ભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો? ખરેખર?

0
312
Photo Courtesy: btvi.in

ભારતના આર્થિક ભાગેડુ નિરવ મોદીની ગઈકાલે લંડનમાં ધરપકડ થઇ છે. પરંતુ ભારતમાં તેનો આનંદ ઉજવવાને બદલે ફક્ત નરેન્દ્ર મોદી અને તેમની સરકાર તેમના જ કાર્યની ક્રેડીટ ન લઇ જાય તેવી શરમજનક પ્રવૃત્તિ શરુ થઇ ગઈ છે.

Photo Courtesy: btvi.in

ગઈકાલે પંજાબ નેશનલ બેન્કનું કરોડો રૂપિયાનું ‘કરી નાખનાર’ આર્થિક અપરાધી નિરવ મોદી લંડનમાં પકડાઈ ગયો હતો. રાહતની વાત એ છે કે વિજય માલ્યાથી અલગ નિરવ મોદીને જામીન મળ્યા નથી અને તેણે હવે આ મહિનાના અંત સુધી લંડન મેટ્રોપોલિટન પોલીસની કસ્ટડીમાં રહેવું પડશે. પરંતુ આપણે ત્યાં રાજકારણ જેટલું ગંદુ થઇ ગયું છે એટલીજ ગંદકી પત્રકારિતામાં પણ જોવા મળે છે તે ગઈકાલની આ ઘટનાથી ફરીથી સાબિત થયું છે.

નિરવ મોદીની ધરપકડના સમાચાર જેવા ફેલાયા કે તરતજ રાજકારણીઓ તેને આવનારી લોકસભાની ચૂંટણીઓ સાથે જોડીને કહેવા લાગ્યા કે “આ તો ભાજપ/મોદીને ફાયદો કરાવવા માટે થયું છે.” ઠીક છે રાજકારણીઓ ‘ચોરી સે જાય પર સિનાજોરી સે ન જાય’ એનાથી આપણે સહમત છીએ, પરંતુ પત્રકારો જે પોતાની ચેનલો અને છાપાંઓમાં છાતી ઠોકીને પોતે સત્યના પૂજારીઓ છે એવું કહેતા હોય છે તેમણે તો સાવ હાસ્યાસ્પદ બયાનબાજી શરુ કરી દીધી હતી.

સહુથી પહેલા તો આપણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદ વિષે વાત કરીએ. એમણે અન્ય કોંગ્રેસી નેતાઓ તેમજ તેમના સમર્થક એવા ફારુખ અબ્દુલ્લાની જેમ નિરવ મોદીની ધરપકડને ચુનાવી સ્ટંટ ગણાવ્યો હતો. આટલુંજ નહીં પરંતુ નિરવ મોદીને ખાસ ચૂંટણીના સમયે અહીં લાવવામાં આવી રહ્યો છે અને  જેવી ચૂંટણીઓ પૂર્ણ થશે એટલે પાછો વિદેશ મોકલી આપવામાં આવશે એવો દાવો પણ કર્યો હતો.

આ જ ગુલામનબી આઝાદે ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો હતો કે જો તેઓ એવો દાવો કરતા હોય (જો કે નરેન્દ્ર મોદીએ ખુદ એવો દાવો ક્યારેય નથી કર્યો, પરંતુ એમના સમર્થકોએ જરૂર એમ કહેતા રહેતા હોય છે) કે તેઓ વિદેશમાં પણ એટલા જ લોકપ્રિય છે તો વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સીને તેમણે પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ કરી પકડાવીને પરત લાવવા જોઈએ. હવે આ જ ગુલામ નબી આઝાદ જ્યારે નિરવ મોદીની ધરપકડ થઇ છે ત્યારે તેને ચુનાવી સ્ટંટ કહી રહ્યા છે!

આગળ જાણ્યું તેમ ગુલામનબી આઝાદે ગઈકાલે એમ પણ કહ્યું હતું કે નિરવ  મોદીને ખાસ ચૂંટણીઓ માટે અહીં લાવવામાં આવી રહ્યો છે અને ચૂંટણી પછી તેને પરત મોકલી આપવામાં આવશે. તો શું આઝાદનો એવો મતલબ છે કે તેમના માનવા અનુસાર ભારતમાં ફરીથી મોદી સરકાર જ બનશે? કારણકે તેઓ અને તેમનો પક્ષ તો બંને મોદી મળી ગયા હોવાનો દાવો કરે છે? અને જો એમના પક્ષ અને કહેવાતા મહાગઠબંધનની સરકાર બનશે તો શું તેઓ નિરવ મોદીને છોડી દેવાના છે એવો ઈશારો તેઓએ અત્યારથી જ કરી દીધો છે?

વર્તમાન સરકારના આથિક ભાગેડુઓને પરત લાવવાના પ્રયાસોને ક્રેડિટ ન આપવાની જીદમાં વિપક્ષી નેતાઓ હવે તાર્કિક દલીલો કરવાનું પણ ભૂલી ગયા છે. ગુલામનબી આઝાદે ગયા વર્ષે જ્યારે નિવેદન આપ્યું હતું ત્યારે કદાચ તેમને વિશ્વાસ હશે કે બ્રિટન સાથે પ્રત્યાર્પણ સંધી થયાના 25 વર્ષ પછી પણ જો એક જ વ્યક્તિનું પ્રત્યાપર્ણ થયું છે તો નિરવ મોદી અને વિજય માલ્યાના ભારત પરત આવવાના ચાન્સીઝ બિલકુલ જ નથી અને તેનો રાજકીય લાભ લઈને પ્રજાને ગેરમાર્ગે દોરી શકશે.

હવે વાત કરીએ ભારતની સહુથી તટસ્થ જાતિ એટલેકે ભારતીય પત્રકારોની. ગઈકાલે નિરવ મોદીની ધરપકડ બાદ રાષ્ટ્રીય અને ગુજરાતી બંને મિડિયાના લોકપ્રિય પત્રકારો એવો દાવો કરી રહ્યા હતા કે આ તો પેલા બ્રિટીશ પત્રકારે નિરવ મોદીને લંડનની સડકો પર ફરતા જોઈ લીધો એટલે ભારત સરકાર જાગી અને તેણે બ્રિટીશ સરકારને વિનંતી કરી અને નિરવ મોદી પકડાઈ ગયો.

લાગતું વળગતું: નરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત – એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત!

આ જ મિડિયા હાલની નરેન્દ્ર મોદી સરકારના હકારાત્મક કાર્યોને બહુ મહત્ત્વ આપતું નથી એટલે એમની આ દલીલ કોઈના પણ ગળે ઉતરી જાય કારણકે ભૂતકાળમાં ભારત સરકારે નિરવ મોદીને બ્રિટનથી પરત લાવવા માટે કેવા પ્રયાસો કર્યા હતા તેના સમાચાર તો આ મિડિયાએ જાણીજોઈને પ્રચારિત કર્યા જ ન હતા.

પરંતુ ગુગલ મહારાજ હવે આવા સંતાકૂકડી ટાઈપના સમાચારોને શોધી આપવામાં ભરપૂર મદદ કરતા હોય છે અને એટલેજ એક ન્યૂઝ શોધી કાઢવામાં આવ્યા જેમાં વિદેશી સમાચાર સંસ્થા રોઈટર્સના હવાલાથી એવું કહેવામાં આવ્યું છે કે છેક ઓગસ્ટ 2018માં ભારતના વિદેશ મંત્રાલયે ભારતની સંસદને માહિતી આપી હતી કે તે બ્રિટીશ સરકારને નિરવ મોદીના પ્રત્યાર્પણ માટે કાર્યવાહીનું કહી રહી છે. આ સમાચારમાં એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નિરવ મોદી બ્રિટનમાં છે તેની ખબર ભારત સરકારને કેવી રીતે પડી તે અંગે હાલમાં વિદેશ મંત્રાલય કહી શકે તેવી પરીસ્થિતિમાં નથી.

મતલબ સાફ છે કે ગયા વર્ષના ઓગસ્ટ પહેલા જ ભારત સરકારને ખબર પડી ગઈ હતી કે નિરવ મોદી લંડનમાં જ છે અને આથી જ તેણે નિરવ મોદીને ભારત પરત લાવવાની કાર્યવાહી ત્યારેજ શરુ કરી દીધી હતી. જ્યારે પેલા બ્રિટીશ પત્રકારભાઈએ તો નિરવ મોદીને હજી ગયા અઠવાડિયે શોધી કાઢ્યા હતા. પરંતુ નરેન્દ્ર મોદી સરકાર તેના કોઇપણ હકારાત્મક કાર્યની ક્રેડિટ ન લઇ જાય તે માટે સતત પ્રયાસો કરતું આપણું મિડિયા એવું સમજાવવાની કોશિશ કરી રહ્યું છે કે અમારા બ્રિટીશ મિત્રે નિરવ મોદીને ન શોધ્યો હોત તો તેની ધરપકડ ન થઇ હોત. ટૂંકમાં કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના?

બાકી તો દરેક દેશનું ન્યાયતંત્ર પોતાની રીતે કાર્ય કરતું હોય છે. આપણે જો વિજય માલ્યાના કેસનું ઉદાહરણ લઈએ તો નિરવ મોદીને ભારત પરત લાવવામાં દિવસો તો શું પરંતુ મહિનાઓ કે પછી વર્ષો લાગી શકે છે. પરંતુ આપણી સરકાર આર્થિક ભાગેડુઓને દેશમાં પરત લાવવા માટે ગંભીર છે અને એકને એક દિવસ તે તેમને પકડીને જેલમાં મૂકી દેશે એટલો વિશ્વાસ તો હોવો જ જોઈએ.

છેલ્લે ફરીથી કોંગ્રેસ અને તેના સમર્થકોની વાત કરીએ, તો જો એમના કહેવા અનુસાર નરેન્દ્ર મોદીએ બ્રિટીશ સરકાર પાસે નિરવ મોદીની ધરપકડ એટલા માટે કરાવી કે જેથી તેઓ આવનારી લોકસભાની ચૂંટણી જીતી જાય તો પછી એમના જેવા જ વડાપ્રધાનની આપણને જરૂર છે જેમના ઈશારે બ્રિટીશ સરકાર પણ તાબડતોડ કામ કરતી થઇ જાય, બરોબરને?

eછાપું

તમને ગમશે: હિરોશીમા અને નાગાસાકી પરના પરમાણુ હુમલા : કારણો અને તારણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here