IPL 2019 | મેચ 1 | હરભજન અને સ્પિનરોએ RCBને ડુબાડ્યું

0
286
Photo Courtesy: iplt20.com

આજથી શરુ થયેલી IPL 2019ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચેન્નાઈ ખાતે થયેલા મુકાબલાનો મેચ રિપોર્ટ.

Photo Courtesy: iplt20.com

IPL 2019નો આજથી ધમાકેદાર આરંભ થઈ ગયો છે. આજની મેચ ચેન્નાઈના પ્રખ્યાત એમ એ ચિદમ્બરમ ‘ચેપોક’ સ્ટેડિયમમાં રમાઈ હતી જ્યાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો થયો હતો.

રોયલ ચેલેન્જર્સે ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. આજની મેચની પીચ બોલરોને સહાય કરે તેવી લાગી રહી હતી પરંતુ મેચ શરુ થતાની સાથે જ બોલ સ્પિન થવા લાગ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંગ ધોનીએ બીજી જ ઓવર હરભજન સિંગને આપી હતી અને હરભજને પહેલેથી જ RCBના બેટ્સમેનો પર કાબુ મેળવી લીધો હતો.

હરભજન, ઇમરાન તાહિર અને રવિન્દ્ર જાડેજાની સ્પીન બોલિંગ સામે RCBના બેટ્સમેનો લાચાર નજર આવતા હતા. કેપ્ટન વિરાટ કોહલી, મોઈન અલી, એ બી ડી’વિલીયર્સ, શિમરોન હેટમાયર અને શિવમ દુબે સસ્તામાં આઉટ થઇ ગયા હતા. એક માત્ર પાર્થિવ પટેલે ડબલ ડીજીટમાં સ્કોર કર્યો હતો અને સહુથી છેલ્લે આઉટ થયો હતો.

પીચ ધીમી અને ટર્ન લેતી જરૂર હતી પરંતુ RCBના મોટાભાગના બેટ્સમેનોના શોટ્સ પણ બેજવાબદાર રહ્યા હતા. જ્યારે ટીમની પ્રથમ ત્રણ વિકેટો માત્ર 38 રનમાં પડી ગઈ હતી તેમ છતાં RCBના બેટ્સમેનો એ હવામાં ફટકા મારવાના ચાલુ રાખ્યા હતા. ત્યારબાદ પૂંછડીયા બેટ્સમેનો પાસે પણ કોઈજ ઉપાય રહ્યો ન હતો અને CSKના સ્પિનરો સામે લાચાર રહ્યા હતા. RCB પૂરી 20 ઓવર પણ રમી શક્યું ન હતું.

પીચ ટર્ન લઇ રહી હતી અને ટાર્ગેટ બહુ મોટો ન હોવાથી ચેન્નાઈ સુપર કિંગ્સે સંભાળીને રમવાનું શરુ કર્યું હતું. કોહલીએ પણ આ વિકેટ પર ઓપનીંગ બોલર તરીકે યુઝવેન્દ્ર ચેહલને પસંદ કર્યો હતો. ચેહલે પોતાની બીજી જ ઓવરમાં શેન વોટ્સનને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. આ વિકેટ બાદ અંબાતી રાયુડુ અને સુરેશ રૈનાએ ઇનિંગની ગતિ વધારી હતી, ખાસકરીને સુરેશ રૈનાએ ઝડપી બેટિંગ કરવાની કોશિશ કરી હતી.

પોતાની બેટિંગ દરમ્યાન સુરેશ રૈનાએ પોતાના 5000 IPL રન પૂરા કર્યા હતા. આ રેકોર્ડ બનાવનાર તે પ્રથમ બેટ્સમેન બન્યો હતો. સુરેશ રૈનાના આઉટ થયા બાદ કેદાર જાધવે રાયુડુ સાથે ભાગીદારી નોંધાવતા CSKને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન નડે તે સુનિશ્ચિત કર્યું હતું. જો કે ધીમી પીચને લીધે CSK પણ છેક 18મી ઓવરમાં જીતી હતી.

આ હાર માટે RCBએ પીચ કરતા પોતાના બેટ્સમેનોને વધુ જવાબદાર ગણવા જોઈએ. જ્યારે પીચ નો ટર્ન લેતો સ્વભાવ પહેલેથી જ ખબર પડી જાય ત્યારે ટાર્ગેટ 110-120 સુધીનો જ ઉભો કરવાની કોશિશ કરવી જોઈએ પરંતુ તેના બેટ્સમેનોએ ઉતાવળમાં વિકેટો ફેંકી દીધી હતી.

 

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 1 | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

ટોસ: ચેન્નાઈ સુપર કિંગ્સ (બોલિંગ)

RCB – 70 ઓલ આઉટ (17.1) રન રેટ: 4.09

પાર્થિવ પટેલ 29 (35)

ઇમરાન તાહિર – 3/9 (4)

હરભજન સિંગ – 3/20 (4)

રવિન્દ્ર જાડેજા – 2/15 (4)

ચેન્નાઈ સુપર કિંગ્સ – 71/3 (17.3) રન રેટ: 4.08

અંબાતી રાયુડુ 28 (42)

સુરેશ રૈના 19 (21)

કેદાર જાધવ 13* (19)

યુઝવેન્દ્ર ચેહલ 1/6 (4)

પરિણામ: ચેન્નાઈ સુપર કિંગ્સ 7 વિકેટે જીત્યું.

મેન ઓફ ધ મેચ: હરભજન સિંગ (ચેન્નાઈ સુપર કિંગ્સ)

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here