IPL 2019 | મેચ 2| આન્દ્રે રસલના ઝંઝાવાતે વોર્નરનો કમબેક ઝાંખો પાડ્યો

0
362
Photo Courtesy: iplt20.com

IPL 2019માં આજે કોલકાતામાં KKR અને SRH વચ્ચે મુકાબલો થયો હતો જેનું પરિણામ છેલ્લી ઓવરોમાં નક્કી થયું હતું અને એ પણ આન્દ્રે રસલના ઝંઝાવાત બાદ.

Photo Courtesy: iplt20.com

કોલકાતામાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સન રાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2019ની બીજી મેચમાં ડેવિડ વોર્નરની શાનદાર બેટિંગ જોવા મળી હતી અને SRHએ તેની બેટિંગની મદદથી એક વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ડેવિડ વોર્નર માટે આ મેચ અતિશય મહત્ત્વની હતી કારણકે તે બોલ ટેમ્પરિંગની સજા ભોગવ્યા બાદ અને ગયા વર્ષની IPL ટુર્નામેન્ટ આ જ ગુનાસર ગુમાવ્યા બાદ SRH વતી પહેલી મેચ રમી રહ્યો હતો.

પરંતુ, ડેવિડ વોર્નર કોઇપણ પ્રકારના દબાણમાં ન હોય તેવું લાગી રહ્યું હતું. તેણે અને ઇંગ્લેન્ડના જ્હોની બેરસ્ટ્રો એ ધમાકેદાર બેટિંગ કરતા KKRના બોલરોની સારી પેઠે ધોલાઈ શરુ કરી દીધી હતી. આ બંને એ લગભગ 9 રન પ્રતિ ઓવરની ગતિએ સ્કોર કર્યો હતો. એક સમયે એવું લાગી રહ્યું હતું કે આ બંનેને આઉટ કરવા એ KKRના બોલરો માટે લગભગ મુશ્કેલીભર્યું છે. છેક 12મી ઓવરમાં પિયુષ ચાવલાએ બેરસ્ટ્રોને ક્લીન બોલ્ડ કર્યો હતો.

જ્હોની બેરસ્ટ્રોના જવા બાદ વોર્નરે ટેમ્પો જાળવી રાખ્યો હતો પરંતુ આન્દ્રે રસલની બોલિંગમાં ઉથપ્પાએ મિડ વિકેટ પર પકડેલા એક અદભુત કેચને લીધે વોર્નર સદી કરતા 15 રન દૂર રહી ગયો હતો. આ સમયે SRHનો સ્કોર 16 ઓવરોમાં 144/2 હતો અને ત્યારબાદ આવેલા વિજય શંકરે માત્ર 24 બોલમાં 40 રન ફટકારીને SRHને 20 ઓવરોમાં 181/3 ના વિશાળ સ્કોર સુધી પહોંચાડી દીધું હતું.

કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત ખાસ સારી નહોતી રહી. ક્રિસ લીને એક સિક્સર માર્યા બાદ બહુ ખરાબ શોટ રમીને શાકિબ અલ હસનની બોલિંગમાં રાશીદ ખાનના હાથે કેચ આઉટ થયો હતો. પરંતુ ત્યારબાદ નીતીશ રાણાએ બાજી સાંભળી હતી અને રોબિન ઉથપ્પાએ શરૂઆતમાં સંભાળીને અને બાદમાં આક્રમક થઈને ઇનિંગ આગળ વધારી હતી, પરંતુ તેમ છતાં જરૂરી રન રેટ કરતા KKR સતત પાછળ પડી રહ્યું હતું.

રોબિન ઉથપ્પાના આઉટ થયા બાદ કેપ્ટન દિનેશ કાર્તિક તરત જ આઉટ થઇ ગયો હતો અને કોલકાતા પર દબાણ વધી ગયું હતું. KKRની રન ગતિ ધીમી પાડવા પાછળ રાશીદ ખાનનો મોટો ફાળો હતો. જ્યારે મેચ બરોબર આગળ વધી રહી હતી ત્યારેજ 15.2 ઓવરે ઈડન ગાર્ડન્સના એક ફ્લડલાઇટ ટાવરમાં લાઈટ ચાલી ગઈ હતી જેને લીધે રમતને 15 મિનીટ સુધી રોકી રાખવામાં આવી હતી.

પરંતુ મેચ ફરીથી શરુ થયા બાદ આન્દ્રે રસેલે આખી બાજી પલટાવી દીધી હતી. સિદ્ધાર્થ કૌલ અને ભુવનેશ્વર કુમારની બોલિંગની બરોબર ધોલાઈ કરતા રસેલે માત્ર 19 બોલમાં 49 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં આન્દ્રે રસેલે 4 ચોગ્ગા અને 4 સિક્સરો મારી હતી. છેલ્લી ઓવરમાં જ્યારે 13 રનની જરૂર હતી ત્યારે શુભમન ગિલે બે સિક્સરો મારીને KKRને જીતાડી દીધું હતું.

ટૂંકું સ્કોર કાર્ડ

IPL 2019 | મેચ 2 | કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. સન રાઈઝર્સ હૈદરાબાદ

ઈડન ગાર્ડન્સ, કોલકાતા

ટોસ: કોલકાતા નાઈટ રાઈડર્સ (બોલિંગ)

SRH 181/3 (20) રન રેટ: 9.05

ડેવિડ વોર્નર 85 (53)

વિજય શંકર 40 (24)

આન્દ્રે રસલ 2/32 (3.0)

પીયુષ ચાવલા 1/23 (3.0)

KKR 183/4 (19.4) રન રેટ: 9.43

નિતીશ રાણા 68 (47)

આન્દ્રે રસલ 49* (19)

રાશીદ ખાન 1/26 (4)

પરિણામ: કોલકાતા નાઈટ રાઈડર્સ 6 વિકેટે જીત્યું

મેન ઓફ ધ મેચ: આન્દ્રે રસલ (કોલકાતા નાઈટ રાઈડર્સ)

અમ્પાયરો: ક્રિસ ગાફની અને અનિલ ચૌધરી | વિનીત કુલકર્ણી (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: વેન્ગલી નારાયણ કુટ્ટી

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here