા બેનરજીએ એ રેલી કોલકાતાને બદલે કટકમાં, કોડીનારમાં કે કોચીમાં કરી હોત તો તેમની કહેવાતી લોકપ્રિયતાના ચણા-મમરા વેરાઈ ગયા હોત. એટલે પોતપોતાના એરિયામાં પોતે કેટલા શક્તિશાળી છે એ દેખાડીને જો મોકો મળે તો વડાપ્રધાન થવાનો દાવો પેશ કરી દેવાની જ આ કસરત  હતી.

મહાગઠબંધનની ઉપરોક્ત બંને ઘટના બાદ આ તમામ નેતાઓ એક થઈને ક્યારેય ઉભા રહ્યા હોય એવો કોઈ કાર્યક્રમ ખુબ યાદ કરતા પણ નથી યાદ આવતો. મમતા બેનરજીની રેલી બાદ તો બધા પોતપોતાના કામમાં એવા તો વ્યસ્ત થઇ ગયા કે ચૂંટણીની તારીખો પણ જાહેર થઇ ગઈ. મહાગઠબંધનના બે મહત્ત્વના હિસ્સા માયાવતીના બહુજન સમાજ પાર્ટી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ ઘરમેળે ગઠબંધન ઉભું કરી દીધું અને કોંગ્રેસ જે પેલા મહાગઠબંધનના ટેકે પોતાના યુવરાજને વડાપ્રધાન બનાવવા માંગતી હતી એને આ બંનેએ પૂછ્યું પણ નહીં!! આવી હોય ‘વિપક્ષી એકતા’?

રોટલાનો ચોથો હિસ્સો શ્વાનભાગ હોય એમ અમેઠી અને રાયબરેલી જેવી પેઢીગત બેઠકોનો ટુકડો  માયાવતી અને અખિલેશે કોંગ્રેસના દ્વારે ફેંકી દીધો. વાત અહીં પણ અટકી નહીં. કોંગ્રેસે ઓવર સ્માર્ટનેસ બતાવવાની કોશિશ કરીને માયાવતી, મુલાયમ, અખિલેશ, અજીત સિંગ વગેરે મોટા નેતાઓ જ્યાંથી લડશે ત્યાં પોતાના ઉમેદવારો ઉભા નહીં રાખે એવું કહીને પોતે પણ આ ગઠબંધનનો હિસ્સો હોવાનો ભ્રમ ફેલાવવાની કોશિશ કરી તો માયાવતીએ જાહેરમાં કોંગ્રેસનું અપમાન કરીને કહી દીધું કે ઉત્તર પ્રદેશ તો છોડો દેશના કોઇપણ હિસ્સામાં અમે તમારી સાથે ગઠબંધન કરવાના નથી. માયાવતીના આ આક્રોશને અખિલેશે પણ બીજે દિવસે જાહેર સમર્થન આપ્યું હતું.

ઉત્તર પ્રદેશ પછી અતિશય મહત્ત્વના એવા બિહારમાં પણ આવી જ હાલત છે. લાલુપુત્ર તેજસ્વી યાદવ હાલમાં જે પક્ષના કર્તાહર્તા છે તે રાષ્ટ્રીય જનતા દલ, કોંગ્રેસ, જીતન રામ માંઝીની પાર્ટી, NDA છોડીને આવેલા ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી અને સામ્યવાદીઓ સાથે મળીને ગઠબંધન બનાવવાની કોશિશ કરી રહ્યા છે. અહીં પણ કોગ્રેસ આડી ફાટતા ગઠબંધન તકલીફમાં આવી ગયું છે. તેજસ્વી યાદવે કોંગ્રેસને 7 બેઠકો આપી તો કોંગ્રેસે 14 માંગી. ત્યારબાદ તેજસ્વીએ પોતાના કોટામાંથી એક બેઠક વધારી પણ આપી અને કોંગ્રેસને સાનમાં સમજી જવાનું કહ્યું. કદાચ અહીં ગઠબંધન બની પણ જાય પરંતુ તેમાં ખટાશ ઓલરેડી આવી ચૂકી છે.

બિહારથી બંગાળ તરફ જઈએ તો અહીં કોંગ્રેસનો મેળ મમતા બેનરજી સાથે તો પડવાનો ન હતો એટલે એણે દાયકાઓથી પોતાના કટ્ટર દુશ્મન અને જેણે કોંગ્રેસને 22 વર્ષ સુધી બંગાળમાં સત્તાથી દૂર રાખી તેવા સામ્યવાદીઓ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવવાની કોશિશ કરી, પરંતુ સ્થાનિક સામ્યવાદી કાર્યકર્તાઓએ આ સેટિંગની સ્પષ્ટ ના પાડી દીધી. જો કે હજી પણ અહીં ચાન્સ છે પણ આ બંને પક્ષો એકબીજાને મદદ કરીને કેમ જીતી શકશે એ સવાલ છે.

લાગતું વળગતું: મમતાનું ઠગબંધન એટલે મઢી સાંકડીને બાવા જાજા.. બીજું કશું નહીં

આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં કહેવાતા મહાગઠબંધનના પક્ષો TDP અને DMK સાથે કોંગ્રેસનો મેળ જામ્યો છે પરંતુ ફરીથી અહીં પણ તેને શ્વાનભાગ જેટલી જ બેઠકો મળી છે. કેરળમાં હજી પણ સામ્યવાદીઓ સાથે કોંગ્રેસની સીધી લડાઈ છે એટલે અહીં ગઠબંધનનો કોઈ સવાલ જ નથી. કર્ણાટકમાં કોંગ્રેસ JDS સાથે મળીને સરકાર ચલાવે છે પરંતુ દર અઠવાડિયે કુમારસ્વામીને રડાવીને. અહીં પણ કોણ કેટલી બેઠક પર ચૂંટણી લડશે તેના પર પ્રશ્નાર્થ ઉભો જ છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCP વચ્ચે તાલમેલ જળવાઈ રહ્યો છે. તો દિલ્હીમાં અમારો ટેકો લ્યો જ લ્યો એવી જીદ કરી રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ હવે કાંટાળી જઈને કોંગ્રેસ સાથે કોઇપણ પ્રકારના ગઠબંધનથી ઇનકાર કરી દીધો છે.

આમ દેશના કોઇપણ હિસ્સામાં જે વિશાળ મહાગઠબંધનની કલ્પના કરવામાં આવી હતી તે ધરાતલ પર દેખાતું જ નથી. બધા પોતપોતાની રીતે પોતપોતાના રાજ્યમાં એડજસ્ટમેન્ટ કરીને બેસી ગયા છે. ખરેખર તો જો ભાજપ કે પછી NDA જેવી વિશાળ રાજકીય તાકાતને હરાવવી હોય તો બધીજ સમજદારી ચૂંટણીના બે વર્ષ અગાઉ થઇ જવી જોઈએ પરંતુ છેલ્લી ઘડીએ જાગવાથી મહાગઠબંધનનું બાળમરણ થઇ ગયું છે.

આ સમગ્ર ચિત્રનો બીજો અર્થ એમ પણ નીકળે છે કે આ તમામ નેતાઓ એવું પણ વિચારતા હશે કે અત્યારે તો પોતપોતાની રીતે ચૂંટણી લડી લઈએ અને ચૂંટણી પછી NDA જો 272 થી સારીએવી દૂર રહે એટલેકે 230-240 બેઠકો પર અટકી જાય તો પછી આપણે ફરીથી દેશને મોદીથી બચાવવા તેમજ દેશના સેક્યુલર તાણાવાણાને ફરીથી સ્થાપિત કરવાના બહાને ફરીથી ભેગા થઇ જઈશું, શક્ય હશે તો NDAમાંથી પણ અમુક પાર્ટીઓ ખેરવી લઈશું અને જે પક્ષની બેઠકો આપણા બધામાંથી વધુ હશે તેનો નેતા વડાપ્રધાન બની જશે.

આનાથી વિરુદ્ધ ભાજપ અને NDAમાં બેઠકોની સમજૂતી ક્યારનીય થઇ ગઈ છે અને અમુક રાજ્યોમાં તો તેમનો પ્રચાર પણ શરુ થઇ ગયો છે. જ્યારે મહાગઠબંધન આગળ ચર્ચા કર્યા મુજબ જ પરિણામ બાદ પોતાની રણનીતિ નક્કી કરવાનું નક્કી કરી ચુક્યું છે.

હવે એ ફેંસલો પ્રજાએ કરવાનો છે કે તે અત્યારથી જ પોતાનું ગઠબંધન નક્કી કરીને અને તે જો ફરીથી સરકાર બનાવશે તો એ શું કરશે તેનો કાર્યક્રમ જાહેર કરીને આ વખતની લોકસભાની ચૂંટણીઓમાં ઉતરશે એને મત આપશે કે પછી એમને જે ચૂંટણીનું પરિણામ શું આવશે ત્યારબાદ દેશની દિશા અને દશા નક્કી કરશે તેને મત આપશે!

eછાપું

તમને ગમશે: વડાપ્રધાન મોદીએ રવાન્ડામાં 200 ગાય દાનમાં આપી એ ગીરીન્કા પ્રોજેક્ટ શું છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here