‘મેરા સુંદર ‘સપના’ બીત ગયા…’ – કોંગ્રેસની લેટેસ્ટ ફજેતી!!

0
168
Photo Courtesy: dainikbhaskar.com

ઉત્તર ભારતની લોકપ્રિય સિંગર અને ડાન્સર સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઈ છે કે નહીં તે અંગે બે દિવસ સતત અવઢવ રહી હતી અને છેવટે કોંગ્રેસની આ મામલે ખુબ મશ્કરી થઇ હતી.

Photo Courtesy: dainikbhaskar.com

સપના ચૌધરી… આ નામ સામે આવતાની સાથેજ દરેક ઉત્તર ભારતીય પુરુષ પછી તે યુવાન હોય કે વૃદ્ધ તેની આંખોમાં એક અનોખી ચમક આવી જતી હોય છે. સપના ચૌધરીની મૂળ ઓળખાણ છે એક ફોક સિંગર અને ડાન્સરની. જો કે ઉત્તર ભારતમાં કેવા પ્રકારના ફોક સોંગ્સ અને તેના પર કેવા ડાન્સ થાય છે એ અંગે વધુ કહેવાની કોઈ જરૂર લાગતી નથી બરોબર? પણ આ સપના ચૌધરીનું જબરદસ્ત ફેન ફોલોઈંગ છે અને તે થોડા મહિનાઓથી હિન્દી ન્યૂઝ ચેનલોમાં પણ વારંવાર દેખાઈ રહી હતી.

સપના ચૌધરીની આ જ લોકપ્રિયતા જોઇને કોંગ્રેસે તેને ઉત્તર પ્રદેશની મથુરા બેઠક પરથી લડાવવાનો નિર્ણય લીધો જ્યાંના સાંસદ હેમા માલિનીને ભાજપે રિપીટ કર્યા છે. નિર્ણય લીધાના બીજે જ દિવસે સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થઇ ગઈ હોવાના સમાચાર સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગયા. કેટલાક કોંગ્રેસ તરફી તટસ્થ પત્રકારોએ તો Tweet કરીને એમ પણ જાહેર કરી દીધું કે કોંગ્રેસે સપના ચૌધરીને સામેલ કરીને ગૌતમ ગંભીર કરતા પણ મોટો મીર માર્યો છે!

ક્યા બાત! ગૌતમ ગંભીર જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નામ કમાઈ ચૂક્યો છે, જેના નામે એક નહીં પરંતુ બે-બે વર્લ્ડ કપ છે અને જે પહેલેથી જ રાષ્ટ્રભાવના અંગે ભાજપના વલણને ટેકો આપતો રહ્યો છે તેની સરખામણી ભારતના ઉત્તર ભાગ માત્રમાં લોકપ્રિય એવી કલાકાર સાથે કરવાની? અરે! આ જ તો કામ છે તટસ્થ પત્રકારોનું.

જે હોય તે પણ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બરે પણ સપના ચૌધરીનો પ્રિયંકા ગાંધી સાથેનો ફોટો Tweet કરીને તેનું કોંગ્રેસમાં વિધિવત સ્વાગત પણ કરી લીધું.

લાગતું વળગતું: 55 વર્ષ V/S 55 મહિના: મોદીએ સેહવાગની શૈલીમાં કોંગ્રેસની ધોલાઈ કરી!

હવે અહીં આવે છે કહાની મેં એક બડા ટ્વિસ્ટ! ન્યૂઝ સંસ્થા ANIને આપેલી એક મુલાકાતમાં સપના ચૌધરીએ સ્પષ્ટતા કરી કે તે કોંગ્રેસમાં જોડાઈ નથી અને પ્રિયંકા ગાંધી સાથેનો તેનો ફોટો તો જૂનો છે. પોતાના ચાહકને પોતાની સુંદરતાથી જે રીતે સપના ચૌધરી હાર્ટ એટેક આપે છે તેનાથી પણ ખરાબ રીતે તેણે કોંગ્રેસને હાર્ટ એટેક પર હાર્ટ એટેક આપતા એવી જાહેરાત પણ કરી કે તે આવનારી લોકસભાની ચૂંટણીઓમાં કોઇપણ પાર્ટી માટે પ્રચાર કરવાની નથી!


પત્યું! થોડા જ કલાકો અગાઉ સપના ચૌધરીના કોંગ્રેસ સાથે જોડાવાના સમાચારથી કોંગ્રેસી કાર્યકર્તાઓ અને સોશિયલ મિડિયા સૈનિકોમાં જે આનંદનું મોજું ફરી વળ્યું હતું તેને સ્થાને એકદમ નિરાશા છવાઈ ગઈ. પરંતુ, કોંગ્રેસ એમ નમતું મુકે એમ ન હતી. કોંગ્રેસે સપના ચૌધરીએ ભરેલું કોંગ્રેસ સભ્યપદનું ફોર્મ ઉપરાંત કોંગ્રેસના સચિવ નરેન્દ્ર રાઠીની બાજુમાં બેસીને તે ફોર્મ ભરી રહી હોય તેવી તસ્વીર પણ ANIના માધ્યમથી વાયરલ કરી. પરંતુ આમ થતા છેવટે તો કોંગ્રેસની શરમજનક પરિસ્થીતીમાં વધારો જ થયો હતો.

જો સપના ચૌધરી ખરેખર કોંગ્રેસમાં જોડાઈ હતી અને પછી તેનું મન બદલતા તેણે જો પગ પાછા કરી લીધા હોય તો એ એની અંગત મરજી છે, પણ કોંગ્રેસની હતાશા તેમાંથી સ્પષ્ટ દેખાઈ ગઈ હતી. કારણકે કોઈ અન્ય રાજ્ય હોત તો કોંગ્રેસ કદાચ આટલી મહેનત પણ ન કરત, પરંતુ આ તો ઉત્તર પ્રદેશની વાત હતી જ્યાં કોંગ્રેસ એક એક બેઠક માટે જીતી શકે તેવો ઉમેદવાર શોધી રહી છે અને પ્રિયંકા ગાંધીની એન્ટ્રીએ પણ તેની નબળી પરિસ્થિતિમાં કોઈજ સુધારો લાવ્યો નથી અને આથી તેની હતાશામાં વધારો થયો છે.

આમ, સપના ચૌધરીએ કોંગ્રેસનું ઉત્તર પ્રદેશમાં એટલીસ્ટ એક બેઠક પર ભાજપને લડાઈ આપવાનું સપનું એક ઝાટકે તોડી નાખ્યું હતું.

eછાપું

તમને ગમશે: સિદ્ધુ અને વડાપ્રધાન મોદી પાકિસ્તાન જાય એ બન્ને ઘટનામાં ફેર ખરો કે નહીં?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here